સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ડેટા લીક : તમારું ખાતું હશે તો હવે શું ધ્યાન રાખવું પડશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

દેશની સૌથી મોટી સરકારી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના લગભગ હજારો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થઈ ગયો છે.

બૅન્કે ડેટા લીકની તપાસ શરૂ કરી છે. બૅન્કે બુધવારે સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી હતી.

ભારતીય સ્ટેટ બૅન્ક (એસબીઆઈ)એ જણાવ્યું છે કે ડાર્ક વેબ પર મળેલા એક ડેટા સેટમાં તેના 3,897 ગ્રાહકોની ઓળખ સાથે સંબંધિત વ્યક્તિગત માહિતી સામેલ છે. બૅન્કે ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરી છે.

બૅન્કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)ને કરેલી એક ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ ડેટા જાહેર થવાથી ગ્રાહકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે અને આવા ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ શકે છે.

જોકે, બૅન્કે ઉમેર્યું છે કે, આ ઘટનાનો સામનો કરવા અને તેની અસરને મર્યાદિત કરવા માટે તેણે પોતાની નિર્ધારિત પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. ડાર્ક વેબ પર ગ્રાહકોની માહિતી જાહેર થવાથી તેના વ્યવસાયિક કામકાજ, નાણાકીય પ્રદર્શન કે વ્યવસાયની સાતત્યતા પર કોઈ મહત્ત્વપૂર્ણ અસર પડી નથી. બૅન્કના જણાવ્યા મુજબ, તેની મુખ્ય કામગીરી કોઈપણ અવરોધ વિના સામાન્ય રીતે ચાલુ છે.

બૅન્કે સ્પષ્ટ કર્યું કે ડાર્ક વેબ પર ઉપલબ્ધ લગભગ 3.75 લાખ રેકૉર્ડની પ્રાથમિક તપાસમાં 3,897 એવા રેકૉર્ડ મળ્યા છે, જેમાં લોકોની ઓળખ સાથે સંબંધિત વ્યક્તિગત માહિતી સામેલ છે.

કયા પ્રકારનો ડેટા લીક થયો?

બૅન્કે જણાવ્યું છે કે, ડાર્ક વેબ પર ગ્રાહકોનો જે ડેટા લીક થયો છે તેમાં તેમનાં નામ, લિંગ, નોંધાયેલો મોબાઇલ નંબર, જન્મતારીખ, ઇ-મેઇલ આઇડી અને ઘરનું સરનામું સામેલ છે.

આ રેકૉર્ડમાં બૅન્કની શાખા અને ગ્રાહક માહિતી ફાઇલ (સીઆઇએફ) સાથે જોડાયેલા ઓળખ નંબર, લીડ આઇડી તથા લોન અને લીડ રેકૉર્ડ સંબંધિત મેટા-ડેટા પણ સામેલ છે.

એસબીઆઈએ જણાવ્યું કે, તેને 16 ઑક્ટોબરે પોતાના થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર 'ડિફેન્સ સાયબર એજન્સી' અને 'સીઇઆરટી-ઇન' (CERT-In) તરફથી ડાર્ક વેબ પર ડેટા હોવાની આશંકા અંગે ઍલર્ટ મળ્યું હતું.

બૅન્કે સાયબર સુરક્ષા સંબંધિત આ ઘટનાનો સામનો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આ મામલે સીઇઆરટી-ઇન દ્વારા માન્યતા પ્રાપ્ત એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નિમણૂક કરી છે.

શું ગ્રાહકોનું એકાઉન્ટ હૅક થયું છે?

ગ્રાહકોની વ્યક્તિગત માહિતી લીક થવી અને બૅન્ક એકાઉન્ટ સુધી અનધિકૃત પહોંચ મેળવવી, આ બે અલગ બાબતો છે.

સાયબર નિષ્ણાતોનું માનવું છે કે, ડાર્ક વેબ પર ઉપલબ્ધ માહિતીના આધારે છેતરપિંડી કરનારા લોકો ગ્રાહકને બૅન્ક કર્મચારી તરીકે ફોન કરી શકે છે. આવા લોકો ગ્રાહકની કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કરીને તેમની પાસેથી ગોપનીય માહિતી મેળવવાનો પ્રયાસ કરી શકે છે.

હકીકતમાં નામ, સરનામું, લોન સંબંધિત માહિતી અથવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ગ્રાહકને ફોન કરવામાં આવે તો તેમને લાગી શકે છે કે ફોન કરનાર બૅન્કનો જ કર્મચારી છે.

3,897 ગ્રાહકોના રેકૉર્ડ મળવાનો અર્થ એ નથી કે બૅન્ક એકાઉન્ટ સુધી કોઈની ગેરકાનૂની પહોંચ થઈ ગઈ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા હાલમાં ડાર્ક વેબ પર મળેલી ગ્રાહકોની માહિતીની પ્રામાણિકતા અને તેના સંભવિત સ્ત્રોતોની તપાસ કરી રહી છે. ગ્રાહકોએ સતર્ક રહેવું જોઈએ, પરંતુ એમ માની લેવું જોઈએ નહીં કે તેમનાં બૅન્ક એકાઉન્ટ હૅક થઈ ગયાં છે.

છેતરપિંડી કરનારા શું કરી શકે?

ગ્રાહકોની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે છેતરપિંડી કરનારા તેમની પાસેથી વધુ માહિતી માગી શકે છે. ઑથેન્ટિકેશન, કેવાયસી (KYC) અપડેટ અથવા લોન મંજૂરીના બહાના હેઠળ પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ માહિતી માગવામાં આવી શકે છે.

લોન સંબંધિત માહિતી મળવાથી તેઓ કોઈ વાસ્તવિક અરજીનો ઉલ્લેખ કરીને ગ્રાહકનો વિશ્વાસ જીતી શકે છે અને ત્યારબાદ પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જિસના નામે પૈસા માગી શકે છે.

વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ગ્રાહકની ઓળખની નકલ (Identity Theft) કરવા અથવા છેતરપિંડીના અન્ય પ્રયાસોમાં થઈ શકે છે. આ માહિતીના આધારે ગુનેગારો એવા મૅસેજ કે ફોન કૉલ કરી શકે છે, જે સામાન્ય ફેક કૉલની તુલનામાં વધુ વિશ્વસનીય લાગે.

જોકે, ડેટા લીક થવાનો અર્થ એ નથી કે ગ્રાહકોના પાસવર્ડ, પિન અથવા બૅન્ક ખાતાઓ સુધીની પહોંચ પણ મેળવી લેવામાં આવી છે. ગ્રાહકોએ ઓટીપી, પિન અને પાસવર્ડ ક્યારેય શૅર કરવા જોઈએ નહીં તથા શંકાસ્પદ કૉલ કે લિંકથી સાવચેત રહેવું જોઈએ.

એસબીઆઈના ગ્રાહકોએ શું કરવું?

ભારતીય રિઝર્વ બૅન્કે (આરબીઆઈ) આવી પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કેટલાક ઉપાયો સૂચવ્યા છે:

  • ઓટીપી, પિન કે પાસવર્ડ કોઈપણ પરિસ્થિતિમાં કોઈની સાથે શૅર ન કરો.
  • એસએમએસ અને ઇ-મેઇલ ઍલર્ટ સક્રિય રાખો, જેથી કોઈપણ ટ્રાન્ઝેક્શનની તરત માહિતી મળી શકે.
  • જો તમારી જાણ વગર કોઈ ટ્રાન્ઝેક્શન થયું હોય, તો તરત જ બૅન્કને જાણ કરો.
  • હંમેશાં એસબીઆઈની અધિકૃત વેબસાઇટ, ઍપ અને વેરિફાઇડ ગ્રાહક સેવા ચૅનલનો જ ઉપયોગ કરો.
  • કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક ન કરો.
  • તમારા લોન એકાઉન્ટ અને ક્રૅડિટ કાર્ડ સંબંધિત માહિતી પર સતત નજર રાખો.
  • કોઈપણ છેતરપિંડી થાય ત્યારે ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કૉલ કરો અથવા સાયબર ક્રાઇમ પૉર્ટલ પર ફરિયાદ નોંધાવો.

ભારતમાં બૅન્કિંગ છેતરપિંડી કેટલી વધી?

બાયૉકૅચ (BioCatch) એક અગ્રણી સાયબર સુરક્ષા અને નાણાકીય છેતરપિંડી અટકાવતું પ્લૅટફૉર્મ છે, જે બિહેવિયરલ બાયૉમેટ્રિક્સ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. તેમાં કીબૉર્ડ પર ટાઇપ કરવાની ઝડપ, માઉસની હિલચાલ અને સ્ક્રીનને સ્પર્શ કરવાની રીતના વિશ્લેષણ દ્વારા છેતરપિંડી શોધવાનો સમાવેશ થાય છે.

બાયૉકૅચના જણાવ્યા મુજબ ભારતમાં બૅન્કિંગ છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. તેના એક રિપોર્ટ અનુસાર, 2-23ની તુલનામાં 2024માં છેતરપિંડીના ત્રણ ગણા કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે મોડા રિપોર્ટિંગના કારણે વાસ્તવિક પરિસ્થિતિની સાચી તસવીર સામે આવવામાં મુશ્કેલી પડે છે.

રિપોર્ટિંગમાં વિલંબના કારણે ભારતમાં હાલના સમયમાં છેતરપિંડીની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બની શકે છે. રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી સામાન્ય છેતરપિંડી તરીકે 'ડિજિટલ ઍરેસ્ટ' કૌભાંડોથી અંદાજે 2,000 કરોડ રૂપિયા (24 કરોડ ડૉલર)નું નુકસાન થયું છે, જેમાંના 40 ટકાથી વધુ કૌભાંડોના તાર મ્યાનમાર, કમ્બોડિયા અને લાઓસ સાથે જોડાયેલા હતા.

ભારતીય બૅન્કો હાલ એવાં ખાતાંઓની ઓળખ પર વધુ ધ્યાન આપી રહી છે, જેનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલી રકમ જમા કરવા અથવા આગળ મોકલવા માટે થાય છે. આવાં ખાતાંઓને 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) કહેવામાં આવે છે.

જોકે, આરબીઆઈના નિયમોના કારણે બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ સામે સીધી કાર્યવાહી કરવી જટિલ બની જાય છે, કારણ કે તેના માટે તેમણે અદાલતી આદેશ મેળવવો પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન