તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
એ વિદ્રોહી જેનું માથું કાપીને અંગ્રેજોએ ભાલા પર ચડાવી દીધું, પંજાબના વિદ્રોહની અજાણી કહાણી
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક, લાહોર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 13 મિનિટ
લાહોરથી ઓકારા જતાં રસ્તે રાવી નદીના દક્ષિણ કાંઠા પાસે આવેલા ગોગિરાની આ શાળામાં મને ખેંચી લાવનાર વસ્તુ હતી, કોરિડોરમાં છુપાયેલી આરસની એક તકતી, જેના પર એક તસવીર હતી.
એક વૃદ્ધ માળીની મદદથી આ તકતી શોધી કાઢવામાં આવી. તેના પર કોતરેલા શબ્દો હવે ઝાંખા પડી ગયા હતા:
સ્વાતંત્ર્યસેનાની રાય અહમદખાન ખારલની સ્મૃતિમાં ગોગિરાની અહમદખાન ખારલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હાઈસ્કૂલ નામને સાહીવાળના પ્રથમ ઐતિહાસિક ડેપ્યુટી કમિશનર જનાબ મુઝફ્ફર કાદિર, સી.એસ.પી.એ મંજૂરી આપી હતી.'
તકતી પર તેની નીચે આ ઘટનાની તારીખ ઉર્દૂ લિપિમાં લખેલી હતી: 14 મે, 1967. એટલે કે, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે થયેલા 1857ના બળવા પછી લગભગ 110 વર્ષ બાદ.
આ પહેલાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ શીખો પાસેથી પંજાબ જીતી લીધું હતું અને તેના સાત વિભાગ તથા 27 જિલ્લાઓ પાડ્યા હતા. 1852માં ગોગિરા મુલતાન વિભાગનો એક જિલ્લો બન્યું હતું. આ વિભાગના બીજા બે જિલ્લા મુલતાન અને ઝંગ હતા.
હવે ગોગિરા ઓકારા જિલ્લાનો ભાગ છે.
1855ની વસતિ ગણતરીના અહેવાલ મુજબ ગોગિરા જિલ્લાની વસ્તી 3,08,020 હતી, જ્યારે મુલતાન વિભાગની કુલ વસ્તી 9,71,175 હતી. ગોગિરા જિલ્લાની પૂર્વ સરહદ ફિરોઝપુર અને લાહોર, ઉત્તર સરહદ ગુજરાનવાલા અને ઝંગ, પશ્ચિમ સરહદ મુલતાન અને દક્ષિણ સરહદ સતલજ નદી સુધી વિસ્તરેલી હતી.
પ્રતિકારની શરૂઆત
અહીં કંપનીના અધિકારીઓને 13 મે, 1857ના રોજ મેરઠ અને દિલ્હીમાં સ્થાનિક સૈનિકોએ બ્રિટિશો સામે કરેલા પ્રતિકારના સમાચાર મળ્યા હતા. ગોગિરાના આસિસ્ટન્ટ કમિશનર અને કાર્યકારી ડેપ્યુટી કમિશનર એન. ડબ્લ્યુ. એલ્ફિન્સ્ટનને જાણ કરવામાં આવી કે મેરઠ અને દિલ્હીમાં બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હોવાથી લાહોરની મિયાં મીર છાવણીમાં તહેનાત સ્થાનિક સૈનિકો પાસેથી હથિયારો લઈ લેવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એલ્ફિન્સ્ટને ખજાનાની રખેવાળી માટે અહીં તહેનાત સ્થાનિક સૈનિકોને નિઃશસ્ત્ર કરીને લાહોર મોકલી દીધા. તેમના સ્થાને કેપ્ટન ટ્રોન્સનના સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા. શીખ જમીનદારો બાબા ખેમ સિંહ અને સંપૂર્ણ સિંહના નોકરોને જેલમાં તહેનાત કરવામાં આવ્યા.
બળવા અંગે બ્રિટિશ વહીવટી તંત્રના અહેવાલોમાં જણાવાયું છે કે પ્રતિકારના સમાચાર પંજાબના લોકો સુધી ન પહોંચે એ માટે બ્રિટિશ અધિકારીઓની હાજરીમાં ટપાલપેટીઓ ખોલવામાં આવતી. પત્રો ધ્યાનપૂર્વક તપાસવામાં આવતા અને જેમાં બળવા અંગે કોઈ ઉલ્લેખ હોય તે પત્રો પહોંચાડવામાં આવતા નહોતા.
તેમ છતાં આ સમાચાર ખારલ જાતિના વૃદ્ધ સરદાર અહમદખાન સુધી પહોંચી ગયા.
બળવાના અહેવાલો મુજબ, અહમદખાન ખારલ દિલ્હીના અને હાંસીના બળવાખોરો તેમજ દિલ્હીના મુઘલ બાદશાહના સતત સંપર્કમાં હતા. બળવો ફાટી નીકળ્યો ત્યારે કેટલાક કેદીઓ જેલમાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા.
એ. ડી. ઇજાઝના પંજાબી લોકકવિતાના એક પ્રકાર 'ઢોલ'ના સંગ્રહ 'કાલ બ્લેંદી'માં જણાવાયું છે કે આ કેદીઓમાં મુલતાન અને ગોગિરા જિલ્લાના એક કેદી શામુ ધીરાય ખારલ પણ હતા.
તેઓ આગ્રાની જેલમાંથી ભાગીને અહમદખાનના ગામ ઝમરા પહોંચ્યા હતા. ત્યાં તેમણે અહમદખાન સાથે મુલાકાત કરી અને બ્રિટિશોની નબળી સ્થિતિ વિશે તેમને જાણ કરી હતી. તેનાથી ત્યાંના લોકોને પણ પ્રોત્સાહન મળ્યું.
જૂન 1857ની એક સવારે ગોગિરાના એડિશનલ આસિસ્ટન્ટ કમિશનર લિયોપોલ્ડ ફિટ્ઝગેરાલ્ડ બર્કલેએ વિસ્તારના પ્રતિષ્ઠિત સરદારોને બોલાવ્યા. સઈદ ભટ્ટા 'નબર કહાની'માં લખે છે કે, 'અહમદખાન ખારલ અને સારંગ ખાન રાવી પારથી આવ્યા હતા. બ્રિટિશ અધિકારીએ "બળવા"નો સામનો કરવા માટે ઘોડા અને માણસો માગ્યા અને બદલામાં તેમને સરકાર તરફથી મોટાં સન્માન અપાવવાની ભલામણ કરવાની વાત કરી. અહમદખાને જવાબ આપ્યો: "અમે અમારા ઘોડા, સ્ત્રી અને જમીન કોઈને સોંપતા નથી."'
એ જ મહિને ગોગિરા નજીકના ચિચાવતની અને કમાલિયાના 11 સૈનિકોને બળવાની આશંકાએ મુલતાનમાં તોપથી ઉડાવી દેવામાં આવ્યા.
8 જુલાઈ, 1857ના રોજ ગોગિરા તાલુકાના પાકપત્તન વિસ્તારમાં સતલજના કિનારે આવેલા લાખોખે ગામમાં જોયા જાતિના લોકોએ કર ચૂકવવાનો ઇનકાર કર્યો અને મહેસૂલ અધિકારીઓને ગામમાંથી તગેડી મૂક્યા.
બળવાના અહેવાલો અનુસાર એલ્ફિન્સ્ટનના આદેશથી નંબરદાર અને અન્ય મહત્ત્વના લોકોની ધરપકડ કરીને ગોગિરાની જેલમાં કેદ કરવામાં આવ્યા. તેમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. 'કાલ બ્લેંદી'માં જણાવાયું છે કે જોયા જાતિના લોકો સાથે અહમદખાનના સંબંધો મૈત્રીપૂર્ણ હતા. ડેપ્યુટી કમિશનરને મળ્યા પછી કેટલાક લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી કમિશનરે અહમદખાનને કહ્યું હતું કે ઘણા લોકો હજી જેલમાં છે.
અહમદખાને જેલના જેલરની મદદથી ગુપ્ત રીતે જેલની મુલાકાત લીધી હતી. સ્થાનિક પરંપરા મુજબ ત્યાં તેમણે નત્થુ પીરૂકા, થૂબા રજૂકા, સરદાર ભુજવાના અને ચાવા વટ્ટૂ સાથે મળીને જેલમાંથી કેદીઓને છોડાવવાની યોજના બનાવી હતી.
બળવાના અહેવાલો મુજબ 20 જુલાઈએ એલ્ફિન્સ્ટન અને બર્કલે જેલની મુલાકાતે ગયા ત્યારે તેમને કેદીઓની ખાટલીઓ નીચે મીઠાઈ, તમાકુ વગેરે પડેલાં જોવા મળ્યાં. પૂછપરછ દરમિયાન જેલરે કબૂલ્યું કે અહમદખાન તેના પરિવારના રખેવાળ હતા અને તેમણે આ વસ્તુઓ કેદીઓ સુધી પહોંચાડવા કહ્યું હતું. તેને તરત જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.
26 જુલાઈની રાત્રે થોબા રાજુકા અને ચાવા વિટ્ટોએ કેદીઓને જેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ એલ્ફિન્સ્ટન અને બર્કલેએ જેલના કર્મચારીઓ અને પોલીસની મદદથી તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.
બધું યોજના મુજબ ચાલી રહ્યું હતું ત્યારે એક સ્ત્રી કેદી, જેનું એક બાળક પણ હતું, તેણે પણ ભાગી જવાની જીદ કરી. વિટ્ટોએ સ્ત્રી અને બાળકને બહાર કાઢવા માટે તેમને ઊંચક્યાં ત્યારે બાળક રડવા લાગ્યું. તેનાથી જેલના કર્મચારીઓ સાવધાન થઈ ગયા અને તેમણે ગોળીબાર કર્યો, જેમાં સ્ત્રી અને તેનું બાળક બંને માર્યા ગયાં.
બ્રિટિશ દસ્તાવેજો મુજબ આ કાર્યવાહી દરમિયાન 17 કેદીઓ માર્યા ગયા અને 33 ઘાયલ થયા, જ્યારે 18 કેદીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા. પરંતુ 'કાલ બ્લેંદી'માં જણાવાયું છે કે 145 કેદીઓ માર્યા ગયા હતા અને તેમના મૃતદેહો જેલ નજીકના એક જૂના કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેમાં એમ પણ જણાવાયું છે કે જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ સહિત સો કરતાં વધુ બ્રિટિશ અને સ્થાનિક સૈનિકો પણ માર્યા ગયા હતા.
ત્યાર પછી મેજર એફ. સી. માર્સડનને ડેપ્યુટી કમિશનર બનાવવામાં આવ્યા. બળવાના અહેવાલો મુજબ મેજર માર્સડને લખ્યું હતું: 'હું ગોગિરા પહોંચ્યો ત્યારે જોયું કે શ્રીમંત અને વૃદ્ધ સરદાર અહમદ ખાનના નેતૃત્વ હેઠળની શક્તિશાળી ખારલ જાતિએ તેના પર હુમલો કર્યો હતો.'
'1857ના બળવામાં એલ્ફિન્સ્ટનની સેવાઓની કદર' નામની એક પુસ્તિકા જાન્યુઆરી 1867માં પ્રકાશિત થઈ હતી. તેમાં 1860માં મુલતાનના કમિશનર જી. ડબ્લ્યુ. હેમિલ્ટને કરેલું નિવેદન આપવામાં આવ્યું હતું: 'આ બળવાના ખરા આયોજનકારો નિઃશંકપણે એ લૂંટારુ જાતિઓના સરદારો હતા, જેમણે પાછળથી બળવો કર્યો હતો. સંભવતઃ આ બળવાનો હેતુ બળવો શરૂ કરવાનો જ હતો.' જોકે હેમિલ્ટને જેલની ઘટનાની તારીખ 26 ઑગસ્ટ લખી છે.
જેલમાંથી કેદીઓને છોડાવવાનું કાવતરું ઘડવાના આરોપસર અહમદખાન ખારલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બળવાના અહેવાલો મુજબ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ રાવી અને સતલજના પ્રદેશના અન્ય જાતિના સરદારોની જેમ તેમને પણ પરવાનગી વિના જિલ્લા મથકની બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
મૃત્યુદંડનો હુકમ
પુસ્તિકા મુજબ ચીફ કમિશનર સર જ્હોન લૉરેન્સે 18 સપ્ટેમ્બરના રોજ એલ્ફિન્સ્ટનને લખેલા પત્રમાં જણાવ્યું હતું: "તમારે થોડા મુખ્ય નેતાઓ સામે કેસ ચલાવીને તેમને ફાંસીની સજા આપવી જોઈએ. બહુ બધા લોકોને ફાંસી ન આપતા. મારા મતે સંખ્યા 10 ટકાથી વધુ ન હોવી જોઈએ, અને એટલાથી કામ ચાલતું હોય તો તેનાથી પણ ઓછી રાખવી... દેશને આ બદમાશોથી મુક્ત કરી નાખો."
ત્યાર પછી બ્રિટિશોએ ચાવા વિટ્ટોને ફાંસી આપી અને નત્થુ પીરૂકા તથા થૂબા રજૂકાને કોરડા ફટકાર્યા.
ઑગસ્ટ દરમિયાન પ્રતિકારનાં મુખ્ય કેન્દ્રો—લાખોખે, પિંડી શેખ મુસા, મુહમ્મદપુર, હડપ્પા, ચિચાવતની, જલ્હી ફતિયાણા અને ઝમરા—માં ગુપ્ત બેઠકો અને તૈયારીઓ ચાલુ રહી. સપ્ટેમ્બરમાં હડપ્પા નજીકના મુરાદકે કઠિયા નામના ગામમાં અહમદખાને નકશાની મદદથી લોકોને બ્રિટિશો સામેના યુદ્ધની યોજના સમજાવી.
ગોગિરાના પ્રભાવશાળી સરદાર ખેમસિંહ બેદીના સાથી ડાંગીસિંહ પણ ત્યાં હાજર હતા. 'કાલ બ્લેંદી' અનુસાર, ડાંગીસિંહ જાસૂસી કરી રહ્યો હોવાની જાણ થતાં મિસ્કીન શાહે તેની હત્યા કરી નાખી.
અહમદખાન અને મુરાદ ફતિયાણા બહાવલપુરથી સાત બંદૂકો અને દારૂગોળો લાવ્યા હતા. ત્યાર પછી તરહાણા જાતિના સરદાર સલાબત તરહાણા પણ તેમની સાથે જોડાયા.
બ્રિટિશરોએ આને 'જાટોના બળવા'નું નામ આપ્યું
ગોગિરા જિલ્લામાં 17 સપ્ટેમ્બરે લડાઈ શરૂ થઈ. 'અ શોર્ટ નૅરેટિવ ઑફ ઑપરેશન્સ ઇન ધ ગોગેરા ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ ધ જાટ રિબેલિયન ઑફ 1857' નામની પુસ્તિકામાં પ્રકાશિત પોતાના અહેવાલમાં એલ્ફિન્સ્ટને લખ્યું હતું કે 16 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યે અહમદખાનના હરીફ સરફરાઝ ખારલે તેમને બળવાખોરોની યોજનાની જાણ કરી હતી.
એલ્ફિન્સ્ટને આ સમાચાર હડપ્પાના તહેસીલદાર અને મુલતાનના કમિશનર સુધી પહોંચાડવા માટે બે સંદેશવાહકોને મોકલ્યા હતા. પરંતુ મોહમ્મદપુર નજીક મર્દાના જાતિના કેટલાક લોકોએ બંનેને અટકાવી દીધા.
મુલતાનથી લાહોર વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો
1883ના 'ધ ગેઝેટિયર ઑફ ઝંગ ડિસ્ટ્રિક્ટ'માં જણાવાયું છે: "17 સપ્ટેમ્બરે બાર જાતિઓએ બળવો કર્યો અને ઝંગ તથા લાહોર વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો."
લાહોરથી આવતી ટપાલ બંધ થઈ ગઈ ત્યારે મુલતાનના કમિશનરને બળવા વિશે જાણ થઈ. આ કામ વલી દાદના નેતૃત્વ હેઠળના મર્દાનોનું હતું. ટપાલવ્યવહાર 15 દિવસ સુધી બંધ રહ્યો.
અમેરિકન અખબાર 'ન્યૂ યોર્ક ડેઇલી ટ્રિબ્યુન'માં પ્રકાશિત થયેલા એક લેખમાં કાર્લ માર્ક્સે આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ લેખ પ્રકાશિત થયો ત્યારે અહમદખાન અને તેના સાથીઓએ થોડા સમય પહેલાં જ આ માર્ગ પર અવરોધ ઊભો કર્યો હતો.
માર્ક્સે લખ્યું હતું: "પંજાબમાં બ્રિટિશો સામે વધુ એક ખતરો ઊભો થયો છે. છેલ્લા આઠ દિવસથી મુલતાનથી લાહોર જવાનો માર્ગ બંધ છે."
કમિશનરે ટપાલવ્યવહાર ફરી શરૂ કરાવવા માટે આસિસ્ટન્ટ કમિશનર કેપ્ટન ફ્રેઝરની આગેવાની હેઠળ 70 સૈનિકોને મોકલ્યા. 18 સપ્ટેમ્બરે વધુ સૈનિકોને મોકલવામાં આવ્યા અને 21 સપ્ટેમ્બરે તેઓ તલંબા પહોંચ્યા. રાવી નદીની સામેની બાજુએ, સરાઈ સિધુ તાલુકા તરફ, બળવાખોરો આગળ વધવા લાગ્યા. કેપ્ટન ફ્રેઝરે બચાવ માટે 35 સૈનિકોની ટુકડી મોકલી.
અહમદખાન પોતાના ગામ ઝમરા પાસે રાવી નદી પાર કરે એ પહેલાં તેમની ધરપકડ કરવા એલ્ફિન્સ્ટને 20 ઘોડેસવારો સાથે બર્કલેને મોકલ્યા. પરંતુ બર્કલે રાવી પાર કરતા પહેલાં અહમદખાનને પકડી શક્યો નહીં, કારણ કે ત્યાંના હોડીવાળાએ અહમદખાનના આદેશને કારણે બ્રિટિશોની વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો.
થોડા સમય પછી અહમદખાન પોતે આગળ આવ્યો અને કહ્યું કે પોતે બ્રિટિશ સરકારને નહીં, પરંતુ મુઘલ બાદશાહને વફાદાર છે. એલ્ફિન્સ્ટને બર્કલેની મદદ માટે લેફ્ટનન્ટ મિશેલના નેતૃત્વ હેઠળ કટર મુખ્તી બટાલિયન અને લેવીઝના 60 સૈનિકો મોકલ્યા અને પછી પોતે પણ ત્યાં પહોંચ્યો.
બ્રિટિશ સૈનિકોએ રાવી નદી પાર કરી અને ઝમરા તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં બળવાખોરો વિખેરાઈ ગયા હતા. બળવાના અહેવાલોમાં નોંધાયું છે: "આ લોકો ઢોલ વગાડતા હુમલો કરે છે અને ભારે બહાદુરીથી બ્રિટિશ સૈનિકો પાસેથી હથિયારો ઝૂંટવી લે છે અને બ્રિટિશ સૈનિકોની મદદ પહોંચે તે પહેલાં જ ગાયબ થઈ જાય છે."
18 સપ્ટેમ્બરે મુલતાન સાથેનો ટપાલવ્યવહાર ફરી શરૂ કરાવવા માટે ઘોડેસવાર અને પગપાળા પોલીસની એક ટુકડી કોડે શાહ મોકલવામાં આવી.
આ અધિકારીઓ અકબર નામના ગામે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે વિટ્ટો જાતિના લોકો રાત્રે ગામ પર હુમલો કરવા માગતા હતા. તેમના સરદાર જીવા ખાન બ્રિટિશોને વફાદાર રહેલા અરાઈને સજા કરવા માગતા હતા.
આ ટુકડીને કોડે શાહ મોકલવાને બદલે બીજા દિવસ સુધી ગામની રખેવાળી માટે ત્યાં જ રોકવામાં આવી. બળવાના અહેવાલો મુજબ 20 સપ્ટેમ્બરે લેફ્ટનન્ટ ચિચેસ્ટર અને લેફ્ટનન્ટ મિશેલના નેતૃત્વ હેઠળના બ્રિટિશ સૈનિકોએ નદી પાર કરી અને પિંડી શેખ મુસા સુધીના વિસ્તારની તપાસ કરી તથા નગરને આગ ચાંપી દીધી.
એલ્ફિન્સ્ટનને એક ગુપ્ત અહેવાલ મળ્યો કે અહમદ ખાનના નેતૃત્વ હેઠળ ખારલ જાતિના કેટલાક લોકો રાત્રે નદી પાર કરી ગયા હતા અને વિટ્ટો જાતિના ઘણા લોકો રાવીના ડાબા કાંઠે તેઓ અહમદખાનના માણસોને મળ્યા હતા.
અહમદખાન ખારલનું માથું વાઢીને જેલમાં રાખવામાં આવ્યું
21 સપ્ટેમ્બરે અહમદ ખાન અને ખારલ જાતિના કેટલાક અન્ય વડીલો અકબર ગામથી પાંચ માઈલ દૂર ગશ્કોરી નજીકના જંગલમાં ગયા હતા. ત્યાં વિટ્ટો જાતિના કેટલાક લોકો તેમની સાથે જોડાયા. જંગલ ગાઢ હોવાથી બ્રિટિશ સૈનિકોને ભારે મુકાબલો કરવો પડ્યો.
તેમના 14થી 15 ઘોડેસવારો માર્યા જતાં બ્રિટિશ છાવણીમાં ગભરાટ ફેલાયો. પરંતુ ત્યાર પછી બ્રિટિશોને મોટી સફળતા મળી. તેમણે અહમદખાન, તેમના સગા મુરાદ, બેગાયના ખારલ જાતિના સરદાર સારંગ અને બીજા ઘણા લડવૈયાઓને મારી નાખ્યા.
સ્થાનિક પરંપરા મુજબ, અહમદ ખાન નોરે-દી-દાલ ખાતે નમાજ પઢી રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. ધરાસિંહે તેમને ઓળખી કાઢ્યા અને ગુલાબસિંહ બેદીએ તેમને ગોળી મારીને ઠાર કર્યા.
બર્કલેએ અહમદખાનનું માથું ધડથી અલગ કરાવ્યું, તેને ભાલા પર ચડાવ્યું અને પોતાની સાથે લઈ ગયો.
એલ્ફિન્સ્ટને અહેવાલ આપ્યો હતો: "આ અભિયાનમાં અમને ભારે નુકસાન થયું, પરંતુ બળવાખોરોનો સંપૂર્ણ વિનાશ થયો. અહમદખાન આ ચળવળના મુખ્ય પ્રેરક હતા. અગાઉના બળવામાં સફળતા મેળવવાને કારણે તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. અને રાવી વિસ્તારની જાતિઓ પર તેમનો ભારે પ્રભાવ હતો."
અહમદખાન ખારલના મૃત્યુ પછી ઊભી થયેલી નેતૃત્વની ખોટ અંગે જ્હોન લૉરેન્સે કહ્યું હતું: "તેમની પાસે એક પણ સક્ષમ નેતા હોત, તો અમને ભારે નુકસાન થયું હોત."
બાર્કલીનું માથું પણ ધડથી અલગ કરી દેવાયું હતું
બીજા દિવસે બર્કલે જંગલ તરફ આગળ વધ્યો અને બળવાખોરોએ તેને મારી નાખ્યો. મુરાદ ફતિયાણાએ ભાલાથી પહેલો ઘા કર્યો. સુજા ભદ્રુએ છરીથી તેનું કામ પૂરું કર્યું.
મરતાં પહેલાં બર્કલેએ છ લોકોને મારી નાખ્યા હતા. આ લડાઈમાં બર્કલેના 50 કરતાં વધુ સૈનિકો પણ માર્યા ગયા. એ. ડી. ઇજાઝના પુસ્તકમાં ઢોલની એક કવિતામાં મુરાદના શબ્દોનો અર્થ આ રીતે આપવામાં આવ્યો છે: "અમારું જે થવાનું હશે તે થશે, પરંતુ તમે ગોગિરામાં ક્યારેય અદાલત ચલાવી શકશો નહીં."
જાલા તરહાણા વિશે પણ એક દંતકથા છે. કહેવાય છે કે તે લૉર્ડ બર્કલેનું માથું કાપીને પોતાના ગામ જલ્હી લઈ ગયો હતો.
સ્થાનિક લોકોમાં બર્કલે તરીકે ઓળખાતા બર્કલેને બંગલા ગોગિરાથી બક્ષ જંદ્રક જવાના રસ્તા પર આવેલા એક જર્જરિત કબ્રસ્તાનમાં આવેલી બે અજાણી કબરોમાંથી એકમાં દફનાવવામાં આવ્યો છે.
પ્રતિકાર ફેલાયો, પરંતુ કોઈ નેતા મળ્યો નહીં
લડાઈ કામાલિયા, પિંડી શેખ મુસા, સૈયદવાલા, હડપ્પા, ચિચાવતની, તલંબા, સરાઈ સિધુ, શોરકોટ, જમલીરા, સહુકા, કબુલા અને પાકપત્તન સુધી ફેલાઈ હતી. બ્રિટિશોએ ઝંગ, લૈયા, ગુજરાનવાલા અને લાહોરથી ઘણી વખત વધારાના સૈનિકોને મોકલવામાં આવ્યા. પરંતુ પ્રતિકાર કરનારા લોકોનો જુસ્સો ઓછો થયો નહોતો. દિલ્હીના પતનથી પણ તેઓ નિરાશ થયા નહોતા.
તેઓ બે વખત કામાલિયા પર થોડા સમય માટે કબજો કરવામાં સફળ રહ્યા હતા. ફાઇનાન્શિયલ કમિશનર થાબર્નના જણાવ્યા મુજબ અહમદખાન ખારલ અને તેમના સાથીઓએ કોટ કામાલિયા પર એક મહિના સુધી કબજો જાળવી રાખ્યો હતો.
મેજર ક્રોફર્ડ ચેમ્બરલેન અને મેજર મર્ડસને આ બળવાને લોકપ્રિય બળવો ગણાવ્યો હતો. પંજાબના ચીફ કમિશનરના સચિવ બ્રાન્ડરથે લખ્યું હતું કે, "20,000થી 30,000 બળવાખોરો 40થી 50 માઈલના વિસ્તારમાં ફેલાયેલા હતા." રિચર્ડ ટેમ્પલે લખ્યું હતું કે, "લાહોરથી મુલતાન સુધી 1,25,000 બળવાખોરો સક્રિય હતા."
હેમિલ્ટને કહ્યું હતું: "ગોગિરાના બળવાનું ખરું કારણ એ છે કે આ જાતિઓ લૂંટફાટ કરવા ટેવાયેલી છે. શીખોના શાસન દરમિયાન પણ તેઓ ખરેખર ક્યારેય તાબામાં નહોતા. બ્રિટિશોનું શાસન તેમને અણગમતું હતું અને તેઓ ફરી અંધાધૂંધીના સમયમાં પાછા ફરવા ઇચ્છતા હતા, જેથી ફરી લૂંટફાટ કરી શકે."
પરંતુ સરગાના લખે છે કે ગોગિરાની ચળવળનો હેતુ તેના નેતાઓએ લખેલા પત્રોમાંથી સ્પષ્ટ થાય છે.
ક્યૂ. બ્રાઉનના જણાવ્યા મુજબ, ફર્સ્ટ રેગ્યુલર કેવેલરીના વોર્ડ મેજર મીર બરકત અલીને લખેલા એક પત્રમાં બહાવલ ફતિયાણા, સલાબત તરહાણા અને સારંગ વહેનીવાલે બ્રિટિશોને ભગાડવા માટે તેમની મદદ માગી હતી. તેમણે ચળવળનું નેતૃત્વ કરવાની તેમજ પોતાના સૈનિકો અને ઘોડાઓનો ખર્ચ ઉઠાવવાની તૈયારી પણ દર્શાવી હતી.
આ જ રીતે બહાવલપુરના નવાબને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમને પ્રતિકારનું નેતૃત્વ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
પત્રનો મૂળ પાઠ આ પ્રમાણે હતો:
"જ્યારે ગુપ્ત માહિતી મળી કે દિલ્હીના બાદશાહ દૈવી આદેશ હેઠળ મુસ્લિમ શાસન સ્થાપવા માટે બ્રિટિશ સરકાર સામે યુદ્ધ કરી રહ્યા છે, ત્યારે આ સારા સમાચાર સાંભળીને તે પ્રદેશના તમામ જમીનદારોએ મુલતાન વિભાગના બ્રિટિશ અધિકારીઓ સામે લડવા માટે બળવો કર્યો.
"અમે આજે પણ તેમની સામે લડી રહ્યા છીએ. જો તમે ઇસ્લામના ધર્મમાં અડગ હો, તો અમારી પાસે લગભગ 18,000 સૈનિકો છે, જે તમે કહો ત્યાં લડવા તૈયાર છે. અલ્લાહ અને તેમના રસૂલના નામે અમને મદદ કરો અને તેનું પુણ્ય મેળવો."
બ્રિટિશોએ મદદગારોને જમીનો અને ઇનામો આપ્યાં
સરગાનાના સંશોધન મુજબ, આ લડાઈમાં ખેમસિંહ બેદી, સંપૂર્ણસિંહ બેદી, ગોગિરાના ધરાસિંહ નકાઈ, સૈયદ રઝા શાહ, અકબરના જીવખાન અરાઈ, ખંડાના સરદાર શાહ, ચિચાવતનીના બહાવલ અને મચ્છિયા લાંગરિયાલ, કન્હૈયારામ અરોરા, કસુરના ખૈરુદ્દીન, ટીબીના ગુલાબઅલી ચિશ્તી, દેપાલપુરના જમાતસિંહ ખત્રી, દૌલા બાલાના મુરાદ શાહ, મુલતાનના શાહ મહમૂદ કુરેશી, મુસ્તફા ખાન ખખવાની, સાદિક મુહમ્મદ ખાન બદુઝાઈ, ખાનેવાલના ઝિયાદ ખાન દાહા અને તેમના પુત્ર, તેમજ કામાલિયાના સરફરાઝ ખાન ખારલે બ્રિટિશોને સાથ આપ્યો હતો.
રેવન્યુ વિભાગના દસ્તાવેજો મુજબ, શીખો સામેના યુદ્ધમાં કંપનીના સાથી તરીકેની સેવા બદલ સરફરાઝ ખારલને વર્ષના 500 રૂપિયાનું આજીવન પેન્શન અને કામાલિયાની આવકમાંથી વર્ષના 275 રૂપિયા મળતા હતા.
લેપલ ગ્રિફિનના જણાવ્યા મુજબ, તેમની નવી સેવાના બદલામાં તેમને 'ખાન બહાદુર'નો ખિતાબ, 500 રૂપિયાની કિંમતનાં સન્માનનાં વસ્ત્રો અને 525 રૂપિયાની આવક ધરાવતી આજીવન જાગીર આપવામાં આવી હતી.
એ જ રીતે, બ્રિટિશ શાસકોએ અન્ય મદદગારો અને તેમના વંશજોને જમીનો, વિશેષાધિકારો અને સ્થાનિક સરકારોમાં હોદ્દા આપ્યા હતા.
બ્રિટિશોનો બદલો
તુરાબ-ઉલ-હસન સરગાના તેમના પુસ્તક 'પંજાબ ઍન્ડ ધ વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ'માં લખે છે કે અહમદ ખાન ખારલ, તેમના પુત્ર મુહમ્મદ ખાન, બેગાયના ખારલ રાય સારંગ, બહાવલ અને મુરાદ ફતિયાણા, વલી દાદ મરદાણા, બહલક વટ્ટો, મુહમ્મદ કઠિયા, સલાબત તરહાણા, મોકા વહેનીવાલ અને નાદિરશાહ કુરેશીએ બ્રિટિશો સામે લડાઈ કરી હતી. પંજાબના લોકો આજે પણ તેમનું સન્માન કરે છે.
બ્રિટિશોએ પંજાબના લોકોને શાંત રહેવા મજબૂર કરવા માટે તેમની પાસેથી અનાજ અને પશુધન જપ્ત કર્યું હતું. ગોગિરાના પ્રતિકાર કરનારા લોકોનાં હજારો બળદ અને ભેંસો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
બ્રિટિશ વહીવટી તંત્રના દસ્તાવેજોમાં લખવામાં આવ્યું છે કે ગોગિરાની જાતિઓ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા અથવા 55 હજાર પાઉન્ડનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ગોગિરાના બળવાખોરોનો પીછો કરતી વખતે સહોકા ગામના તમામ પુરુષોને મારી નાખવામાં આવ્યા હતા અને ત્યાંનાં ઊભા પાક તથા અનાજને આગ ચાંપી દેવામાં આવી હતી. બોરેવાલા નજીકનાં જમલીરા, લખોકે અને બદાર બેલા નગરો સાથે પણ આવો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો.
પ્રતિકાર કરનારા લોકો પાસે ભાલા, તલવારો અને સો-બસો બંદૂકો હતી. હનીફ રામેએ લખ્યું હતું કે, "આ વિશાળ વિસ્તારમાં અંગ્રેજ સેનાના ત્રણ હજાર મૃતદેહો મળી આવ્યા હતા."
ફાંસી, તોપ અને મોતની સજા
સ્થાનિક પરંપરાઓ મુજબ, સજાના ભાગરૂપે સેંકડો લોકોને ફાંસી આપવામાં આવી, તોપથી ઉડાવી દેવામાં આવ્યા અને કાલા પાની એટલે કે આંદામાન ટાપુઓમાં મોકલી દેવામાં આવ્યા હતા.
કાલા પાની મોકલવામાં આવેલા લોકોમાં વલી દાદ મરદાણા, મોકા વહેનીવાલ, નાદર શાહ કુરેશી, માજી બશીરા ખારલ, લાલ કઠિયા, ગાઝી કઠિયાના પુત્ર મુહમ્મદ કઠિયા, જાલાના પુત્ર મુહમ્મદ યાર મરદાણા, રહમત ખાન, કાદિર મરદાણા (કાડા), બહાવલ ફતિયાણા અને મુરાદ ફતિયાણાનો સમાવેશ થતો હતો.
સરદારો એક ઢોલમાં ગવાતી કવિતાનો ઉલ્લેખ કરે છે. તેમાં કહેવાયું છે કે વહેનીવાલ જહાજમાંથી સમુદ્રમાં કૂદી પડ્યો હતો અને નદીના વિસ્તારમાં સંતાઈને પાછો ફર્યો હતો.
નવલકથાકાર ઝાહિદ હસન કહે છે કે આ સંઘર્ષની કથા કવિતા, નૃત્ય અને અન્ય લોકસ્વરૂપોમાં સચવાઈ છે. તેમાં કેટલીક વાતો અલૌકિક પણ છે, આજે પણ તેને ગાઈને અને સંભળાવીને રજૂ કરવામાં આવે છે.
હવે પ્રતિકાર કરનારા લોકો બે-ત્રણના જૂથોમાં જ રહી ગયા હતા. આખરે 1858ની શરૂઆતમાં છેલ્લા જૂથની ધરપકડ સાથે આ પ્રતિકારને પણ સંપૂર્ણપણે કચડી નાખવામાં આવ્યો.
રેલવે શરૂ થયા પછી બ્રિટિશ સરકારે આ વિસ્તારમાં પોતાનું મુખ્ય મથક ખસેડ્યું અને મોન્ટગોમેરી નામનું નવું શહેર વસાવ્યું.
બર્કલે અદાલત ચલાવતો હતો અને કદાચ રહેતો પણ હતો, એ મકાનને 1865માં શાળામાં ફેરવી દેવામાં આવ્યું. સ્થાનિક લોકો તેને 'ગોરા સાહેબની કૉટેજ' કહેતા હતા.
આ કારણે અહીં જ્યારે શાળા બનાવવામાં આવી, ત્યારે તેને 'હટ સ્કૂલ' કહેવામાં આવી.
હવે લગભગ 70 કનાલ વિસ્તારમાં ફેલાયેલી આ શાળાનું નામ 'ગવર્નમેન્ટ હાઈસ્કૂલ ફૉર બૉય્ઝ, સદર ગોગિરા' છે.
ગોગિરાની ઉત્તરે આવેલી આ શાળા ઓકારા જિલ્લાના ટાઉન કમિટીના અધ્યક્ષના જણાવ્યા મુજબ હવે નવા મકાનમાં ચાલે છે. તેની બાજુનું જૂનું મકાન, જ્યાં સો વર્ષથી વધુ સમયથી વિદ્યાર્થીઓ ભણતા આવ્યા છે, જર્જરિત હાલતમાં છે.
મુહમ્મદ હસન મેરાજ લખે છે:
"ઘણાં દાયકાઓ વીતી ગયા અને દેશ આઝાદ થઈ ગયો. અહમદઅલી ખાનને પોતાના દાદા અહમદખાનની કબર પાકી કરાવવાનો વિચાર આવ્યો. કબરની આસપાસ પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે એક કોદાળી એક ઘડા સાથે અથડાઈ. કામદારોએ ઘડો તોડ્યો તો તેની અંદર એક માથું હતું.
110 વર્ષ જૂનું હોવા છતાં તેમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો. દાઢીના વાળ પણ હજુ ઠીક હતા અને આંખો પણ સલામત હતી. અહમદઅલી ખાને ફરીથી અંતિમ સંસ્કારની વિધિ કરાવી અને માથાને ધડ સાથે દફનાવી દીધું."
ગોગિરાથી ફૈસલાબાદ જતા રસ્તે તંદલિયાનવાલા પાસે ઝમરા નામનું ગામ છે. રાવી નદી પાર કર્યા પછી કાચા રસ્તે જમણી બાજુ પાંચ કિલોમીટર આગળ જતાં પનાહ દા કુહા નામની જગ્યાથી થોડે આગળ અહમદ ખાન ખારલની કબર આવેલી છે. અહીં પહોંચવા માટે ખૂબ મુશ્કેલ રસ્તો પસાર કરવો પડે છે.
સિયાલકોટથી આવેલા અબ્દુલ સલામે જણાવ્યું કે ગોગિરા-ફૈસલાબાદ રોડથી અહીં સુધીના 14-15 કિલોમીટરના પ્રવાસમાં તેમને બે કલાક લાગ્યા હતા. તેમના મતે અહીં પહોંચવાનું વધુ સરળ બનાવવું જોઈએ.
તેમની સાથે દક્ષિણ આફ્રિકાથી આવેલા મુહમ્મદ ઝુબૈરે જણાવ્યું કે ડઝનબંધ લોકોને પૂછીને તેઓ અહીં પહોંચ્યા હતા. માત્ર એક જ જગ્યાની ઓળખ થઈ શકી છે.
અહીં પ્રાર્થના કરતી વખતે પ્રેસિડન્ટ ખાન તૂરે કહ્યું કે આ આપણા રાષ્ટ્રીય નાયકો છે. દેશ માટે લડ્યા હોવાથી તેમનું સ્થાન ઊંચું છે. તેમની સ્મૃતિને સરકારી સ્તરે જાળવવાની જરૂર છે.
મારી સાથે આ મુશ્કેલ પ્રવાસે આવેલા અમજદે ગુસ્સામાં કહ્યું, "આપણે શાની સ્મૃતિ ઉજવીશું? આપણે તો શાળાનું નામ પણ અહમદ ખાન ખારલના નામ પરથી રહેવા દીધું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન