તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ભારતની પાસે ચોમાસા બાદ હવે સર્જાશે વાવાઝોડું, ક્યાં ત્રાટકશે અને કયા વિસ્તારોને અસર થશે?
ભારતની પાસે ચોમાસા પછીનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે.
હાલ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન ટાપુ પાસે એક લૉ-પ્રેશર એરિયા બન્યો છે અને આ સિસ્ટમ આગામી ત્રણ દિવસમાં વાવાઝોડું બને તેવી સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે 24 ઑક્ટોબર સુધી આ સિસ્ટમ આ વિસ્તારની આસપાસ જ રહેશે અને મજબૂત બનતી રહેશે તે બાદ તે વાવાઝોડું બની જશે.
ચોમાસા બાદ હાલ હિંદ મહાસાગર સતત સક્રિય છે અને એક બાદ એક સિસ્ટમ બની રહી છે. 23 ઑક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં બે સિસ્ટમ અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનેલી છે.
વાવાઝોડું બન્યા બાદ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને વધારે મજબૂત બનશે. એનો અર્થ એ થયો કે ભારતના ભૂ ભાગ નજીક જેમ વાવાઝોડું આવશે તેમ વધારે મજબૂત બનવાની સંભાવના છે.
ચોમાસા બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડાં બનવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે. સામાન્ય રીતે બંગાળની ખાડી વધારે સક્રિય રહે છે. ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી દર વર્ષે વાવાઝોડાં બનવાની સંભાવના વધારે પ્રબળ હોય છે.
વાવાઝોડું કઈ તારીખે બનશે અને કયા વિસ્તારોને અસર કરશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 ઑક્ટોબરના રોજ લૉ-પ્રેશર વધારે મજબૂત બનીને ડિપ્રેશન બની જશે. જે બાદ 25 ઑક્ટોબરના રોજ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. 26 ઑક્ટોબરના રોજ તે વાવાઝોડાની કૅટેગરીમાં આવી જશે.
હવામાન વિભાગ પ્રમાણે જ્યારે સિસ્ટમમાં પવનની ગતિ 62 થી 87 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી જાય ત્યારે તેને વાવાઝોડું ગણવામાં આવે છે. ભારતના દરિયામાં સર્જાતાં વાવાઝોડાને સાયક્લૉન કહેવામાં આવે છે અને તે એક પ્રકારનાં ટ્રોપિકલ સ્ટ્રોમ એટલે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમ વાવાઝોડું બન્યા બાદ દરિયામાં આગળ વધશે અને તેને સતત અનુકૂળ પરિસ્થિતિ મળતી રહેશે જેને કારણે તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના વિસ્તારો પર આ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, વાવાઝોડું ખરેખર કયા વિસ્તારો પર ત્રાટકશે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે.
અહીં ત્રાટક્યા બાદ એટલે કે દરિયામાંથી જમીન પર આવી ગયા બાદ તે વળાંક લેશે અને નબળું પડવાની શરૂઆત થશે. હાલની સ્થિતિ પ્રમાણે તેની અસર ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણાના કેટલાક વિસ્તારો, છત્તીસગઢના કેટલાક વિસ્તારોને થવાની શક્યતા છે.
જ્યારે આ સિસ્ટમ નબળી પડી ગયા બાદ પણ ભારતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવે તેવી સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ સુધી તેની અસર થશે અને તેના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
જોકે, હાલની સ્થિતિમાં અને વાવાઝોડાના સંભવિત ટ્રેકમાં ફેરફાર થાય તો તેની અસર ઉપરોક્ત સિવાયના બીજા વિસ્તારોમાં થઈ શકે છે.
ગુજરાત પર આ વાવાઝોડાની કોઈ અસર થશે?
અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંનો સીધો ખતરો ગુજરાતને રહે છે પરંતુ બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંનો સીધો ખતરો ગુજરાત પર હોતો નથી.
આ વાવાઝોડું હાલની સ્થિતિ પ્રમાણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર આવ્યા બાદ વળાંક લે તેવી સંભાવના દેખાઈ રહી છે. જેથી તે ઉત્તર-પૂર્વ તરફ જતું રહેશે અને ગુજરાતને તેની સીધી કોઈ અસર થશે નહીં.
જ્યારે પણ કોઈ મજબૂત સિસ્ટમ બને કે વાવાઝોડું સર્જાય તો તે સેંકડો કિલોમીટર સુધીનો ભેજ તેની તરફ ખેંચી લેતું હોય છે. ગુજરાતમાં આપણે ત્યાં 26થી 29 ઑક્ટોબર સુધી વરસાદની કોઈ શક્યતા નથી.
આ વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ અને દિશામાં ફેરફાર જોવા મળશે પરંતુ તેના કારણે આપણે ત્યાં વરસાદ થાય કે ખૂબ જોરથી પવન ફૂંકાય તેવી શક્યતા હાલ દેખાતી નથી.
ગુજરાતમાં હાલ ઉનાળા જેવી ગરમી પડી રહી છે તેમાંથી પણ હાલ કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. ઑક્ટોબર મહિનો પૂરો થાય ત્યાં સુધી હાલ છે તે જ પ્રકારે ગરમી પડવાની સંભાવના છે.
ભારતમાં વાવાઝોડાં ક્યારે સર્જાય છે?
સામાન્ય રીતે ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાય છે. એટલે કે એપ્રિલથી જૂનનો ગાળો જ્યારે ચોમાસું શરૂ થવાનું હોય છે અને ચોમાસું પૂરું થયા બાદ ઑક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.
ભારતમાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં નથી પરંતુ ભાગ્યે ક્યારેક એવું બને છે કે ચોમાસામાં બનતી સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે. હવામાન વિભાગ પ્રમાણે 2020થી 2024 સુધીનાં પાંચ વર્ષમાં ભારતનાં દરિયામાં કુલ 23 વાવાઝોડાં સર્જાયાં હતાં. જેમાં 16 વાવાઝોડાં બંગાળની ખાડી અને 7 વાવાઝોડાં અરબી સમુદ્રમાં સર્જાયાં હતાં.
આ સમયગાળા દરમિયાન વર્ષ 2023માં સૌથી વધારે વાવાઝોડાં સર્જાયાં હતાં. બંગાળની ખાડીમાં 4 અને અરબી સમુદ્રમાં 2 વાવાઝોડાં સર્જાયાં હતાં. જે કુલ મળીને 6 વાવાઝોડાં આ વર્ષમાં સર્જાયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન