"હું રામ કે કૃષ્ણને દેવ નહીં માનું..."- બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લેતી વખતે કઈ 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
14 ઑક્ટોબર, 1956ના રોજ નાગપુરની દીક્ષાભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. આથી દર વર્ષે લાખો બૌદ્ધધર્મીઓ વિજયાદશમીના દિવસે નાગપુરમાં એકઠા થાય છે.
ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતી વખતે લેવડાવેલી 22 પ્રતિજ્ઞાઓની પણ હંમેશાં ચર્ચા થતી રહે છે.
એ પ્રતિજ્ઞાઓ કઈ છે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા શા માટે લીધી, તે આ લેખમાં વાંચો."
ડૉ. આંબેડકરે કઈ 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી?
બાબાસાહેબે નાગપુરની દીક્ષાભૂમિ પર બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતી વખતે પોતાના અનુયાયીઓને 22 પ્રતિજ્ઞાઓ અથવા 22 શપથ લેવડાવ્યા હતા. આમાંની કેટલીક પ્રતિજ્ઞાઓમાં આંબેડકરે મૂર્તિપૂજા અથવા દેવી-દેવતાઓની ઉપાસનાનો અસ્વીકાર કર્યો છે.
આંબેડકરે લેવડાવેલી પ્રતિજ્ઞાઓ આ પ્રમાણે છે :
- હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને દેવ નહીં માનું કે તેમની ઉપાસના નહીં કરું.
- હું રામ અને કૃષ્ણને દેવ નહીં માનું કે તેમની ઉપાસના નહીં કરું.
- હું ગૌરી-ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ પણ દેવી-દેવતાને નહીં માનું કે તેમની ઉપાસના નહીં કરું.
- ઈશ્વરે અવતાર લીધો છે, એ વાતમાં મને વિશ્વાસ નથી.
- ગૌતમ બુદ્ધ વિષ્ણુનો અવતાર છે, એ ખોટો અને દુર્ભાવનાયુક્ત પ્રચાર છે, એમ હું માનું છું.
- હું શ્રાદ્ધપક્ષ નહીં કરું; પિંડદાન નહીં કરું.
- બૌદ્ધ ધમ્મની વિરુદ્ધ હોય એવું કોઈ પણ હું આચરણ નહીં કરું.
- હું કોઈ પણ કર્મકાંડ બ્રાહ્મણના હાથે નહીં કરાવું.

ઇમેજ સ્રોત, MEA
- બધા મનુષ્યો સમાન છે, એમ હું માનું છું.
- હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.
- હું તથાગત બુદ્ધે બતાવેલા અષ્ટાંગ માર્ગનું અનુસરણ કરીશ.
- તથાગતે જણાવેલી દસ પારમિતાઓનું હું પાલન કરીશ.
- હું તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખીશ અને તેમની સારસંભાળ લઈશ.
- હું ચોરી નહીં કરું.
- હું વ્યભિચાર નહીં કરું.
- હું જૂઠું નહીં બોલું.
- હું દારૂ નહીં પીઉં.
- જ્ઞાન (પ્રજ્ઞા), શીલ અને કરુણા-બૌદ્ધ ધમ્મનાં આ ત્રણ તત્ત્વોનો સમન્વય કરીને હું મારું જીવન વ્યતીત કરીશ.
- મનુષ્યોની પ્રગતિ માટે હાનિકારક અને મનુષ્યોને અસમાન તથા નીચા માનતા મારા જૂના હિંદુ ધર્મનો હું ત્યાગ કરું છું અને બૌદ્ધ ધમ્મનો સ્વીકાર કરું છું.
- એ જ સદ્ધમ્મ છે, એવી મને ખાતરી થઈ છે.
- આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે, એમ હું માનું છું.
- હવેથી હું બુદ્ધના ઉપદેશો અનુસાર વર્તીશ, એવી પ્રતિજ્ઞા કરું છું.
આંબેડકરે અપાવેલી આ પ્રતિજ્ઞાઓ લેવી એ ત્યાર પછી ભારતમાં બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરતી વખતે એક પ્રથા જ બની ગઈ છે.
આંબેડકરે 22 પ્રતિજ્ઞાઓ શા માટે આપી?

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
આંબેડકરની આ 22 પ્રતિજ્ઞાઓથી હિંદુ ધર્મના લોકોની લાગણીઓ દુભાય છે, એવી બૂમરાણ મચાવવામાં આવી રહી છે. પરંતુ આંબેડકરે આપેલી આ પ્રતિજ્ઞાઓ પાછળનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો, એમ બૌદ્ધ ધમ્મનાં અભ્યાસકર્તા રૂપા કુલકર્ણી બોધી સ્પષ્ટ કરે છે.
તેઓ કહે છે, "આ પ્રતિજ્ઞાઓ આપવાનો હેતુ ગણપતિ કે વિષ્ણુનું અપમાન કરવાનો નહોતો. પરંતુ મૂર્તિપૂજા, કુળદેવતા વગેરેમાં માનવું, કર્મકાંડો કરવાં, ચમત્કારોના મોહમાં ફસાવું, આ બધી બાબતોમાંથી તેઓ પોતાના સમાજને મુક્ત કરવા માગતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"બાબાસાહેબે આ બધામાં રહેલી નિરર્થકતાને ઓળખી લીધી હતી. તેઓ લોકોને સારું જીવન જીવવાનો માર્ગ આપવા માગતા હતા."
બૌદ્ધ ધમ્મનાં પુસ્તકો વાંચવાં અને તેમાં વપરાયેલી પ્રાચીન ભાષા સમજવી એ દરેક માટે શક્ય નથી, તેની આંબેડકરને જાણ હતી.
એટલા માટે જ તેમણે પોતાના અનુયાયીઓને ધમ્મનું પાલન કેવી રીતે કરવું તે સરળ શબ્દોમાં સમજાવતી આ પ્રતિજ્ઞાઓ આપી હતી.
વરિષ્ઠ લેખક, સામાજિક કાર્યકર અને દલિત પૅન્થરના સહસ્થાપક અર્જુન ડાંગળે કહે છે કે, "લોકો બૌદ્ધ ધમ્મનો સ્વીકાર કર્યા પછી ફરી જૂના વિચારો તરફ વળે એ બાબત બાબાસાહેબને મંજૂર નહોતી. તેથી તેમણે આ પ્રતિજ્ઞાઓ આપી હતી. આપણે જીવન જીવવાનો એક અલગ માર્ગ પસંદ કરી રહ્યા છીએ, એ વાત તેમણે દર્શાવવી હતી.
બૌદ્ધ ધમ્મનો સ્વીકાર એટલે દ્વેષ પર આધારિત વ્યવસ્થાનો અસ્વીકાર, એવો બાબાસાહેબનો આશય હતો. સમગ્ર જીવન પ્રત્યેનો બાબાસાહેબનો દૃષ્ટિકોણ લોકશાહીવાદી, વિજ્ઞાનનિષ્ઠ અને આધુનિક હતો."
"જે લોકોને અહીંના ધર્મ અને વ્યવસ્થાએ માણસ તરીકેનું સન્માન આપ્યું નહોતું અથવા સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠા આપી નહોતી, એવા લોકોને એક નવી ઓળખ આપવાનું કામ બાબાસાહેબે કર્યું.
એટલે તેમણે કરેલો બૌદ્ધ ધમ્મનો સ્વીકાર માત્ર ધર્માંતરણ નહોતું, પરંતુ એક સામાજિક ક્રાંતિ હતી. ધર્મની માનસિક ગુલામીનો અસ્વીકાર કરવા માટેની આ પ્રતિજ્ઞાઓ છે."
પરંતુ આંબેડકરના આ વિચારને કોરાણે રાખીને ધર્મના નામે દ્વેષ ફેલાવવામાં આવી રહ્યો છે, એ અંગે પણ તેઓ ખેદ વ્યક્ત કરે છે.
બાબાસાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા જ શા માટે લીધી?
બાબાસાહેબ આંબેડકરના કાર્યનો વ્યાપ ઘણો મોટો છે. તેઓ વકીલ હતા, વિદ્વાન હતા અને સામાજિક ચળવળમાં અગ્રેસર હતા. પરંતુ તેમના સમગ્ર કાર્યનો નિચોડ કાઢીએ તો દલિત સમાજના લોકોને માણસ તરીકેનો દરજ્જો અપાવવો, તેમનું આત્મસન્માન વધારવું અને તેમને આત્મોદ્ધાર કરવા સક્ષમ બનાવવા-એ તેમના જીવનનાં મુખ્ય કાર્યો હતાં.
આંબેડકર હિંદુ ધર્મનું પુનરુત્થાન થાય અને હિંદુ ધર્મનું અપમાન તથા અધોગતિ અટકે એમ ઇચ્છતા હતા. 'હું હિંદુ તરીકે જન્મ્યો છું, પરંતુ હિંદુ તરીકે મરીશ નહીં,' એવી ઘોષણા બાબાસાહેબે કરી હતી. 'Annihilation of Caste' નામના પુસ્તકમાં તેમણે હિંદુ ધર્મમાં રહેલી અસમાનતા પર આકરા પ્રહારો કર્યા હતા. અંતે તેમણે 14 ઑક્ટોબર,1956ના રોજ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.
હિંદુ ધર્મની અનેક બાબતો જીવનભર ખટકતી રહી હોવા છતાં તેમણે જીવનના અંતિમ તબક્કે બૌદ્ધ ધર્મનો સ્વીકાર શા માટે કર્યો, એ વિશે સામાજિક કાર્યકર રૂપા કુલકર્ણી બોધી કહે છે, "તેમણે હિંદુ ધર્મને સુધારવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમણે આક્રોશને કારણે બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો નહોતો. મહાડનો સત્યાગ્રહ અને કાળારામ મંદિરનો સત્યાગ્રહ એનાં જ ઉદાહરણો છે. તેમણે અનેક હિંદુ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. તેમાં એસ. એમ. જોશી, સાવરકર અને ટિળકના પુત્ર શ્રીધર ટિળક સાથે પણ ચર્ચા કરી હતી.
"તેમણે અનેક વર્તમાનપત્રો શરૂ કર્યાં. તેમના દ્વારા સવર્ણ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો."
"એ માધ્યમોનો ઉપયોગ કરતી વખતે તેમણે સારા આશયથી લોકોને તેમની ભૂલો પ્રત્યે સભાન કર્યા."
"1942થી તો તેઓ રાજકારણમાં પણ હતા. તેમણે બંધારણ પણ લખ્યું."
"બંધારણમાં સૌને અધિકારો આપ્યા હતા. તેમ છતાં તેમને સંતોષ થયો નહીં. અંતિમ ઉપાય તરીકે તેમણે હિંદુ ધર્મનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો."
મે 1956માં બીબીસીએ આંબેડકરનું એક ભાષણ પ્રસિદ્ધ કર્યું હતું. ભાષણનો વિષય હતો, 'મને બૌદ્ધ ધર્મ શા માટે ગમે છે?' આ પ્રશ્નનો જવાબ આપતાં બાબાસાહેબ કહે છે, "મને બૌદ્ધ ધર્મ ગમે છે, કારણ કે જે સિદ્ધાંતો બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતા નથી, તે મને માત્ર બૌદ્ધ ધર્મમાં જ જોવા મળે છે. બૌદ્ધ ધર્મ મને પ્રજ્ઞા શીખવે છે. તે મને અંધશ્રદ્ધા અને ચમત્કારવાદ શીખવતો નથી. તે મને પ્રજ્ઞા, કરુણા અને સમતાના તત્ત્વો શીખવે છે. માણસના સારા અને સુખી જીવન માટે આની આવશ્યકતા છે."
આમ કર્યો બૌદ્ધ ધર્મનો સ્વીકાર

ઇમેજ સ્રોત, GOVERNMENT OF MAHARAHSTRA
1955 પછી તેમની તબિયત લથડતી જતી હતી. કોઈ પણ સારવારથી તેમને ફાયદો થતો નહોતો. એ જ સમયગાળામાં બુદ્ધ અને તેમના ધમ્મ પુસ્તકનું કામ પણ ચાલી રહ્યું હતું. પોતાની હયાતીમાં જ આ પુસ્તક પ્રકાશિત થાય એવી તેમની ઇચ્છા હતી.
24 મે, 1956ના રોજ તેમણે જાહેરાત કરી કે પોતે ઑક્ટોબર મહિનામાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાના છે.
બાબાસાહેબની તબિયત સતત કથળતી જતી હતી. પોતાના સમાજના લોકો માટે પોતે કંઈ જ કરી શક્યા નથી, એવો ખટકો તેમને રહેતો હતો.
હજી ઘણાં કામ બાકી હતાં, જે તેમને પૂરાં કરવાનાં હતાં.
દીક્ષાસમારંભ ક્યાં યોજવો એ અંગે ચર્ચા શરૂ થઈ ત્યારે બાબાસાહેબે નાગપુરની પસંદગી કરી. બૌદ્ધ ધર્મના નાગ લોકોની એ પવિત્ર ભૂમિ હોવાથી બૌદ્ધ ધર્મનું ચક્ર ગતિમાન કરવા તેમણે નાગપુરની પસંદગી કરી. બધા અનુયાયીઓ ધર્માંતરણ નહીં કરે તો શું થશે, એવી ભીતિ એક વ્યક્તિએ વ્યક્ત કરી ત્યારે બાબાસાહેબે કહ્યું કે હવે ધર્માંતરણનો મામલો વધુ મુલતવી રાખી શકાય તેમ નથી. જેમણે મારી સાથે ધર્માંતરણ કરવું હોય તેઓ કરે.
23 સપ્ટેમ્બર, 1956ના રોજ તેમણે એક નિવેદન બહાર પાડ્યું અને 14 ઑક્ટોબર, 1956ના રોજ પોતે ધર્માંતરણ કરવાના હોવાની જાહેરાત કરી.
આ માટે તે સમયના સૌથી વયોવૃદ્ધ ભિક્ષુ મહાસ્થવિર ચંદ્રમણીને આમંત્રણ આપવામાં આવ્યું.
આંબેડકર અને તેમનાં પત્ની 11 ઑક્ટોબરે નાગપુર આવ્યાં. બાબાસાહેબ નાગપુર આવ્યા હોવાની જાણ થતાં જ અસ્પૃશ્ય વર્ગના અનેક લોકો એક અઠવાડિયાથી નાગપુર આવવા લાગ્યા હતા.
અનેક લોકોએ સફેદ રંગનાં કપડાં ખરીદ્યાં.
'બાબાસાહેબ કરે પુકાર, બૌદ્ધ ધર્મ કા કરો સ્વીકાર' એવા નારા નાગપુરમાં ગુંજી ઊઠ્યા.
અને એ દિવસ આવી પહોંચ્યો...
14 ઑક્ટોબરની પરોઢે તેઓ ઊઠ્યા. કોરો, કડક ઇસ્ત્રી કરેલો સફેદ લાંબો કોટ, સફેદ ઝભ્ભો અને સફેદ ધોતિયું પહેરીને ડૉ. આંબેડકર સવારે શ્યામ હોટેલથી દીક્ષાભૂમિ જવા નીકળ્યા.
ત્યાં પહોંચતાં જ વિશાળ જનસમુદાયે તેમનું સ્વાગત કર્યું. તેઓ વ્યાસપીઠ પર ઊભા રહ્યા ત્યારે તાળીઓના ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું.
વ્યાસપીઠ પરના એક ટેબલ પર બુદ્ધની નાની મૂર્તિ મૂકવામાં આવી હતી. તેની બંને બાજુએ બે વાઘ હતા. વ્યાસપીઠ પર ધર્મોપદેશકો બેઠા હતા. સમારંભની શરૂઆત એક મરાઠી ગીતથી થઈ.
ત્યાર પછી ચાર ભિક્ષુઓએ આંબેડકર અને તેમનાં પત્ની પાસે 'બુદ્ધં શરણં ગચ્છામિ' અને 'સંઘં શરણં ગચ્છામિ' મંત્રો બોલાવ્યા.
હિંસા, ચોરી, અસત્ય, અનાચાર અને મદ્યપાનથી દૂર રહેવાનાં પંચશીલ વ્રત લેવડાવવામાં આવતાં હતાં ત્યારે ત્રણ લાખ લોકોનો સમૂહ આ સમારંભને તન્મયતાથી નિહાળી રહ્યો હતો.
આંબેડકર પ્રતિજ્ઞા લેતી વખતે બુદ્ધની મૂર્તિ સામે ભક્તિભાવથી નતમસ્તક થયા. ભગવાન બુદ્ધનાં ચરણોમાં મસ્તક મૂકીને ત્રણ વખત વંદન કર્યું.
બુદ્ધની મૂર્તિને કમળનો હાર અર્પણ કર્યો. આ વિધિ પૂર્ણ થયા પછી આંબેડકરે બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો હોવાની ઘોષણા કરવામાં આવી. એ સાથે જ 'બાબાસાહેબ આંબેડકર કી જય' અને 'ભગવાન બુદ્ધ કી જય'ના નારા ગુંજી ઊઠ્યા અને વિજયાદશમીના મુહૂર્તે બાબાસાહેબે જૂના ધર્મની સીમા ઓળંગીને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો.
આ સમારંભ પૂર્ણ થયા પછી બાબાસાહેબે ઘોષણા કરી કે, "હું મારા જૂના ધર્મનો ત્યાગ કરીને આજે નવો જન્મ લઈ રહ્યો છું. એ ધર્મ અસમાનતા અને અત્યાચારનું પ્રતિનિધિત્વ કરતો હતો. અવતારની કલ્પનામાં મને વિશ્વાસ નથી."
"હું હવે કોઈ પણ હિંદુ દેવી-દેવતાનો ભક્ત રહ્યો નથી. બુદ્ધે બતાવેલા અષ્ટાંગ માર્ગનું હું ચુસ્તપણે પાલન કરીશ."
બૌદ્ધ ધર્મ જ સાચો ધર્મ છે. જ્ઞાન, સદ્માર્ગ અને કરુણાનાં તત્ત્વો મુજબ હું મારું જીવન વિતાવીશ."
ત્યાર પછી તેમણે જનસમુદાયને આહ્વાન કર્યું કે જેમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરવો હોય તેઓ ઊભા થાય.
જનસમુદાય ઊભો થઈ ગયો.
તેમને પાંચ પ્રતિજ્ઞાઓ, પંચશીલ અને બાવીસ પ્રતિજ્ઞાઓ બોલવાનું કહેવામાં આવ્યું. એ દિવસે લગભગ ત્રણ લાખ લોકોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.
બાબાસાહેબના આ પગલાની અસર

ઇમેજ સ્રોત, Getty Images
દલિતોના ઉત્કર્ષ માટે બાબાસાહેબ આંબેડકરે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. જીવનના અંતિમ તબક્કે તેમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. પરંતુ ત્યાર પછી માત્ર 50 દિવસમાં તેમનું અવસાન થયું.
બાબાસાહેબના આ પગલાની બૌદ્ધ ધર્મ પર થયેલી અસર વિશે વાત કરતાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ નરેન્દ્ર જાધવ કહે છે, "બાબાસાહેબે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા પછી તેમનું મહાપરિનિર્વાણ થયું. તેથી બૌદ્ધ ધર્મના પ્રસારનું તેમનું ઉદ્દેશ્ય પૂરું થઈ શક્યું નહીં."
"14 ઑક્ટોબર પછી મુંબઈમાં ધર્માંતરણનો મોટો સમારંભ યોજવાનું નક્કી થયું હતું. તેમાં પ્રલ્હાદ કેશવ અત્રેથી માંડીને અનેક નેતાઓ ભાગ લેવાના હતા."
"પરંતુ આંબેડકર તેમાં ભાગ લઈ શક્યા નહીં. અમે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો, પરંતુ તેનો આચરણમાં અમલ કરાવવા માટેની વ્યવસ્થા તેઓ ઊભી કરી શક્યા નહીં."
"એ વ્યવસ્થા ઊભી તો થઈ, પરંતુ જુદી જુદી જગ્યાએ પોતપોતાની રીતે. અનેક સ્થળોએ બૌદ્ધ ધર્મનું આચરણ કરવામાં આવે છે, પરંતુ એ અંગે દરેકની પોતાની થિયરી હોય છે. જે પદ્ધતિસર રીતે થવું જોઈતું હતું, તે થયું નહીં, એ સ્વીકારવું રહ્યું."
1935માં બાબાસાહેબે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વાસ્તવમાં એ પગલું ભરતાં તેમને 21 વર્ષ લાગ્યાં. આ સમયગાળા દરમિયાન તેમણે બધા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને અંતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.
તેમના આ પગલાની સ્મૃતિમાં આજે પણ દીક્ષાભૂમિ પર બૌદ્ધ ધર્મની દીક્ષા લેવામાં આવે છે.
દીક્ષાભૂમિ નાગપુર અને ભારતનું એક મહત્ત્વનું સ્થળ છે.
હજારો વર્ષોના દમન સામે કરવામાં આવેલા એલાનનું તે પ્રતીક છે. આજે 65 વર્ષ પછી પણ બાબાસાહેબનું આ પગલું અનેક લોકોને પ્રેરણા આપે છે અને આપતું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























