ટ્રમ્પના ગ્રીન કાર્ડ પરના પ્રતિબંધોથી ભારતીય ટેકનૉલૉજી કર્મચારીઓનાં અમેરિકન સ્વપ્ન પર કેવો ખતરો ઊભો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રચિતા પ્રસાદ
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
લાખો ભારતીયો માટે કારકિર્દીનાં અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ જાણીતો હતો. એમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને ટેકનૉલૉજી ક્ષેત્રની સર્વિસ કંપનીમાં નોકરી મેળવવી, ત્યાર પછી અમેરિકામાં કામ કરવાની તક મેળવવી, વિઝાનું વારંવાર નવીનીકરણ કરાવવું અને અંતે ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં કાયમી વસવાટનો અધિકાર મેળવવો- આ બધું સામેલ હતું.
પરંતુ હવે આ માર્ગ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.
આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ માઇક્રોસૉફ્ટ, ભારતની ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, વિપ્રો અને એચસીએલ ટેકનૉલૉજીસ સહિતની આઠ ટેકનૉલૉજી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
આ પ્રતિબંધ અંતર્ગત, એક વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા વિઝા માર્ગ દ્વારા કુશળ વિદેશી કર્મચારીઓને કાયમી ધોરણે નોકરી પર રાખી શકાશે નહીં.
પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) હેઠળની નવી અને પ્રક્રિયા હેઠળ રહેલી અરજીઓને સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિર્ણયની સૌથી વધુ અસર એચ-1બી વિઝા ધરાવતા ભારતીય કર્મચારીઓ પર પડી શકે છે, કારણ કે આ વિઝાધારકોમાં ભારતીયો સૌથી મોટો હિસ્સો ધરાવે છે.
એચ-1બી વિઝા નિષ્ણાત કર્મચારીઓ માટેનો કામચલાઉ વિઝા છે. તેનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાં કામ કરતા હતા અને સાથે સાથે પર્મ (PERM) પ્રક્રિયા દ્વારા ગ્રીન કાર્ડ મેળવીને આખરે અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની આશા રાખતા હતા.
નિષ્ણાતો કહે છે કે અમેરિકાનો આ તાજેતરનો નિર્ણય ટ્રમ્પ દ્વારા કુશળ કર્મચારીઓના ઇમિગ્રેશનના નિયમો વધુ કડક બનાવવાના પ્રયાસોને અનુરૂપ છે. ટેકનૉલૉજી કંપનીઓ આ નિયમોને ધ્યાનમાં રાખીને પહેલેથી જ પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરી રહી છે. તેથી વ્યવસાયો પર તેની અસર મર્યાદિત રહી શકે છે.
ભારતના 300 અબજ ડૉલર (226 અબજ પાઉન્ડ)ના ટેકનૉલૉજી ઉદ્યોગના વેપારી સંગઠન નાસ્કૉમનું કહેવું છે કે ભારતીય કંપનીઓએ એચ-1બી વિઝા પરની નિર્ભરતા ઘટાડી છે અને સ્થાનિક સ્તરે વધુ કર્મચારીઓની ભરતી કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંગઠન વધુમાં કહે છે, "પરિણામે, પર્મ પ્રક્રિયા દ્વારા એચ-1બી વિઝા પરથી કાયમી નિવાસના દરજ્જા તરફ આગળ વધતા કર્મચારીઓની સંખ્યા પણ પ્રમાણમાં મર્યાદિત છે."
વિપ્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકામાં તેના 80 ટકાથી વધુ કર્મચારીઓની ભરતી સ્થાનિક સ્તરે કરવામાં આવી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે (ટીસીએસ) જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં તેની પર્મ અરજીઓની સંખ્યા એક અંકમાં રહી છે.
માઇક્રોસૉફ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એચ-1બી વિઝા માટે મુખ્યત્વે પોતાના હાલના કર્મચારીઓને જાળવી રાખવા અરજી કરે છે, નવા કર્મચારીઓને વિદેશથી લાવવા માટે નહીં.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ' અખબારમાં પર્મ ટ્રૅકરનો ઉલ્લેખ કરીને પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ટીસીએસ દ્વારા વર્ષ 2025-26માં કરવામાં આવેલી અરજીઓની સંખ્યા અગાઉના વર્ષના 513 અને તેનાથી અગાઉના વર્ષના 1,804ની સરખામણીએ ઘટીને માત્ર બે રહી હતી.
અહેવાલમાં જણાવાયું હતું કે વર્ષ 2025-26 માટે ઇન્ફોસિસ અને વિપ્રોની કોઈ નોંધ મળી નહોતી.
આ પ્રતિબંધની અસર અને અમેરિકામાં તેનાથી પ્રભાવિત કર્મચારીઓને મદદ કરવા માટે કંપનીઓ શું કરી રહી છે, તે અંગે પ્રશ્નો પૂછતો બીબીસીનો ઇ-મેઇલ આઠેય કંપનીઓને મોકલવામાં આવ્યો હતો, પરંતુ એકેનો જવાબ મળ્યો નહોતો.
બ્રોકરેજ કંપની એચડીએફસી સિક્યૉરિટીઝનું કહેવું છે કે ટેકનૉલૉજી કંપનીઓ પર તેની અસર મર્યાદિત રહેશે, કારણ કે પર્મ સાથે સંકળાયેલી નોકરીઓમાંથી થતી આવકનો હિસ્સો ઘણો નાનો છે.
આ નોકરીઓ પર વધુ વેતન મેળવતા અમેરિકન કર્મચારીઓને રાખવામાં આવે તો પણ એકંદર અસર ઓછી રહેવાની શક્યતા છે.
પરંતુ અમેરિકન સરકારના આ નિર્ણયની અસર માત્ર વ્યવસાય પૂરતી મર્યાદિત નથી.
અમેરિકામાં કારકિર્દી સામે ઘટતા વિકલ્પોનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
આ આઠ કંપનીઓમાંથી એકમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અમેરિકાસ્થિત એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે પર્મ (PERM) પરના નવા પ્રતિબંધથી "વ્યવસાયને મોટો ફટકો નહીં પડે", પરંતુ માનવીય સ્તરે તેની અસર વધુ "તીવ્ર" છે.
તેમણે કહ્યું, "અમારા પરિચયમાં એવા ઘણા લોકો છે, જેઓ અમેરિકામાં કેટલાંક વર્ષો વિતાવી ચૂક્યા છે, પરંતુ તેમની ગ્રીન કાર્ડની અરજીમાં કશી પ્રગતિ થઈ નથી. તેઓ ભારત પાછા જવા તૈયાર હોય તો પણ તેમનાં બાળકો પાછાં આવવા માગતાં નથી, કારણ કે તેઓ અહીં જ મોટાં થયાં છે."
અમેરિકાની તાજેતરની નીતિગત પહેલોએ અનિશ્ચિતતા વધારી છે. સાથે જ, ભારતીય વસાહતીઓ અને એચ-1બી વિઝાધારકો પ્રત્યે ઑનલાઇન વધતી દુશ્મનાવટને પણ વેગ મળ્યો છે.
એશિયાઈ અને પેસિફિક ટાપુસમૂહના લોકો સામેના ભેદભાવનો સામનો કરતી અમેરિકાની બિનનફાકારક સંસ્થા 'સ્ટૉપ એએપીઆઈ હેટ'ના સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે 2024ની અમેરિકાની ચૂંટણી પછી દક્ષિણ એશિયાઈ લોકો પ્રત્યેની ઑનલાઇન નકારાત્મક ભાવનામાં તીવ્ર વધારો થયો છે. ભારતીય વસાહતીઓ અને એચ-1બી વિઝાધારકોને વારંવાર નિશાન બનાવવામાં આવે છે.
આઠ ટેકનૉલૉજી કંપનીઓને પર્મ પ્રક્રિયામાંથી બાકાત રાખવાની જાહેરાત કરતી વખતે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે એચ-1બી વિઝા ધરાવતા વિદેશી વ્યાવસાયિકોનો ઉલ્લેખ પણ "વિદેશી બંધનગ્રસ્ત મજૂરો" તરીકે કર્યો હતો.
પછીથી વાન્સે સ્વીકાર્યું હતું કે તેમની આ શબ્દાવલી "સંપૂર્ણપણે યોગ્ય નહોતી".
તેમ છતાં, તેમની ટિપ્પણીની ભારતના વિદેશ મંત્રાલયે આકરી ટીકા કરી હતી.
મંત્રાલયે તેને "બિનજરૂરી" અને "ઘણી અપમાનજનક" ગણાવી હતી, કારણ કે તેમાં સંસ્થાનવાદી શાસનના સમયની છાંટ હતી.
વૈશ્વિક ઇમિગ્રેશન કાયદા ક્ષેત્રની કંપની 'લૉક્વેસ્ટ'નાં સ્થાપક અને મૅનેજિંગ પાર્ટનર પૂર્વી ચોથાણીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વધુ સારી તકોની શોધમાં અમેરિકા આવ્યા હતા.
અભ્યાસ કરવા અને કારકિર્દી ઘડવા માટે તેમણે મોટાં કરજ પણ લીધાં હતાં. પરંતુ હવે નિયમો વધુ કડક બનતાં તેમની પાસે વિકલ્પો ઓછા રહ્યા છે અને વધારાનો ખર્ચ સહન કરવાની તેમની ક્ષમતા પણ મર્યાદિત છે.
ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે કાયમી નિવાસ મેળવવાના માર્ગો મર્યાદિત બનતાં કેટલાક લોકો અમેરિકામાં પોતાના ભવિષ્ય અંગે ફરી વિચારશે, જ્યારે કેટલાક લોકો અમેરિકા જવાનું ટાળશે.
સ્ટેનફર્ડ યુનિવર્સિટીની ઇમિગ્રેશન પૉલિસી લૅબના પોસ્ટડૉક્ટરલ ફેલો અહમેત ગુલેકે બીબીસીને જણાવ્યું હતું કે કાયમી નિવાસ મેળવવા માટે વૈકલ્પિક માર્ગો હોવા છતાં, તેમાંથી ઘણા વ્યવહારમાં કદાચ ઉપયોગી સાબિત ન થાય.
પ્રતિબંધ લાગુ ન પડતો હોય એવી બીજી કંપનીમાં નોકરી મેળવવી એક વિકલ્પ છે. પરંતુ ગુલેકે ચિંતા વ્યક્ત કરી હતી કે "બદલાની કાર્યવાહી થવાનો ડર" હોવાથી આવી કંપનીઓ પણ ઇમિગ્રન્ટ્સને નોકરીએ રાખવા તૈયાર થશે કે કેમ તે સ્પષ્ટ નથી.
વળી, અત્યારે નોકરી બદલવા માટેનો સમય પણ મુશ્કેલ છે.
વિદેશમાં કામ સોંપી રહી છે કંપનીઓ?

ઇમેજ સ્રોત, Getty Images
છટણી, ખર્ચમાં કાપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઝડપથી વધતો ઉપયોગ-આ બધાં પરિબળોએ ટેકનૉલૉજી ઉદ્યોગનું સ્વરૂપ બદલી નાખ્યું છે. તેના કારણે નોકરી બદલવી પણ વધુ મુશ્કેલ બની ગઈ છે.
પરંતુ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે બીજા માર્ગો પણ છે. અસાધારણ સિદ્ધિઓ ધરાવતા લોકો અથવા જેમનું કાર્ય અમેરિકાનાં રાષ્ટ્રીય હિતોને આગળ વધારે છે, તેઓ એવી કૅટેગરી હેઠળ અરજી કરવા પાત્ર બની શકે છે, જેમાં પર્મ (PERM) શ્રમ પ્રમાણપત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી.
અમેરિકાના લાયકાત ધરાવતા વ્યવસાયોમાં ઓછામાં ઓછા 8 લાખ ડૉલરનું રોકાણ કરીને પણ અરજદારો કાયમી નિવાસ મેળવવા માટે પાત્ર બની શકે છે.
ગુલેક ચેતવણી આપે છે કે આમાંથી કેટલીક કૅટેગરીઓને "આગળના તબક્કામાં નિશાન બનાવવામાં આવી શકે છે."
ચોથાણીના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો અમેરિકામાં રહેવા માટે એટલા ઉત્સુક છે કે તેઓ ઈબી-5 (EB-5) રોકાણકાર માર્ગ અપનાવવા અંગે વિચારી રહ્યા છે. જોકે, તેમની પાસે રોકાણ કરવા માટે પૂરતી મૂડી ન પણ હોય.
નૅશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પૉલિસી (NFAP)ના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2025 સુધીમાં લગભગ 10 લાખ ભારતીય નાગરિકો રોજગાર આધારિત ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હતા. ગ્રીન કાર્ડ માટેની કુલ પડતર અરજીઓમાં તેમનો હિસ્સો 79 ટકા હતો.
આ સંસ્થાના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે જાન્યુઆરી 2026થી શ્રમ પ્રમાણપત્ર અથવા રોજગાર આધારિત ઇમિગ્રેશન માટે અરજી કરનારા અત્યંત કુશળ ભારતીયોએ વિઝાની કૅટેગરીના આધારે પાંચથી લઈને 179 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
ઇમિગ્રેશનને લગતાં અન્ય તાજેતરનાં પગલાંની જેમ પર્મ પ્રક્રિયા પરના પ્રતિબંધને પણ ફેડરલ અદાલતોમાં પડકારવામાં આવી શકે છે. પરંતુ આ તમામ પગલાં સમગ્રપણે એ સંકેત આપે છે કે અમેરિકા ભણવા, કામ કરવા કે ત્યાં કાયમી વસવાટ કરવા ઇચ્છતા લોકો માટે વધુ કડક વલણ અપનાવી રહ્યું છે.
આ પહેલાં, ટ્રમ્પ વહીવટીતંત્રે એચ-1બી વિઝાની કેટલીક નવી અરજીઓ પર એક લાખ ડૉલરની ફી લાદી હતી.
જોકે, પછીથી ફેડરલ અદાલતોએ આ પગલાને ગેરકાયદે ઠરાવીને રદ કર્યું હતું.
તાજેતરમાં વહીવટીતંત્રે એવી યુનિવર્સિટીઓ પર 70,000 ડૉલરની ફી લાદવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એવા કાર્યક્રમ માટે ભલામણ કરે છે, જેના હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકામાં કામ કરી શકે છે.
"આ વલણ નજીકના ભવિષ્યમાં બદલાવાનું નથી," એક ભારતીય વ્યાવસાયિકે બીબીસીને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.
લાંબી પ્રતીક્ષા પછી તાજેતરમાં જ તેમણે એચ-1બી વિઝા મેળવ્યો છે.
તેમના મતે, રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બંને એ વાત સાથે સહમત છે કે ઇમિગ્રેશનના કાયદામાં સુધારા જરૂરી છે, ભલે એ સુધારા કેવી રીતે કરવા તે અંગે બંને પક્ષોમાં મતભેદ હોય.
કેટલાંક સંશોધનો સૂચવે છે કે આવા પ્રતિબંધોને કારણે નોકરીઓ અમેરિકન કર્મચારીઓને મળવાને બદલે ભારતમાં ખસેડવામાં આવી શકે છે.
ઉદ્યોગજગતના કેટલાક લોકો પણ આ વાતને સમર્થન આપે છે. તેમના કહેવા પ્રમાણે, કંપનીઓ પોતાનું કામ વિદેશમાં સોંપી રહી છે અને આવી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.
અગાઉ ઉલ્લેખિત ટેકનૉલૉજી કંપનીના અધિકારીએ કહ્યું, "કંપનીઓ પોતાનું કામ વિદેશમાં ખસેડે ત્યારે ખર્ચના તફાવતનો લાભ મેળવે છે."
"કોવિડ પછી ગ્રાહકો પણ દૂર રહીને કામ કરવાની પદ્ધતિને વધુ સ્વીકારતા થયા છે અને તેનું મહત્ત્વ સમજતા થયા છે."
નિષ્ણાતો માને છે કે ભારતીય ટેકનૉલૉજી નિષ્ણાતોની જરૂરિયાત અમેરિકામાંથી અદૃશ્ય થઈ જવાની શક્યતા નથી.
પરંતુ આ પ્રતિભાનો ઉપયોગ કરવાની પદ્ધતિ કદાચ બદલાઈ રહી છે. ભારતીય વ્યાવસાયિકો માટે તેનો અર્થ એ થઈ શકે છે કે અમેરિકામાં પોતાનું ભવિષ્ય ઘડવાની અત્યાર સુધીની યોજનામાં હવે નવેસરથી ફેરફાર કરવો પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























