પશ્ચિમ બંગાળની SIR ટ્રિબ્યુનલમાં છ મહિના પછી પણ લાખો અપીલો કેમ પડતર છે? એક ન્યાયાધીશે શું કારણ જણાવ્યાં

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, મોયુરી સોમ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
- દ્વારા રિપોર્ટિંગ, કોલકાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 15 મિનિટ
મોહમ્મદ શમીમ અખ્તર ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી છે. તેઓ દરરોજ દિવસની શરૂઆત ભારતના ચૂંટણીપંચના ઑનલાઇન પોર્ટલ પર પોતાના મતદાર ઓળખપત્રની વિગતો નાખીને કરે છે. મતદાર તરીકે તેમનું નામ છે કે નહીં, તે હવે માત્ર એક શબ્દ પર અટકેલું છે: 'પેન્ડિંગ' (નિર્ણય બાકી).
પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી નામ કમી કરવામાં આવ્યા હોય એવા 90.83 લાખ મતદારોમાં અખ્તર પણ એક હતા. આ ઘટના રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની મહત્ત્વપૂર્ણ ચૂંટણીના થોડા અઠવાડિયાં પહેલાં બની હતી. આ ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસના લગભગ 15 વર્ષના શાસનનો અંત આવ્યો અને પશ્ચિમ બંગાળમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી.
મતદારયાદીમાંથી 90.83 લાખ મતદારોનાં નામ કમી કરવાની કાર્યવાહી રાજ્યની મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-SIR)નો એક ભાગ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રક્રિયાને મતદારયાદી 'શુદ્ધ' કરવાની રીત ગણાવી હતી. તેમણે મતદારયાદીમાંથી 'ઘૂસણખોરો'નાં નામ દૂર કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
પરંતુ ઘણા લોકોનો દાવો છે કે તેમના મતદાનના અધિકાર ખોટી રીતે છીનવી લેવામાં આવ્યા છે. દેશભરમાં લાખો લોકો હવે SIRના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા છે. આ પ્રક્રિયાને કારણે ભારતમાં 13 કરોડ લોકો મતદાન કરવા માટે પાત્ર છે કે નહીં, તે અંગે અત્યાર સુધી પ્રશ્નો ઊભા થયા છે.
અખ્તરે ગયા મહિને (સપ્ટેમ્બરમાં) કહ્યું હતું, "27 માર્ચે મને પૂરક મતદારયાદીમાંથી ખબર પડી કે મારું નામ કાઢી નાખવામાં આવ્યું છે. એ મારા માટે બહુ આઘાતજનક હતું... મેં પહેલી એપ્રિલે અપીલ કરી હતી અને હવે સપ્ટેમ્બરનો અંત આવી ગયો છે. લગભગ છ મહિના વીતી ગયા છે, પરંતુ મારી અપીલ પર ભાગ્યે જ કશી પ્રગતિ જોવા મળે છે."
આ અઠવાડિયે તેમણે પુષ્ટિ કરી કે તેમની અપીલનો નિર્ણય હજી બાકી છે.
અખ્તર એકલા નથી. પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન મતદારો અંગે લેવાયેલા નિર્ણયોને પડકારતી અપીલોની સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશથી 19 અપીલ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ ટ્રિબ્યુનલોએ કામ શરૂ કર્યું ત્યારથી છ મહિનામાં આશરે 38.31 લાખ અપીલો દાખલ કરવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધી માત્ર 3.3 ટકા જેટલી અપીલોનો જ નિકાલ થયો છે.
અપીલોના નિકાલમાં થઈ રહેલા વિલંબને જોતાં, અપીલ કરનારાઓને ભય છે કે તેમના મતદાનના અધિકાર અંગેની અનિશ્ચિતતા વર્ષો સુધી ચાલુ રહી શકે છે.
19 ટ્રિબ્યુનલ પૈકીની એકના ન્યાયાધીશે નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને આ વિલંબનાં કારણો જણાવ્યાં હતાં.
તેમના જણાવ્યા અનુસાર, અપીલોની મોટી સંખ્યા અને ચૂંટણીપંચે તૈયાર કરેલા ઑનલાઇન પોર્ટલમાં આવતી સમસ્યાઓ આનાં મુખ્ય કારણો છે.

ઇમેજ સ્રોત, BBC/DebalinRoy
મતદારયાદીમાંથી આટલાં બધાં નામ કેમ કમી કરવામાં આવ્યાં?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી નામ કમી કરવામાં આવેલા 90.83 લાખ લોકોમાં ગેરહાજર, સ્થળાંતર કરી ગયેલા, મૃત્યુ પામેલા અને એકથી વધુ વાર નોંધાયેલા મતદારોનો સમાવેશ થાય છે. આ શ્રેણીને અંગ્રેજીમાં ASDD (એબ્સન્ટ, શિફ્ટેડ, ડેડ અને ડુપ્લિકેટ) કહેવામાં આવે છે.
પરંતુ નામ કમી કરવામાં આવ્યાં હોય એવા તમામ લોકો આ શ્રેણીમાં આવતા નહોતા. લાખો મતદારોનાં નામ 'તાર્કિક વિસંગતિઓ'ને કારણે શંકાસ્પદ ગણવામાં આવ્યાં હતાં.
દાખલા તરીકે, નામની જોડણીમાં તફાવત અથવા માતા-પિતા અને સંતાનની ઉંમર વચ્ચે અસામાન્ય અંતર જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
ઘણા મતદારોને 'અનમૅપ્ડ' એટલે કે જૂની મતદારયાદી સાથે જોડાણ સ્થાપિત ન કરી શકનારા તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, જે મતદારો 2002ની મતદારયાદીમાં પોતાના અથવા પોતાના પરિવારના સભ્યના નામ સાથે સફળતાપૂર્વક જોડાણ સ્થાપિત કરી શક્યા નહોતા, તેમને 'અનમૅપ્ડ' તરીકે ઓળખવામાં આવ્યા હતા.
મતદાર સાચા અને પાત્ર છે તે સાબિત કરવા માટે રાજ્યની 2002ની મતદારયાદી સાથે જોડાણ સ્થાપિત કરવું એ મુખ્ય શરતોમાંની એક ગણાવવામાં આવી હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી તેના લગભગ એક મહિના પહેલાં, આ શંકાસ્પદ મતદારોની ચકાસણીની જવાબદારી ન્યાયિક અધિકારીઓને સોંપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા આ અધિકારીઓએ દરેક કેસની વ્યક્તિગત રીતે તપાસ કરીને નક્કી કરવાનું હતું કે સંબંધિત મતદાર મતદાન કરવા માટે પાત્ર છે કે નહીં.
ત્યાર બાદ, SIR દરમિયાન ન્યાયિક અધિકારીઓ દ્વારા તપાસવામાં આવેલા અને નિર્ણય હેઠળ આવરી લેવાયેલા કુલ 90.83 લાખ લોકોમાંથી આશરે 27.16 લાખનાં નામ પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી.
કોલકાતામાં આવેલી ડેટા સંશોધન સંસ્થા સબર ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષણ મુજબ, પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી નામ કમી થવાની સંખ્યા મુસ્લિમોમાં પ્રમાણમાં વધારે છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જિલ્લાઓમાં આ પ્રમાણ ઊંચું છે.
રાજ્યમાં અગાઉ સત્તા પર રહેલી તૃણમૂલ કૉંગ્રેસે SIRની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાંથી જ તેનો સખત વિરોધ કર્યો હતો.
પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગયા મહિને ભાજપ અને ચૂંટણીપંચ પર કટાક્ષ કરતાં કહ્યું હતું, "તમે SIR શા માટે હાથ ધર્યું? માત્ર એટલા માટે કે તમે બળજબરીથી બંગાળ પર કબજો કરવા માગો છો. બીજા કોઈ રસ્તે તમે આવું કરી શક્યા ન હોત. SIRના નામે તમે 92 લાખ લોકોનાં નામ કાઢી નાખ્યાં છે."
જોકે, ભાજપે આ પ્રકારના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પક્ષે વારંવાર મતદારયાદીને 'શુદ્ધ' કરવાની અને SIR દ્વારા 'ગેરકાયદે ઘૂસણખોરો'ને ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ઇમેજ સ્રોત, Asian News International
ટ્રિબ્યુનલોએ કેટલી અપીલોનો નિકાલ કર્યો છે અને કેટલી બાકી છે?
ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા મુજબ, આ વર્ષે 16 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળની 19 ટ્રિબ્યુનલમાં 38.31 લાખથી વધુ અપીલો નોંધાઈ હતી. આ સોગંદનામાની વિગતો બીબીસીને મળી હતી.
તેમાંથી આશરે 1.26 લાખ અપીલોનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલે કે, કુલ અપીલોમાંથી માત્ર 3.3 ટકા અપીલોનો જ નિકાલ થયો છે.
આ જ માહિતી મુજબ, આશરે 19,000 મતદારોની અપીલોનો નિકાલ થવાનો બાકી હતો. તેમાંથી મોટા ભાગના મતદારો રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં મતદાન કરી શક્યા નહોતા. અપીલોનો નિકાલ થવાની રાહ જોઈ રહેલા અન્ય લાખો મતદારોને ડર છે કે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પણ તેઓ મતદાનની પ્રક્રિયામાંથી બાકાત રહી શકે છે.
થોડા દિવસ પહેલાં બીબીસીએ પશ્ચિમ બંગાળની 19 અપીલ ટ્રિબ્યુનલ પૈકીની એકના ન્યાયાધીશ સાથે મતદારોની પાત્રતાની ફરીથી ચકાસણી કરવાની વિસ્તૃત પ્રક્રિયા અંગે વાત કરી હતી. ન્યાયાધીશે નામ જાહેર ન કરવાની શરતે આ વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Asian News International
અપીલોના મોટા બોજને કારણે નિકાલમાં વિલંબ?
ટ્રિબ્યુનલના ન્યામયાધીશોને સૌથી વધુ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, એ વિશે પૂછવામાં આવતાં અમારા સૂત્રે કહ્યું, "મુખ્ય સમસ્યા કામના બોજની છે."
ન્યાયાધીશે કહ્યું, "મારી ટ્રિબ્યુનલમાં લાખો અપીલોનો નિકાલ કરવાનો બાકી છે. હું એ બધી અપીલોનો નિકાલ કેવી રીતે કરી શકું? કોઈ પણ રીતે એ શક્ય નથી."
"હાઈકોર્ટ માટે પણ વધુ નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કરવી શક્ય નથી. આટલી બધી અપીલોનો નિકાલ કરી શકે એટલા નિવૃત્ત ન્યાયાધીશો જ ઉપલબ્ધ નથી."
તેમણે ઉમેર્યું કે કેટલાક ન્યાયાધીશો એક દિવસમાં આશરે 100 અપીલોનો નિકાલ કરી શકે છે, જ્યારે કેટલાક ન્યાયાધીશો દિવસમાં માત્ર 10થી 15 અપીલોનો જ નિકાલ કરી શકે છે.
તેમણે જણાવ્યું કે દરેક અપીલમાં આશરે 30થી 32 દસ્તાવેજોની ચકાસણી કરવી પડે છે. ત્યાર બાદ અપીલ અંગે લેવાયેલા નિર્ણયનો બે પાનાંનો હુકમ પણ લખવો પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. એક અપીલનો નિકાલ કરવામાં સરેરાશ કુલ 20થી 30 મિનિટ લાગી શકે છે.
દરેક મતદારના કેસની વ્યક્તિગત રીતે ફરી ચકાસણી કરીને નિર્ણય લેવાની જવાબદારી માત્ર ટ્રિબ્યુનલના ન્યાયાધીશની જ છે કે કેમ, એવું પૂછવામાં આવતાં ન્યાયાધીશે કહ્યું, "કોઈ પણ અદાલતમાં ન્યાયાધીશથી ઉપર કોઈ હોતું નથી. જે કંઈ કરવાનું હોય, તે ન્યાયાધીશે જ કરવાનું હોય છે. ચકાસણી ન્યાયાધીશે જ પૂરી કરવાની હોય છે, હુકમ ન્યાયાધીશે જ લખવાનો હોય છે અને લખાવેલા હુકમની ચકાસણી પણ ન્યાયાધીશે જ કરવાની હોય છે."
તેમણે વધુમાં કહ્યું, "મારી મદદ માટે લોકો છે. મારી પાસે સ્ટેનોગ્રાફર, સહાયકો અને પટાવાળા છે. તેઓ બધા મદદ માટે છે. પરંતુ મને જે કામ સોંપવામાં આવ્યું છે, તે તો મારે જ કરવાનું છે. આ વાત બધા ન્યાયિક અધિકારીઓને લાગુ પડે છે."
અપીલોના નિકાલની હાલની ગતિ જોતાં, મતદાનના અધિકારને લગતી બાકી રહેલી 37.05 લાખ અપીલો અંગે નિર્ણય લેવામાં અનેક વર્ષો લાગી શકે છે. ન્યાયાધીશે પણ આ વાત સ્વીકારી હતી.
કેટલાક અરજદારો ટ્રિબ્યુનલમાં પડતર અપીલોનો ઝડપથી નિકાલ કરવાની માગ સાથે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓમાં હાઈકોર્ટે આદેશ આપ્યા છે કે ટ્રિબ્યુનલમાં આ અપીલોનો ઝડપથી નિકાલ કરવામાં આવે.
આ સંદર્ભમાં ન્યાયાધીશે કહ્યું, "અમારી ક્ષમતા મુજબ આવા વધુમાં વધુ કેસોનો ઝડપથી નિકાલ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. એ સાચું છે કે આવા ઘણા આદેશો આપવામાં આવી રહ્યા છે અને અમે પણ શક્ય એટલું બધું કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ એ કામ થઈ જ જશે તેની કોઈ ખાતરી નથી. ઘણી અદાલતોમાં આવા કેસો હજુ પડતર છે."
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચૂંટણી પંચે સૂચન કર્યું હતું કે, "પડતર અપીલોના નિકાલની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે પશ્ચિમ બંગાળમાં અપીલ ટ્રિબ્યુનલની સંખ્યા વધારવાની વિચારણા કરી શકાય. રાજ્યમાંં લોકસભાની બેઠકોની સંખ્યાને અનુરૂપ ટ્રિબ્યુનલની સંખ્યા રાખી શકાય."
સરળ શબ્દોમાં કહીએ તો, ચૂંટણી પંચે ટ્રિબ્યુનલની સંખ્યા 19થી વધારીને 42 કરવાની દરખાસ્ત મૂકી હતી.
કૉંગ્રેસ, મમતા બેનરજીની ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ, સીપીઆઈ(એમ), સીપીઆઈ(એમએલ) લિબરેશન જેવા વિપક્ષી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ નાગરિક અધિકાર સંગઠનોએ હાવડા અને કોલકાતા સહિતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુલતવી રાખવાની માગ કરી છે. તેમનો આરોપ છે કે SIRની પ્રક્રિયા દરમિયાન ઘણા એવા મતદારોનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે, જેઓ મતદાન કરવા માટે પાત્ર છે.

ઇમેજ સ્રોત, Election Commission of India
ટ્રિબ્યુનલમાં દરેક અપીલનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે?
આ ન્યાયાધીશના જણાવ્યા અનુસાર, દરેક ટ્રિબ્યુનલના ન્યાયાધીશ અપીલોના નિકાલ માટે અલગ પદ્ધતિ અપનાવે છે.
કેટલીક ટ્રિબ્યુનલમાં બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસર (BDO -પાયાના સ્તરે કામ કરતા વહીવટી અધિકારીઓ) અને બૂથ લેવલ ઑફિસર (BLO -ચૂંટણી તંત્રના પાયાના સ્તરે કામ કરતા અધિકારીઓ) મારફતે મતદારોને નોટિસ મોકલવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આવી પદ્ધતિમાં સુનાવણીની તારીખના 15થી 20 દિવસ પહેલાં મતદારના બ્લૉકના BDOને નોટિસ મોકલવામાં આવે છે.
ન્યાયાધીશે કહ્યું, "નોટિસમાં સુનાવણી માટે હાજર રહેવાના હોય તે વ્યક્તિનું નામ હોય છે. તેમાં BLOનું નામ અને ફોન નંબર પણ હોય છે. ઉપરાંત, મતદારે શા માટે હાજર થવાનું છે, તેનું કારણ પણ જણાવેલું હોય છે. જેમ કે, કોઈની સાથે સંબંધની કડી સ્થાપિત ન થઈ હોય અથવા મતદારનું મૅપિંગ ન થયું હોય."
ન્યાયાધીશે એમ પણ જણાવ્યું કે BDO મતદારનો સંપર્ક કરીને તેને જાણ કરે છે કે સુનવણી પહેલાં જરૂરી દસ્તાવેજો તેમની કચેરી મારફતે ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવાના છે. ત્યાર બાદ BDOની કચેરીમાંથી વર્ચ્યુઅલ સુનવણી યોજવામાં આવે છે.
સુનવણી પૂરી થયા પછી ન્યાયાધીશે હુકમ લખવાનો હોય છે. તેમાં અરજદારનું નામ મતદારયાદીમાં ફરી સામેલ કરવાનો કે યાદીમાંથી બાકાત રાખવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે, તે જણાવવાનું હોય છે. ત્યાર બાદ આ હુકમ ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવાનો હોય છે. જોકે, ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું હતું કે બધી ટ્રિબ્યુનલમાં આ જ પદ્ધતિ અપનાવવામાં આવતી નથી.

ઇમેજ સ્રોત, Asian News International
પોર્ટલ અંગે ટ્રિબ્યુનલના ન્યાયાધીશોએ અનેક સમસ્યાઓ જણાવી
આ વર્ષે 11 ઑગસ્ટે ટ્રિબ્યુનલના ન્યાયાધીશોની યોજાયેલી બેઠકની નોંધ બીબીસીને મળી હતી. તેમાં કેટલાક ન્યાયાધીશોએ મતદાનના અધિકારને લગતા કેસોમાં સંકળાયેલા પક્ષકારોને નોટિસ પહોંચાડવા માટેની "યોગ્ય વ્યવસ્થા" ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બેઠકની નોંધના એક મુદ્દામાં જણાવાયું હતું, "પક્ષકારોને સીધી રીતે અથવા યોગ્ય માધ્યમથી નોટિસ પહોંચાડવા માટે પોર્ટલ પર એકસરખી અને યોગ્ય વ્યવસ્થા વિકસાવવાની અનેક વાર વિનંતી કરવામાં આવી છે અને યાદ પણ અપાવવામાં આવી છે. તેમ છતાં, આજ સુધી આવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. મે 2026માં અમારા કેટલાક ન્યાયાધીશોએ પક્ષકારોને મોકલવાની નોટિસનો એક નમૂનો પણ મંજૂર કર્યો હતો, પરંતુ આજ સુધી તેનો અમલ થયો નથી."
બીબીસીએ જે ન્યાયાધીશ સાથે વાત કરી હતી, તેમણે આ દસ્તાવેજની સત્યતાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે સંબંધિત પક્ષકારોને સુનવણી માટે નોટિસ પહોંચાડવાની સમસ્યાને કારણે કેટલાક ન્યાયાધીશો મતદારોની સુનવણી કરી શક્યા નથી.
મે મહિનામાં જ અન્ય એક ન્યાયાધીશે પણ આ સમસ્યા તરફ ધ્યાન દોર્યું હતું. બીબીસીને મળેલા કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્રમાં એક ટ્રિબ્યુનલના ન્યાયાધીશે જણાવ્યું હતું કે તેમણે હજારો અપીલોની તપાસ કરી હતી, પરંતુ માત્ર એવી અમુક સો અપીલોનો જ નિકાલ કરી શક્યા હતા, જેમાં નિકાલ માટે કોઈ પણ પક્ષકારની હાજરી જરૂરી નહોતી.
પત્રમાં લખ્યું હતું, "બાકીની અપીલોનો પણ નિકાલ થઈ શક્યો હોત, જો પક્ષકારોને, ખાસ કરીને અપીલ કરનારાઓને, નોટિસ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા હોત. અપીલના પક્ષકારોને જાણ કરવાની આવી વ્યવસ્થા ન હોવાથી અપીલોના નિકાલની ગતિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે."
બીબીસી સાથે વાત કરનારા ન્યાયાધીશે બીજી એક સમસ્યા તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, 21 સપ્ટેમ્બરથી ઘણા ન્યાયાધીશો પોર્ટલ પર હુકમ અપલોડ કરી શક્યા નથી. હાલના નિયમો મુજબ, રાષ્ટ્રીય ઓળખ વ્યવસ્થા આધાર સાથે જોડાયેલી વ્યક્તિગત વિગતો આપ્યા વિના તેઓ હુકમ અપલોડ કરી શકતા નથી.
ન્યાયાધીશે સવાલ કર્યો, "દરેક ન્યાયાધીશ કહે છે કે તેઓ પોતાનો આધાર નંબર આપવા માગતા નથી. મારે મારો આધાર નંબર શા માટે આપવો જોઈએ? દરેક કેસનો નિકાલ કરતી વખતે મારા આધારની વિગતોના આધારે મને વન-ટાઇમ પાસવર્ડ (OTP) મળે છે. શું આ શક્ય છે?"
ન્યાયાધીશોની ચિંતા તેમની અંગત માહિતીની ગુપ્તતા અંગે છે કે કેમ, એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું, "હા, એટલે જ અમે કહ્યું છે કે અમે આમ નહીં કરીએ."
સૂત્રે ઉમેર્યું કે પોર્ટલની સમસ્યાઓ ઉકેલાય ત્યાં સુધી ટ્રિબ્યુનલમાં અપીલોના નિકાલની પ્રક્રિયા અટકી ગઈ છે. જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.
પરિણામે, સામાન્ય લોકોની લાખો પડતર અપીલોના નિકાલમાં વધુ વિલંબ થયો છે. મતદારયાદીમાંથી નામ બાકાત થઈ જવાને કારણે લોકો સામાજિક, આર્થિક અને રાજકીય અસરોનો સામનો કરવા પણ લાગ્યા છે.
ન્યાયાધીશે વધુમાં કહ્યું, "પોર્ટલ પર અમારી પાસે સુધારા કરવાની સત્તા નથી. અમે કોઈ ફેરફાર કરી શકતા નથી. અમારા તરફથી કોઈ નામ ભૂલથી પણ કાઢી નાખવામાં આવે, તો એ સુધારવા માટે અમારી પાસે કોઈ ઉપાય નથી. આશા છે કે તેઓ આ સમસ્યાઓ ઉકેલશે."
11 ઑગસ્ટે યોજાયેલી ટ્રિબ્યુનલના ન્યાયાધીશોની બેઠકમાં પણ આવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
બેઠકની નોંધના એક મુદ્દામાં જણાવાયું હતું, "મતદારનું નામ કાઢી નાખીને અથવા સામેલ કરીને અપીલનો નિકાલ થયા પછી, ન્યાયિક હુકમના નિર્દેશને કારણે અથવા અન્ય કોઈ કારણસર નામ ફરી સામેલ કરવાની જરૂર પડે, તો પોર્ટલ પર તેને પુનઃસ્થાપિત કરી શકાતું નથી."
નોંધના બીજા મુદ્દામાં જણાવાયું હતું, "ટ્રિબ્યુનલને લાગે કે અપલોડ કરેલા દસ્તાવેજો ગણતરી ફોર્મમાં દર્શાવેલી વિગતોને અનુરૂપ નથી અથવા ટ્રિબ્યુનલને વધારાના દસ્તાવેજોની જરૂર પડે, તો તે દસ્તાવેજો કેવી રીતે મેળવવા તેની કોઈ વ્યવસ્થા નથી."

ઇમેજ સ્રોત, BBC/Debalin Roy
ઑફલાઇન કરાયેલી અપીલો અંગે અનિશ્ચિતતા?
અત્યાર સુધી, SIR દરમિયાન મતદાનના અધિકાર અંગે લેવાયેલા નિર્ણયથી અસંતુષ્ટ મતદાર https://voters.eci.gov.in/ પર ઑનલાઇન અપીલ કરી શકતા હતા. વૈકલ્પિક રીતે, તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM - જિલ્લાના સર્વોચ્ચ વહીવટી અધિકારી) અથવા જિલ્લા ચૂંટણી અધિકારી (DEO - જિલ્લાના સર્વોચ્ચ ચૂંટણી અધિકારી)ને લેખિતમાં રજૂઆત કરી શકતા હતા.
જોકે, 11 ઑગસ્ટની બેઠકની નોંધમાં એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂમાં અપીલ કરનારા અસંતુષ્ટ મતદારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
નોંધમાં જણાવાયું હતું, "ટ્રિબ્યુનલના ધ્યાન પર આવ્યું છે કે કેટલાક નાગરિકોએ સંબંધિત DM/DEO સમક્ષ રૂબરૂમાં અપીલો કરી છે. આ અપીલોનું ડિજિટાઇઝેશન થયું ન હોવાથી તેનો રેકોર્ડ જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. જો આ અપીલોને યોગ્ય માધ્યમ સુધી પહોંચાડવામાં નહીં આવે, તો આવા નાગરિકો સાથે અન્યાય થશે."
ટ્રિબ્યુનલના ન્યાયાધીશે બીબીસીને જણાવ્યું કે તેમને DM અને DEO મારફતે અપીલો મળી છે. જોકે, બેઠકની નોંધમાં વ્યક્ત કરવામાં આવેલી શંકા જેવી જ શંકા તેમણે પણ વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યું, "આવી કેટલી અપીલો ખરેખર ટ્રિબ્યુનલ સુધી પહોંચી છે અને કેટલી નથી પહોંચી, એ હું કહી શકું તેમ નથી. DM સમક્ષ કેટલી અપીલો કરવામાં આવી છે, એ પણ મને ખબર નથી."

ઇમેજ સ્રોત, Asian News International
કોનાં નામ SIR દરમિયાન કાઢી નાખવામાં આવ્યાં અને કોનાં ફરી સામેલ થઈ રહ્યાં છે?
SIR દરમિયાન શરૂઆતમાં અપીલ કરનારા મતદારોનાં નામ મતદારયાદીમાંથી શા માટે કાઢી નાખવામાં આવ્યાં હતાં, એમ પૂછવામાં આવતાં ન્યાયાધીશે જન્મતારીખની નોંધમાં વિસંગતિ, નામની જોડણીમાં તફાવત વગેરે કારણો આપ્યાં હતાં.
સૂત્રે કહ્યું, "ઘણા લોકોના દસ્તાવેજોમાં જન્મતારીખ અંગે સમસ્યાઓ છે. કેટલાક મતદારોનાં બે બાળકો વચ્ચે માત્ર નવ મહિનાનું અંતર છે. કેટલાકનાં બાળકોનો જન્મ એટલા ટૂંકા ગાળામાં થયો છે કે એ વાસ્તવિક લાગે નહીં. કોઈ વૃદ્ધ મતદારના દસ્તાવેજો પરથી એવું જણાય કે તેમને 80 વર્ષની ઉંમરે સંતાન થયું હતું."
બીબીસીએ ન્યાયાધીશને પૂછ્યું કે શું મોટા ભાગના અરજદારોનાં નામ દસ્તાવેજોમાં થયેલી ભૂલોને કારણે કાઢી નાખવામાં આવ્યાં હતાં? જવાબમાં ન્યાયાધીશે એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે કદાચ 2002ની મતદારયાદીમાં કોઈ વ્યક્તિનું માત્ર પ્રથમ નામ નોંધાયેલું હોય. બીજા કોઈ દસ્તાવેજમાં તેનું પ્રથમ અને અટક સાથેનું નામ હોય, જ્યારે અન્ય દસ્તાવેજમાં મધ્ય નામ પણ સામેલ હોય.
તેમણે કહ્યું, "આવા તફાવતોને કારણે કેટલાક લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં, પરંતુ અપીલ ટ્રિબ્યુનલમાં અમે એ સુધારી લીધાં છે."
ન્યાયાધીશના જણાવ્યા અનુસાર, મોટા ભાગના અપીલકર્તાઓનાં નામ ફરી મતદારયાદીમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે.
તેમણે કહ્યું, "કાઢી નાખવામાં આવેલા મતદારોનાં નામ ફરી સામેલ થવાનું પ્રમાણ ઘણું ઊંચું છે, એમાં કોઈ શંકા નથી."
ચૂંટણી પંચના પોતાના સોગંદનામામાં પણ આ દાવાને સમર્થન મળતું જણાય છે. તેમાં જણાવાયું છે કે 10 સપ્ટેમ્બર સુધીમાં જે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, તેમાંથી આશરે 92.94 ટકા કેસોમાં ટ્રિબ્યુનલે કાઢી નાખવામાં આવેલા મતદારોનાં નામ યાદીમાં જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.
એટલે કે, નિકાલ કરવામાં આવેલી દર 100 અપીલોમાંથી લગભગ 93 અપીલોમાં મતદારનું નામ મતદાર યાદીમાં જાળવી રાખવાની તરફેણમાં નિર્ણય લેવાયો હતો.

ઇમેજ સ્રોત, Election Commission of India
મતદારયાદીમાં સામેલ લોકોનાં નામ સામે અપીલ કોણ કરી રહ્યું છે?
દરમિયાન, મતદારયાદીમાં સામેલ મતદારોની પાત્રતા સામે સવાલ ઉઠાવતી અરજીઓ મોટી સંખ્યામાં ટ્રિબ્યુનલમાં દાખલ કરવામાં આવી છે. એવો આક્ષેપ છે કે આવી ઘણી અપીલો ખુદ ચૂંટણી પંચના નામે દાખલ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે 16 સપ્ટેમ્બરે રજૂ કરેલા સોગંદનામા મુજબ, મતદારયાદીમાં સામેલ મતદારો સામે ટ્રિબ્યુનલમાં આશરે 16.10 લાખ અપીલો દાખલ કરવામાં આવી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં ટ્રિબ્યુનલના ન્યાયાધીશે દાવો કર્યો હતો કે મતદારયાદીમાંથી નામ કાઢી નાખવા માટે ચૂંટણી પંચે પોતે જ લાખોની સંખ્યામાં અપીલો દાખલ કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે તેમની સિસ્ટમમાં આ અપીલો પશ્ચિમ બંગાળના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી (Additional CEO) દ્વારા દાખલ કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવે છે. તેઓ રાજ્યના વરિષ્ઠ ચૂંટણી અધિકારીઓમાંના એક છે.
ન્યાયાધીશના જણાવ્યા અનુસાર, મતદારોની પાત્રતા સામે સવાલ ઉઠાવતી અરજીઓમાં વિવિધ કારણો દર્શાવવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું, "આનાં અનેક કારણો છે. જેમ કે, યોગ્ય મૅપિંગ ન થયું હોય, પિતા સાથેની કડી સાબિત ન થઈ હોય, બે ભાઈ-બહેન વચ્ચે નવ મહિનાનું અંતર હોવું અથવા કોઈ વ્યક્તિ 70 વર્ષની ઉંમરે પિતા બની હોય એવું દર્શાવવું."
તેમણે સ્પષ્ટતા કરી કે જે રીતે મતદારયાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલા મતદારોને સુનવણી માટે નોટિસ મોકલવામાં આવે છે, એ જ રીતે જેમનાં નામ મતદારયાદીમાં સામેલ છે, પરંતુ તેમની સામેલગીરી સામે અપીલ કરવામાં આવી છે, તેમને પણ સુનવણી માટે નોટિસ મોકલવામાં આવશે.
ભારતીય અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના તપાસ અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ મતદારયાદીમાં સામેલ લોકોની પાત્રતા સામે અપીલો દાખલ કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની અંદર જ પૂછ્યું હતું કે આ અપીલો દાખલ કરવાનો નિર્ણય કોણે લીધો હતો.
અહેવાલ મુજબ, ઑગસ્ટમાં સંધુએ ચૂંટણી પંચના અધિકારીઓને પત્ર લખીને પૂછ્યું હતું, "ચૂંટણી પંચ વતી આ અપીલો દાખલ કરવાની સત્તા કોને આપવામાં આવી હતી અને એ સત્તા કોણે આપી હતી?" તેમણે બીજો સવાલ કર્યો હતો, "ચૂંટણી પંચ વતી ખરેખર આ અપીલો કોણે દાખલ કરી હતી?"
અહેવાલમાં જણાવાયું છે કે સંધુએ નોંધ્યું હતું કે તેમને પોતાને, અન્ય ચૂંટણી કમિશનર વિવેક જોશીને કે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્ય ચૂંટણી અધિકારીને પણ "આ અપીલો દાખલ કરવા પાછળનાં કારણો કે તેની પ્રક્રિયા અંગે જાણ કરવામાં આવી નહોતી."
દરમિયાન, 26 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે મતદારોનાં નામ મતદારયાદીમાં સામેલ કરવાના નિર્ણય સામેની 16.10 લાખ અરજીઓ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની (CEO) કચેરી મારફતે દાખલ કરવામાં આવી હતી.
સોગંદનામામાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે CEOની કચેરીના અધિકારીઓને આ અપીલો દાખલ કરવાની સત્તા હતી. પંચે એમ પણ કહ્યું હતું કે આ બાબતો તેની સમક્ષ રજૂ કરવામાં આવી નહોતી.
મતદારયાદીમાં નામ સામેલ કરવાના નિર્ણય સામે ચૂંટણી પંચ દ્વારા જ અપીલો દાખલ કરવામાં આવી હોવાનો અર્થ એ થાય છે કે પશ્ચિમ બંગાળમાં SIRની પ્રક્રિયાને માત્ર લાખો અસંતુષ્ટ લોકો જ પડકારી રહ્યા નથી. જે સંસ્થાએ આ પ્રક્રિયા શરૂ કરી હતી અને દેશભરમાં SIR તથા ચૂંટણીઓની દેખરેખ રાખી રહી છે, તે ચૂંટણી પંચ પણ આ પ્રક્રિયાના પરિણામોને પડકારી રહ્યું છે.

ઇમેજ સ્રોત, BBC/Debalin Roy
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલા લોકોની સ્થિતિ
બીબીસીએ એવા કેટલાક મતદારો સાથે વાત કરી હતી, જેમનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે અને જેમની અપીલોનો ટ્રિબ્યુનલમાં હજુ નિકાલ થયો નથી. જ્યાં સુધી તેઓ સાચા મતદારો હોવાનું સાબિત ન થાય, ત્યાં સુધી તેમની ભારતીય નાગરિકતા સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનો ડર અને આશંકા તેમની વાતોમાં સ્પષ્ટ જણાતાં હતાં.
મતદારયાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું છે એવા ભૂતપૂર્વ વાયુસેના અધિકારી મોહમ્મદ શમીમ અખ્તરે કહ્યું કે જો 17 વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી પણ તેમણે આવી મુશ્કેલીમાંથી પસાર થવું પડતું હોય, તો સામાન્ય વ્યક્તિની સ્થિતિ વિશે પણ વિચારવું જોઈએ.
પશ્ચિમ બંગાળના તાજેતરમાં ચૂંટાયેલા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ 28 સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં કહ્યું હતું, "જેઓ ઘૂસણખોરો છે, જેમનાં નામ SIR દરમિયાન કાઢી નાખવામાં આવ્યાં છે, તેઓ ભારતીય નથી. તેમને રાશન નહીં મળે, વૃદ્ધાવસ્થા પેન્શન નહીં મળે..."
નઝરુલ ઇસ્લામે જણાવ્યું કે તેમની અપીલનો નિકાલ બાકી હોવાથી મતદારયાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું છે. આને કારણે તેમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમના દાવા મુજબ, બેંકે તેમને કહ્યું છે કે હવે તેમને લોન આપી શકાય તેમ નથી, કારણ કે તેમનું નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "હું કોઈ સરકારી કચેરીએ કે રાશનની દુકાને જાઉં, તો તેઓ કહેશે કે અમારું નામ કાઢી નાખવામાં આવ્યું છે. અમારું કોઈ કામ કરી આપતાં પહેલાં લોકો ઘણો ખચકાટ અનુભવે છે. અમારાં નામ કાઢી નાખવામાં આવ્યાં ત્યારથી કોઈ પણ સરકારી કચેરીમાં કામ કરાવવાનો અમારો અનુભવ સરળ રહ્યો નથી."
મતદારયાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલા અને જેમની અપીલનો નિકાલ બાકી છે એવા ફારૂખ હુસેન મોલ્લાએ કહ્યું કે SIRની આ પ્રક્રિયા અને ટ્રિબ્યુનલમાં અનિશ્ચિત સમય સુધી રાહ જોવાને કારણે પોતાને એમ લાગે છે કે ધીમે ધીમે તેમને દેશમાંથી બહાર ધકેલવામાં આવી રહ્યા છે.
મોલ્લાએ કહ્યું, "નાગરિક તરીકે આટલાં વર્ષો સુધી મતદાન કર્યા પછી હવે એવું લાગે છે કે જાણે અમને દેશમાંથી બહાર ધકેલવામાં આવી રહ્યા છે. મને નાગરિક હોવાની લાગણી થતી નથી. આ દેશ પ્રત્યે આટલો પ્રેમ રાખીને હું અહીં રહ્યો છું, પરંતુ આજે એવું લાગે છે કે જાણે અમને દેશવિરોધી ગણાવવામાં આવી રહ્યા છે."
1 ઑક્ટોબરે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 'મતદારયાદીમાં રહી ગયેલા અને યુવા/પ્રથમ વાર મતદાન માટે પાત્ર બનેલા મતદારોની નોંધણી' માટે વિશેષ શિબિરો યોજવાની જાહેરાત કરી હતી.
જોકે, એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને સ્પષ્ટતા કરી હતી કે જેમનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે અને જેમની અપીલો ટ્રિબ્યુનલમાં પડતર છે, તેમને આ શિબિરોમાં નોંધણી માટે મદદ કરવામાં નહીં આવે.
સૂત્રે કહ્યું, "ન્યાયતંત્ર જે પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે, તેમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં."
આ અહેવાલમાં ઉલ્લેખાયેલા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા મેળવવા બીબીસીએ ભારતીય ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો, પરંતુ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નહોતો.
જોકે, 23 સપ્ટેમ્બરની એક પ્રેસનોટમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું, "ECINet જેવાં પંચનાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર અનધિકૃત છેડછાડ, ફેરફાર વગેરે અટકાવવા માટે ડેટાની સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. આઇટી સુરક્ષા તપાસ અને ઑડિટ નિયંત્રણો રાષ્ટ્રીય ડેટાબેઝમાં લાગુ કરવામાં આવતાં સામાન્ય સાયબર સુરક્ષા પગલાં છે. ભારતીય ચૂંટણી પંચ લોકશાહીને આગળ વધારવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સમજીને, સંપૂર્ણ પ્રામાણિકતા સાથે બંધારણીય ફરજો નિભાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























