500 વર્ષ પહેલાં જાતીય હુમલાનો ભોગ બનેલી એક મહિલાની ન્યાય મેળવવાની સંઘર્ષગાથા

    • લેેખક, લૉરી ક્લાર્ક
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

1472ના શિયાળામાં જેહાન્ને ડિજોં શહેરમાં બહુ જાણીતી નહોતી. એ વખતે તેની સાથે ભયાનક હિંસક ઘટના બની હતી. તે ગર્ભવતી હતી. આ ઘટના પછી જે કંઈ બન્યું, તેનું ઇતિહાસકાર સારા મૅકડોગલે પોતાના નવા પુસ્તક 'જસ્ટિસ ફૉર જેહાન્ને'માં સંશોધન કરીને વર્ણન કર્યું છે. આ વર્ણન મધ્યયુગમાં ન્યાય કેવી રીતે અપાતો હતો તેની આશ્ચર્યજનક ઝલક આપે છે અને એ સમય વિશેની વ્યાપક માન્યતાઓને પડકારે છે.

ચેતવણી: આ લેખમાં જાતીય હુમલાની પીડાદાયક વિગતો છે.

આ પુસ્તક હુમલાની તપાસ દરમિયાન નોંધવામાં આવેલા દસ્તાવેજો પર આધારિત છે. તે મધ્યયુગીન જાસૂસીકથાની જેમ આગળ વધે છે અને બે સવાલોના જવાબ શોધે છે: એ રાત્રે ખરેખર શું બન્યું હતું? અને આ ઘટનાના કેન્દ્રમાં રહેલી મહિલા કોણ હતી?

જેહાન્ને કોણ હતી?

ફ્રાન્સના ઉત્તર-પૂર્વમાં આવેલા લોરેન પ્રદેશના એક ગરીબ પરિવારમાં જન્મેલી જેહાન્ને દક્ષિણ તરફ ડિજોં આવી હતી. એ જમાનામાં વ્યક્તિની ઓળખ નક્કી કરવી સહેલી નહોતી. 1472માં તેણે તપાસકર્તાને પોતાની ઉંમર આશરે 32 વર્ષ હોવાનું જણાવ્યું હતું. એ સમયે જન્મની નોંધ રાખવાની પ્રથા નહોતી, તેથી કોઈ વ્યક્તિની ચોક્કસ ઉંમર જાણી શકાતી નહોતી. જેહાન્નેએ પોતે પરણેલી હોવાનું જણાવ્યું હતું. તે 'જેહાન દ રેલાંજેસની પત્ની' હતી.

એ સમયે વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તે મુખ્યત્વે તેનાં કપડાં પરથી નક્કી થતું હતું. જેહાન્નેનાં કપડાં તેને માન-મોભો અપાવે એવાં હતાં. સાક્ષીઓના જણાવ્યા મુજબ, તે સુંદર અને ભવ્ય વસ્ત્રો પહેરતી હતી. જાહેર સ્થળોએ જતી વખતે તેના સોનેરી વાળ પર વ્યવસ્થિત રીતે ઢાંકેલો લાંબો હૂડ દર્શાવતો હતો કે તે એક પ્રતિષ્ઠિત પરણેલી મહિલા છે.

એ સમયે આતંકનું કેવું સામ્રાજ્ય હતું?

ડિજોંમાં એ સમયે હિંસા અને યુદ્ધનું વાતાવરણ હતું. બર્ગંડીના ડ્યુક ચાર્લ્સ ધ બૉલ્ડ અને ફ્રાન્સના રાજા લુઈ અગિયારમા વચ્ચે લડાઈ ચાલી રહી હતી. રાજા બર્ગંડીના ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યો હોવાથી શહેર પર આક્રમણનો ભય તોળાઈ રહ્યો હતો.

ડિજોંનું રક્ષણ કરવા માટે ડ્યુકે શહેરની દીવાલોની આસપાસ ભાડૂતી સૈનિકો તહેનાત કર્યા હતા. પરંતુ આ સૈનિકો બેફામ અને કાયદાની પરવા ન કરનારા હતા. તેમણે શહેરના લોકો પર જાણે પોતાના આતંકનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું.

મૅકડોગલે બીબીસીને જણાવ્યું હતું, "રાત્રે કેટલાક પુરુષો શિકારની શોધમાં નીકળતા. તેઓ લોકોને ધમકાવીને પૈસા પડાવતા, હેરાન કરતા, ખંડણી માટે બંદી બનાવતા કે અપહરણ કરતા. આવી ઘટનાઓ વારંવાર બનતી હતી," મૅકડોગલ બીબીસીને કહે છે. "શહેરના સત્તાધીશોને આ ગમતું નહોતું. આ મુદ્દે શહેર અને ડ્યૂક વચ્ચે ઘણો સંઘર્ષ હતો."

દરવાજો ખોલ્યો તો સામે બે પુરુષો ઊભા હતા...

3 જાન્યુઆરી, 1472ની સાંજે જેહાન્ને અને જે મહિલાના ઘરે તે મહેમાન તરીકે રોકાઈ હતી, તેમણે મુખ્ય દરવાજે જોરદાર ધડાકો સાંભળ્યો. દરવાજો ખોલતાં તેમની સામે સ્થાનિક બે પુરુષો ઊભા હતા.

તેમણે બંને મહિલાઓને પોતાની સાથે આવવાની માગણી કરી. મહિલાઓએ ના પાડી ત્યારે તેમાંથી એક પુરુષ નજીકની ધર્મશાળામાં ગયો અને ડ્યુકના કેટલાક ભાડૂતી સૈનિકોને સાથે લઈ આવ્યો.

જેહાન્નેના જણાવ્યા અનુસાર, આ પુરુષો તેને નજીકના એક ખેતરમાં ઢસડી ગયા અને તેના પર હુમલો કર્યો.

તે ગર્ભવતી છે તેની તેમને કોઈ પરવા નહોતી. તેમણે બૂમો પાડીને કહ્યું કે તેમને સાંભળવા મળ્યું હતું કે તેના ગર્ભમાં રહેલું બાળક એક પાદરીનું છે અને તેથી તે લગ્નેતર સંતાન છે.

જેહાન્નેએ વર્ણવ્યું હતું કે પુરુષો તેની સાથે "શારીરિક સંબંધ" બાંધવા માગતા હતા, જ્યારે તે બરફમાં આળોટીને તેમનો પ્રતિકાર કરી રહી હતી. તેની ગર્ભાવસ્થાનો અંતિમ તબક્કો અને તેનો સખત પ્રતિકાર આ પુરુષોને તેમનો ઇરાદો પાર પાડતાં રોકવામાં નિર્ણાયક બન્યાં હતાં.

તેણે જણાવ્યું હતું કે તેને માર મારવામાં આવ્યો હતો અને જમીન પર ઊંધી ફેંકી દેવામાં આવી હતી. પોતાના ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય બાબતે તે ભારે ભયભીત હતી.

આ પછી જે બન્યું તે મધ્યયુગ વિશેની આપણી આધુનિક માન્યતાઓને ધ્યાનમાં લઈએ તો આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એ સમયે બળાત્કાર અને જાતીય હુમલાને એટલી શરમજનક બાબત ગણવામાં આવતી હતી કે તેનાથી પીડિત મહિલાઓને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવતી હતી અને આખરે તેમને દેહવ્યાપાર કરવા મજબૂર થવું પડતું હતું.

આ માન્યતાનું મૂળ જૅક રોસિયોના 'મેડિવીયલ પ્રૉસ્ટિટ્યુશન' નામના લોકપ્રિય પુસ્તકમાં શોધી શકાય છે. આ પુસ્તક પહેલી વાર 1988માં પ્રકાશિત થયું હતું અને 2010માં તેની સંવર્ધિત આવૃત્તિ બહાર પડી હતી.

ન્યૂયોર્કની જૉન જે કૉલેજ ઑફ ક્રિમિનલ જસ્ટિસમાં ઇતિહાસનાં પ્રોફેસર મૅકડોગલે રોસિયોના વર્ણનની હકીકત તપાસવાનું નક્કી કર્યું. તેમની પાસે રોસિયોના પુસ્તકમાં કરવામાં આવેલા એક સંક્ષિપ્ત ઉલ્લેખનો આધાર હતો. તેમાં ડિજોંમાં ભાડૂતી સૈનિકો દ્વારા જાતીય હુમલાનો ભોગ બનેલી એક અજાણી ગર્ભવતી મહિલાનો ઉલ્લેખ હતો. રોસિયોએ લખ્યું હતું કે આ મહિલા શરૂઆતમાં એટલી શરમ અનુભવતી હતી કે તેણે સત્તાધીશો સમક્ષ પોતાની સાથે બનેલી ઘટના કહેવાની હિંમત કરી નહોતી. તેમના જણાવ્યા અનુસાર, આવી અનેક પીડિત મહિલાઓ આખરે વેશ્યાગૃહોમાં પહોંચી જતી હતી.

આ વર્ણન જેહાન્નેને મળતું આવતું હતું. પરંતુ જ્યારે મૅકડોગલે આ કેસ પર સંશોધન શરૂ કર્યું અને ડિજોંના મ્યુનિસિપલ આર્કાઇવમાં સચવાયેલા, ગીચ અક્ષરોમાં લખેલા 70 પાનાંના દસ્તાવેજોનો અભ્યાસ કર્યો, ત્યારે એકદમ અલગ જ હકીકત જાણવા મળી.

ગુનાની ઝીણવટભરી તપાસ કેવી રીતે થઈ?

જેહાન્નેનાં નિવેદનોની વિગતો જેક્સ બોરેસ્ટેલ નામના તપાસકર્તાએ નોંધેલી હતી. તે શહેરના સત્તાધીશો વતી કામ કરતો હતો.

ભાડૂતી સૈનિકોએ એક ગર્ભવતી મહિલાનું અપહરણ કરીને તેના પર હુમલો કર્યો હોવાના સમાચાર મળતાં જ બોરેસ્ટેલ પીડિતા અને શંકાસ્પદ આરોપીઓ વિશે વિગતો એકત્ર કરવા નીકળી પડ્યો હતો.

હુમલાના બીજા જ દિવસે તેણે જેહાન્નેનું પહેલું નિવેદન નોંધ્યું હતું. તે વખતે જેહાન્ને પથારીમાં પડી હતી. હુમલાને કારણે તે અત્યંત વ્યથિત હતી અને પોતાના બાળક બાબતે ડરી રહી હતી. તેણે બોરેસ્ટેલને હુમલાની વિગતો અને હુમલાખોરો વિશે જેટલી માહિતી યાદ હતી તે સહેલાઈથી જણાવી હતી. બીજા જ દિવસે જેહાન્નેએ એક દીકરીને જન્મ આપ્યો હતો.

પોતાની સાથે બનેલી ઘટના વિશે ખુલ્લેઆમ કહેવાનો જેહાન્નેનો નિર્ણય થોડો અસામાન્ય હતો. આવી સચ્ચાઈથી દૂર રહેવા માટે ઘણાં કારણો હતાં.

ગુનાહિત ન્યાયના મામલે શહેરનો ભૂતકાળ બહુ સારો નહોતો. અપહરણ અને હુમલા માટે કાયદા મુજબ મૃત્યુદંડની સજા હતી, પરંતુ મોટા ભાગના ગુનાઓમાં કાર્યવાહી જ થતી નહોતી. ટૂંકમાં, ફરિયાદ કરીને જેહાન્નેને ખાસ કંઈ મળવાનું નહોતું.

જેહાન્નેએ આપેલી માહિતીના આધારે બોરેસ્ટેલ મોટા ભાગના હુમલાખોરોને ઝડપથી પકડી શક્યો હતો.

પૂછપરછ દરમિયાન પુરુષોએ જેહાન્ને પર હુમલો કર્યો હોવાનો ઇનકાર કર્યો. બોરેસ્ટેલે એવી બેઠક ગોઠવી, જેમાં જેહાન્નેને તેના હુમલાખોરો સાથે આમનેસામને કરાવવામાં આવી. તેણે ફરીથી પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું. તેમ છતાં પુરુષોએ ગુનો કબૂલ્યો નહીં. તેથી મ્યુનિસિપલ અધિકારીઓએ તેમની સામે "અસાધારણ" પગલાં લેવાનું સ્વીકાર્યું. એક પુરુષને પાણીમાં ડુબાડીને શ્વાસ રૂંધવાની ધમકી આપવાની પદ્ધતિ જેવી યાતના આપવામાં આવી. આખરે બધાએ ગુનો કબૂલી લીધો.

ગુનાની કબૂલાત થઈ ગયા પછી શહેરના સત્તાધીશોએ યોગ્ય સજા નક્કી કરી: મૃત્યુદંડ. પરંતુ એક મુશ્કેલી હતી. આ પુરુષો ભાડૂતી સૈનિકો હોવાથી તકનીકી રીતે ડ્યુકના અધિકારક્ષેત્રમાં આવતા હતા. થોડા સમય પહેલાં જ ડ્યુકે એક નિવેદન બહાર પાડીને ભાડૂતી સૈનિકોના વર્તનની નિંદા કરી હતી અને ડિજોંના રહેવાસીઓ સુરક્ષિત હોવાનો અહેસાસ કરે એમ પોતે ઇચ્છતો હોવાનું જણાવ્યું હતું. હવે તેને જાહેરમાં ગુનેગારોને સજા કરવાની તક મળી હતી. શું તે આ તકનો ઉપયોગ કરશે?

ફરિયાદીની તપાસ

થોડા સમય પછી મ્યુનિસિપલ અધિકારીઓને ડ્યુકના સત્તાધીશો તરફથી સંદેશો મળ્યો. તેમણે આરોપીઓને છોડી મૂકવાની ભલામણ કરી હતી. શહેરના સત્તાધીશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને તેને રોકવા માટે વધુ સમય મેળવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમણે નવી તપાસ શરૂ કરાવી-જેહાન્નેની જ.

તેઓ જેહાન્ને સામે ખટલો ચલાવવા માગતા નહોતા, પરંતુ ફરિયાદી તરીકે તેની વિશ્વસનીયતા ચકાસવા ઇચ્છતા હતા. બોરેસ્ટેલે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે તે તપાસશે કે જેહાન્ને એક "પ્રતિષ્ઠિત પરણેલી મહિલા" (પ્ર્યુદેફામ) હતી કે પછી "ચારિત્ર્યહીન સ્ત્રી".

બોરેસ્ટેલે જેહાન્નેના પડોશીઓ અને તેના વિશે માહિતી આપી શકે તેવા અન્ય લોકોની પૂછપરછ કરી. ઘણા લોકોએ કહ્યું કે તે પ્રતિષ્ઠિત મહિલા જણાતી હતી. હુમલાનો ભોગ બનવા બદલ કોઈએ તેને શરમજનક સ્થિતિમાં મૂકી નહોતી કે તેના પર દોષ પણ ઢોળ્યો નહોતો. જોકે, ટૂંક સમયમાં જેહાન્નેએ બોરેસ્ટેલને જે વાતો જણાવી હતી તેની વિરુદ્ધની વિગતો પણ બહાર આવવા લાગી.

એક પડોશીએ જણાવ્યું કે બે વર્ષ પહેલાં જેહાન્નેએ નજીકના એક મઠમાં બીજા બાળકને જન્મ આપ્યો હતો. એમ માનવામાં આવતું હતું કે એ બાળકના પિતા એક પાદરી હતા, જેની સાથે જેહાન્ને એ સમયે એક જ ઓરડામાં રહેતી હતી. એવું પણ જણાયું કે જેહાન્ને ઘણાં વર્ષોથી પોતાના પતિને મળી નહોતી.

બોરેસ્ટેલે જેહાન્નેને ફરીથી મળીને તેની સામે નવી વિગતો મૂકી. છેલ્લી મુલાકાત પછી તેને ભાડૂતી સૈનિકોના સમર્થકો તરફથી ધમકીઓ મળી હતી. બદલો લેવાનો ભય હોવા છતાં પડોશીઓ અને પરિચિતોએ તેને છુપાઈ રહેવા માટે જગ્યાઓ શોધવામાં મદદ કરી હતી. આખરે તે એક હૉસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં તે કામ કરતી હતી.

જેહાન્નેએ જેક્સ સમક્ષ કબૂલ્યું કે તેણે અગાઉ કેટલીક વાતો ખોટી કહી હતી. તેણે સ્વીકાર્યું કે તેનો પતિ કેટલાંક વર્ષો પહેલાં યુદ્ધમાં લડવા માટે તેને છોડીને જતો રહ્યો હતો. ત્યાર પછી તે એક પાદરીને મળી હતી અને તેની ઉપપત્ની બની હતી. એ પાદરીનાં બે બાળકોને તેણે જન્મ આપ્યો હતો.

તો શું આથી જેહાન્ને ખરેખર "ચારિત્ર્યહીન સ્ત્રી" બની જતી હતી? બોરેસ્ટેલે નોંધેલા તેના પોતાના શબ્દોમાં કહીએ તો:

"ચોરી કરીને ગુજરાન ચલાવવા કરતાં પોતાના શરીરનો ઉપયોગ કરીને ગુજરાન ચલાવવું વધુ સારું હતું."

એક નવો દૃષ્ટિકોણ

આ બાબત એ સમયની જાતીય નૈતિકતાની જટિલતા સાથે સુસંગત હતી. લગ્ન પહેલાંના જાતીય સંબંધો પર પ્રતિબંધ હોવાનું કહેવાતું હતું, પરંતુ વાસ્તવમાં તે વ્યાપક રીતે સ્વીકાર્ય હતા.

પાદરીઓએ બ્રહ્મચર્ય પાળવાનું હતું, છતાં તેઓ ઉપપત્ની રાખતા અને લગ્નેતર સંતાનોને જન્મ આપતા હતા. વેશ્યાવૃત્તિને ગંભીર નૈતિક પાપ ગણવામાં આવતી હતી, પરંતુ વાસ્તવમાં તેને વ્યાપક રીતે ચલાવી લેવામાં આવતી હતી.

જેહાન્ને પોતે જે હોવાનું શરૂઆતમાં જણાવ્યું હતું તે હકીકતમાં નહોતી. તેણે પોતાને જે રીતે રજૂ કરી હતી તેવી સંયમી અને પ્રતિષ્ઠિત પત્ની પણ નહોતી. હકીકતમાં, તે "પાપમય જીવન" જીવતી હતી. પરંતુ રસપ્રદ વાત એ હતી કે આ બાબતથી કોઈ ફરક પડ્યો નહોતો.

બોરેસ્ટેલની નવી તપાસમાં બહાર આવેલી વિગતો જાણવા છતાં સરકારી વકીલોએ જેહાન્નેના કેસમાં કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. એક પાદરીનાં લગ્નેતર સંતાનને જન્મ આપ્યો હોવાની હકીકત તેના કેસ માટે અપ્રસ્તુત સાબિત થઈ હતી. સત્તાધીશો એ ભાડૂતી સૈનિકોને મૃત્યુદંડ અપાવવા માગતા હતા.

જોકે, બીજી એક મુશ્કેલી ઊભી થઈ. ભાડૂતી સૈનિકો હવે જેલમાં નહોતા.

ડ્યુકના સત્તાધીશોએ દાવો કર્યો હતો કે આ પુરુષો પાદરીવર્ગના સભ્યો હતા અને તેથી તેમના પર માત્ર ધાર્મિક કાયદા જ લાગુ પડતા હતા. આ દાવો દેખીતી રીતે જ વાહિયાત હતો, કારણ કે પાદરીઓને શસ્ત્રો રાખવાની મનાઈ હતી. તેમ છતાં, મ્યુનિસિપલ સત્તાધીશો પાસે કોઈ ઉપાય નહોતો. બે મહિના જેલમાં રહ્યા પછી આ પુરુષોને છોડી મૂકવામાં આવ્યા.

ત્યાર પછી જેહાન્ને સાથે શું થયું તે શોધવું અશક્ય બની રહે છે. શું તે વેશ્યા બની ગઈ હતી? એ શક્ય છે. એ સમયગાળામાં ડિજોંમાં જેહાન્ને નામની કેટલીક મહિલાઓ વેશ્યાવૃત્તિ કરતી હતી. પરંતુ ઉપલબ્ધ દસ્તાવેજો એટલા અધૂરા છે કે ખાતરીપૂર્વક કંઈ કહી શકાય તેમ નથી.

જેહાન્નેની કહાણીનો અંત ગમે તે આવ્યો હોય, મૅકડોગલને 600 વર્ષ જૂના અદાલતી દસ્તાવેજોના સમૂહમાં સચવાયેલી આ મહિલાના જીવનની નાનકડી ઝલકને ઓળખવાની તક મળી તેનો આનંદ હતો.

તેમણે કહ્યું હતું, "મને તેના માટે ખૂબ માન છે. પોતાનો પક્ષ રજૂ કરવા માટે તે જે રીતે સતત લડતી રહી, તેનાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું." એ સમય તેના માટે પ્રતિકૂળ હોવા છતાં, "તેને પોતાનાં નિર્ણયો લેવાની અને પોતાની રીતે પગલાં ભરવાની ક્ષમતા હોવાનો અહેસાસ હતો."

એથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે જેહાન્નેની કહાણી મધ્યયુગ વિશેની આપણી માન્યતાઓને પડકારે છે. મૅકડોગલ કહે છે, "મને મળેલા પુરાવા મુજબ, આ મધ્યયુગીન સમાજમાં પીડિતાને દોષી ઠેરવવાની કે તેને શરમજનક સ્થિતિમાં મૂકવાની પ્રથા કોઈ ખાસ પ્રમાણમાં નહોતી. મહિલાઓ આરોપ મૂકી શકતી હતી. તેમણે દરેક વાત ચોક્કસ રીતે યાદ રાખવી જરૂરી નહોતી અને તેઓ સંપૂર્ણ કુંવારી હોવી પણ જરૂરી નહોતી." જેહાન્નેએ ફરિયાદ નોંધાવ્યા પછી પણ પડોશીઓ તેની મદદે આવ્યા હતા. પછીના જીવનમાં તેણે જે કંઈ કર્યું હોય, આ ઘટનાની અસર તેના મન પર રહી જ હશે.

સારા મૅકડોગલનું પુસ્તક જસ્ટિસ ફૉર જેહાન્ને: ધ ટેલ ઑફ અ મેડિવીયલ સર્વાઇવર હવે ઉપલબ્ધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન