તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
યુસુફ પઠાણને ગિફ્ટમાં પ્લૉટ આપવા અંગે જિતુ વાઘાણીએ શું સ્પષ્ટતા કરી? - ન્યૂઝ અપડેટ
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને વડોદરામાં ભેટમાં પ્લૉટ આપવા મામલે વિવાદ થયા પછી ગુજરાતના કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે.
બુધવારે ગાંધીનગરમાં કૅબિનેટની બેઠક પછી પત્રકારોને સંબોધતા જિતુ વાઘાણીએ જણાવ્યું કે, "વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રેવન્યુના પ્લૉટ આપવામાં આવતા હોય છે. તે ધારાધોરણો અને નીતિનિયમ મુજબ તે પ્લૉટ જે તે વિભાગે આપ્યો છે."
તેમને સવાલ કરવામાં આવ્યો કે કૉંગ્રેસનો આરોપ છે કે યુસુફ પઠાણે કેન્દ્રમાં જોડાણ કર્યું ત્યાર પછી રાજ્ય સરકારે નિર્ણય બદલ્યો છે.
આ વિશે વાઘાણીએ કહ્યું કે, "તેમને (કૉંગ્રેસને) આક્ષેપ કરવાનો અધિકાર છે. તેથી મારે કંઈ કહેવું નથી. પણ આ કદાચ કૉંગ્રેસ પહેલાં બોલી હોત તો વધારે સારું હતું."
તેમણે કહ્યું કે, "આજે માત્ર યુસુફ પઠાણને નહીં, પણ કોઈ પણ નાગરિકને નિયમિત કરવાનું હોય તો તે થાય છે. રાજકોટમાં મુખ્ય મંત્રીએ ઘણા ખેડૂતોને જમીન પાછી આપી હતી. જે જમીનો બૂકમાં હતી એવા હજારો ખેડૂતોને જમીન પાછી આપવામાં આવે છે."
ઉલ્લેખનીય છે કે વડોદરામાં યુસુફ પઠાણ પોતાના બંગલા નજીક એક સરકારી પ્લૉટ મેળવવા ઇચ્છતા હતા, પરંતુ સરકાર તેના માટે અત્યાર સુધી રાજી નહોતી. હવે તેમને અડધો પ્લૉટ 'ગિફ્ટ' કરવા અને અડધો પ્લૉટ ડિસ્કાઉન્ટ ભાવે આપવા સરકાર તૈયાર થઈ ગઈ છે.
રાજ્ય સરકારે વડોદરાના તાંદલજા વિસ્તારના 978 ચોરસ મીટરના, રૂ. 20.53 કરોડની કિંમતના પ્લૉટની ફાળવણી કરવા લીલી ઝંડી આપી છે.
ફ્રાન્સમાં હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે લોકો શું કહીને સાવધ કર્યા?
ફ્રાન્સમાં વિરોધપ્રદર્શનો અને કર્ફ્યૂ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખીને પેરિસસ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એક ઍડવાઇઝરી જારી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દૂતાવાસે ફ્રાન્સમાં રહેતા અને ત્યાં પ્રવાસ કરી રહેલા લોકોને સતર્ક રહેવા અને પ્રદર્શનસ્થળોથી દૂર રહેવા અપીલ કરી છે.
ઍડવાઇઝરીમાં જણાવાયું છે કે ફ્રાન્સમાં હાલના ઘટનાક્રમ અને ત્યાં કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂને ધ્યાનમાં રાખીને સતર્ક રહો અને સંપૂર્ણ સાવધાની રાખો. જ્યાં ભીડ હોય અને વિરોધપ્રદર્શન ચાલતાં હોય એવી જગ્યાએ ન જાઓ. સાથે સાથે ફ્રાન્સના પ્રશાસન દ્વારા જારી નિર્દેશો અને સલાહનું પાલન કરો.
દૂતાવાસે કહ્યું કે ફ્રાન્સમાં કોઈ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરતા ભારતીય નાગરિકો સંબંધિત ભારતીય મિશનનો સંપર્ક કરી શકે છે.
ભારતીય દૂતાવાસ, પેરિસ, ફોન નંબર : +33648340063, ઇમેઇલ: cons.paris@mea.gov.in
કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, માર્સિલે, ફોન નંબર : +33743162559, ઇમેઈલ: cgo.marseille@mea.gov.in
રણબીર કપૂરે પોતાના વાઇરલ નિવેદન પર માફી માગી
બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરે કોલકાતામાં દશેરાના કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદન અંગે માફી માગી છે.
રણબીર કપૂરે બુધવારે સાંજે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે દશેરાના કાર્યક્રમ દરમિયાન બોલતી વખતે તેમનાથી ચૂક થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, "આખરે સચ્ચાઈ-અચ્છાઈનો જ અંત થશે".
આ નિવેદન પછી ભારે ચર્ચા શરૂ થઈ હતી. આના પર પ્રતિક્રિયા આપતા રણબીરે પોતાની વાત સ્પષ્ટ કરી અને ભૂલ બદલ માફી માગી છે.
તેમણે કહ્યું કે "મારો કહેવાનો અર્થ એવો હતો કે બુરાઈ ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, છેલ્લે સચ્ચાઈ અને અચ્છાઈની જ જીત થશે."
રણબીરે કહ્યું કે "આનાથી મને રૉકસ્ટાર ફિલ્મમાં રહેમાનસર (એ.આર. રહેમાન) સાથે કરેલું કામ યાદ આવે છે. હું એટલું જ કહીશ કે 'જો ભી મેં કહના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે', તેથી હું આ માટે ખરેખર માફી માગું છું."
અહીં નોંધવું જરૂરી છે કે આગામી મહિને રણબીરની નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ રામાયણ આવવાની છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન