તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
સુરત : ઇન્સ્ટાગ્રામમાં 'સલમાન ખાન' ગ્રૂપમાં ઘોડસવારીના વીડિયો પોસ્ટ થયો અને બેનાં મોત થયાં, શું છે સમગ્ર મામલો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
સુરતમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના મામલે સગીર વયના કેટલાક છોકરાઓ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો, જેમાં 3 સગીરોએ મળીને ધારદાર હથિયાર વડે બીજા 2 સગીરોની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઇન્સ્ટાગ્રામ પર એક જૂથમાં વીડિયો પોસ્ટ કરવા મામલે 16થી 17 વર્ષના છોકરાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રવિવારે રાતે સુરતના નાનપુરા વિસ્તારમાં એક કબ્રસ્તાન પાસે છોકરાઓ સમાધાન કરવા એકઠા થયા હતા અને ત્યાં તેમની વચ્ચે ફરી ઝઘડો થયો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનીની અટકાયત કરી છે, જેમને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આખી ઘટના શું છે?
આ ઘટનાની માહિતી આપતાં સુરતના એસીપી (જી ડિવિઝન) વી. આર. મલ્હોત્રાએ મીડિયાને જણાવ્યું કે, "રવિવારે રાતે પોણા બાર વાગ્યાની આસપાસ ફાતેમા કબ્રસ્તાન નામની જગ્યા પાસે બે સગીરની હત્યા થઈ છે."
"આ મામલે પોલીસે એક મૃતકના પિતા સાબીર ફેઝ મોહમ્મદની ફરિયાદ લીધી હતી. આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરીને હત્યાના આરોપ હેઠળ કિશોરોને ડિટેઇન કરેલા છે."
ઝધડાનું કારણ આપતા તેમણે કહ્યું કે, "ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાન નામે એક ગ્રૂપ બનેલું છે. કોઈએ આ ગ્રૂપમાં બે ત્રણ વીડિયો પોસ્ટ કર્યા હતા. આરોપી કિશોરોએ આ મામલે વાંધા ઉઠાવ્યા હતા."
"ત્યાર પછી અંદરો અંદર બે જૂથો વચ્ચે બોલાચીલી થઈ હતી. રવિવારે રાતે બંને જૂથ સમાધાન કરવા માટે ફાતેમા કબ્રસ્તાન પાસે એકઠા થયા હતા. માર્યા ગયેલા સગીરોએ બીજા કિશોરોને ઉશ્કેરતાં તેમણે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો."
એક મૃતક સગીરના પિતા મહમદ સાબિર ફૈઝ મહમદ શેખે જણાવ્યું કે, છોકરાઓ વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટ અને ગેમ્સના મામલે વિવાદ થયો હતો. બંને મૃતકો ચિકન શૉપમાં કામ કરતા હતા. તેમાંથી એક છોકરાના પિતા જેલમાં છે અને માતાનું પણ મૃત્યુ થયેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેઓ ઑટો રિક્ષા પેઇન્ટ કરીને ગુજરાન ચલાવે છે અને તેમને 16 અને 18 વર્ષના બે દીકરા છે. રવિવારે રાતે તેઓ ઘરે આવ્યા, ત્યારે તેમનો નાનો દીકરો ઘરે નહોતો. તેમને પડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે, બીજા ત્રણ છોકરાઓએ તેમના દીકરા પર હુમલો કર્યો છે અને તેમના દીકરાને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
તેમણે હૉસ્પિટલ જઈને જોયું, તો તેમના 16 વર્ષીય દીકરાનું મૃત્યુ થયું હતું. તેમણે દીકરાના મિત્રોને પૂછતાં જાણવા મળ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર 'સલમાન ખાન ગ્રૂપ' નામના જૂથમાં છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં તેમના પુત્રને મારવાની ધમકીઓ મળી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે, ઇન્સ્ટાગ્રામની ચેટમાં જ છોકરાને રાતે એક જગ્યાએ મળવા માટે બોલાવવામાં આવ્યો હતો અને પછી ફોન કરીને ફાતેમા કબ્રસ્તાન નજીક આવવા કહેવામાં આવ્યું હતું. ત્યાં બીજા સગીર વયના છોકરાઓએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
જોકે, એસીપી મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં એવું ક્યાંય નથી આવ્યું કે કોઈ ગેમના મામલે ઝઘડો થયો હોય. પરંતુ ઇન્સ્ટાગ્રામ પરની ચેટ પરથી લાગે છે કે પોસ્ટ કરવાના મામલે વિવાદ થયો હતો.
અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એચ. ભાટીએ જણાવ્યું કે, "બંને આરોપી સગીર વયના છે, તેથી તેમને આજે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે."
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, ભોગ બનેલા સગીરો તથા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને 'સલમાન ખાન' નામના એક ઇન્સ્ટાગ્રામ ગ્રૂપના સભ્યો હતા. તેમાં ઘોડેસવારીના કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા પછી કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને અંદરોઅંદર ઝઘડો થયો હતો.
રાતે લગભગ પોણા 12 વાગ્યે જ્યારે સગીરો સમાધાન કરવા માટે એકઠા થયા, ત્યારે તેમની વચ્ચે દલીલો શરૂ થઈ હતી. તેમાં એક મૃતકે આરોપીને ટપલી મારતાં આરોપી છોકરાએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. શરૂઆતમાં મૃતકોના પરિવારે ફરિયાદ કરી હતી કે ઑનલાઇન ગેમિંગના મામલે આ ઝઘડો થયો છે. પરંતુ એસીપી મલ્હોત્રાએ આ વાત નકારી કાઢી હતી.
આ મામલે આરોપીની પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થતાં અહીં ઉમેરો કરવામાં આવશે.
સગીર વયે હિંસાનું કારણ શું?
સોશિયલ મીડિયાના કારણે સગીર વયના લોકો હિંસા કરે તેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તેની સમજણ આપતાં અમદાવાદસ્થિત સાયકિયાટ્રિસ્ટ ડૉ. ધ્રુવ ઠક્કરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "છોકરાઓમાં હજુ સારા-નરસાનો ભેદ ખબર ન હોય, તેના કારણે તેઓ ખોટી ચીજોનું અનુકરણ કરતા હોય છે. તેઓ ફિલ્મોમાં હિંસા જોતા હોય છે, જેનાથી પ્રભાવિત થાય છે."
તેઓ કહે છે કે, "આપણી ફિલ્મોમાં નાયક હિંસા કરે છે અને પછી જીતે છે. તેથી એક રીતે હિંસાને ગ્લૉરિફાય કરવામાં આવે છે. તેના કારણે છોકરાઓના મગજમાં એવી છાપ પડી જાય છે કે, સત્તા જમાવવી હોય તો હિંસા કરવી જરૂરી છે."
તેઓ કહે છે કે, "બાળકોને કઈ રીતે ઉછેરવામાં આવે છે, તે પણ આવી ઘટનાઓમાં ભૂમિકા ભજવે છે. બાળકો ખરાબ સંગતમાં હોય ત્યારે માતા-પિતા તેમને અટકાવી ન શક્યાં હોય અથવા બાળકોમાં કોઈ જાતનો ભય ન રહે, તો તેઓ ધીમે-ધીમે હિંસા તરફ વળી શકે છે."
ડૉ. ધ્રુવ ઠક્કરે જણાવ્યું કે, "આ ઉપરાંત કેટલાક લોકોની પર્સનાલિટી પહેલેથી 'એન્ટિ-સોશિયલ' હોઈ શકે છે. તેમને સોશિયલ મીડિયાના કારણે એક પ્લેટફૉર્મ મળે છે, જેમાં તેઓ લાઇક્સ કે ફૉલોઅર્સ મેળવવા કે બીજા પર પ્રભાવ પાડવા માટે એવી પોસ્ટ મૂકતા હોય છે. સોશિયલ મીડિયામાં પોતાના જેવા વિચાર ધરાવતા લોકો બહુ આસાનીથી મળી જાય છે, જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને જૂથ મળી રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન