તિબેટમાં શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બીબીસી ચીન સંવાદદાતા લોરા બિકર અને હેરી સેકુલિચે આપેલી માહિતી અનુસાર ચીનના સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે તિબેટના એક પહાડી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.

આ ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત નિપજ્યાં છે અને સેંકડો લોકોને ઈજા થઈ છે.

શિન્હુઆએ સ્થાનિક ઇમરજન્સી મૅનેજમેન્ટ બ્યૂરોને ટાંકીને જણાવ્યું કે ગુરુવારે રાતે નાગકુ ક્ષેત્રના બાકેન કાઉન્ટીમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.

1950ના દાયકામાં ચીને તિબેટને પોતાના નિયંત્રણમાં લીધા પછી તેને સ્વાયત્ત પ્રાંત તરીકે ઓળખાવે છે. બાકેન કાઉન્ટી તિબેટની રાજધાની લ્હાસાથી 400 કિલોમીટર ઉત્તર પૂર્વમાં સ્થિત છે.

અધિકારીઓએ ઇમરજન્સીની જાહેરાત કરીને અસરગ્રસ્ત ક્ષેત્રમાં બચાવદળ મોકલ્યા છે, જ્યાં બીજા 32 લોકોને પણ ઇજા થઈ છે.

સ્થાનિક અહેવાલો પ્રમાણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને 339 ઘર ધ્વસ્ત થયા છે.

ચૂંટણીપંચ વિરુદ્ધ પ્રદર્શનો અને રાહુલ ગાંધી વિશે વડા પ્રધાન મોદીએ શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા છે.

ગુરુવારે સાંજે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે "દુનિયા જ્યારે એક નવી વ્યવસ્થાની શોધ કરી રહી છે, ત્યારે કેટલાક લોકો ભારતમાં અવ્યવસ્થાના સપના જુએ છે. આ લોકો ભારતની છબી બગાડવા મથે છે."

"તેઓ વિદેશ જઈને ભારતને બદનામ કરે છે અને બીજા દેશના લોકોને આપણા આંતરિક મામલામાં દખલ દેવાની અપીલ કરે છે."

પીએમ મોદીએ કહ્યું કે, "સવાલ એ છે કે પોતાની નિષ્ફળ પ્રોડક્ટને લૉન્ચ કરવાના સતત પ્રયાસમાં કૉંગ્રેસ ક્યાં સુધી દેશને દાવ પર લગાવતી રહેશે."

"એક વર્ષમાં શ્રીહરિકોટાસ્થિત અંતરિક્ષ કેન્દ્રથી જેટલા લૉન્ચ થાય છે, તેનાથી ઓછી વખત કૉંગ્રેસ પોતાના નેતાને લૉન્ચ કરવાનો નિષ્ફળ પ્રયાસ નથી કરતી."

તેમણે કહ્યું કે, "કૉંગ્રેસને પોતાનો વિનાશ કરવો હોય તો તે આવું કરવા સ્વતંત્ર છે. તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી."

"પરંતુ પોતાના પરિવારને મળતી નિષ્ફળતાના કલંકથી બચવાના પ્રયાસમાં કૉંગ્રેસ હવે ભારતની સિદ્ધિઓ, તેની ખૂબીઓ અને તેની પ્રગતિ પર જ સવાલ ઉઠાવે છે."

તાઇવાનમાં આજે શક્તિશાળી વાવાઝોડું ચંપી ત્રાટકશે, એકનું મોત

તાઇવાનમાં આજે શક્તિશાળી વાવાઝોડું ચંપી ત્રાટકવાનું છે જેમાં 173 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું તાઇવાન પહોંચે તે અગાઉ ઝડપી પવનના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને કેટલાય ડઝન લોકોને ઇજા થઈ છે. આ દરમિયાન પૂર્વ એશિયામાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

સરકારે જણાવ્યું કે એક હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાઇવાન સરકારે લોકોને દરિયાકિનારા અને પર્વતોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વમાં એક મોટા ડૅમ પાસે રહેતા લોકોને સલામત જગ્યાએ લઈ જવાઈ રહ્યા છે.

આ વિસ્તારમાં તાજેતરનાં વર્ષોમાં વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે.

ચંપી એ ચાલુ વર્ષમાં જાપાનનું 30મું ટાઇકૂન વાવાઝોડું છે અને 2013 પછી પહેલી વખત અહીં આટલી મોટી સંખ્યામાં વાવાઝોડા આવ્યા છે.

ફિલિપાઇન્સમાં આ વાવોઝોડું રોસલ તરીકે ઓળખાય છે. વાવાઝોડાની સંખ્યામાં આટલા ઝડપી વધારા માટે અલ નીનો જવાબદાર માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકો માને છે કે ચાલુ વર્ષમાં વધુ વાવાઝોડાં આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન