અકબરનાં 'મરિયમ-ઉઝ-ઝમાની' : ભારતનાં સૌથી મહાન મહિલા વેપારી, જેમને નુકસાન પહોંચાડવાની પોર્ટુગીઝો અને અંગ્રેજોને ભારે કિંમત ચૂકવવી પડી

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

1613ની ચોમાસાની ઋતુ હમણાં જ પૂરી થઈ હતી. એ વખતે પોર્ટુગીઝ વેપારીઓએ લાલ સમુદ્રમાં વેપાર કરતા ભારતીય જહાજોમાંના સૌથી મોટા જહાજ 'રહીમી'ને અટકાવીને કબજે કરી લીધું અને તેને ગોવા લઈ ગયા. આ જહાજ મરિયમ-ઉઝ-ઝમાની નામની એક મહિલાની માલિકીનું હતું.

'મરિયમ-ઉઝ-ઝમાની' તેમનો ખિતાબ હતો, જ્યારે તેમનું અસલ નામ 'હરખાબાઈ' હતું. રાજપૂત રાજકુમારી હરખાબાઈની કહાણી ઘણી રસપ્રદ છે.

1562માં હરખાબાઈનું લગ્ન ત્રીજા મુઘલ સમ્રાટ જલાલુદ્દીન મહંમદ અકબર સાથે થયું હતું. થોડા સમય પછી આ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ નૂરુદ્દીન મહંમદ રાખવામાં આવ્યું. આ પ્રસંગે અકબરે હરખાબાઈને 'મરિયમ-ઉઝ-ઝમાની'નો ખિતાબ આપ્યો. તેમના પુત્ર નૂરુદ્દીન મહંમદે પાછળથી 'જહાંગીર'ના ખિતાબ સાથે મુઘલ સિંહાસન સંભાળ્યું.

ઇતિહાસકાર રૂબી લાલ અને ઇરા મુખોટીના જણાવ્યા અનુસાર, અકબરની આ પ્રિય અને પ્રભાવશાળી પત્ની પોતાના સમયની સૌથી ધનવાન મહિલાઓમાંની એક હતી.

એલિસન બૅન્ક્સ ફાઇન્ડલીએ અમેરિકન ઍન્ડ ઇન્ટરનૅશનલ સોસાયટીની જર્નલમાં પ્રકાશિત પોતાના સંશોધનલેખ 'ધ કૅપ્ચર ઑફ મરિયમ-ઉઝ-ઝમાની'સ શિપ : મુઘલ વુમન ઍન્ડ યુરોપિયન ટ્રેડર્સ'માં લખ્યું છે કે મરિયમ-ઉઝ-ઝમાનીને મુઘલ સામ્રાજ્યની સૌથી મોટી મહિલા વેપારી માનવામાં આવે છે.

1623માં તેમના અવસાન સુધી, 40 વર્ષથી વધુ સમય સુધી તેઓ રાજમાતાના પદે રહ્યાં હતાં.

મરિયમ-ઉઝ-ઝમાનીના પુત્ર અને મુઘલ સમ્રાટ જહાંગીરના શાસનકાળ દરમિયાન પોર્ટુગીઝોએ મરિયમ-ઉઝ-ઝમાનીની માલિકીના જહાજ 'રહીમી'ને કબજે કર્યું હતું.

જહાજ પર પોર્ટુગીઝોનો પરવાનો હોવા છતાં તેમણે જહાજમાં ભરેલો બધો માલસામાન અને તેમાં સવાર આશરે 700 મુસાફરોને પણ કબજે કરી લીધા હતા.

ઇરા મુખોટીએ 'ડૉટર્સ ઑફ ધ સન : એમ્પ્રેસિસ, ક્વીન્સ ઍન્ડ બેગમ્સ ઑફ ધ મુઘલ એમ્પાયર'માં લખ્યું છે કે 'રહીમી' માત્ર વેપારી જહાજ નહોતું, પરંતુ હજયાત્રા માટે પણ તેનો ઉપયોગ થતો હતો. તે ભારતના સુરત બંદરેથી મક્કાની દક્ષિણે આવેલા લાલ સમુદ્રના મુખ પરના અરબી બંદર મોખા સુધી હજયાત્રીઓને લઈ જતું હતું. યુરોપમાં તે 'ધ ગ્રેટ પિલગ્રિમેજ શિપ' એટલે કે 'મહાન હજયાત્રા જહાજ' તરીકે જાણીતું હતું.

'રહીમી' મારફતે ભારતમાંથી ગળી, કપાસ, રેશમ, ચામડું, ધાતુઓ, ગાલીચા, મસાલા, અફીણ અને રત્નોની નિકાસ થતી હતી. જ્યારે ભારતમાં સોનું, ચાંદી, હાથીદાંત, મોતી, અંબર, અત્તર, દારૂ, કિનખાબ, માટીનાં વાસણો અને કાચની વસ્તુઓ જેવી ચીજો લાવવામાં આવતી હતી. આમાંથી કેટલીક વસ્તુઓમાં શાહી પરિવારની મહિલાઓને ખાસ રસ હતો.

મુખોટીના જણાવ્યા અનુસાર, "મરિયમ-ઉઝ-ઝમાની પાસે બીજાં પણ અનેક જહાજો હતાં, પરંતુ દરિયાઈ મુસાફરી માટે 'રહીમી' સૌથી વધુ જાણીતું હતું." 17મી સદીમાં 'રહીમી' હિંદ મહાસાગરમાં ફરતાં સૌથી મોટાં જહાજોમાંનું એક હતું.

"આ જહાજમાં 1,500 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હતી અને તેમાં એક લાખ પાઉન્ડની કિંમતનો માલસામાન લઈ જઈ શકાતો હતો. આજના હિસાબે આ રકમ આશરે 50 કરોડ ભારતીય રૂપિયા અથવા 250 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલી થાય."

"રાજમાતા મરિયમ-ઉઝ-ઝમાનીએ વેપાર માટે અનેક એજન્ટો, દલાલો અને નાણાકીય સલાહકારોની નિમણૂક કરી હતી."

વિલિયમ ફૉસ્ટરના પુસ્તક 'અર્લી ટ્રાવેલ્સ' અનુસાર, મરિયમ-ઉઝ-ઝમાની દરબારનાં ચાર એવા મહત્ત્વના લોકોમાંનાં એક હતાં, જેમને 12,000 ઘોડેસવારો રાખવાનો અધિકાર હતો. આ ચાર લોકોમાં રાજાનો પણ સમાવેશ થતો હતો અને મરિયમ-ઉઝ-ઝમાની એકમાત્ર મહિલા હતાં. દર વર્ષે નૌરોઝના તહેવાર વખતે દરેક અમીર પોતાના હોદ્દા પ્રમાણે તેમને કિંમતી રત્નો ભેટ આપતો હતો.

મરિયમ-ઉઝ-ઝમાનીને સત્તાવાર ફરમાનો જારી કરવાનો અધિકાર પણ હતો. સામાન્ય રીતે આ અધિકાર માત્ર રાજાને જ મળતો હતો.

મુખોટીના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની સંપત્તિ અને પ્રભાવનો ઉપયોગ બગીચા, કૂવા અને મસ્જિદો બંધાવવા માટે કર્યો હતો.

સૈયદ મહંમદ લતીફના પુસ્તક 'હિસ્ટરી ઑફ લાહોર'માં જણાવવામાં આવ્યું છે કે 1614માં તેમણે મરિયમ ઝમાની અથવા બેગમ શાહી મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદ લાહોરના જૂના શહેરના 12 ઐતિહાસિક દરવાજાઓમાંના એક મસ્તી દરવાજા પાસે આવેલી છે. લાહોરના કિલ્લાનો અકબરી દરવાજો પણ આ વિસ્તારની નજીક આવેલો છે.

ઇતિહાસકારો માને છે કે મરિયમ-ઉઝ-ઝમાની જેટલી કુશળ અને સાહસિક વેપારી અન્ય કોઈ શાહી મહિલા રહી હોય એમ જણાતું નથી.

તેમ જ, કોઈ વેપારીના જહાજને તેમના જહાજ જેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય એવું પણ ભાગ્યે જ જોવા મળે છે.

ફૉસ્ટરના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 1609માં મરિયમ-ઉઝ-ઝમાનીનું જહાજ મોખા જવા માટે તૈયાર થઈ રહ્યું હતું. પોર્ટુગીઝોએ ધમકી આપી કે જો તેઓ પરવાના માટે મોટી રકમ નહીં ચૂકવે તો જહાજને ગુજરાતના દીવ બંદરે લઈ જવામાં આવશે. આખરે સંઘર્ષ ટાળવા બંને પક્ષો પ્રમાણમાં ઓછી રકમ ચૂકવવા-લેવા સંમત થયા.

ત્યાર બાદ, 1610ના અંતમાં અથવા 1611ની શરૂઆતમાં, જહાજને ફરી એક વાર મોખા લઈ જવા માટે માલસામાનથી ભરવામાં આવી રહ્યું હતું. એ વખતે મરિયમ-ઉઝ-ઝમાનીએ પોતાના એક એજન્ટને આગ્રાથી 50 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા ગળીના મોટા ઉત્પાદક કેન્દ્રમાં ગળી ખરીદવા અને તેને જહાજમાં ભરાવવાની વ્યવસ્થા કરવા મોકલ્યો હતો.

"પરંતુ સોદો પૂરો થવાની તૈયારીમાં હતો ત્યાં જ અંગ્રેજ વેપારી વિલિયમ ફિન્ચ આવી પહોંચ્યો. તેણે થોડી વધારે કિંમત આપીને ગળી ખરીદી લીધી અને તેને લઈ ગયો."

"જ્યારે મરિયમ-ઉઝ-ઝમાનીને ખબર પડી કે એક અંગ્રેજે તેમના કરતાં વધુ કિંમત આપીને માલ ખરીદી લીધો છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયાં."

" તેમણે પોતાના પુત્ર અને સમ્રાટ જહાંગીરને ફરિયાદ કરી. પરિણામે, દરબારમાં અંગ્રેજોના પ્રતિનિધિ વિલિયમ હૉકિન્સે લાંબા સમય સુધી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો."

વિલિયમ ફિન્ચની ઉતાવળી હરકતની જહાંગીરના દરબારમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તત્કાલીન ભવિષ્ય પર ગંભીર અસર પડી. તેની અસર એટલી વ્યાપક હતી કે 1612માં અંગ્રેજ કૅપ્ટન જાર્ડિને લખ્યું હતું, "રાણીનું જહાજ 'રહીમી' મોખા જવા માટે તૈયાર હતું. પરંતુ અમે (યુરોપિયનો) ત્યાંથી નીકળી ન જઈએ ત્યાં સુધી સ્થાનિક વેપારીઓ પોતાનો માલ એ જહાજમાં ભરવા તૈયાર નહોતા."

આ ઘટના પરથી જણાય છે કે સમૃદ્ધ વેપારી હોવા છતાં અને મુઘલ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવવા છતાં મરિયમ-ઉઝ-ઝમાની વેપારનાં જોખમોથી મુક્ત નહોતાં.

ફાઇન્ડલીના જણાવ્યા અનુસાર, અકબરના શાસનકાળ દરમિયાન પોર્ટુગીઝો સાથેના સંબંધો પ્રમાણમાં સૌહાર્દપૂર્ણ હતા અને આ સંબંધો જહાંગીરના શાસનકાળમાં પણ ચાલુ રહ્યા હતા.

પરંતુ મુખોટી લખે છે કે જહાંગીરના શાસનકાળમાં મુઘલ દરબારમાં અન્ય યુરોપિયન વેપારીઓ, ખાસ કરીને અંગ્રેજોનો પ્રભાવ વધતાં પોર્ટુગીઝોને પોતાનું વર્ચસ્વ ઘટવાનો ભય સતાવવા લાગ્યો હતો.

બ્રિટિશ શાસનકાળના દસ્તાવેજો અનુસાર, મુઘલ દરબારમાંથી પોતાના યુરોપિયન હરીફોને હાંકી કાઢવા માટે સમ્રાટ પર દબાણ લાવવાના પ્રયાસરૂપે પોર્ટુગીઝોએ જહાંગીરની માતા અને રાજમાતા મરિયમ-ઉઝ-ઝમાનીના જહાજને નિશાન બનાવીને સમ્રાટની પ્રતિષ્ઠાને પડકાર ફેંક્યો હતો.

પોર્ટુગીઝોએ જહાજને આગ ચાંપી દીધી

ફાઇન્ડલી લખે છે કે જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે જહાજ પાછું મેળવી શકાશે નહીં, ત્યારે જહાંગીરે દરિયાઈ વેપાર માટેના ભારતના સૌથી મોટા બંદર સુરતથી થતી તમામ અવરજવર બંધ કરવાનો અને પોર્ટુગીઝોના નગર દમણને કબજે કરીને તેની નાકાબંધી કરવાનો આદેશ આપ્યો.

રૉબર્ટ ઓર્મે પોતાના પુસ્તક 'હિસ્ટોરિકલ ફ્રેગમેન્ટ્સ ઑફ ધ મુઘલ એમ્પાયર'માં લખ્યું છે કે પોર્ટુગીઝોએ શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા. ત્યાર પછી તેઓ જહાજના નુકસાન બદલ મુઘલ સરકારને વળતર ચૂકવવા અને "લાલ સમુદ્ર તરફ જતાં સ્થાનિક જહાજોને કેટલાક વધારાના પરવાના આપવા" સંમત થયા.

પરંતુ આ સમજૂતીની શરત એવી હતી કે અંગ્રેજોને ત્યાંથી હાંકી કાઢવામાં આવે. જહાંગીરે આ શરત સ્વીકારવાનો ઇનકાર કર્યો.

આખરે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળેલા પત્રોના વિલિયમ ફૉસ્ટર દ્વારા સંપાદિત સંગ્રહ અનુસાર, સમ્રાટે એક સંધિ કરી. તેના હેઠળ પોર્ટુગીઝોએ "કબજે કરેલા જહાજના બદલામાં ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના હતા." જોકે, અંગ્રેજોને હાંકી કાઢવાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી, કારણ કે જહાંગીરને ધીમે ધીમે દરિયામાં અંગ્રેજોની તાકાતનો ખ્યાલ આવવા લાગ્યો હતો.

"આમ, મરિયમ-ઉઝ-ઝમાનીના જહાજને પોર્ટુગીઝોએ કબજે કરવાથી બંને શાસનવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં મોટો ફેરફાર આવ્યો. આ ઘટનાથી અંગ્રેજોને ઘણો ફાયદો થયો."

"બાદશાહનાં માતા સાહસિક મહિલા હતાં અને તેથી જ બાદશાહે આ સ્થળેથી પોર્ટુગીઝોને હાંકી કાઢ્યા હતા."

પોતાનું સૌથી મોટું હજયાત્રાનું જહાજ 'રહીમી' ગુમાવ્યા પછી પણ મરિયમ-ઉઝ-ઝમાનીએ પોતાનાં વેપારી જહાજો અને હજયાત્રાનાં જહાજોનું સંચાલન ચાલુ રાખ્યું.

પ્રસૂન ચૅટરજી પોતાના પુસ્તક 'જેન્ડર ઍન્ડ ટ્રાવેલ રાઇટિંગ ઇન ઇન્ડિયા'માં લખે છે કે તેમની પાસે જહાજોનો આખો કાફલો હતો.

ફૉસ્ટર સહિતના અનેક ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, 1617માં બે અંગ્રેજ ચાંચિયાઓએ લાલ સમુદ્રમાંથી પાછા ફરી રહેલા મરિયમ-ઉઝ-ઝમાનીના એક જહાજને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. એ જહાજમાં અનેક હજયાત્રીઓ અને કિંમતી માલસામાન હતો. જોકે, જહાજને સમયસર બચાવી લેવામાં આવ્યું.

"જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજોના કાફલાએ સમયસર દરમિયાનગીરી ન કરી હોત, તો આ ઘટનાના પરિણામે ભારતનાં સૌથી વ્યસ્ત બજારો અંગ્રેજી વેપાર માટે બંધ થઈ ગયાં હોત."

'જર્નલ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ'માં આયેશા સફદર અને મુહમ્મદ આઝમ ખાને કરેલા સંશોધન મુજબ, 'રહીમી' ગુમાવ્યા પછી રાજમાતાએ તેના કરતાં પણ મોટું જહાજ બંધાવવાનો આદેશ આપ્યો હતો.

"તેના પર 62 તોપો ગોઠવવામાં આવી હતી અને 400થી વધુ તોપચીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. તેનું નામ 'ગંજ-એ-સવાઈ' રાખવામાં આવ્યું હતું. તે પોતાના સમયનું દરિયામાં સૌથી ભયાનક જહાજ ગણાતું હતું. તેનો હેતુ વેપાર અને હજયાત્રીઓને મક્કા લઈ જવાનો હતો. પાછા ફરતી વખતે તે હજયાત્રીઓને પરત લાવતું અને માલસામાનના બદલામાં સોનું તથા ચાંદી મેળવતું હતું."

(પાછળથી, ઔરંગઝેબ આલમગીરના શાસનકાળ દરમિયાન, 7 સપ્ટેમ્બર, 1695ના રોજ મોખાથી સુરત તરફ આવી રહેલા આ જહાજને અંગ્રેજ ચાંચિયા હેન્રી એવરીએ કબજે કરી લીધું હતું.)

'રૉયલ મુઘલ લેડીઝ ઍન્ડ ધેર કન્ટ્રિબ્યુશન્સ'નાં લેખિકા સોમા મુખરજીના જણાવ્યા અનુસાર, મરિયમ-ઉઝ-ઝમાનીને ઉપખંડની એવી પ્રથમ મહિલા માનવામાં આવે છે, જેમણે દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિતપણે વેપાર કર્યો હતો.

ફાઇન્ડલી લખે છે કે, "સફળ વેપારી અને ઉદ્યોગસાહસિક તરીકે તેમણે વિસ્તરતા જતા વિદેશી વેપારમાં મુઘલ મહિલાઓની ભૂમિકા ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. મુઘલ સામ્રાજ્યની નૂરજહાં અને જહાંઆરા બેગમ સહિતની અગ્રણી મહિલા વેપારીઓમાં મરિયમ-ઉઝ-ઝમાનીને સૌથી પ્રભાવશાળી અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે."

દિર્ક કોલિયરના પુસ્તક 'એમ્પરર્સ રાઇટિંગ્સ: મેમરીઝ ઑફ અકબર ધ ગ્રેટ'માં લખ્યું છે કે તેમણે રેશમ અને વિવિધ પ્રકારના મસાલાના વિશાળ વેપારને આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિસ્તાર્યો હતો. તેઓ અખાતના દેશો સહિત અન્ય દેશો સાથેના વેપાર પર નજર રાખતાં હતાં.

"અકબરને મરિયમ-ઉઝ-ઝમાનીના વેપારમાં ખાસ રસ હતો. તેઓ તેમના વેપારી સાહસોમાં સમય અને મૂડીનું રોકાણ કરતા હતા. ઘણી વાર તેઓ તેમની સાથે વેપાર અંગે લાંબી ચર્ચાઓ પણ કરતા હતા."

બૅમ્બર અને ક્રિસ્ટીના ગૅસ્કોઇને પોતાના પુસ્તક 'ધ ગ્રેટ મુઘલ્સ'માં લખ્યું છે કે જહાંગીરની પત્ની નૂરજહાં, મુઘલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલની પુત્રી તથા ઔરંગઝેબની મોટી બહેન જહાંઆરા બેગમે મરિયમ-ઉઝ-ઝમાનીનો આ વારસો આગળ ધપાવ્યો હતો. તેમણે પણ વિદેશી વેપાર અને વ્યવસાયમાં ભાગ લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન