'મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકાએ ઈરાનના એક ટાપુ પર હુમલો કર્યો', અમેરિકન મીડિયાનો દાવો- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Fatemeh Bahrami/Anadolu via Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગમાં આવેલા ઈરાનના કેશમ દ્વીપ પર હુમલો કર્યો છે. અમેરિકન સમાચાર માધ્યમો ફૉક્સ ન્યૂઝ અને ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલોમાં આ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની બાબતે કહ્યું હતું કે તેમને તેની કોઈ ઉતાવળ નથી.
સમાચાર એજન્સી એક્સિયોસ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે કોઈ ને કોઈ રીતે કાર્યવાહી કરીશું, પરંતુ તેમાં કોઈ ઉતાવળ નથી. અમે તેમને આર્થિક રીતે સંપૂર્ણપણે નબળા બનાવી દીધા છે."
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાન પાસે ન તો પૈસા બચ્યા છે અને ન જ પેટ્રોલ. તેમણે દાવો કર્યો કે ઈરાનના લોકો પણ હાલની પરિસ્થિતિથી કંટાળી ગયા છે.
સોમવારે વોશિંગ્ટન ડી.સી.માં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ અમેરિકાની મિડટર્મ ચૂંટણી પછી ઈરાન પર ફરીથી હુમલા શરૂ કરશે? ટ્રમ્પે આ મામલે સીધો "ના"માં જવાબ આપ્યો હતો.
એક્સિયોસના રિપોર્ટર બરાક રાવીદના જણાવ્યા અનુસાર, એક અમેરિકન અધિકારીએ તેમને જણાવ્યું હતું કે સોમવારની રાત્રે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)એ કેશમ દ્વીપ પરથી હોર્મુઝ જળમાર્ગમાં હાજર એક અમેરિકન વિમાનને નિશાન બનાવીને મિસાઇલ છોડીને હુમલો કર્યો હતો.
અધિકારીએ ઉમેર્યું કે, આ હુમલાના જવાબમાં અમેરિકન લડાયક વિમાને સ્વબચાવમાં ઈરાનની સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમના લૉન્ચરને નષ્ટ કરી દીધું.
અમદાવાદમાં બેકાબૂ બનેલી કારે ફૂટપાથ પર લોકોને કચડ્યા, બેનાં મોતના અહેવાલ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ પોલીસ અનુસાર સોમવારે રાતે નિકોલ વિસ્તારમાં એક કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચઢી જતા ફૂટપાથ પર રહેતા બે લોકોનાં મોત થયાં છે અને બેને ઈજા થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મોડી રાતે એક ફૉર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી. પોલીસે કારના ડ્રાઇવરને પકડી લીધો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હોવાનું જોવા મળે છે.
ઘટનામાં એક મહિલા અને તેમના પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના દેવસ્ય ઇન્ટરનૅશનલ સ્કૂલ નજીક બની છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ મુજબ વિરલ ચૌધરી નામના આરોપીને પકડવામાં આવ્યો છે જેની કારમાંથી બિયર કૅનના છ નંગ મળી આવ્યા છે અને તેની સામે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.
મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ટકરાયું, ભારે વરસાદ વચ્ચે ટ્રેનો રદ

ઇમેજ સ્રોત, ANI
હવામાન વિભાગે જણાવ્યું છે કે મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે આવી પહોંચ્યું છે. વાવાઝોડાના આગળના ભાગમાં વૉલ ક્લાઉડનો એક મોટો હિસ્સો જમીન સુધી આવી પહોંચ્યો છે.
વૉલ ક્લાઉડ એ એવું વાદળ હોય છે જે ભારે તોફાન દરમિયાન મુખ્ય વાદળના નીચેના ભાગમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે વાવાઝોડાના એ ભાગમાં બને છે જ્યાં વરસાદ નથી હોતો.
આ દરમિયાન રાજ્યમાં અનેક ટ્રેનો અને ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે.
સરકારે લોકોને ત્રણથી પાંચ નવેમ્બર સુધી ઘાટ રોડ પર પ્રવાસ ન કરવા ચેતવણી આપી છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને ખડકો પડવાનો ખતરો છે. હવામાન વિભાગ મુજબ તેલંગણામાં પણ ભારે વરસાદ પડશે.
કૂનોમાં ચિત્તાનો શિકાર કરવાના કેસમાં બે ભાઈની ધરપકડ, બંદુક જપ્ત કરાઈ
મધ્ય પ્રદેશના કૂનો નૅશનલ પાર્કમાં 19 મહિનાના એક ચિત્તા કેએનજી 22નો શિકાર કરવાના આરોપ હેઠળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બે ભાઈઓની ધરપકડ કરી છે. એસટીએફે ઉપયોગમાં લેવાયેલી બે નાળચાવાળી લાઇસન્સ હેઠળની બંદુક પણ જપ્ત કરી છે.
મધ્ય પ્રદેશ સરકારે ઈજાગ્રસ્ત હાલતમાં ચિત્તા મળી આવ્યા પછી અને તેના શરીરમાંથી ગોળીઓના છરા મળ્યા બાદ વન વિભાગ અને પોલીસ અધિકારીઓને સામેલ કરીને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
એસટીએફે બીજી નવેમ્બરે જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ પકડાયેલા ભાઈઓના નામ ભગવાનસિંહ અને પ્રીતમ સિંહ છે. તેઓ મુરૈના જિલ્લાના રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ 24 ઓક્ટોબરે વિજયપુર પાસે નિતનવાસ ગામના જંગલમાં શિકાર માટે ગયા હતા અને આ દરમિયાન ચિત્તાને જોઈને તેના પર ગોળી ચલાવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















