દેવભૂમિ દ્વારકા: મગફળીનો પાક કાચો સુકાઈ ગયો, તેનો "કડવો" ચારો પશુઓ માટે ઝેર સાબિત થશે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 ઑક્ટોબરે એક જાહેરાત કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને વિધિવત રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, તેના બીજા દિવસે અશ્વિનભાઈ ગોવિંદ ચાવડા નામના ખેડૂત અને તેમનો પરિવાર ભાગિયા તરીકે વાવવા રાખેલી 5 વીઘા જમીનમાં વાવેલા મગફળીના પાકની મોસમ લઈ રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામના અશ્વિનભાઈ ટ્રેક્ટરમાં જોડેલી રાંપની મદદથી જમીનમાંથી મગફળીના છોડને કાપી રહ્યા હતા અને તેમના પરિવારના સભ્યો પાછળ-પાછળ ચાલીને તે છોડના પાથરા કરી રહ્યા હતા.
સામાન્ય રીતે મોસમ લેવાનો સમય ખેડૂતો માટે થકવી નાખનારો છતાં આનંદદાયક હોય છે. પરંતુ 27 વર્ષના અશ્વિનભાઈનો મૂડ અલગ લાગતો હતો. જેમાંથી સિંગદાણા નીકળે છે તેને ખેડૂતો પોપટા, ડોડવા, ડેડવા, ખોખા વગેરે નામોથી ઓળખે છે. આવા પોપટા મગફળીના છોડના થડની આજુબાજુ જમીનમાં થાય છે અને છોડને જમીનમાંથી ખેંચતાં થડની આજુબાજુ ઘૂઘરા આકારે દેખાય છે. પરંતુ અશ્વિનભાઈની મગફળી અલગ દેખાતી હતી. તેના છોડમાં આવા કોઈ પોપટા દેખાતા નહોતા.
બીબીસી સાથે વાત કરતાં અશ્વિનભાઈએ પોપટા વગરના છોડ હાથમાં લઈને કટાક્ષમાં કહ્યું, "પાક બહુ સારો દેખાય છે. આ ડેડવા જુઓ એમાં તમે. ફાલ નામી છે. બધું સારું, બહુ સારું. લાગે છે કે વીઘે 40-40 મણ ઉપર થશે."
અશ્વિનભાઈના કટાક્ષભર્યા શબ્દો સાંભળીને આડોશ-પાડોશમાંથી આવેલા અન્ય ખેડૂતો હસી પડ્યા. પછી થોડા ગંભીર અવાજમાં અશ્વિનભાઈએ ઉમેર્યું, "વરસાદ નથી આવ્યો એટલે ડેડવા થયા જ નથી. મારે નહીં, આખા ગામમાં કોઈને નથી થયા. વીઘે 40 મણ ડૂચો (મગફળીનાં પાંદડાં, ડાળખીઓ અને મૂળનો ભૂકો જે પશુ માટે ઉત્તમ ચારો ગણાય છે) થાય તોય સારું. પણ એ પણ નહીં થાય."
ચારાની તંગી વચ્ચે મગફળીના પાલા વિષે ખેડૂતોને શું ચિંતા છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જમીનમાંથી મગફળીના છોડને ખેંચ્યા બાદ ખેડૂતો તેના પાથરા કરે છે. પાથરાને 5થી 7 દિવસ સુધી તડકામાં સુકાવા દે છે અને ત્યારબાદ તેને થ્રેશર (હલર)માં ઓરીને મગફળીના પોપટા અને પાલો છૂટા પાડે છે. આ પાલો પશુઓના ચારા તરીકે કામ આવે છે.
આહીર સિંહણ ગામ સિંહણ નદીને કાંઠે આવેલું છે. પરંતુ આ વર્ષે વરસાદના અભાવે નદીમાં એકેય વાર પાણી આવ્યું નથી, તેમ ખેડૂતો જણાવે છે. પરિણામે, આ ગામના મોટા ભાગના ખેડૂતો તેમના ચોમાસું પાકોને પિયત આપી શક્યા નહીં. તેથી, મગફળીના પોપટા ન થતાં પાક લગભગ નિષ્ફળ ગયો છે. પરંતુ મગફળી ઓછા વરસાદ અને વાયરાની સ્થિતિને પણ ખમી જનારો પાક હોવાથી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડ તાલુકાઓમાં જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, તેમને મગફળીના થોડા-ઘણા પાલાનું ઉત્પાદન મળી શકે તેવી શક્યતા છે.
અશ્વિનભાઈ પાસે 22 વીઘા પોતાની જમીન છે અને તેમાં પણ તેમણે મગફળીનું વાવેતર કર્યું હતું. તે ઉપરાંત આ વર્ષે 5 વીઘા જમીન ભાગમાં વાવવા રાખી છે. ભાગમાં રાખેલી જમીનમાંથી મળનારા ઉત્પાદનમાંથી તેમને 33 ટકા ભાગ મળવાનો છે. અશ્વિનભાઈ ખેતી સાથે પશુપાલન કરે છે. તેમને કુલ 6 ભેંસો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે મગફળી ખેંચતી વખતે જમીનમાલિક વજશીભાઈ ચાવડા અશ્વિનભાઈને સૂચના આપ્યા કરતા હતા કે ટ્રેક્ટર હાંક્યા બાદ છોડના પાથરા તુરંત કરી લેવા. અશ્વિનભાઈ કહે છે કે તેઓ પણ આ વર્ષે પાલાની કિંમત સમજે છે.
પરંતુ તેઓ ઉમેરે છે, "7મા મહિનાની 25 તારીખે મેં આમાં વાવેતર કર્યું હતું. આજથી ત્રણેક મહિના પહેલાં વાવેતર કર્યું હતું. પરંતુ બોર કે કૂવામાં પાણી નથી એટલે પિયત આપી શક્યો નહીં અને મગફળી સુકાઈ રહી છે. તેથી મગફળી કાચી હોવા છતાં હું તેને ઉપાડી રહ્યો છું. આ છોડવા માલેય (પશુ) ખાતા નથી. આ કડવા છે, ઝેર જેવા છે. આ માલને નાખીએ તો માલેય અડતા નથી."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવી જ ચિંતા આહીર સિંહણ ગામથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા લાલપરડા ગામનાં ખેડૂત અમીશાબહેન કરમુરને છે.
બીબીસીએ આ ગામની 27મી તારીખે મુલાકાત લીધી ત્યારે અમીશાબહેન, તેમના પતિ રમેશભાઈ અને પરિવારના અન્ય સભ્યો તેમની મગફળીના પાથરા થ્રેશરમાં ઓરી રહ્યાં હતાં. તેમાંથી થોડા-થોડા પોપટા છૂટા પડીને એક નાનો ઢગલો થયો હતો, જ્યારે પાલાનો ઢગલો પ્રમાણમાં મોટો હતો.
મગફળીના સુકાઈ ગયેલા કેટલાક છોડ અમીશાબહેને ભેંસો અને ગાયને નીર્યા, પરંતુ કોઈ પશુએ તેને ખાધા નહીં. અમીશાબહેને ફરિયાદ કરી, "આ મગફળી કાચી જ સુકાઈ ગઈ છે અને તેથી પાલો કડવો છે. તેમાંથી બિયારણને આપેલા પટની વાસ આવતી હોય તેવું લાગે છે. તેથી આને કોઈ ખાતું નથી."
રમેશભાઈના પિતા સવાભાઈ કરમુર કહે છે કે, તેઓ 60 વીઘામાં ખેતી કરે છે અને લગભગ બધી જમીનમાં મગફળી વાવે છે. "પરંતુ આ વર્ષે ડૂચો (પાલો) પણ અડધો જ થાય તેવું લાગે છે, કારણ કે વરસાદ થયો નહીં અને કૂવામાં પાણી નહોતું," સવાભાઈ કહે છે.
રમેશભાઈ કહે છે કે, સારા વર્ષે તેમને પ્રતિ વીઘે 20 મણ મગફળીનું ઉત્પાદન મળે છે. "પરંતુ આ વર્ષે વીઘે 2 મણનું ઉત્પાદન મળે તોય સારું. સરકારે ખેડૂતોને હૅક્ટરરર દીઠ રૂપિયા 8500ની સહાય જાહેર કરી છે. પરંતુ અમારે તો વીઘે આશરે 6000નો ખર્ચ થયો છે. બિયારણ, ખાતર અને વાવવાની મજૂરી પાછળ હેક્ટર દીઠ આશરે 40,000નું રોકાણ થઈ ગયું હતું. 8500ની સહાયથી બિયારણના પૈસા પણ ન થાય અને આ ચારો પણ કડવો લાગે છે, તેથી ઢોરની ચિંતા મોટી છે," રમેશભાઈ કહે છે.
કાચી સુકાઈ ગયેલ મગફળીનો પાલો ઝેરી હોય?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
દેવભૂમિ દ્વારકાના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે, તેમની મગફળી કાચી હતી ત્યારે જ સુકાઈ જવાથી તેનો પાલો ગાયો-ભેંસો ખાઈ રહી નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે, આવો પાલો ઝેરી હોવાની શક્યતા નહિવત્ છે.
કામધેનુ યુનિવર્સિટીની જૂનાગઢમાં આવેલી પશુપાલન અને પશુપાલન વિજ્ઞાન કૉલેજના પશુપોષણ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. એમ. એમ. પવારે બીબીસીને જણાવ્યું, "મગફળીના પાલામાં પોષકદ્રવ્યોનું પ્રમાણ ખૂબ સારું હોય છે, તેથી આ એક ઉત્તમ ચારો છે. તેમાં આશરે 16 ટકા જેટલું પ્રોટીન ઉપરાંત કાર્બોદિત પદાર્થો અને અન્ય પોષકતત્ત્વો હોય છે. આમ તો આ છોડમાં કોઈ ઝેરી રસાયણો હોતા નથી. પરંતુ જો ખેડૂતોને શંકા હોય, તો ફૂગ દ્વારા પેદા કરાતા માઇકોટૉક્સિન્સ પ્રકારના ઝેરની હાજરી અને પ્રમાણ જાણવા ચારાનો લૅબોરેટરી ટેસ્ટ થઈ શકે છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની આણંદમાં આવેલી લૅબોરેટરીમાં આવા ટેસ્ટ કરાવી શકાય છે."
આ જ ડિપાર્ટમેન્ટના અન્ય એક ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. કલ્પેશ સોરઠિયા કહે છે, "મગફળીના છોડ નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે તત્ત્વોનું શોષણ કરી તેને પશુઓ માટે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ (કાર્બોદિત પદાર્થો), રેસા અને અન્ય પોષકદ્રવ્યોમાં રૂપાંતરિત કરે છે. પરંતુ જો મગફળીનો છોડ કાચો સુકાઈ ગયો હોય, તો તેવા છોડના પાલાનો સ્વાદ કડવો હોઈ શકે છે."
પરંતુ ડૉ. પવાર કહે છે કે, જો મગફળીનો પાલો આ વર્ષે કડવો હોય તો પણ તેનો ઉપાય થઈ શકે છે. તેઓ કહે છે, "પશુપાલકો સામાન્ય રીતે મગફળીના પાલા સાથે અન્ય ચારો ભેળવીને પશુઓને આપતા હોય છે. જો આ વર્ષે મગફળીના પાલાનો સ્વાદ કડવો હોય, તો તે મિશ્રણના પ્રમાણમાં ફેરફાર કરીને પશુઓને આપવામાં આવે તો પશુઓ તેને ખાય તેવી શક્યતા વધારે છે."
દ્વારકા જિલ્લામાં ઘાસચારાના ભાવ કેવા છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરની ભાગોળે રહેતા અને આશરે 50 ભેંસો પાળીને આજીવિકા રળતા માવલભાઈ ઘોડા નામના માલધારી કહે છે કે, તેમના જિલ્લા ઉપરાંત પાડોશના જામનગર અને પોરબંદરમાં પણ દુષ્કાળ પડતાં ઘાસ-ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
બીબીસી સાથે વાત કરતાં માવલભાઈ કહે છે, "માંડવી (મગફળી)ના પાલાનો ભાવ અત્યારે 300 રૂપિયા (પ્રતિ મણ) થઈ ગયો છે. સારા વર્ષે તે 100 રૂપિયાની અંદર હોય. તે જ રીતે જુવારની કડબનો ભાવ સામાન્ય રીતે 150 રૂપિયા હોય, પણ આ વર્ષે તે 400એ પહોંચી ગયો છે. લીલી જુવારનો ભાવ પણ સામાન્ય રીતે 70થી 80 રૂપિયા હોય, પરંતુ અત્યારે તે 130 રૂપિયા થઈ ગયો છે અને આ ભાવે પણ ચારો મળતો નથી."
ભાણવડ તાલુકાના રેટા ખંભાળિયા ગામના ખેડૂત દેવાણંદભાઈ નંદાણિયા 60 વીઘામાં ખેતી કરે છે અને 60 ગાયો-ભેંસો રાખીને સાથે-સાથે પશુપાલન પણ કરે છે. તેમની વાડીએ પણ 27 ઑક્ટોબરના રોજ મગફળીનું થ્રેશિંગ ચાલી રહ્યું હતું. પાલાના ઢગલા તરફ આંગળી ચીંધતાં તેઓ કહે છે, "સારા વર્ષે મારે આવડો ઢગલો તો મગફળીનો થાય. પરંતુ આ વર્ષે ચારોય પૂરતો નથી થયો. સારા વર્ષે વીઘા દીઠ સરેરાશ 20 મણ મગફળી અને 7થી 8 મણ ડૂચાનું ઉત્પાદન મળે. પરંતુ આ વર્ષે ડૂચાનું ઉત્પાદન 25 ટકા જેટલું જ મળ્યું છે."
ઘાસ-ચારાની તંગીની ફરિયાદો વચ્ચે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 ઑક્ટોબરે જણાવ્યું હતું કે, સરકારે 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે 1 કરોડ કિલોગ્રામ એટલે કે 5 લાખ મણ ઘાસ માલધારીઓ અને પશુપાલકોને પૂરું પાડ્યું છે અને સરકાર પાસે હજુ 3 કરોડ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે તથા જરૂરવાળા વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવશે.
દ્વારકા તાલુકા મામલતદાર કચેરીએથી બીબીસીને મળેલી માહિતી અનુસાર દ્વારકા તાલુકામાં સરકારે 6,952 પશુપાલકોને ઘાસકાર્ડ કાઢી આપ્યાં છે અને 28 ઑક્ટોબર સુધીમાં તે કાર્ડને આધારે કાર્ડધારકોને 10.22 લાખ કિલો એટલે કે 51,130 મણ ઘાસ રાહત દરે પૂરું પાડવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.
























