ધનતેરસ: સોનાના ભાવ એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા બાદ હવે શું થશે?

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
મોંઘી ધાતુઓની ચમક ગયા મહિને ફીકી રહી. શુક્રવારે સોનાના ભાવ એક વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા, જ્યારે ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
આ ધાતુઓ ટેક્નિકલ રીતે ઓવરસોલ્ડ ઝોનમાં પહોંચી ગઈ હતી.
આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર થતા ખર્ચમાંથી પૂરતું વળતર મળશે કે નહીં તેની ચિંતાઓ વચ્ચે ટેક કંપનીઓના શેરમાં મંદી જોવા મળી છે.
સોનું અને ચાંદી બંનેમાં સતત બીજા મહિને નકારાત્મક વળતર નોંધાયું છે. કાચા તેલના વધતા ભાવ, મોંઘવારી વધવાની શક્યતા અને અમેરિકામાં વ્યાજદરમાં વધારાની આશંકાએ કિંમતી ધાતુઓના બજાર પર દબાણ ઊભું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ડીએચએફ કેપિટલના બાસ કૂઇજમાને એક નોંધમાં કહ્યું, "મૌદ્રિક નીતિ વધુ કડક બનવાની અપેક્ષાઓનું દબાણ એવી સંપત્તિઓ પર યથાવત્ છે, જેમાંથી વ્યાજ અથવા નિયમિત આવક મળતી નથી."
તેમણે કહ્યું, "તેલના ભાવ ઊંચા રહેવાને કારણે મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહેવાની ચિંતા વધી રહી છે, જેના કારણે દબાણ વધુ તીવ્ર બની રહ્યું છે."
તેલના ભાવમાં ઘટાડો થવાથી સોના પરનું દબાણ ઘટી શકે છે. બીજી તરફ, સપ્લાય ચેઇનમાં વધુ અવરોધો આવવા અથવા અમેરિકામાં ઑક્ટોબરના રોજગારીના આંકડા અપેક્ષા કરતાં સારા રહે તો કડક મૌદ્રિક નીતિની સંભાવના વધુ મજબૂત બની શકે છે. તેનાથી સોનાના ભાવ પર દબાણ યથાવત્ રહી શકે છે.
સોના સાથે ચાંદીનો ભાવ પણ ઘટ્યો
ઑક્ટોબરના અંત સુધીમાં કોમેક્સ પર સોનાનો ભાવ 7.26 ટકા ઘટીને પ્રતિ ઔંસ 3,884.9 ડૉલર પર આવી ગયો હતો. જ્યારે કોમેક્સ પર ચાંદીનો ભાવ ગયા મહિને 19.1 ટકા ઘટીને પ્રતિ ઔંસ 49.13 ડૉલર પર બંધ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોમેક્સ અમેરિકા નો એક મુખ્ય બજાર છે, જ્યાં સોના અને ચાંદીના કરારોની ખરીદ-વેચાણ થાય છે.
વૈશ્વિક બજારોના વલણને અનુરૂપ સ્થાનિક બજારોમાં પણ કિંમતી ધાતુઓના ભાવ નીચી સપાટીએ બંધ થયા. MCX પર સોનાનો ભાવ 7.16 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,38,419 રૂપિયા થયો. જ્યારે ચાંદીનો ભાવ 20 ટકા ઘટીને પ્રતિ કિલોગ્રામ 1,78,900 રૂપિયા પર બંધ થયો.
કોમેક્સ (કોમોડિટી એક્સ્ચેન્જ)ની જેમ MCX (મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ) એ ભારતનું એક્સચેન્જ છે, જ્યાં સોના અને ચાંદીના વાયદા કારોબાર થાય છે.
એક વર્ષના સૌથી નીચા સ્તરે સોનું કેવી રીતે પહોંચ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
30 ઑક્ટોબરે કોમેક્સ પર સોનાનો ભાવ ઘટીને એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો અને પ્રતિ ઔંસ 4,000 ડૉલરના સ્તરથી ઘણો નીચે બંધ થયો.
આ નબળાઈનું મોટું સંકેત છે, કારણ કે સોનાનો ભાવ 3,900 ડૉલરના અગાઉના સપોર્ટ લેવલથી પણ નીચે તૂટી ગયો છે.
હવે કોમેક્સ પર સોનાનો ભાવ 3,650 થી 3,750 ડૉલરના આગામી સપોર્ટ સ્તર સુધી ઘટી શકે છે. નબળા વલણને બદલવા માટે સોનાને 4,550 ડૉલરના ઉપરના સ્તરને પાર કરવું પડશે.
ગયા મહિને કોમેક્સ પર ચાંદીના ભાવમાં પણ નબળાઈ રહી અને તે 54 ડૉલરના સપોર્ટ લેવલથી નીચે આવી ગઈ. આ મહત્ત્વપૂર્ણ સપોર્ટ તૂટ્યા પછી ભાવમાં વધુ ઘટાડો થયો અને શુક્રવારે તે 48.9 ડૉલરના નીચલા સ્તર સુધી પહોંચી ગઈ.
એવું કહેવામાં આવે છે કે ટૂંકા ગાળામાં ચાંદીનો વલણ નકારાત્મક છે અને તેનો ભાવ ઘટીને 42 થી 43 ડૉલરની શ્રેણીમાં આવી શકે છે. આ નકારાત્મક વલણ દૂર કરવા માટે ચાંદીને 55 ડોલરના રેઝિસ્ટન્સ લેવલને પાર કરવો પડશે.
જાન્યુઆરીમાં પ્રતિ ઔંસ 5,595 ડૉલરના રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદથી સોનાના ભાવમાં 30 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.
રૉઇટર્સે અહેવાલમાં લખ્યું છે, "વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેશે તેવી આશંકા તેનું મુખ્ય કારણ છે. હાલ એશિયામાં માંગ નબળી હોવાથી પણ સોનાના ભાવ પર દબાણ છે. જોકે વિશ્લેષકોનું કહેવું છે કે જ્યારે પણ સોનાનો ભાવ 4,000 ડૉલરથી નીચે જાય છે ત્યારે કેન્દ્રીય બૅન્કો દ્વારા તેની ખરીદી સામાન્ય રીતે વધી જાય છે."
ચાંદીના ભાવમાં કેવી હલચલ છે?
ચાંદીને ઝડપથી એવી કોમોડિટી તરીકે જોવામાં આવી રહી છે કે જેના ભાવ ઔદ્યોગિક વૃદ્ધિ પર આધારિત છે. રૉઇટર્સ અનુસાર HSBCએ કહ્યું છે કે ઉદ્યોગ અને જ્વેલરી માટે ચાંદીની માંગ ઘટી રહી છે. બેંકને આશા છે કે 2027માં ચાંદીનો સરેરાશ ભાવ પ્રતિ ઔંસ 64 ડૉલર રહેશે, જ્યારે આ વર્ષ માટે તેનો અંદાજ 71 ડૉલર પ્રતિ ઔંસ છે.
હાલમાં એક ઔંસ સોનું ખરીદવા માટે 79 ઔંસ ચાંદીની જરૂર છે. આ 11 મહિનાનું સર્વોચ્ચ અનુપાત છે. જાન્યુઆરીમાં જ્યારે ચાંદીનો ભાવ 122 ડૉલર પ્રતિ ઔંસના રેકૉર્ડ સ્તરે પહોંચ્યો હતો ત્યારે એક ઔંસ સોનું ખરીદવા માટે 46 ઔંસ ચાંદીની જરૂર પડતી હતી.
રૉઇટર્સે લખ્યું છે, "ઐતિહાસિક દૃષ્ટિએ જોવામાં આવે તો સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં હજુ વધુ ઘટાડાની શક્યતા છે. 'મેટલ્સ ફોકસ' મુજબ 2020 થી 2025 વચ્ચે સોનું-ચાંદીનું આ અનુપાત સરેરાશ 82 રહ્યું હતું."
સોના અને ચાંદીના ભાવ હવે વધશે કે ઘટશે

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય સંશોધન સંસ્થા સાહીના હેડ ઑફ રિસર્ચ ગૌરવ અરોડાએ કહ્યું કે અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકાએ સોનાના ભાવ પર દબાણ વધાર્યું છે.
અરોડાના જણાવ્યા મુજબ, અમેરિકન ફેડરલ રિઝર્વે ઑક્ટોબરમાં વ્યાજદરને 3.75 થી 4 ટકા વચ્ચે સ્થિર રાખ્યા હતા, પરંતુ સમિતિના બે સભ્યોએ વ્યાજદર વધારવાના પક્ષમાં મત આપ્યો હતો. બજાર હવે ડિસેમ્બરમાં વધુ એક વ્યાજદર વધારાની શક્યતા ધ્યાનમાં લઈને આગળ વધી રહ્યું છે.
અરોડાએ કહ્યું, "છેલ્લા એક મહિનામાં એમસીએક્સ પર સોનાના વાયદા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. હાલ પ્રતિ 10 ગ્રામ 1,38,250 રૂપિયા તેનો તાત્કાલિક સપોર્ટ લેવલ છે. જો ભાવ આ સ્તરથી નીચે જાય તો વધુ વેચવાલી શરૂ થઈ શકે છે."
"ચાંદીમાં સામાન્ય રીતે વધારે ઉતાર-ચઢાવ રહે છે. તેના માટે પ્રતિ કિલોગ્રામ 1,78,800 રૂપિયા તાત્કાલિક સપોર્ટ લેવલ છે."
તેમના જણાવ્યા અનુસાર, "તાજેતરના ઘટાડા છતાં વ્યાપક વલણ હજુ પણ નબળું જ છે. તેથી ધનતેરસ આસપાસ એકસાથે ખરીદી કરવા કરતાં બે અથવા ત્રણ હપ્તામાં સોનું ખરીદવું વધુ સારી વ્યૂહરચના હોઈ શકે છે."
"સાથે જ ચાંદીમાં રોકાણનો હિસ્સો સોનાની સરખામણીએ ઓછો રાખવો જોઈએ, કારણ કે તેમાં વધુ અસ્થિરતા રહે છે."
એસએમસી ગ્લોબલ સિક્યૉરિટીઝનાં હેડ ઑફ કોમોડિટી રિસર્ચ વંદના ભારતીનું માનવું છે કે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક ઊભી કરી શકે છે.
તેમણે ભૂતકાળના ઉદાહરણો આપ્યા, જ્યારે રોકડની જરૂરિયાતને કારણે વેચવાલી બાદ ભૌતિક સોનાની માંગમાં ભારે વધારો થયો હતો. 1970માં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 40 ડૉલરથી ઓછો હતો, જે જાન્યુઆરી 1980 સુધીમાં વધી લગભગ 850 ડૉલર પ્રતિ ઔંસ થયો હતો.
આ જ રીતે, 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન સોનાનો ભાવ શરૂઆતમાં ઘટીને લગભગ 700 ડૉલર પ્રતિ ઔંસ થયો હતો, પરંતુ પછી વધીને ઑગસ્ટ 2011 સુધી 1,917 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો.
માર્ચ 2020માં કોરોના મહામારી દરમિયાન પણ આવું જ જોવા મળ્યું. રોકડ એકત્ર કરવાની હોડ દરમિયાન સોનાનો ભાવ ઘટીને લગભગ 1,472 ડૉલર પ્રતિ ઔંસ રહ્યો હતો.
જોકે બાદમાં ભૌતિક સોનું અને ઇટીએફમાં રોકાણ વધતાં ભાવમાં ઝડપી સુધારો આવ્યો.
ભારતીએ કહ્યું કે આ ઉદાહરણો દર્શાવે છે કે રોકડ દબાણથી થતી ગિરાવટ દરમિયાન કિંમતી ધાતુઓમાં લાંબા ગાળાનું રોકાણ કરનાર ખરીદદારો સક્રિય થઈ શકે છે.
તેમણે સોનાના તાજેતરના ઘટાડાને ધીમે ધીમે ખરીદી કરવાની સંભવિત તક તરીકે ગણાવી છે. હાલ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 1.38 લાખ રૂપિયા છે.
તેમનો અંદાજ છે કે કેન્દ્રીય બૅન્કોની ખરીદી, વિનિમય દરમાં ઉતાર-ચઢાવ અને મોંઘવારી સામે રક્ષણના સાધન તરીકે સોનાની ભૂમિકાને કારણે 2027 સુધીમાં સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.65 લાખથી 1.80 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે આ માત્ર અંદાજ છે અને તેની કોઈ ખાતરી નથી.
કોમેક્સ, MCX અને ફ્યુચર રેટ શું છે?
કોમેક્સ અમેરિકાનો મુખ્ય બજાર છે, જ્યાં સોના અને ચાંદીના કોન્ટ્રાક્ટની ખરીદ-વેચાણ થાય છે. ફ્યુચર રેટ અથવા વાયદા ભાવ એ તે કિંમત છે, જેના આધારે આજે ભવિષ્યના કોઈ મહિનાની ડિલિવરી માટે સોદો નક્કી થાય છે.
તેનો અર્થ એ નથી કે તે સમયે સોનું અથવા ચાંદી ચોક્કસ એ જ કિંમતે હશે. કોમેક્સના ગોલ્ડ ફ્યુચર્સ આંતરરાષ્ટ્રીય બજારમાં એક મહત્ત્વપૂર્ણ માપદંડ તરીકે ઉપયોગમાં લેવાય છે.
કોમેક્સને જ્વેલરી દુકાન નહીં પરંતુ એક સંગઠિત જથ્થાબંધ બજાર તરીકે સમજવું જોઈએ.
શું MCX કોમેક્સને અનુસરે છે?
બંને બજારો પરસ્પર જોડાયેલા છે, પરંતુ જરૂરી નથી કે બંનેમાં ભાવમાં સરખી ટકાવારીથી ફેરફાર થાય. ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો ઉપરાંત રૂપિયા-ડૉલર વિનિમય દર અને સ્થાનિક પરિબળો પર પણ આધારિત છે.
જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધે તો સામાન્ય રીતે એમસીએક્સ પર પણ સોનાના ભાવ વધવાના દબાણ હેઠળ રહે છે.
જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સ્થિર રહે પરંતુ ડૉલરની સરખામણીએ રૂપિયા નબળો પડે, તો રૂપિયામાં સોનું વધુ મોંઘું થઈ જશે.
કોમેક્સ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ દર્શાવે છે, જ્યારે એમસીએક્સ એ ભારતીય વાયદા બજારના ભાવ દર્શાવે છે. બંનેમાંથી કોઈ પણ ભાવ જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી અંતિમ કિંમત સમાન નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















