તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
'ઇનામની મુદત પૂરી થવાના આરે હતી અને...' – કૅનેડામાં 272 કરોડ રૂપિયાની લૉટરી જીતનાર વિજેતાનો આશ્ચર્યજનક કિસ્સો
ઓંટારિયો લૉટરી ઍન્ડ ગેમિંગ કૉર્પોરેશન પ્રમાણે, લૉટરીના ચાર કરોડ કૅનેડિયન ડૉલર (લગભગ 272 કરોડ રૂપિયા)નું ઇનામ જીતનારા ટિકિટમાલિકે તે જમા કરાવવાની સમયમર્યાદા ખતમ થાય તેના અમુક કલાક પહેલાં જ પોતાનો દાવો રજૂ કર્યો.
ઓએલજીના મીડિયા રિલેશન્સના નિદેશક ટોની બિટોંટીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે લૉટરી ટર્મિનલ દ્વારા ટિકિટની પુષ્ટિ કરાઈ. આ ટિકિટને જમા કરાવવાની મર્યાદા બુધવારે અડધી રાત્રે ખતમ થવાની હતી.
લૉટરી કૉર્પોરેશન લોટો મૅક્સ જેકપૉટ જીતનારી ટિકિટના માલિકને શોધી રહ્યું હતું.
લગભગ એક વર્ષ પહેલાં, 28 ઑક્ટોબર 2025ના રોજ ઓંટારિયોના ગ્રે કાઉન્ટીમાં એક રિટેલર પાસેથી ખરીદવામાં આવી હતી.
ઓએલજીએ વિજેતાનું નામ ન જાહેર કર્યું અને કહ્યું કે તેમણે તેમની સાથે સંપર્ક કરીને પુષ્ટિ કરી છે કે ટિકિટના અસલ માલિક તેઓ જ છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું, "જો અસલ માલિકી હકની પુષ્ટિ થઈ જાય, તો ઓએલજી વિજેતના સન્માનમાં એક સમારોહનું આયોજન કરશે અને વિજેતા વિશેની જાણકારી જાહેર કરવાની પોતાની પ્રક્રિયા અંતર્ગત તેમની કહાણી મીડિયા અને સામાન્ય લોકો સાથે શૅર કરશે."
ઓએલજીએ કહ્યું હતું કે બ્લૂ માઉન્ટેન્સ અને ઓવેન સાઉન્ડને સામેલ કરનારા ગ્રે કાઉન્ટીનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આવી સ્થિતિમાં એવું બની શકે કે કોઈએ ટિકિટ ખરીદી હોય અને ઘરે ગયા પછી તેને ચેક કરવાનું ભૂલી ગયા હોય.
બિટોંટીએ બુધવારે આ પહેલાં સીટીવી ન્યૂઝને જણાવેલું કે "અફસોસની વાત" એ હતી કે ટિકિટને ઓએલજી ઍપ કે કોઈ દુકાન પર ચેક નહોતી કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓએલજીએ જણાવ્યું કે જેકપૉટ જીતનારા નંબર 06, 14, 17, 19, 26, 43 અને 45 છે. બૉનસ નંબર 27 છે.
ઓંટારિયો લૉટરી ઍન્ડ ગેમિંગ કૉર્પોરેશને ટિકિટ ખરીદનારાને અપીલ કરી હતી કે તેઓ કપડાંનાં ખિસ્સાં, હૅન્ડબૅગ, બૅકપૅક, પાકિટ અને ગાડીઓના ગ્લવ કમ્પાર્ટમેન્ટ જેવી જગ્યાઓએ ટિકિટ શોધે.
જો ટિકિટની સમયમર્યાદા ખતમ થઈ ગઈ હોત, તો લૉટરી કૉર્પોરેશન ચાર કરોડ કૅનેડિયન ડૉલરની ઇનામી રકમને ભવિષ્યની રમતો માટે પોતાની પાસે રાખી લેત.
પહેલાં પણ લૉટરીનાં મોટાં ઇનામો પર કોઈએ દાવો ન કર્યો હોય એવા બનાવ બન્યા છે.
28 જૂન 2022ના રોજ ઓંટારિયોના સ્કારબરોમાં કોઈએ સાત કરોડ ડૉલરનો લોટો મૅક્સ ડ્રૉ જીત્યો હતો, પરંતુ કોઈ પણ ટિકિટધારક ઇનામ લેવા માટે સામે નહોતું આવ્યું.
ત્યારે ઓએલજીએ જણાવ્યું હતું કે ટિકિટ વિશે 2,700 લોકોએ ફોન અને ઇ-મેઇલ મારફતે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમાંથી કોઈ પણ વિજેતા નહોતો બન્યો.
બિટોંટીએ જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ એક ટકા ઇનામો પર કોઈ દાવો નથી કરતું, તેમણે કહ્યું કે સામાન્ય રીતે આ ઇનામ ખૂબ નાની રકમના હોય છે.
ગત અઠવાડિયે અલ્બર્ટાના એક રહેવાસીએ કૅનેડાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો લૉટરી જેકપૉટ નવ કરોડ ડૉલર જીત્યો હતો. (આ લખાય છે ત્યાં સુધીમાં) વિજેતાની ઓળખ અત્યાર સુધી જાહેર નથી કરાઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન