તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
માણાવદરના એ નવાબ જેણે ઝીણાને પત્ર લખ્યો, પાકિસ્તાનને પસંદ કર્યું ને રાજપાટ, બધુંય ગુમાવી દીધું
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
નોંધ: આ લેખ સૌ પ્રથમ 10 જૂન, 2025ના રોજ બીબીસી ઉર્દૂમાં પ્રકાશિત થયો હતો. 22 ઑક્ટોબર, 1947ના રોજ માણાવદર રાજ્ય પર ભારતના આક્રમણની સ્મૃતિમાં તેને ફરીથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
ફાતિમા ખૈરે કૅનેડાથી બીબીસી ઉર્દૂ સાથે ફોન પર વાત કરી હતી. તેઓ માણાવદર રાજ્યના છેલ્લા શાસક નવાબ ગુલામ મોઈનુદ્દીન ખાનજીનાં સૌથી નાનાં પુત્રી છે. 22 ઑક્ટોબર, 1947ની ધૂળિયા સવારે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં જોડાવાની તેમની ઘોષણાને ફગાવી દીધી હતી અને બપોર સુધીમાં આ નાનકડું રજવાડું ભારતના શાસન હેઠળ આવી ગયું હતું.
મોઘલ સામ્રાજ્યના પતનકાળ દરમિયાન ગુજરાત પ્રાંતના શક્તિશાળી શાહી અધિકારીઓ એવા જૂનાગઢના બાબી વંશના શાસકોએ અનેક વિસ્તારો પર પોતાનું શાસન સ્થાપ્યું હતું. 1733માં જૂનાગઢના નવાબ મુહમ્મદ બહાદુર ખાનજી પ્રથમે 'બાંટવા'નો પ્રદેશ પોતાના નાના ભાઈ દિલેર ખાનજી બાબીને આપ્યો હતો. આ રીતે બાંટવા-માણાવદર અથવા ટૂંકમાં માણાવદર રાજ્યની સ્થાપના થઈ હતી.
1818માં તે ત્રીજા વર્ગના રાજ્ય તરીકે બ્રિટિશ સંરક્ષણ હેઠળ આવ્યું હતું. માણાવદરના શાસક નવાબ ફતેહુદ્દીન ખાનજીનું અવસાન થયું ત્યારે તેમના પુત્ર મોઈનુદ્દીન ખાનજી સાત વર્ષના હતા.
સગીર પુત્રના વાલી અને વહીવટકર્તા તરીકે તેમનાં માતા ફાતિમા સિદ્દીકા બેગમે 1931 સુધી ઉત્તમ શાસન કર્યું હતું. તેમના સુશાસનને માન્યતા આપીને આ રાજ્યને બીજા વર્ગના રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એ સમયે ખાનજી 20 વર્ષની ઉંમરે ઔપચારિક રીતે ગાદીએ બેઠા હતા.
આધુનિક દક્ષિણ એશિયાના ઇતિહાસકાર ડૉ. યાકૂબ ખાન બંગાશના જણાવ્યા અનુસાર, "કાઠિયાવાડના કુલ 22,000 ચોરસ માઈલના વિસ્તાર અને 40 લાખની વસ્તી ધરાવતા આ સમગ્ર પ્રદેશમાં 14 સલામી રાજ્યો (આ રાજ્યોના શાસકોને તોપોની સલામી આપવામાં આવતી હતી), 17 બિનસલામી રાજ્યો અને અન્ય 191 જાગીરોનો સમાવેશ થતો હતો."
1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે જુલાઈ 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમે આ રજવાડાંઓને પાકિસ્તાન અથવા ભારતમાં જોડાવાનો વિકલ્પ આપ્યો હતો.
ડૉ. યાકૂબ ખાન બંગાશ પોતાના પુસ્તક 'અ પ્રિન્સલી અફેર : ધ એક્સેશન ઍન્ડ ઇન્ટિગ્રેશન ઑફ ધ પ્રિન્સલી સ્ટેટ્સ ઑફ પાકિસ્તાન 1947-1955'માં લખે છે કે 15 સપ્ટેમ્બર, 1947ના રોજ જૂનાગઢનું પાકિસ્તાનમાં જોડાવું આ અધિનિયમની પ્રથમ કસોટી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મુસ્લિમ નવાબના શાસન હેઠળનું આ હિંદુ બહુમતી ધરાવતું રાજ્ય ત્રણ બાજુએ ભારતથી ઘેરાયેલું હતું અને તેની પાસે અરબી સમુદ્ર તરફ જવાનો માત્ર એક જ ખુલ્લો માર્ગ હતો. જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે ભારતે જૂનાગઢની આર્થિક નાકાબંધી કરી હતી અને બૉમ્બેમાં શામળદાસ ગાંધીના નેતૃત્વ હેઠળની 'કામચલાઉ સરકાર' (આરઝી હકૂમત)ને માન્યતા આપી હતી. આના પરિણામે જૂનાગઢમાં દેખાવો શરૂ થયા અને લશ્કરી દબાણ વધ્યું."
"પાકિસ્તાનના સ્થાપક મહમ્મદઅલી ઝીણાએ આ પગલાંનો સખત વિરોધ કર્યો હતો, પરંતુ ભારતે જૂનાગઢના વિલીનીકરણને પોતાની સાર્વભૌમ સત્તાનું ઉલ્લંઘન ગણાવીને પોતાનું વલણ વધુ કડક બનાવ્યું હતું."
તેઓ આગળ લખે છે કે, "1943ની રાજકીય વિભાગની જોડાણ યોજના હેઠળ માણાવદર, બાબરિયાવાડ અને માંગરોળ-આ ત્રણ રાજ્યો કોઈ ને કોઈ રીતે જૂનાગઢ સાથે જોડાયેલાં હતાં."
માણાવદરના ખાને 24 સપ્ટેમ્બર, 1947ના રોજ પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી હતી.
'ધ ઝીણા પેપર્સ'માં જણાવ્યા અનુસાર, માણાવદરના ખાનસાહેબે પાકિસ્તાનના સ્થાપક મહમ્મદઅલી ઝીણાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "સર્વશક્તિમાન અલ્લાહનો આભાર કે મારું રાજ્ય પાકિસ્તાનના રાજ્યમાં જોડાઈ ગયું છે." તેમણે પાકિસ્તાન માટે પોતાની શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
'ઝીણા પેપર્સ' અનુસાર, ઝીણાએ જવાબમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાન માટેની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. મને વિશ્વાસ છે કે આપણા લોકો પ્રત્યેની તમારી સહાનુભૂતિ, સહયોગ, પરસ્પર એકતા, શિસ્ત અને મિત્રો તરફથી મળતી મદદના સહારે આપણે પાકિસ્તાનનું એવું નિર્માણ કરી શકીશું કે તે વિશ્વના શાંતિપ્રિય દેશોની સમકક્ષ બની શકશે."
બંગાશ લખે છે કે, "આ અગાઉ, 20 સપ્ટેમ્બરે માંગરોળના શેખે જૂનાગઢથી સ્વતંત્ર રાજ્ય તરીકેની માન્યતા આપવાની શરતે ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. બે કલાક પછી શેખે જોડાણનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો, પરંતુ ભારતે આ નિર્ણય પાછો ખેંચવાનો સ્વીકાર કર્યો નહોતો. ભારતનું વલણ એવું હતું કે ગવર્નર જનરલે જોડાણને મંજૂરી આપી દીધી હતી."
"આ પરિસ્થિતિથી સાવચેત બનેલા જૂનાગઢે 21 સપ્ટેમ્બર, 1947ના રોજ પોતાના તાબા હેઠળના પ્રદેશ બાબરિયાવાડમાં સૈનિકો મોકલ્યા હતા. દરમિયાન, બાબરિયાવાડનાં 51 ગામોના આગેવાનોએ અગાઉથી જ ભારત સાથે જોડાવાની જાહેરાત કરી દીધી હતી. તેના આધારે ભારતે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતનું વલણ એવું હતું કે બ્રિટિશ શાસનના અંત સાથે જોડાણની યોજના અને સામંતશાહી સંબંધો પણ પૂરા થઈ ગયા હતા. તેથી આ રાજ્યો હવે જૂનાગઢના અધિકાર હેઠળ રહ્યાં નહોતાં."
ભારતના ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલે રજવાડાંઓને ભારતમાં ભેળવવાની જવાબદારી વી. પી. મેનનને સોંપી હતી.
19 સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાત દરમિયાન વી. પી. મેનને માણાવદરના શાસક પર ભારત સાથે જોડાવા માટે દબાણ કર્યું હતું, તેઓ માણાવદરના ખાનસાહેબ તરીકે ઓળખાતા હતા. પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.
મેનને પોતાના પુસ્તક 'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ'માં લખ્યું છે કે, "માણાવદરના ખાન અને માંગરોળના શેખનું વર્તન શંકાસ્પદ હતું. એ બંનેએ હજુ સુધી ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો નહોતો."
"મેં બંનેને 18મીએ સાંજે પાંચ વાગ્યે મને મળવા માટે તાર મોકલ્યો હતો. ખાનને બદલે માણાવદરના દીવાન આવ્યા. મેં તેમને કહ્યું કે મારે ખાનસાહેબને રૂબરૂ મળવું છે. ત્યાર પછી ખાનસાહેબ મને મળવા આવ્યા. મેં તેમને તેમના વર્તન અંગે ખુલાસો આપવા કહ્યું. તેમણે જવાબ આપ્યો કે પોતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામનો કરાર કરી ચૂક્યા છે અને માણાવદરને તે ડોમિનિયનમાં (પાકિસ્તાનમાં) જોડાવાની મંજૂરી આપવી જોઈએ."
મેનન લખે છે, "મેં તેમને સમજાવ્યું કે ભારતની સરહદોની અંદર પાકિસ્તાનના પ્રદેશો હોય એ ભારત સરકાર માટે અસહ્ય બાબત છે. તેઓ ચિંતિત થઈ ગયા હતા. પાછળથી મને જાણવા મળ્યું હતું કે મારી સાથે મુલાકાત કરવા આવતાં અગાઉ તેમણે કરાચી (પાકિસ્તાનની રાજધાની)થી ટેલિફોન પર વાત કરી હતી અને તેમને મક્કમ રહેવાની સલાહ આપવામાં આવી હતી."
"મેં તેમને બીજા દિવસે સવારે પોતાના અંતિમ નિર્ણયની જાણ કરવા કહ્યું હતું. તેમણે સમગ્ર મામલાની તપાસ કરીને બીજા દિવસે સવારે ફરી મને મળવા આવવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમણે પોતાનું વચન પાળ્યું નહીં."
ઑસ્ટ્રેલિયન લેખક અને સંશોધક જૉન ઝુબ્રઝેસ્કી પોતાના પુસ્તક 'ડી થ્રોનઃ ધ ડાઉનફૉલ ઑફ ઇન્ડિયાઝ પ્રિન્સલી સ્ટેટ્સ'માં લખે છે કે, "બંને રાજ્યો (જૂનાગઢ અને માણાવદર) પોતાના કાનૂની અધિકારનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં જોડાયાં હતાં."
"માણાવદરનો વિસ્તાર 260 ચોરસ કિલોમીટર હતો અને તેની વસ્તી આશરે 35,000 હતી. બાબરિયાવાડ અને માંગરોળનાં રાજ્યો તો તેનાથી પણ નાનાં હતાં. આ ત્રણેય રાજ્યો કાઠિયાવાડ દ્વીપકલ્પના સૌથી મોટા રાજ્ય જૂનાગઢથી ઘેરાયેલાં હતાં. જૂનાગઢનો વિસ્તાર 9,000 ચોરસ કિલોમીટર અને વસ્તી સાત લાખ હતી, જેમાંથી 82 ટકા હિંદુ હતા. સોમનાથનું મંદિર પણ જૂનાગઢમાં જ આવેલું હતું."
"જૂનાગઢના તટીય રાજ્યનો પાકિસ્તાન સાથેનો એકમાત્ર સંપર્ક વેરાવળ બંદર મારફતે હતો, જે ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઈ શકાય એવું રહેતું નહોતું."
માણાવદરને પણ આ જ માર્ગનો ઉપયોગ કરવો પડતો હતો.
પરંતુ 'અશાંતિ'ને કારણ ગણાવીને ભારતે 22 ઑક્ટોબરે માણાવદર અને 1 નવેમ્બર, 1947ના રોજ બાબરિયાવાડ પર લશ્કરી નિયંત્રણ મેળવી લીધું હતું.
હબીબ લખાણીએ પોતાના પુસ્તક 'અલહક જૂનાગઢ'માં લખ્યું છે કે હિંસક કાર્યવાહી પછી ભારતીય સૈન્યે રાજ્ય પર કબજો કરી લીધો હતો અને માણાવદરના ખાનસાહેબને કેદ કર્યા હતા.
પરંતુ મેનન જણાવે છે કે ભારત સરકારને માહિતી મળી હતી કે માણાવદરના ખાન સ્થાનિક આગેવાનોની ધરપકડ કરી રહ્યા છે અને લોકોને હેરાન કરી રહ્યા છે. તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો રાજ્યમાં રમખાણો ફાટી નીકળવાનું જોખમ હતું.
"વડા પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના વહીવટની જવાબદારી સંભાળવા માટે પોલીસના નાના કાફલા સાથે પોલીસના નાયબ મહાનિરીક્ષકને માણાવદર મોકલવા જોઈએ. આ નિર્ણયનો અમલ 22 ઑક્ટોબરે કરવામાં આવ્યો અને વહીવટ માટે એક મેનેજરની નિમણૂક કરવામાં આવી."
જૂનાગઢમાં 'કામચલાઉ સરકાર'ના સમર્થકોએ ભારતીય સૈન્યની હાજરીથી પ્રોત્સાહિત થઈને સત્તા પર કબજો જમાવવાનું શરૂ કર્યું ત્યારે ભારતે 'કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા' માટે 9 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢનો વહીવટ પણ પોતાના હાથમાં લઈ લીધો હતો.
પાકિસ્તાને આ પગલાંનો સખત વિરોધ કર્યો હતો. વડા પ્રધાન લિયાકતઅલી ખાને તેમના ભારતીય સમકક્ષ જવાહરલાલ નેહરુને તાર મોકલીને જણાવ્યું હતું કે, "પાકિસ્તાન સરકારની પરવાનગી કે જાણકારી વિના તમે રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લીધો છે અને ભારતીય સૈનિકો મોકલ્યા છે. આ પાકિસ્તાનના પ્રાદેશિક સાર્વભૌમત્વનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે."
નહેરુએ ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની માગણી નકારી કાઢી હતી. પ્રાદેશિક સ્થિરતાનો હવાલો આપીને તેમણે માત્ર એટલું આશ્વાસન આપ્યું હતું કે આ મુદ્દે લોકમત લેવામાં આવશે.
બંગાશના જણાવ્યા અનુસાર, 20 ફેબ્રુઆરી, 1948ના રોજ ભારતીય સૈન્યની દેખરેખ હેઠળ આ લોકમત યોજાયો હતો, જેમાં દેખીતી રીતે ભારતની તરફેણમાં નિર્ણય આવ્યો હતો. ભારત માટે આથી આ મામલો કાયમ માટે ઉકેલાઈ ગયો હતો. 20 ફેબ્રુઆરી, 1949ના રોજ માણાવદરને યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)માં ભેળવી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાને આ પરિણામોને ક્યારેય માન્યતા આપી નથી અને આજ સુધી જૂનાગઢ તથા માણાવદરને પોતાના કાયદેસરના પ્રદેશ ગણાવે છે.
ઇતિહાસકાર અને ઇતિહાસના અધ્યાપક ડૉ. તાહિર કામરાન કહે છે, "પહેલું કારણ એ હતું કે ત્યાં હિંદુ વસ્તી મોટી હતી. બીજું, કૉંગ્રેસનું લૉબિંગ અને રાજકીય સંગઠન ખૂબ અસરકારક હતાં. ત્રીજું, આ રાજ્યોની ભૌગોલિક સ્થિતિને કારણે મુસ્લિમ લીગ તેમના પરના પોતાના દાવા અંગે બહુ ગંભીર નહોતી. મુસ્લિમ લીગ કોઈ રાજ્યો માટે ગંભીર હતી, તો તે હૈદરાબાદ અને કાશ્મીર હતાં."
"કાશ્મીર પર પણ મુસ્લિમ લીગનો અધિકાર હતો, કારણ કે ત્યાં મુસ્લિમોની બહુમતી હતી. ભૌગોલિક રીતે પણ તે પાકિસ્તાન સાથે વધુ સુસંગત લાગતું હતું."
"જૂનાગઢ અને માણાવદરનું વિલીનીકરણ થઈ પણ ગયું હોત, તો પણ તે લાંબા સમય સુધી ટકી શક્યું ન હોત. તેનું કારણ એ હતું કે ભૌગોલિક અંતર બહુ મોટું હતું અને પાકિસ્તાન પાસે ભારતના ઉત્તરપૂર્વ વિસ્તારમાં જઈને પોતાનું શાસન સ્થાપિત કરવાનાં સાધનો નહોતાં."
જોકે, આ વિલીનીકરણ સાવ અવ્યવહારુ પણ નહોતું.
વેરાવળ બંદર મારફતે પાકિસ્તાન સાથે દરિયાઈ સંપર્ક સ્થાપિત કરી શકાયો હોત, કારણ કે "કરાચીથી જહાજો છ કલાકમાં 300 નૉટિકલ માઈલનું અંતર કાપી શકતાં હતાં."
ઇયાન કોપલેન્ડ લખે છે કે, "અરબી સમુદ્ર તરફનો દરિયાકિનારો ધરાવતું નાનકડું જૂનાગઢ પણ પાકિસ્તાનના ભાગરૂપે ટકી શક્યું હોત. છેવટે, નજીકનાં દીવ અને ગોવા પણ 1961 સુધી પોર્ટુગલ જેવા દૂરના દેશનાં વિદેશી મથકો તરીકે ટકી રહ્યાં હતાં."
પરંતુ એવું બન્યું નહીં.
ઇતિહાસકાર વિદ્યાધર મહાજને 'ફિફ્ટી યર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા : 1919-1969'માં લખ્યું છે કે ખાનજીને શરૂઆતમાં સોનગઢમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યા હતા. 8 એપ્રિલ, 1950ના રોજ થયેલા લિયાકત-નહેરુ કરાર પછી 1951માં તેમને મુક્ત કરવામાં આવ્યા અને તેઓ પાકિસ્તાન જતા રહ્યા.
મેનને ખાનસાહેબની ધરપકડ અંગે કંઈ લખ્યું નથી. તેમણે માત્ર એટલું જણાવ્યું છે કે માંગરોળના શેખ અને માણાવદરના ખાન પાછળથી પાકિસ્તાન જતા રહ્યા હતા.
ફાતિમા ખૈરે જણાવ્યું હતું, "અબ્બાજાન 1951માં વિમાન દ્વારા પાકિસ્તાન આવ્યા હતા. તેમના વફાદાર સાથીઓ, પત્ની અને બાળકો, તેમની બહેનો, પિતરાઈ ભાઈઓ-બહેનો, અન્ય નજીકનાં સગાંસંબંધીઓ તથા માણાવદરમાં તેમના સ્ટાફના સભ્યો પણ તેમની સાથે પાકિસ્તાન આવ્યા હતા. તેમના શિક્ષક આસિમ ખાનસાહેબ પણ કરાચી આવ્યા હતા અને તેમને અબ્બાજાન માટે ખૂબ પ્રેમ હતો."
"અમે પાંચ ભાઈ-બહેનો હતાં. અમારાં માતા આબીદા બેગમ અને પિતા વચ્ચે ખૂબ જ સુમેળ હતો. માતા ગુંદરની જેમ સૌને એકસાથે બાંધી રાખતાં હતાં અને મારા પિતાની કરોડરજ્જુ સમાન હતાં."
"હું સૌથી નાની અને સૌની લાડકી હતી. હું નોકરી કરતી હતી, જે તે સમયના વાતાવરણમાં કરવાની પરવાનગી મેળવવી સહેલી નહોતી. પરંતુ પિતા હંમેશાં પ્રેમથી પૂછતા, 'કામકાજ કેવું ચાલે છે?' માતાને પણ તેમાં રસ હતો."
"પિતાજીને સંગીત પ્રત્યે ઊંડો પ્રેમ હતો. તેઓ પોતે હાર્મોનિયમ વગાડતા અને તેમના ભાઈઓ તેમની પાસેથી એ શીખ્યા હતા. એક ભાઈ હજુ પણ સંગીતકાર છે. જ્યારે મારા ટેપ રેકૉર્ડર પર પશ્ચિમી સંગીત (એબા, બી ગીઝ) વાગતું હોય, ત્યારે પિતાજી ચાનો મગ લઈને આવતા અને કહેતા, 'હવે મારી કૅસેટ વગાડ.'"
"તેમને રમતગમતનો ભારે શોખ હતો. તેઓ દરેક રમતમાં કુશળ હતા : કૅરમ, ચેસ, બૅકગૅમન, પત્તાં, લુડો અને નવ કૂકરી. તેઓ પોલો રમતા હતા અને માણાવદરની ટીમના નિયમિત સભ્ય હતા. તેઓ પાકિસ્તાન હૉકી ફેડરેશનના પ્રમુખ પણ હતા. તેમણે બાળકોમાં રમતગમત પ્રત્યે પ્રેમ જગાડ્યો હતો."
"મારા પિતાને પુસ્તકોનો શોખ હતો. તેઓ ખરેખર 'હરતા-ફરતા જ્ઞાનકોશ' સમાન હતા. તેઓ લંડનના નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમના સભ્ય હતા. હું કૅનેડાથી આવતી, ત્યારે તેઓ મને પ્રકૃતિના ઇતિહાસ વિશેનું કોઈ સારું પુસ્તક લાવવા કહેતા."
"તેઓ અંતર્મુખી સ્વભાવના હતા. દરેકની સાથે દરેક વાત કરતા નહોતા. તેમના માટે કાશ્મીર એક મોટો રાષ્ટ્રીય મુદ્દો હતો, પરંતુ જૂનાગઢ અને માણાવદર પણ એટલાં જ મહત્ત્વનાં હતાં. તેઓ કહેતા, 'અલ્લાહને જે મંજૂર હોય, તે મને મંજૂર છે.'"
1953માં તેમને 'હિલાલ-એ-કાઇદ-એ-આઝમ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાનજીનું 13 ફેબ્રુઆરી, 2003ના રોજ કરાચીમાં 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મોટા પુત્ર અસલમ ખાન પણ પાકિસ્તાનના પ્રથમ કક્ષાના ક્રિકેટર હતા. તેઓ 1955થી 1978 દરમિયાન પ્રથમ કક્ષાની ક્રિકેટ રમ્યા હતા અને કેટલાક લોકો તેમને 'દૂસરા' બોલિંગના શોધક માને છે.
અભિનેત્રી અને ટેલિવિઝન હોસ્ટ સરવત ગિલાની, નવાબઝાદી તાહિરા સુલતાનાનાં મોટાં પુત્રી છે. તેઓ ખાનજીનાં પૌત્રી અને ફાતિમા ખૈરનાં મોટાં બહેન છે.
સરવત કહે છે, "લગ્ન પછી મારાં માતાનું નામ મારા પિતાના કુટુંબના નામ પરથી નવાબઝાદી તાહિરા ફિરોઝ શાહ રાખવામાં આવ્યું હતું. મારા નાનાને પાંચ સંતાનો હતાં : તાહિરા (મારી માતા) અને તેમના જોડિયા ભાઈ અનિસ ખાન, ત્યાર પછી રાબિયા, આરિફ અને ફાતિમા. મારી માતા તેમના મામા અનિસ કરતાં પાંચ મિનિટ મોટાં હતાં, તેથી તેમને સૌથી મોટાં ગણવામાં આવતાં હતાં."
"મારી નાનીનો અને મારો જન્મદિવસ એક જ હતો-22 ડિસેમ્બર. અમે બંને સાથે જન્મદિવસની કેક કાપતાં હતાં, જેના પર 'હૅપી બર્થડે ટુ ગ્રૅન્ડમા ઍન્ડ ગ્રૅન્ડડૉટર' લખેલું રહેતું હતું."
સરવત કહે છે, "નાના સિદ્ધાંતોના ખૂબ પાકા હતા. અમને મગરિબની નમાજ પછી બહાર જવાની પરવાનગી નહોતી. તેઓ તેમના બે પુત્રો અને તેમનાં બાળકો સાથે રહેતા હતા. દર શુક્રવારે અમે તેમના ઘરે જમવા જતા અને ત્યાર પછી બધા સાથે પત્તાંની મોટી રમતો-સિક્સીસ અને ટ્રમ્પ્સ-રમતા હતા."
"નાનાને ચિત્રકામ, સંગીત, કળા અને વાંચનનો શોખ હતો. તેમની પાસે પુસ્તકોનો ભવ્ય અંગત સંગ્રહ હતો, જેમાં તેઓ ઘણો સમય વિતાવતા હતા. બપોરના ભોજન વખતે તેઓ જ્ઞાનકોશમાંથી બાળકોને આઈક્યૂના પ્રશ્નો પૂછતા અને સાચો જવાબ આપનારને બે રૂપિયા ઇનામમાં મળતા હતા."
સરવત કહે છે, "તેઓ હંમેશાં સેવાકાર્યોમાં અગ્રેસર રહેતા હતા. પોતે તેમાં ભાગ લઈ શકે તેમ ન હોય, તો પોતાના પ્રતિનિધિ મારફતે ભેટો કે મદદ મોકલતા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન