તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
JIO IPO : ભારતમાં લિસ્ટિંગની સાથે જ સૌથી વધુ કમાણી કે ભારે નુકસાન કરાવનારા શૅર કયા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભારતીય શૅરબજારમાં અત્યારે રિલાયન્સના જિયો પ્લૅટફૉર્મ્સના લિસ્ટિંગની ચર્ચા ચાલે છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હતો.
બુધવારે જિયો પ્લૅટફૉર્મ્સના શૅર બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ (બીએસઈ) પર 21 ટકા પ્રીમિયમ ભાવે લિસ્ટ થયા હતા.
આ આઈપીઓમાં 1,119 રૂપિયા ઑફર પ્રાઇસ રાખવામાં આવી હતી, જેની સામે મુંબઈ શૅરબજારમાં 1,358 રૂપિયાના ભાવે શૅર ખુલ્યા હતા. તેના કારણે રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મ્સની માર્કેટ વૅલ્યૂ 131.5 અબજ ડૉલર થઈ હતી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તે માર્કેટ કૅપિટલની દૃષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી કંપની બની છે.
બુધવારે લિસ્ટિંગ પછી શૅર વધીને 1,422 રૂપિયાની નજીક પણ પહોંચ્યો હતો.
આ સાથે જ ભારત એ સમગ્ર દુનિયામાં સૌથી વ્યસ્ત આઈપીઓ માર્કેટ પણ બની ગયું છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે આ વર્ષે અત્યાર સુધીમાં 246 કંપનીઓનું લિસ્ટિંગ થયું છે, જેમાં લગભગ 13.5 અબજ ડૉલર એકત્ર કરવામાં આવ્યા છે.
આઈપીઓથી મૂડી એકત્ર કરવામાં અમેરિકા, ચીન અને હૉંગકૉંગ પછી ભારત ત્રીજા ક્રમે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના કારણે એ જાણવું રસપ્રદ બનશે કે, ભારતમાં કયા આઈપીઓમાં લિસ્ટિંગ દિવસે જ રોકાણકારોને સારી કમાણી થઈ હતી અને કયા આઈપીઓમાં રોકાણકારોને નિરાશા મળી હતી.
કયા આઈપીઓમાં જંગી કમાણી થઈ?
ભારતમાં આવેલા મોટા આઈપીઓની સરખામણી કરવામાં આવે તો તેમાં જિયો પ્લૅટફૉર્મ્સના લિસ્ટિંગનો દેખાવ સૌથી સારો ગણાય છે.
થોડા મહિના અગાઉ નૅશનલ સ્ટૉક એક્સ્ચેન્જનો રૂ. 21,494 કરોડનો આઈપીઓ આવ્યો હતો. જેમાં 1,700 રૂપિયાના ભાવે શૅર ઑફર કરાયા હતા અને 1,785 રૂપિયા પર શૅરનું લિસ્ટિંગ થયું હતું. એટલે કે રોકાણકારોને લિસ્ટિંગ વખતે માત્ર પાંચ ટકા ફાયદો મળ્યો હતો. જોકે, ત્યારબાદ આ શૅરનો ભાવ ઘટ્યો હતો.
અન્ય નાના ઇશ્યૂની વાત કરીએ તો નવેમ્બર 2021માં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનો માત્ર 125.43 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ આવ્યો હતો. જેમાં 163 રૂપિયાની ઑફર પ્રાઇસ સામે 570 રૂપિયાના ભાવે શૅર લિસ્ટ થયા હતા. એટલે કે લિસ્ટિંગના દિવસે સીધો લગભગ 250 ટકાનો ફાયદો મળ્યો હતો. ટકાવારીની દૃષ્ટિએ આ આઈપીઓમાં લિસ્ટિંગ પર સૌથી વધુ નફો મળ્યો હતો.
બીજા ક્રમે વિભોર સ્ટીલના શૅરનું નામ આવે છે, જેણે ફેબ્રુઆરી 2024માં આઈપીઓથી 72 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને લિસ્ટિંગના દિવસે 181 ટકા કરતાં વધુ ફાયદો કરાવ્યો હતો. વિભોર સ્ટીલના આઈપીઓમાં ઇશ્યૂ પ્રાઇસ 151 રૂપિયા હતી. જ્યારે લિસ્ટિંગનો ભાવ 425 રૂપિયા હતો.
પારસ ડિફેન્સ કંપની ઑક્ટોબર 2021માં 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને આવી હતી. જેમાં ઇશ્યૂ પ્રાઇસ 175 રૂપિયા હતો અને 475 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું હતું. એટલે કે લિસ્ટિંગના સમયે 171 ટકા કરતાં વધુ નફો મળ્યો હતો.
મોટી સાઇઝના આઈપીઓની વાત કરીએ તો, નવેમ્બર 2023માં તાતા જૂથની તાતા ટૅક્નૉલૉજિસના આઈપીઓની સાઇઝ 3,042.50 કરોડ રૂપિયાની હતી. તેમાં 500 રૂપિયાના ભાવે શૅર ઑફર કરવામાં આવ્યા હતા અને 1,200 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. એટલે કે લિસ્ટિંગ પર સીધો 140 ટકાનો નફો મળ્યો હતો.
ઑક્ટોબર 2025માં આવેલા એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના આઈપીઓને પણ સફળ ઇશ્યૂમાં ગણી શકાય. જેમાં 1,140 રૂપિયાના ભાવે શૅર ઇશ્યૂ કરાયા હતા અને 1,710થી 1,715 રુપિયાના ભાવે લિસ્ટિંગ થયું હતું. એટલે કે લગભગ 50 ટકાનો ફાયદો થયો હતો.
49 વર્ષ અગાઉ રિલાયન્સના આઈપીઓનું લિસ્ટિંગ કેવું હતું?
રિલાયન્સ જૂથનો સૌથી પહેલો આઈપીઓ ધીરુભાઈ અંબાણી દ્વારા 1977માં લાવવામાં આવ્યો હતો. તે સમયે કંપનીનું નામ રિલાયન્સ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હતું. રેકૉર્ડ દર્શાવે છે કે 15થી 17 નવેમ્બર 1977 દરમિયાન ધીરુભાઈ 2.80 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવ્યા હતા અને 23 જાન્યુઆરી, 1978ના રોજ બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ અને અમદાવાદ સ્ટૉક એક્સ્ચેન્જ પર રિલાયન્સ ટેક્સ્ટાઇલના શૅર લિસ્ટ થયા હતા.
ફૉર્ચ્યુન ઇન્ડિયા મૅગેઝિનના તાજેતરના અહેવાલ મુજબ રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના 10 રૂપિયાના 28.2 લાખ શૅરનો ઇશ્યૂ 7.19 ગણો ભરાયો હતો. કંપનીને લગભગ 58 હજાર શૅરહોલ્ડરો મળ્યા હતા. ટ્રેડિંગના પ્રથમ દિવસે જ શૅરમાં 17થી 18 રૂપિયા સુધીના ભાવે સોદા થયા હતા, એટલે કે લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને 70થી 80 ટકા નફો મળ્યો હતો. ઇશ્યૂની ખાસ વાત એ હતી કે ધીરુભાઈએ કોઈ પણ પ્રીમિયમ લીધા વગર 10 રૂપિયાની ફેસ વૅલ્યૂ પર જ શૅર ઑફર કર્યા હતા.
10 રુપિયાની ફેસ વૅલ્યૂ સામે 17થી 18ના ભાવે લિસ્ટ થયા પછી તે જ વર્ષમાં શૅરનો ભાવ વધીને 50 રૂપિયા થયો, બે વર્ષ પછી 104 થયો અને ચાર વર્ષમાં 186 રૂપિયા થયો હતો.
ભારે નુકસાન કરાવનારા આઈપીઓ
કેટલાક મોટા આઈપીઓમાં રોકાણકારોએ લિસ્ટિંગ સમયે જ નુકસાન ભોગવવું પડ્યું છે.
ઉદાહરણ તરીકે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો 27,858 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યો, ત્યારે 1,960 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે શૅર 1,931 રૂપિયામાં લિસ્ટ થયા હતા. એટલે કે હ્યુન્ડાઈ મોટરના લિસ્ટિંગ વખતે રોકાણકારોને 1.48 ટકા નુકસાન થયું હતું.
તેનાથી અગાઉ એલઆઈસીનો રૂપિયા 20,557 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યો ત્યારે 949 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ હતી અને શૅરનું લિસ્ટિંગ છેક 867.20 રૂપિયાના ભાવે થયું હતું. એટલે કે લિસ્ટિંગ પર જ ઇન્વેસ્ટરોને 8.62 ટકાની ખોટ સહન કરવી પડી હતી.
તેવી જ રીતે ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ પેટીએમના આઈપીઓમાં નવ ટકા નીચા ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. પેટીએમના શૅરની ઇશ્યૂ પ્રાઈસ 2,150 રૂપિયા હતી અને લિસ્ટિંગ 1,955 રૂપિયાના ભાવે થયું હતું.
ચાલુ વર્ષમાં જ શ્રીરામ ટ્વીસ્ટેક્સ, અનુ પ્રોજેક્ટ્સ, વૉટરવેઝ લિઝર ટૂરિઝમ જેવી કંપનીઓના મેઇનબોર્ડ આઈપીઓ પણ આવ્યા છે. જેમાં રોકાણકારોને લિસ્ટિંગ પર જ 34 ટકાથી લઇને 15 ટકા સુધી નુકસાન થયું હતું.
જુવાળ સર્જીને રોકાણકારોને નિરાશ કરનારો આઈપીઓ
કેટલાક આઈપીઓ એવા પણ છે, જેમાં રોકાણ માટે ભારે જુવાળ સર્જાયો હોય, ઇશ્યૂ અનેકગણો સબસ્ક્રાઇબ થયો હોય અને પછી લિસ્ટિંગના દિવસે નબળો દેખાવ કર્યો હોય.
આવી કંપનીઓમાં રિલાયન્સ પાવર એક યાદગાર કિસ્સો છે, જેનું ફેબ્રુઆરી 2008માં બીએસઈ પર લિસ્ટિંગ થયું હતું.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના ઇશ્યૂની સાઇઝ 11,544 કરોડ રૂપિયા હતી જેમાં 450 રૂપિયા પ્રતિ શૅર ઇશ્યૂ પ્રાઇસ રાખવામાં આવી હતી. આ આઈપીઓએ બજારમાં એવો જુવાળ જગાવ્યો હતો કે ઇશ્યૂ 70 ગણાં કરતાં વધુ સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગના દિવસે શૅર થોડો મજબૂત ખુલ્યો અને 538 રૂપિયાથી 599 રૂપિયા સુધી ટ્રેડ થયો હતો. પરંતુ અંતે ઇશ્યૂ પ્રાઇસ કરતા 17 ટકા નીચા લેવલે બંધ આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન