તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.

મને મુખ્ય વેબસાઇટ પર લઈ જાઓ

જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે અમદાવાદમાં પણ અટકાયત, પ્રદર્શનો અંગે રાહુલે શું કહ્યું?

આજે દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટીએ વિરોધપ્રદર્શનનું ઍલાન આપ્યું છે. તેઓ ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિરોધપ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સારાંશ

  • .દિલ્હીના જંતર-મંતર પર આજે કૉક્રોચ જનતા પાર્ટીએ વિરોધપ્રદર્શનનું એલાન આપ્યું છે.
  • મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ તથા ચૂંટણીપ્રક્રિયામાં અનેક સુધારા અંગે આ વિરોધપ્રદર્શનનું આયોજન થયું છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લીધા છે
  • દિલ્હીમાં જંતર-મંતરની આસપાસના અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

લાઇવ કવરેજ

અપૂર્વ અમીન

  1. સીજેપીના પ્રદર્શનના સમર્થનમાં અમદાવાદમાં પણ પ્રદર્શન યોજાયું, પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી

      • લેેખક, Tejas Vaidya
      • પદ, BBC Gujarati

    દિલ્હીમાં જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે પ્રદર્શન યોજવાના કૉકરોચ જનતા પાર્ટીના આહ્વાન બાદ ગુજરાતના અમદાવાદમાં આશ્રમ રોડ પર એક વિરોધપ્રદર્શનનું આયોજન કરાયું હતું.

    આ વિરોધપ્રદર્શનમાં યુવાનો સહિત ઘણા પ્રદર્શનકારીઓએ ભાગ લીધો હતો. પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓના હાથમાં 'જ્ઞાનેશકુમારના રાજીનામા'ની માગ કરતાં પોસ્ટરો જોવા મળ્યાં હતાં.

    'જ્ઞાનેશકુમાર રાજીનામું આપો' અને 'એસઆઇઆર રદ કરો'ના નારા સાથે પ્રદર્શન કરી રહેલા ઘણા પ્રદર્શનકારીઓની સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ અટકાયત કરી હતી.

    નોંધનીય છે કે પ્રદર્શનને પગલે આ સ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ પહેલાંથી જ તહેનાત કરાયા હતા. સ્થળ પર પોલીસ ઘણા કિસ્સામાં 'ખેંચાખેંચી અને ટીંગાટોળી' કરીને પ્રદર્શનકારીઓની અટકાયત કરતી જોવા મળી હતી.

  2. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયત

    તુષાર ગાંધીએ જંતર-મંતર સાથે એકતા દર્શાવવા માટે ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં બપોરે 3.30 વાગ્યે એકઠા થવાનું આમંત્રણ આપ્યું હતું. પોલીસે કહ્યું કે એએસઆઈની માલિકીના મેદાનમાં વિરોધપ્રદર્શન પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને ટાંકીને તેમને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

    મુંબઈ પોલીસે શનિવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને 'હમ ભારત કે લોગ'ના પ્રમુખ તુષાર ગાંધીને તેમના સાથીદારો સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે બપોરે 3.30 વાગ્યે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનના સમર્થનમાં ઑગસ્ટ ક્રાંતિ મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી હતી.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગાંધીને બાંદ્રાથી ઉપાડીને ડીએન નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

    એક્સ પર ગાંધીએ દાવો કર્યો હતો કે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. પોલીસે તેમની ધરપકડ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમને ફક્ત અટકાયતમાં લેવામાં આવ્યા છે.

  3. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેલા રાહુલ ગાંધીએ તેમના વીડિયો સંદેશમાં શું કહ્યું?

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનના આહ્વાન બાદ અભિજિત દિપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અનેક વિપક્ષી નેતાઓ સહિત સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી છે.

    જંતર-મંતરની આસપાસના વિસ્તારોમાં પ્રવેશ પર નિષેધ લાગુ છે અને પોલીસ અને અન્ય અર્ધલશ્કરી દળોને મોટા પાયે તહેનાત કરવામાં આવ્યા છે.

    કેટલાક વિસ્તારોમાં હિંસાના અહેવાલો પણ છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ નિવેદન આવ્યું નથી.

    આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને આ વિરોધપ્રદર્શનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે .

    તેમણે કહ્યું, "હું એક દાયકાથી વધુ સમયથી નરેન્દ્ર મોદી, આરએસએસ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે લડી રહ્યો છું. હું મારા વિરોધીઓને જે રીતે કોઈ પોતાના હરીફને સમજે છે તે રીતે સમજું છું. હું તેમને અંદરથી જાણું છું, હું તેમની દરેક ચાલથી વાકેફ છું. આ લોકોની સૌથી મોટી ઓળખ કાયરતા છે."

    "આ કહાણીના ખલનાયકો નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, જ્ઞાનેશ કુમાર, અજિત ડોભાલ હવે ધીમે ધીમે ઘેરાઈ રહ્યા છે. તેમની આસપાસનું વર્તુળ સંકોચાઈ રહ્યું છે."

    પ્રદર્શનકારીની સામૂહિક અટકાયત અંગે, તેમણે કહ્યું, "તમે જે ઇચ્છો તે કરો. તમે ઇચ્છો તેટલી પોલીસ બોલાવો – 10 હજાર, 20 હજાર, 50 હજાર. બધા નેતાઓની ધરપકડ કરો. બધા યુવાનોની ધરપકડ કરો. બધાની ધરપકડ કરો. ગભરાશો નહીં - અમે તમને ચારે બાજુથી ઘેરી રહ્યા છીએ, અને અમે પાછળ હટવાના નથી."

    "મારા શબ્દો યાદ રાખો, અમારી પાસે પહેલાથી જ જરૂરી માહિતી છે. અમે અમારા બંધારણનું રક્ષણ કરીશું. અમે ભારતના લોકોના અવાજનું રક્ષણ કરીશું. અને અમે ખાતરી કરીશું કે છેલ્લાં 10-15 વર્ષોમાં ભારત સાથે જે બન્યું છે તે કોઈપણ સંજોગોમાં ફરી ક્યારેય ન બને."

    તેમણે કહ્યું, "ભારતના યુવાનો, મને તમારા પર ગર્વ છે. તમારો વિરોધ ચાલુ રાખો. અમે તમારી સાથે છીએ. અમે ખાતરી કરીશું કે આ સરકાર અને આપણા બંધારણ પર હુમલો કરનારાઓને હરાવવામાં આવે."

  4. સોનમ વાંગચુકે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, ભૂખ હડતાળ પર જવાની ચીમકી

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં સરકાર પાસે અટકાયત કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી.

    તેમણે વીડિયોમાં કહ્યું , "જ્યારે હું થોડા સમય પહેલા પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે આજે દિલ્હીમાં વિદ્યાર્થી નેતાઓ, યુવા નેતાઓ, વકીલો, પત્રકારો, અને સાંસદોની પણ ઘણી ધરપકડ કરવામાં આવી છે."

    તેમણે કહ્યું, "ગઈકાલે તેઓ વિચારતા હતા કે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે. પરંતુ હવે એવું લાગે છે કે જાણે દેશભરમાં અઘોષિત કટોકટી લાદવામાં આવી છે."

    તેમણે સરકારને કહ્યું, "જો આગામી 24 કલાકમાં ધરપકડો હટાવવામાં નહીં આવે, તો મને પણ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન પર વિચાર કરવાની ફરજ પડશે."

    તેમણે કહ્યું કે તેઓ ધરણા, ઉપવાસ કે પદયાત્રા જેવું કંઈ પણ કરી શકે છે અને તે દિલ્હી કે લેહમાં ગમે ત્યાં થઈ શકે છે.

  5. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને વકીલોની તેમના ચેમ્બરમાંથી અટકાયતની ટીકા કરી છે.

    સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિએશનના અધ્યક્ષ પ્રદીપ રાયે એક્સ પર સુપ્રીમ કોર્ટના વકીલોની અટકાયતની ટીકા કરતી પોસ્ટ કરી છે.

    તેમણે એક્સ પર પોસ્ટ કર્યું, "સુપ્રીમ કોર્ટના વકીલોની તેમના ચેમ્બરમાંથી અટકાયત અત્યંત ચિંતાજનક અને પરેશાન કરનારી છે. અમે આ મામલો તાત્કાલિક ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ઉઠાવી રહ્યા છીએ."

    તેમણે કહ્યું કે વકીલોની અટકાયત અને તેમને ડરાવવાના પ્રયાસો કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

    પ્રદીપ રાયે અટકાયતમાં લેવાયેલા તમામ વકીલોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી.

    દિલ્હીમાં વિરોધપ્રદર્શનો વચ્ચે, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટ નજીક ઘણા વકીલોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોમાં સુપ્રીમ કોર્ટના ઍડવોકેટ-ઑન-રેકોર્ડ (એઓઆર) સુમિતા હજારિકાનો પણ સમાવેશ થાય છે.

  6. જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વિશે સીજેપીએ તેમના તાજેતરના વીડિયોમાં શું કહ્યું?

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) એ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેના સમર્થકોને જંતર-મંતર પહોંચવાની અપીલ કરવામાં આવી છે.

    વીડિયોમાં, સીજેપીના નવા નામાંકિત નેતા અજિંક્ય શિંદેએ કહ્યું , "જો દિલ્હી પોલીસ તમને રોકવાનો પ્રયાસ કરશે, તો જે જગ્યાએ તમને રોકવામાં આવશે તે જગ્યા જ તમારી જંતર મંતર બની જશે."

    આ અપીલ સામાજિક કાર્યકર્તા નેહા બોરાની અપીલ બાદ આવી છે જેમાં તેમણે લોકોને જ્યાં પણ રોકવામાં આવે ત્યાં વિરોધ કરવાનું કહ્યું હતું.

    આવી સ્થિતિમાં, એવી શક્યતા છે કે જંતર-મંતર પર મોટા પ્રદર્શનને બદલે, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી શકે છે.

    પોલીસ કાર્યવાહી વચ્ચે, સીજેપીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદે જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે.

    દિલ્હી પોલીસે સીજેપીના સ્થાપક અભિજિત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા સાથે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર ઊતરે તે પહેલાં જ તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ, સીજેપીએ અજિંક્ય શિંદેને વિરોધપ્રદર્શનની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો.

  7. બ્રેકિંગ, દિલ્હી પોલીસે મમતા બેનરજીની અટકાયત કરી

    તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના પ્રવક્તા સાકેત ગોખલેએ એક્સ પર પોસ્ટ કર્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

    તેમણે લખ્યું, "મમતા દીદી સહિત અમે પાંચ લોકોને દિલ્હી પોલીસ અને સીઆરપીએફ દ્વારા દીદીના નિવાસસ્થાનની બહારથી અટકાયતમાં લેવામાં આવ્યાં છે અને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યાં છે. અમને કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યાં છે. આ ભારતમાં લોકશાહીનું મૃત્યુ છે."

    દરમિયાન પીટીઆઈ અનુસાર, ટીએમસીના વડા મમતા બેનરજી અને અન્ય પક્ષના નેતાઓએ સાઉથ ઍવન્યુ પરના બસ સ્ટેન્ડ પર વિરોધપ્રદર્શન કર્યું, ત્યારબાદ દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી. દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની પણ અટકાયત કરી છે.

  8. જંતર-મંતર વિરોધ: ગુરુદ્વારા બંગલા સાહિબ પાસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જનો આરોપ

    શનિવારે, પોલીસે ગુરુદ્વારા બંગલા સાહિબથી જંતર-મંતર સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી.

    પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો અને ઘણા લોકોને બસોમાં બેસાડીને અટકાયતમાં લીધા. પ્રદર્શનકારીઓના જણાવ્યા મુજબ, શુક્રવારે દિલ્હી પહોંચેલા ઘણા લોકો ગુરુદ્વારા બંગલા સાહિબમાં રોકાયા હતા.

    ત્યાં હાજર લોકોનો દાવો છે કે શનિવારે સવાર સુધીમાં લગભગ 600 પ્રદર્શનકારીઓ ગુરુદ્વારામાં હાજર હતા, જેમાંથી આશરે 300 લોકોની પોલીસે અટકાયત કરી હતી.

    હૈદરાબાદના સોફ્ટવેર એન્જિનિયર અજય જિંગાડેએ આરોપ લગાવ્યો કે સવારથી જ વિરોધીઓ જંતર-મંતર તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભારે પોલીસ કાફલો તેમને આગળ વધવા દેતો નહોતો.

    તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

    દરમિયાન, આંધ્રપ્રદેશના વારંગલથી આવેલા સીજેપી સભ્ય ચેતન પ્રમોદે આરોપ લગાવ્યો કે પોલીસ ગેટ નંબર 3માંથી પ્રવેશ કરીને ગુરુદ્વારામાંથી પ્રદર્શનકારીઓને બળજબરીથી દૂર કરી રહી હતી.

    તેમણે કહ્યું કે શાંતિથી બેઠેલા લોકોને પણ અટકાયતમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  9. બ્રેકિંગ, પોલીસે અરવિંદ કેજરીવાલની અટકાયત કરી

    આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

    અરવિંદ કેજરીવાલ તેમના પક્ષના નેતાઓ સાથે જંતર-મંતર તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની પણ અટકાયત કરી.

    વીડિયોમાં પોલીસ તેમને લઈ જતી જોવા મળે છે.

    સૌરભ ભારદ્વાજે એક્સ પર લખ્યું , "બેશરમ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સાથે દુર્વ્યવહાર કર્યો."

    વીડિયોમાં કેજરીવાલ સાથે રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ જોવા મળી રહ્યા છે.

  10. નેહા બોરા જંતર-મંતરને બદલે દિલ્હી હાટ પહોંચ્યાં, પોલીસે કરી અટકાયત

    ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન (AISA)નાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાની પોલીસે અટકાયત કરી છે.

    બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ આપેલી જાણકારી પ્રમાણે, નેહા બોરા ઉપરાંત તેમની સાથે યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, દીપાંકર ભટ્ટાચાર્યને સફદરગંજ ફ્લાયઓવર પાસેથી પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યાં હતાં. અગાઉ નેહાએ પ્રદર્શનકારીઓને જંતર-મંતરની જગ્યાએ દિલ્હી હાટમાં ભેગા થવા અપીલ કરી હતી.

    નેહા બોરાએ આ અપીલ એવા સમયે કરી હતી જ્યારે કૉક્રોચ જનતા પાર્ટીના ટોચના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

    નેહા બોરાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું, "આજે દિલ્હી હાટ જંતર-મંતર બની ગયું છે! ત્યાં મળીશું!" હકીકતમાં, શનિવારે પ્રદર્શન દરમિયાન, નેહા બોરા ક્યાં હતાં તે અંગે સતત માહિતી માંગવામાં આવી રહી હતી?"

    નેહા બોરાની આ ઍક્સ પોસ્ટ પછી, એવું માનવામાં આવી રહ્યું છે કે તે દિલ્હી હાટમાં વિરોધ પ્રદર્શન કરશે. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી.

    બીજી તરફ, ડાબેરી પક્ષો સાથે જોડાયેલાં વિદ્યાર્થી સંગઠનોએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મુખ્યાલયની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું.

  11. અભિજિત દીપકેની અટકાયત બાદ તેમનાં માતાપિતાએ શું કહ્યું?

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજીપી)ના સ્થાપક અભિજિત દિપકેને પોલીસે કસ્ટડીમાં લીધા છે, ત્યારબાદ તેમનાં માતાપિતાનું નિવેદન સામે આવ્યું છે. અભિજિતના પિતા ભગવાન દીપકેએ કહ્યું, "મને ઇન્દિરા ગાંધી વિશે વધારે ખબર નથી, પણ મને એટલું ખબર છે કે તેમના કાર્યકાળ દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી, છતાં તેઓ સત્તામાં પાછા ફર્યાં."

    હકીકતમાં, અભિજિત દીપકેએ ધરપકડ સમયે કહ્યું હતું કે, આવી ઘટનાઓ ઇન્દિરા ગાંધીના સમયમાં પણ બની ન હતી. આ દરમિયાન, અભિજિત દીપકનાં માતા અનિતા દીપકેએ કહ્યું કે તેમના પુત્ર સાથે જે થઈ રહ્યું છે તેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું, "અભિજિત દેશ માટે સારું કામ કરી રહ્યા છે અને સરકાર ખોટું કરી રહી છે."

  12. સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોની પણ અટકાયત, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે તેમને મુક્ત કરવા કહ્યું

    દિલ્હીમાં વિરોધપ્રદર્શનો વચ્ચે, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટ નજીક ઘણા વકીલોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોમાં સુપ્રીમ કોર્ટનાં ઍડ્વોકેટ-ઑન-રેકૉર્ડ (એઓઆર) સુમિતા હજારિકાનો પણ સમાવેશ થાય છે.

    વકીલોમાં પ્રસારિત સંદેશાઓનો ઉલ્લેખ કરીને, બાર ઍન્ડ બેન્ચે અહેવાલ આપ્યો કે, સુપ્રીમ કોર્ટની અંદર અને તેની આસપાસ અને વકીલોના ચેમ્બરની નજીક ઓછામાં ઓછા ચાર વકીલોની અટકાયત કરવામાં આવી હતી. આમાં બે ઍડ્વોકેટ-ઑન-રેકૉર્ડનો સમાવેશ થાય છે. પોલીસ તે બધાને પોલીસ વાહનમાં લઈ ગઈ હોવાનું કહેવાય છે.

    અટકાયતમાં લેવાયેલા એક વકીલે આરોપ લગાવ્યો કે, પોલીસે તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેની માહિતી આપી ન હતી.

    દરમિયાન, વકીલો દ્વારા શૅર કરાયેલા ફોટામાં ત્રણ મહિલાઓ પોલીસ વાહનની અંદર બેઠેલાં જોવા મળે છે, તેમની સાથે ગણવેશધારી પોલીસ અધિકારીઓ પણ છે.

    વકીલોમાં ફરતા અન્ય સંદેશાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લગભગ 100 વકીલોની અટકાયત કરવામાં આવી છે અને તેમને યમુના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા છે. જોકે, અટકાયત કરાયેલા વકીલોની કુલ સંખ્યા અને પોલીસ કાર્યવાહીનાં કારણોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

    લાઇવ લૉ અનુસાર , સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિએશને ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ, સીજેઆઈએ સંબંધિત અધિકારીઓને અટકાયતમાં લેવાયેલા વકીલોને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  13. સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોની પણ અટકાયત, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે તેમને મુક્ત કરવા કહ્યું

    દિલ્હીમાં વિરોધપ્રદર્શનો વચ્ચે, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટ નજીક ઘણા વકીલોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોમાં સુપ્રીમ કોર્ટનાં ઍડ્વોકેટ-ઑન-રેકૉર્ડ (એઓઆર) સુમિતા હજારિકાનો પણ સમાવેશ થાય છે.

    વકીલોમાં પ્રસારિત સંદેશાઓનો ઉલ્લેખ કરીને, બાર ઍન્ડ બેન્ચે અહેવાલ આપ્યો કે, સુપ્રીમ કોર્ટની અંદર અને તેની આસપાસ અને વકીલોના ચેમ્બરની નજીક ઓછામાં ઓછા ચાર વકીલોની અટકાયત કરવામાં આવી હતી. આમાં બે ઍડ્વોકેટ-ઑન-રેકૉર્ડનો સમાવેશ થાય છે. પોલીસ તે બધાને પોલીસ વાહનમાં લઈ ગઈ હોવાનું કહેવાય છે.

    અટકાયતમાં લેવાયેલા એક વકીલે આરોપ લગાવ્યો કે, પોલીસે તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેની માહિતી આપી ન હતી.

    દરમિયાન, વકીલો દ્વારા શૅર કરાયેલા ફોટામાં ત્રણ મહિલાઓ પોલીસ વાહનની અંદર બેઠેલાં જોવા મળે છે, તેમની સાથે ગણવેશધારી પોલીસ અધિકારીઓ પણ છે.

    વકીલોમાં ફરતા અન્ય સંદેશાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લગભગ 100 વકીલોની અટકાયત કરવામાં આવી છે અને તેમને યમુના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા છે. જોકે, અટકાયત કરાયેલા વકીલોની કુલ સંખ્યા અને પોલીસ કાર્યવાહીનાં કારણોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

    લાઇવ લૉ અનુસાર , સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિએશને ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ, સીજેઆઈએ સંબંધિત અધિકારીઓને અટકાયતમાં લેવાયેલા વકીલોને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  14. નેહા બોરા જંતર-મંતરને બદલે દિલ્હી હાટ પહોંચ્યાં, સમર્થકો થયા ભેગા

    ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન (AISA)નાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ પ્રદર્શનકારીઓને દિલ્હી હાટમાં ભેગા થવા અપીલ કરી છે.

    નેહા બોરાએ આ અપીલ એવા સમયે કરી છે જ્યારે કૉક્રોચ જનતા પાર્ટીના ટોચના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

    નેહા બોરાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આજે દિલ્હી હાટ જંતર-મંતર બની ગયું છે! ત્યાં મળીશું!" હકીકતમાં, શનિવારે પ્રદર્શન દરમિયાન, નેહા બોરા ક્યાં હતાં તે અંગે સતત માહિતી માંગવામાં આવી રહી હતી?"

    નેહા બોરાની આ ઍક્સ પોસ્ટ પછી, એવું માનવામાં આવી રહ્યું છે કે તે દિલ્હી હાટમાં વિરોધ પ્રદર્શન કરશે.

    તે જ સમયે, ડાબેરી પક્ષો સાથે જોડાયેલાં વિદ્યાર્થી સંગઠનો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

  15. કિલ્લેબંધી વચ્ચે દિલ્હીમાં વિરોધ કરનારા લોકોને આ રીતે લઈ જવાયા, તસવીરોમાં જુઓ

  16. બૅરિકેડ્સ લગાવવાથી ચૂંટણી પંચમાં વિશ્વાસ પાછો નહીં આવે : શશિ થરૂર

    કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે દિલ્હીમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો અંગે કહ્યું કે, બૅરિકેડ લગાવવાથી ચૂંટણી પંચમાં વિશ્વાસ ફરીથી સ્થાપિત થશે નહીં.

    શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઍક્સ પર લખ્યું કે પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળોની તહેનાતી એવી રીતે કરવામાં આવી છે જાણે યુદ્ધની સ્થિતિ હોય.

    તેમણે લખ્યું , "હું રાત્રે 2 વાગ્યા પછી રાષ્ટ્રીય રાજધાની (દિલ્હી) પાછો ફર્યો અને આજે દિલ્હીમાં જે જોવા મળી રહ્યું છે તેવું મેં ભાગ્યે જ જોયું છે. દર થોડાક સો મીટર પર પોલીસ ચોકીઓ છે, રસ્તાઓ પર કૉંક્રિટ બૅરિયર્સ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યાં છે. 22,000 પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળોને શહેરભરમાં એવી રીતે તહેનાત કરવામાં આવ્યાં છે જાણે યુદ્ધની સ્થિતિ હોય."

    "250 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 45 મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યાં છે. એવા અહેવાલો છે કે દિલ્હી અને તેની આસપાસના યુવાનોને તેમના ઘરો અને શેરીઓમાં અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. આ બધું નાગરિકોને શાંતિપૂર્ણ રીતે તેમની ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવતા અટકાવવા માટે કરવામાં આવી રહ્યું છે. સૌથી પછાત અને દમનકારી પગલું રાષ્ટ્રીય રાજધાનીના હૃદયમાં ઇન્ટરનેટ બંધ છે."

    અગાઉ, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ સરકારની ટીકા કરી હતી અને તેને "કટોકટી કરતાં પણ ખરાબ" સમયગાળો ગણાવ્યો હતો.

  17. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ સાથે કેટલાક પત્રકારોની અટકાયત કરી

    દિલ્હીમાં વિરોધપ્રદર્શન દરમિયાન, પ્રદર્શનકારીઓ સાથે, કેટલાક પત્રકારોને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અટકાયત કરાયેલા પત્રકારો ન્યૂઝલૉન્ડ્રી, સ્ક્રોલ.ઇન અને નવભારત ટાઇમ્સ સાથે સંકળાયેલા છે.

    ન્યૂઝલૉન્ડ્રીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "જ્યારે પત્રકારોએ કહ્યું કે તેઓ મીડિયામાંથી છે, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે કોઈ મીડિયા નથી. પત્રકારો પાસેથી તેમના ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા. લગભગ 30 લોકોને એક જ બસમાં બેસાડવામાં આવ્યા હતા. તેમાં વિરોધીઓ અને પત્રકારોનો પણ સમાવેશ થાય છે."

    ન્યૂઝલૉન્ડ્રીએ કહ્યું , "પત્રકારોનું કામ સમાચાર આપવાનું છે, વિરોધ કરવાનું નહીં. તેઓ પોલીસને અવરોધી રહ્યા ન હતા. કયા આધારે તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમના ફોન જપ્ત કરવામાં આવી રહ્યા છે? દિલ્હી પોલીસે આ કાર્યવાહીનો જવાબ આપવો જોઈએ અને પત્રકારોને ડરાવ્યા વિના તેમનું કામ કરવાની મંજૂરી આપવી જોઈએ."

    Scroll.in એ પણ અહેવાલ આપ્યો છે કે તેના એક પત્રકારને દિલ્હી પોલીસે આઈટીઓ નજીક અટકાયતમાં લીધા હતા. "તે જંતર-મંતર પર પણ નહોતા. તેનું પ્રેસ કાર્ડ સ્પષ્ટ દેખાતું હતું. તેણે પોલીસને ઘણી વાર કહ્યું હતું કે તે પત્રકાર છે. આમ છતાં, તેને બળજબરીથી વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા,"

    સ્ક્રોલે એક સત્તાવાર નિવેદનમાં અહેવાલ આપ્યો. નવભારત ટાઈમ્સના સંપાદક આશિષ પાંડેએ પણ કહ્યું કે દિલ્હી પોલીસે તેમના સંગઠનના બે પત્રકારોની અટકાયત કરી છે.

  18. દિલ્હીમાં વિરોધપ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

    દિલ્હીમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો વચ્ચે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની ફરી એકવાર માંગ કરી છે.

    રાહુલ ગાંધીએ સંસદના સેન્ટ્રલ હૉલમાં પોતાના ભાષણનો વીડિયો ઍક્સ પર પોસ્ટ કર્યો અને લખ્યું, "જ્ઞાનેશકુમાર જશે. આ સરકાર જશે. પછી લોકશાહીનું સમારકામ શરૂ થશે."

    અરવિંદ કેજરીવાલે ઍક્સ પર લખ્યું "આ કટોકટી કરતાં પણ ખરાબ છે. હવે એ વાત સત્તાવાર થઈ ગયું છે કે આપણે મોદીના શાસન હેઠળ સંપૂર્ણ સરમુખત્યારશાહીમાં જીવી રહ્યા છીએ. ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ લોકોની ધરપકડ કરવાથી ભયનો એવો સ્તર દેખાય છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી."

    તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી સારી રીતે જાણે છે કે તેમણે ફક્ત મત ચોરી કરીને ચૂંટણી જીતી હતી અને હવે તેઓ લોકશાહીને સંપૂર્ણપણે કચડી નાખીને પોતાના છેતરપિંડી બચાવવા માટે તત્પર છે. જ્ઞાનેશને જવું જોઈએ અને મોદીએ પણ જવું જોઈએ."

    ઉલ્લેખનીય છે કે સીજેપીના સ્થાપક અભિજીત દિપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે ફ્લાઇટમાંથી જ અટકાયતમાં લીધા હતા.

  19. સીજેપીને 'અરાજકતાવાદી જૂથ' ગણાવતી વખતે ભાજપ પ્રમુખ નીતિન નબીને શું કહ્યું?

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધને 'દેશને અસ્થિર કરવાનો પ્રયાસ' ગણાવ્યો છે.

    શુક્રવારે મીડિયા સાથે વાત કરતા નીતિન નબીને કહ્યું, "આજે દેશમાં ખૂબ જ ખતરનાક અને ગંભીર પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશના 140 કરોડ લોકોને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેઓ શાંતિ અને ખુશીથી ભારતના વિકાસમાં સહયોગ આપી રહ્યા છે. આ કોણ કરી રહ્યું છે? આ બે અરાજકતાવાદી જૂથો છે, એકનું નેતૃત્વ 'ઇન્ડી ગઠબંધન'ના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે, અને બીજું અરવિંદ કેજરીવાલના સાથી સીજેપી કરી રહ્યા છે."

    નીતિન નબીને કહ્યું, "હું આ બંને જૂથોને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતના લોકો તમારા ઇરાદાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. આજે તમે અરાજકતા માટે સ્પર્ધા કરી રહ્યા છો કે, આ દેશમાં કોણ વધુ અસ્થિરતા પેદા કરી શકે છે. અમે તમારી આ યોજનાઓને પૂર્ણ થવા દઈશું નહીં."

    "છેલ્લાં 12 વર્ષોમાં વડા પ્રધાનના નેતૃત્વમાં અમે દેશને ભયના વાતાવરણમાંથી બહાર કાઢ્યો છે અને આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે. આ દેશને નક્સલવાદથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ અર્બન નક્સલ માનસિકતા ધરાવતા કેટલાક લોકો આ દેશને અસ્થિર કરવામાં લાગેલા છે."

    તેમણે કહ્યું, "રાહુલ ગાંધીજી, તમારી યોજનાઓ ક્યારેય પૂર્ણ થશે નહીં. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઇન્ડી ગઠબંધનના લોકો જે પ્રકારની ભાષા વાપરી રહ્યા છે, કહેવાતા યુવા નેતૃત્વ શું કહી રહ્યું છે, તે ભારતનો યુવા જોઈ રહ્યો છે."

    આ દરમિયાન, કૉક્રોચ જનતા પાર્ટીના ટોચના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. સીજેપીના સ્થાપક અભિજિત દિપકેએ અગાઉ જણાવ્યું હતું કે તેમની ધરપકડ છતાં આંદોલન ચાલુ રહેશે.

  20. અભિજિત દીપકેએ અટકાયતમાં લેવામાં આવ્યા બાદ કહ્યું, 'જુઓ, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે'

    કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસને પોલીસે દિલ્હી ઍરપૉર્ટ પર વિમાનમાં જ અટકાયતમાં લીધા.

    આ દરમિયાન અભિજિત દીપકેએ કહ્યું કે તેઓ ધરપકડથી ડરતા નથી અને તેના માટે તૈયાર છે.

    દીપકેએ કહ્યું, "તમે જોઈ શકો છો કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. અમને વિમાનમાં જ અટકાયતમાં લેવામાં આવી રહ્યા છીએ, આવું તો ઇન્દિરા ગાંધીએ પણ ક્યારેય કર્યું નહોતું. આ સરમુખત્યારશાહી છે, પરંતુ અમે તેમનાથી ડરતા નથી."

    અભિજિત દીપકેએ તેમને અટકાયતમાં લેવા આવેલા પોલીસકર્મીઓને કહ્યું, "હું તમારાથી ડરતો નથી, અમે ધરપકડ માટે તૈયાર છીએ."

    અભિજિત, સૌરવ અને આશુતોષને અટકાયતમાં લેવા માટે મહિલા પોલીસકર્મીઓ આગળ આવી હતી. આ અંગે દીપકે અને તેમના સાથીઓએ પુરુષ પોલીસકર્મીઓને મોકલવાની માંગ કરી હતી.