ગુજરાતમાં 'જળસંકટ' : પડોશી રાજ્યો પાસેથી નર્મદા ડૅમનું કેટલું પાણી માગી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી તેને હજુ માંડ ત્રણ અઠવાડિયાં થયાં છે, ત્યાં રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની અછત વર્તાવા લાગી છે.
ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં એટલો ઓછો વરસાદ પડ્યો છે કે અત્યારથી ડૅમનાં તળિયાં દેખાઈ રહ્યાં છે.
દરમિયાન સોમવારે રાજ્ય સરકારે ચાર જિલ્લા - કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં દુષ્કાળની જાહેરાત કરી છે.
પાણીની ગંભીર અછતની ફરિયાદો થઈ રહી છે ત્યારે રવિવારે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલે જાહેરાત કરી હતી કે ગુજરાત હવે પડોશી રાજ્યો પાસેથી વીજળી અથવા રૂપિયાના બદલામાં પાણી મેળવવાનું વિચારે છે.
તેમણે કહ્યું કે, "અલ-નીનોની અસરના કારણે આ વર્ષે ઓછો વરસાદ થયો છે. આગામી રવિપાકની સિઝનમાં ખેતી માટે વધારાનું પાણી મળે તે માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે નવી દિલ્હીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીઓને મળે તેવી સંભાવના છે."
હાલમાં નર્મદા યોજનામાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એ ભાગીદાર રાજ્યો છે. તેમાંથી રાજસ્થાનને બાદ કરતાં બાકીનાં ત્રણ રાજ્યોની જમીન પણ ડૂબમાં ગઈ છે.
અલ-નીનોના કારણે ગુજરાતમાં ઓછો વરસાદ

ઇમેજ સ્રોત, CR PATIL/FB
ગુજરાતમાં આ વર્ષે ભારે ગરમી પડી અને ત્યાર પછી વરસાદમાં 11 ટકાની ઘટ નોંધાઈ છે, તેની પાછળ અલ-નીનો પણ એક મૂળભૂત કારણ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે સરેરાશ કરતાં 80થી 88 ટકા ઓછો વરસાદ પડ્યો છે જ્યારે કચ્છમાં કેટલાક ભાગોમાં 40થી 60 ટકા સુધી વરસાદની ઘટ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આઠ ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જામનગર જિલ્લામાં માત્ર 43 ટકા અને પોરબંદરમાં ફક્ત 31 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે માત્ર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ (114 ટકા) પડ્યો છે. બાકી બધા ભાગોમાં વરસાદની ઘટ છે.
રાજ્યમાં ઝડપથી દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માગણી એક મહિના કરતા વધુ સમયથી થઈ રહી છે.
દરમિયાન સી. આર. પાટીલે સુરતમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે ગુજરાતને તાત્કાલિક જરૂરિયાત સંતોષવા માટે જરૂરી પાણી મળશે એવી તેમને ખાતરી છે.
તેમણે કહ્યું કે "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જિતુ વાઘાણી બીજાં રાજ્યો પાસેથી ગુજરાત માટે પાણી લાવવા મારા પર ભારે 'દબાણ' કરે છે."
પાટીલે કહ્યું કે, "તેમણે મને કહ્યું છે કે વીજળી અથવા રૂપિયા આપીને તેના બદલામાં પણ પાણી લાવો. આજે પાણી ઉપલબ્ધ નથી તેના કારણે તેમણે આવી દરખાસ્ત કરી છે."
પાટીલના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવ સાથે આ મામલે રાજ્ય સરકારે વાત કરી છે.
રવિવારે ગ્રામીણ વિકાસમંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટમાં કહ્યું હતું કે ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં રાજ્ય સરકારે સર્વે પૂરો કર્યો છે. જરૂર પડશે તો તે વિસ્તારોમાં પાણીની અછત જાહેર કરાશે.
આ જાહેરાતના બીજા દિવસે ગુજરાતમાં ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે જેના ભાગરૂપે રાહતનાં પગલાં લેવામાં આવશે.
નર્મદાના પાણી પર ચાર રાજ્યોનો હક

ઇમેજ સ્રોત, ssnnl
ગુજરાત હંમેશાંથી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમને ગુજરાતની જીવાદોરી ગણાવતું આવ્યું છે અને રાજ્યમાં પીવા માટે, સિંચાઈ અને ઔદ્યોગિક વપરાશ માટે પાણીની અછત નર્મદા ડૅમના કારણે સંતોષાશે તેવો આશાવાદ હંમેશાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડૅમ ગુજરાતમાં આવેલો છે, પરંતુ ડૂબમાં ગયેલી જમીનના આધારે પડોશનાં રાજ્યો આ ડૅમનાં લાભાર્થી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વેબસાઇટ મુજબ નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલ (એનડબલ્યુડીટી)એ 1979માં કયા રાજ્યને પાણી અને વીજળીનો કેટલો જથ્થો મળશે તેનો ચુકાદો આપ્યો હતો.
તે મુજબ 75 ટકા ડિપેન્ડેબલ યીલ્ડ પર મધ્ય પ્રદેશને દર વર્ષે સૌથી વધારે 18.25 મિલિયન એકર ફીટ (એમએએફ) પાણી મળશે. જ્યારે ગુજરાતને વાર્ષિક 9.0 એમએએફ, મહારાષ્ટ્રને 0.25 એમએએફ અને રાજસ્થાનને 0.50 એમએએફની ફાળવણી કરવામાં આવી છે. કુલ ફાળવણી 28 મિલિયન એકર ફીટ થાય છે. સરદાર સરોવર નિગમની વેબસાઇટ મુજબ 75 ટકા ડિપેન્ડેબલ યીલ્ડનો અર્થ એ થયો કે 28 મિલિયન એકર ફીટ મળવાની સંભાવના સરેરાશ ચારમાંથી ત્રણ વર્ષ હોય છે.
તેમાં જણાવાયું છે કે ડૅમમાં જળસ્તર 455 ફૂટ પર હોય ત્યારે ફુલ રિઝર્વર લેવલ ગણવામાં આવશે જ્યારે 460 ફૂટની ઉંચાઈ પર મેક્સિમમ વૉટર લેવલ (એમડબલ્યુએલ) ગણાશે.
તેમાં એવું પણ જણાવાયું છે કે સારા વર્ષમાં 28 એમએએફ કરતા વધુ વરસાદ પડે અથવા નબળા વર્ષમાં ઓછું પાણી હોય ત્યારે રાજ્યોને સમપ્રમાણમાં વધારે કે ઓછું પાણી મળશે.
નર્મદા ડૅમની કૅનાલની કુલ લંબાઈ અંદાજે 71,748 કિલોમીટર છે. જેમાં મુખ્ય કૅનાલ, બ્રાન્ચ કૅનાલ, સબ-બ્રાન્ચ કૅનાલ, ડિસ્ટ્રિબ્યુટરીઝ સામેલ છે.
મુખ્ય કૅનાલમાંથી 38 બ્રાન્ચ કૅનાલ નીકળે છે જેમાં મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છની બ્રાન્ચ કૅનાલ મોટી શાખાઓ છે. 18.55 લાખ હેક્ટરના કમાન્ડ એરિયામાં 71,748 કૅનાલ મારફત 17 જિલ્લાના 77 તાલુકાના 3177 ગામોને સિંચાઈનું પાણી મળશે એવો દાવો કરાયો છે.
વીજળીની ફાળવણી અંગે નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશને 57 ટકા, મહારાષ્ટ્રને 27 ટકા અને ગુજરાતને 16 ટકા વીજળી મળવાપાત્ર રહેશે.
પરિસ્થિતિ હજુ વિકટ બનશે?

ખેડૂતોની લાંબા સમયની માગણી પછી ગુજરાતમાં ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે અને હવે પડોશનાં રાજ્યો પાસેથી પાણી મેળવવા મુખ્ય મંત્રી નવી દિલ્હીમાં બેઠક કરવાના છે.
જોકે, નર્મદા ડૅમ અને ખેડૂતોના પ્રશ્નોના જાણકારો માને છે કે આ દેખાય એટલું સરળ નથી. પડોશનાં રાજ્યોમાં ભલે ભાજપ સરકાર હોય, છતાં આગામી ચોમાસું આવે તે પહેલાં ઘણા પ્રશ્નો નડી શકે છે.
ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી અને સરદાર સરોવર ડૅમ પ્રોજેક્ટના ચૅરમૅન રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ કહે છે કે, "મેં છ મહિના પહેલાં જ કહ્યું હતું કે આ વખતનો અલ-નીનો એ સૌથી તીવ્ર રહેવાનો છે અને ગુજરાત તેની પકડમાં આવશે. તેની અસર સપ્ટેમ્બરના અંતથી દેખાવા લાગી છે અને એપ્રિલના અંત સુધી રહેશે. તેના કારણે દુષ્કાળ પડશે અને અતિશય ભારે વરસાદ પણ પડી શકે છે. તેથી ગુજરાતે આ વર્ષે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની તૈયારી પણ રાખવી પડશે."
તેઓ કહે છે કે, "પાણીની અછત વિશે પગલાં લેવામાં રાજ્ય સરકારે મોડું કર્યું છે. 14 હજાર ગામડાંને પીવાનું પાણી સરદાર સરોવર ડૅમમાંથી આપવાનું છે અને ડૅમમાં પાણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત સૌની યોજના એ નર્મદા આધારિત સિંચાઈ યોજના છે, જેનાથી સરકારે ડૅમ ભરવાના હતા તે હજુ ભર્યા નથી."
તેઓ કહે છે કે "નર્મદા ડૅમમાંથી ગુજરાતને નવ એમએએફ પાણી મળવાપાત્ર છે, પરંતુ વાસ્તવમાં તો ડૅમ છલકાય તો પણ 3 મિલિયન એકર ફીટ જ મળે. બાકીનું પાણી મધ્ય પ્રદેશમાં વીજ ઉત્પાદક ડૅમમાંથી પાણી રિલીઝ થાય તેનાથી સરદાર સરોવાર ડૅમ ભરાયા કરે.
આ ઉપરાંત 1450 મેગાવોટ વીજળી ઉત્પાદન માટે ડૅમ ચલાવો છો. વાસ્તવ આયોજન એવું હતું કે પિકલોડમાં જરૂર હોય ત્યારે ટર્બાઈન ચાલુ કરીને વીજળી બનાવો. પાણી ખૂટી જાય ત્યારે ગ્રીડમાંથી વીજળી લઈને પાછું તે જ પાણી ભાડભૂત વિયરમાંથી ઊંચકીને ડૅમમાં ઠાલવવું. પરંતુ ભાડભૂત વિયરનું હજુ ઠેકાણું નથી. તેથી પાણીનો બગાડ થાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
પડોશનાં રાજ્યો પાસેથી પાણી મેળવવાની સંભાવના વિશે જયનારાયણ વ્યાસ કહે છે કે "વેસ્ટર્ન ગ્રીડમાં પાવર બેલેન્સ હોય તે પ્રમાણે જ વીજળી વહેંચી શકાય તેથી વીજળીના બદલામાં પાણી મેળવવું મુશ્કેલ લાગે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ પાણી આપવા રાજી થાય તેવી શક્યતા ઓછી છે."
જયનારાયણ વ્યાસના મતે આ વર્ષે પીવાના પાણીની તકલીફ થવી જ ન જોઈએ, કારણ કે તે તો નર્મદા નદીમાંથી આપવાનું છે.
બીજી તરફ ખેડૂત નેતા અને આગેવાન સાગર રબારી માને છે કે, "ગુજરાતને નવ મિલિયન એકર ફીટ (એમએએફ) પાણી મળતું હોય તે ઓછું ન કહેવાય, પરંતુ રાજ્ય સરકારે પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જરૂર ન હતી તો પણ પાણી રિલીઝ કર્યું. ટેકનિકલી બીજાં રાજ્યો પાસેથી પાણી મેળવવું શક્ય છે. ભૂતકાળમાં શિવરાજસિંહ ચૌહાણની સરકાર હતી ત્યારે કૅનાલના ગેટથી નીચેના લેવલ સુધી ગુજરાતે પાણી મેળવ્યું હતું અને મધ્ય પ્રદેશે તેના માટે સહમતિ આપી હતી."

તેઓ કહે છે કે, "તે સમયે મધ્ય પ્રદેશે શરત રાખી હતી કે ડૅમમાં પાણીનું સ્તર ઘટવાથી મધ્ય પ્રદેશને હાઈડ્રોપાવરનું જે નુકસાન થાય, તે ગુજરાતે ભરપાઈ કરી આપવું. આ વખતે મધ્ય પ્રદેશમાં પણ વરસાદ નબળો છે. તેથી આ વખતે પડોશી રાજ્ય સહમત થાય છે કે નહીં તે જોવાનું રહેશે."
સાગર રબારીએ કહ્યું કે આ વખતે પડોશી રાજ્યોમાં પણ વીજળીની અછત છે, તેથી ગુજરાતને પાણીની ગરજ હોય તો વીજળી આપવી પડશે.
તેઓ કહે છે કે "સરકારે હમણાં ભલે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરી, પરંતુ અરવલ્લી અને ઉત્તર ગુજરાતના બીજા જિલ્લાઓમાં પણ ઓછો વરસાદ છે. તેથી ત્યાં પણ ગમે ત્યારે દુકાળની જાહેરાત કરવી પડશે."
પાણી અને વીજળીની વહેંચણી વચ્ચે રાજ્યો વચ્ચે મતભેદો

ઇમેજ સ્રોત, nitin patel/X
સિંચાઈ અને વીજ ઉત્પાદન નર્મદા નદી પર એક મોટો ડૅમ બાંધવાનો વિચાર સૌપ્રથમ 1946માં સક્રિય થયો હતો. શરૂઆતમાં ડૅમ માટે ચાર સ્થળની વિચારણા ચાલતી હતી જેમાં ગુજરાતમાં ભરૂચ અને મધ્ય પ્રદેશમાં બાગરી, તવા અને પુનાસાનો સમાવેશ થતો હતો.
વિસ્તૃત અભ્યાસ પછી ગુજરાતમાં ગોરાને ડૅમ સાઇટ તરીકે પસંદ કરવામાં આવ્યું અને 5 એપ્રિલ 1961ના રોજ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ડૅમનું શિલારોપણ કર્યું હતું.
આ દરમિયાન પાણી અને વીજળીની વહેંચણી વચ્ચે રાજ્યો વચ્ચે મતભેદો શરૂ થયા હતા. તેથી 1968માં ગુજરાત સરકારે ઇન્ટર-સ્ટેટ વોટર ડિસ્પ્યુટ ઍક્ટ હેઠળ એક ટ્રિબ્યુનલની રચના કરવા માગણી કરી હતી. ત્યાર બાદ 1969માં કેન્દ્ર સરકારે નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલ (એનડબલ્યુડીટી)ની સ્થાપના કરી હતી. રાજસ્થાને પણ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેનો સમાવેશ પણ ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો.
ટ્રિબ્યુનલે વર્ષ 1979માં નર્મદા બેસિનમાંથી વહેતા પ્રવાહનો કેવી રીતે ઉપયોગ કરવો, રાજ્યોને કેટલું પાણી ફાળવવું અને ઉપરવાસના ડૅમમાંથી કેટલું પાણી રિલીઝ કરવું તેનો ચુકાદો આપ્યો હતો.
આ ઉપરાંત ચારેય રાજ્યોમાં ખર્ચની વહેંચણી, સરદાર સરોવર ડૅમ માટે ફુલ રિઝર્વર લેવલ (એફઆરએલ) અને મુખ્ય કૅનાલ માટે એફએસએલ (ફુલ સપ્લાય લેવલ), ડૂબમાં જતી જમીનના હસ્તાંતરણ, વિસ્થાપિત લોકોનો પુનઃવસવાટ વગેરે નિર્ણય સંભળાવ્યો હતો.
રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પાસે જળ પુરવઠા મંત્રાલય છે. પાણીની અછત વિશે પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું કે, "નર્મદા વિભાગ મારા હેઠળ નથી, તેથી હું આના વિશે કંઈ કહી નહીં શકું."
ગુજરાતમાં નર્મદા વિભાગ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























