ચોથા તબક્કામાં આજે કુલ 96 બેઠકો પર થશે મતદાન, ક્યા નેતાઓનું ભવિષ્ય દાવ પર?

લોકસભા ચૂંટણી, મતદાન, બીબીસી ગુજરાતી, ચોથો તબક્કો
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

લોકસભા ચૂંટણી 2024 માટે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 96 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કાના મતદાન સાથે જ કુલ 379 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

ચોથા તબક્કામાં કુલ 1717 ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે.

આ પહેલાં 19 એપ્રિલ, 26 એપ્રિલ અને સાતમી મેના રોજ ત્રણ તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર પ્રથમ ત્રણ તબક્કામાં 2019ની સરખામણીમાં સરેરાશ મતદાન ઓછું થયું છે.

ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 66. 14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં જ મતદાન પૂર્ણ થયું હતું અને સરેરાશ 60 ટકા મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન?

લોકસભા ચૂંટણી, મતદાન, બીબીસી ગુજરાતી, ચોથો તબક્કો

આંધ્રપ્રદેશની કુલ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો એરાકુ, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, અમાલાપુરમ, રાજામુન્દ્રી, નરસાપુરમ, ઇલુરુ, મછલીપટ્ટનમ, વિજયવાડા, ઓનગોલે, નાંદ્યાલ, કુરનૂલ, અનંતપુર, હિન્દુપુર, કડપા, નેલ્લોર, તિરુપતિ, રાજામેટ અને ચિત્તૂર છે.

બિહારની દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાઈ અને મુંગેર એમ કુલ પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

ઝારખંડની ચાર બેઠકો સિંગભૂમ, ખુંટી, લોહારડાગા અને પલામુ તથા મધ્ય પ્રદેશની આઠ બેઠકો દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઇન્દોર, ખરગોન અને ખંડવામાં આજે મતદાન છે.

મહારાષ્ટ્ર માટે આ તબક્કો અતિશય મહત્ત્વનો ગણાય છે જેમાં રાજ્યની કુલ 11 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. આ બેઠકોમાં નંદુરબાર, જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવલ, પુણે, શિરૂર, અહમદનગર, શિરડી અને બીડનો સમાવેશ થાય છે.

ઓડિશાની નબરંગપુર, બેરહામપુર, કોરાપુટ અને કાલાહાંડી બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણી, મતદાન, બીબીસી ગુજરાતી, ચોથો તબક્કો

તેલંગાણાની કુલ 17 બેઠકો પર ચોથા તબક્કામાં એકીસાથે મતદાન થઈ રહ્યું છે. જેમાં આદિલાબાદ, પેડ્ડાપલ્લે, કરીમનગર, નિઝામાબાદ, ઝહીરાબાદ, મેડક, મલ્કાજગિરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, ચેવેલ્લા, મહબુબનગર, નાગરકુનૂલ, નાલગોંડા, ભોંગિર, વારંગલ, મહબુદાબાદ અને ખમ્મમ બેઠકો સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન શાહજહાંપુર, ખેરી, ધૌરાહરા, સીતાપુર, હરદોઈ, મિસરિખ, ઉન્નાવ, ફરૂખાબાદ, ઇટાવા, કન્નૌજ, કાનપુર, અકબરપુર અને બહરાઈચ એમ કુલ 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળની બહરામપુર, કૃષ્ણનગર, રાનાઘાટ, વર્ધમાન પૂર્વ, બર્દવાન-દુર્ગાપુર, આસનસોલ, બોલપુર અને બિરભૂમ એમ આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર બેઠક પર પણ મતદાન ચાલુ છે.

ક્યા ચહેરાઓ પર રહેશે લોકોની નજર?

લોકસભા ચૂંટણી, મતદાન, બીબીસી ગુજરાતી, ચોથો તબક્કો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અસદુદ્દીન ઓવૈસી

તેલંગણાની હૈદરાબાદ બેઠકથી એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપે માધવી લતાને મેદાનમાં ઉતાર્યાં છે. અસદુદ્દીન ઓવૈસી અહીંથી ચાર વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. ગત ચૂંટણીમાં તેમણે અહીંથી 2.82 લાખ મતે વિજય મેળવ્યો હતો. આ વખતે માધવી લતા સામે ચૂંટણીપ્રચાર દરમિયાન તેમનું વાકયુદ્ધ સતત ચર્ચામાં રહ્યું છે.

અખિલેશ યાદવ

2024ના ચૂંટણીજંગમાં છેક છેલ્લી ઘડીએ દાવેદારી કરનાર સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

આ બેઠક તેમની પરંપરાગત બેઠક ગણાય છે. અહીંથી 1999માં મુલાયમસિંહ યાદવ, 2000, 2004 અને 2009માં અખિલેશ યાદવ તથા 2012 અને 2014માં તેમનાં પત્ની ડિમ્પલ યાદવ ચૂંટાયાં હતાં. જોકે, 2019માં અહીં ભાજપના સુબ્રત પાઠકે ડિમ્પલ યાદવને 12353 મતે હરાવી દીધા હતા. હવે ફરીવાર અખિલેશ યાદવનો મુકાબલો સુબ્રત પાઠક સામે છે.

અજય મિશ્ર ટેની

ખેડૂતોને કચડી નાખવાના ગંભીર આરોપો જેમના પુત્ર પર છે એવા અજય મિશ્ર ટેનીને ભાજપે ફરીથી ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીથી ટિકિટ આપી છે. તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્મા સામે છે. વર્ષ 2014 અને 2019માં અજય મિશ્ર ટેની અહીંથી વિજયી બન્યા હતા. 2019માં તેમનો 2.18 લાખ મતે વિજય થયો હતો.

મહુઆ મોઈત્રા

પોતાના ભાષણોથી સંસદ ગજવનાર અને અદાણી મામલે ‘પૈસા લઈને પ્રશ્ન પૂછવાનો આરોપ’ જેમના પર ભાજપે લગાવ્યો છે એવા તૃણમૂલ કૉંગ્રેસનાં ‘ફાયરબ્રાન્ડ’ મહિલા નેતા મહુઆ મોઈત્રાને ફરીથી પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તેમની સામે ભાજપે રાજવી પરિવારના રાજમાતા અમૃતા રોયને ચૂંટણીજંગમાં ઉતારતાં લડાઈ રસપ્રદ બની છે. 2019માં મહુઆ મોઈત્રાનો આ બેઠક પરથી 63218 મતોથી વિજય થયો હતો.

લોકસભા ચૂંટણી, મતદાન, બીબીસી ગુજરાતી, ચોથો તબક્કો

યુસુફ પઠાણ

મૂળ ગુજરાતી ક્રિકેટર એવા યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની બહરામપુર બેઠક પરથી તૃણમૂલ કૉંગ્રેસે ટિકિટ આપી છે. બહરામપુર બેઠક એ કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીનો ગઢ ગણાય છે. અધીર રંજન ચૌધરી સતત 1999થી અહીંના સાંસદ છે. 2019માં તેમણે તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર અપૂર્વ સરકારને 80 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવ્યા હતા. અહીંથી યુસુફ પઠાણને ટિકિટ મળતા બંને વચ્ચે ખરાખરીનો જંગ થવાના આસાર છે.

ગિરિરાજ સિંહ

બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને ફરી એક વાર ટિકિટ આપી છે. 2019માં ગિરિરાજસિંહે અહીંથી કનૈયાયાકુમારને 4.22 લાખ મતોથી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વખતે તેમનો મુકાબલો સીપીઆઈના અવઘેશકુમાર રાય સામે છે. અવધેશકુમાર રાય 1990થી 2000 દરમિયાન બછવારાથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા છે.

શત્રુધ્ન સિંહા

પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક શત્રુઘ્ન સિંહાને કારણે ચર્ચામાં છે. તેમને પણ તૃણમૂલ કૉંગ્રેસે ટિકિટ આપી છે. તેમનો મુકાબલો ભાજપના એસએસ આહલુવાલિયા સામે છે. આ બેઠક પર શત્રુઘ્ન સિંહા 2022ની પેટાચૂંટણીમાં જીત્યા હતા. શત્રુઘ્ન સિંહા લાંબો સમય ભાજપમાં રહ્યા છે અને 2009 તથા 2014માં તેઓ બિહારની પટણાસાહિબ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.

વાય. એસ. શર્મિલા

આંધ્ર પ્રદેશની કડપ્પા બેઠક કૉંગ્રેસ નેતા વાય.એસ.શર્મિલાને કારણે રસપ્રદ બની છે. તેઓ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડીનાં બહેન છે અને વાયએસઆર કૉંગ્રેસ સામે જ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં જ કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો અને તેઓ આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસનો ચહેરો બનીને સામે આવ્યા છે.