તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
એ નદી જેમાંથી લોકો સોનું કાઢે છે અને છતાં ગરીબીમાં જીવે છે, શું છે કહાણી?
- લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
- પદ, બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ઝારખંડમાં એક એવી નદી વહે છે, જે એ વાત માટે જાણીતી છે કે તેમાંથી સોનું નીકળે છે. આ નદીનું નામ સ્વર્ણરેખા છે. દરરોજ સેંકડો લોકો આ આશામાં તેની રાખ છાણે છે કે તેમને સોનું મળી જાય.
કેટલાક લોકોને સોનું મળે છે, પરંતુ તે એવો કોઈ ટુકડો નથી હોતો, જેને વેચીને તેઓ હજારો કે લાખો રૂપિયાની કમાણી કરી શકે.
તેમની આવક માત્ર થોડાક સો રૂપિયા સુધી જ સીમિત રહે છે.
રાંચી જિલ્લાના નગરી ગામના 'રાની ચૂઆં'માંથી નીકળીને બંગાળની ખાડીમાં મળતી સ્વર્ણરેખા નદી લગભગ 474 કિલોમીટરનું અંતર કાપે છે.
વાસ્તવમાં, આ નદીનો માત્ર એક જ એવો ભાગ છે, જ્યાં લોકોને સોનાના કણો મળે છે.
આ વિસ્તાર જામશેદપુર શહેરથી લગભગ 17 કિલોમીટર દૂર પાડોશી જિલ્લા સરાયકેલા-ખરસાવાંના ચાંદિલ બ્લૉકમાં સ્વર્ણરેખા નદીના કિનારે આવેલો છે.
આ નદીના કિનારે અનેક સ્થળોએ ગામના લોકો વહી આવેલી રેતી અને માટીમાંથી સોનાના કણો કાઢીને વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા આવ્યા છે.
આ સ્થળોમાંનું એક ગૌરી ગામ છે, જેના 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલાં ડઝનબંધ ગામોના ગ્રામજનો દર સવારે સેંકડોની સંખ્યામાં નદીના કિનારે એકત્ર થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક સામાજિક કાર્યકર દુખુ મહાલી જણાવે છે, "લગભગ 500 ગ્રામજનો માટે સોનાના આ કણો તેમની આજીવિકાનું સાધન છે."
આદિવાસીબહુલ આ વિસ્તારમાં આજીવિકા માટે એક વર્ગ શાકભાજીની ખેતી પર નિર્ભર છે, પરંતુ જેમની પાસે ખેતી માટે જમીન નથી, તેઓ રોજગારીનું કોઈ સાધન ન હોવાથી આ કામમાં લાગી જાય છે. દુખુ મહાલી કહે છે કે, સોનાના આ કણોની ચમક પાછળ અત્યંત શારીરિક કષ્ટ અને અનિશ્ચિત આવકની લાંબી તથા દુઃખદાયક કથા છુપાયેલી છે.
સોનું શોધનારા ગ્રામજનોનો અનુભવ
સોનું કાઢવાનું આ કામ દેખાવમાં જેટલું સરળ લાગે છે, હકીકતમાં એટલું જ મુશ્કેલ છે. તડકામાં નદીના કિનારે ખાડાઓમાં ઘૂંટણિયે બેસીને કલાકો સુધી માટી ધોવાની પ્રક્રિયા શરીરને થકવી નાખે છે.
પુડિસિલી ગામની 60 વર્ષનાં વૃદ્ધા ઢાંગી સરદાર વર્ષોથી આ કામ કરી રહ્યાં છે.
જ્યારે અમે તેમને મળ્યા ત્યારે તેઓ જાંબુના લાકડામાંથી બનેલા ઊંડા સૂપડા જેવા સાંચામાં રહેલી માટીમાંથી સોનાના કણો અલગ કરવાની મુશ્કેલ પ્રક્રિયામાં વ્યસ્ત દેખાયાં.
ઢાંગી સરદાર કહે છે, "માટી ખોદીને આ સૂપડા જેવા સાંચામાં નાખીએ છીએ, થોડું હલાવીએ છીએ, ત્યારે અંતે એક-બે કણ ધોવાઈને સોનાના મળે છે."
વાસ્તવમાં, લાકડાનો એક લંબચોરસ સાંચો હોય છે, જે વચ્ચેથી થોડો ઊંડો હોય છે. પાણીના પ્રવાહ અને હલાવવાથી હલકી માટી તથા રેતી વહી જાય છે, જ્યારે સોનું ભારે હોવાને કારણે વાસણના તળિયે બેસી જાય છે.
દિવસભરની કઠિન મહેનત પછી જ્યારે આ ગ્રામજનો સાંજે પોતાના ઘરે પરત ફરે છે, ત્યારે શરીરનો દરેક ભાગ પીડાથી કળતર કરતો હોય છે.
ઢાંગી સરદાર આગળ જણાવે છે, "ઘણો દુખાવો થાય છે - પગમાં, પીઠમાં, હાથમાં. દવા લઈએ છીએ ત્યારે ઠીક થાય છે."
આ વિસ્તારમાં સોનાના કણો કેમ મળે છે?
આ પ્રશ્નનો જવાબ જાણવા માટે બીબીસી ન્યૂઝ હિન્દીએ સરાયકેલા-ખરસાવાં જિલ્લાના ખાણ અધિકારી જ્યોતિશંકર સથપતિ સાથે વાત કરી.
તેઓ કહે છે, "સ્વર્ણરેખા નદી જ્યારે તમાડમાંથી પસાર થાય છે, ત્યારે ત્યાં એવા ઘણા ખડકો છે, જેમાં થોડા પ્રમાણમાં સોનું પણ રહેલું છે. આ ખડકોમાંથી ધોવાઈને નીકળતી માટી અને કાંપ પાણી સાથે વહીને અનેક સ્થળોએ નદીના કિનારે જમા થઈ જાય છે. તેને 'પ્લેસર ડિપૉઝિટ' કહેવામાં આવે છે."
ગૌરી ગામની નજીક નદીના કિનારે લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં આવી 'પ્લેસર ડિપૉઝિટ' મળે છે.
ખાણ અધિકારી સથપતિના જણાવ્યા અનુસાર, આ સોનું સંપૂર્ણ શુદ્ધ અવસ્થામાં હોય છે.
તેઓ કહે છે, "આ સોનું કોઈ પણ તત્ત્વ સાથે સંયુક્ત અવસ્થામાં બિલકુલ નથી હોતું. આ કારણસર તે શુદ્ધ અવસ્થામાં મળે છે. પાણી સાથે વહેતું આવતાં-આવતાં ગૌરી ગામ સુધી પહોંચતાં તેનો જથ્થો બહુ ઓછો થઈ જાય છે."
કઠોર સંઘર્ષ અને અનિશ્ચિત આવક
સ્વર્ણરેખા નદીના કિનારે સોનું શોધતા ગ્રામજનો માટે કેટલાક દિવસો સારા હોય છે, પરંતુ કેટલાક દિવસો એવા પણ હોય છે, જ્યારે ઘણી મહેનત કરવી પડે છે, છતાં કંઈ હાથ લાગતું નથી.
કલાકો સુધી પરસેવો વહાવ્યા પછી પણ આ વાતની કોઈ ખાતરી નથી હોતી કે અંતમાં કંઈક મળશે જ.
ગૌરી ગામના 65 વર્ષીય વૃદ્ધ બોકા કુમ્હાર પોતાના જીવનના આ લાંબા સંઘર્ષનું વર્ણન કરે છે.
તેઓ કહે છે, "સોનું ક્યારેક મળે છે, ક્યારેક મળતું નથી, છતાં અમે દિવસભર મહેનત કરીએ છીએ."
સોનાના કેટલાક કણો કાઢવામાં સફળ થયેલા બોકા કુમ્હાર આગળ કહે છે, "ફાલી એટલે કે સાંચામાં જે આ સુવર્ણકણો મળ્યા છે, તેને મેં એક વાટકીમાં અલગ કરી લીધા છે. આજની મહેનતનું ફળ એટલું જ છે."
આ સંઘર્ષ માત્ર ગૌરી અથવા પુડિસિલી ગામ પૂરતો મર્યાદિત નથી. દૂરનાં ગામોમાંથી પણ લોકો અનેક કિલોમીટરનો પ્રવાસ કરીને નદીના કિનારે પહોંચે છે.
અહીં ચાલિયાંવા ગામથી આવેલા 41 વર્ષીય યુવાન મિલ્હડ સિંહ માને છે કે આ કામથી રોજની નક્કી આવક થવી અશક્ય છે.
મિલ્હડ સિંહ કઠિન પરિશ્રમ પછી કાઢેલા સોનાને બતાવતાં કહે છે, "આ નીકળેલું સોનું લગભગ 300 રૂપિયાનું છે, પરંતુ દરરોજ 300 રૂપિયાની આવક થશે તે નક્કી નથી."
આ સોનાનું વેચાણ કેવી રીતે થાય છે?
સાધનોની અછત અને આવકની અનિશ્ચિતતા છતાં આ ગ્રામજનોમાં સોનું શોધવા અંગે કોઈ પણ પ્રકારની સ્પર્ધા કે પરસ્પર મનદુઃખ જોવા મળતું નથી.
લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલાં ડઝનબંધ ગામોના સેંકડો ગ્રામજનો સાથે મળીને સોનું કાઢે છે. તેઓ માત્ર એકબીજાનું સન્માન જ કરતા નથી, પરંતુ સોનું શોધવાની આ મહેનતમાં એકબીજાને મદદ પણ કરે છે.
તેમનામાંના જ એક, ચાલિયાંવા ગામના 42 વર્ષીય ગુરુપદો સિંહ જણાવે છે કે, તેઓ સોનું કાઢવાની જગ્યા કેવી રીતે ઓળખે છે.
તેઓ કહે છે, "ગ્રામજનો સૌપ્રથમ એ સ્થાન પસંદ કરે છે, જ્યાં પાણીના પ્રવાહથી પથ્થરો અને રેતી સાથે માટી આવીને કિનારે જમા થાય છે."
ગ્રામજનો પહેલાં પથ્થરો દૂર કરે છે, પછી રેતીના સ્તર પર ખોદકામ કરીને માટીની સપાટી શોધે છે.
આ એ જ માટી છે, જે પાણી સાથે સોનાના કણોને વહાવીને લાવે છે.
ગુરુપદો માટી તરફ ઈશારો કરીને કહે છે, "આ માટીને ફાલીમાં લઈને પાણીથી ધીમે ધીમે ધોઈએ છીએ. તેથી માટી પાણી સાથે વહી જાય છે, જ્યારે સોનું ફાલીની ઊંડાઈમાં બેસી જાય છે."
ગ્રામજનો સોનાના આ કણોને પાણીની મદદથી એલ્યુમિનિયમની વાટકીમાં રાખે છે અને પહેલાં તડકામાં સૂકવે છે.
બોકા કુમ્હાર કહે છે, "વાટકીમાં રહેલો ભેજ સોનાને છોડીને ઊડી જશે, પછી સોનાના આ કણોને કાગળમાં રાખી લઈશું."
સોનાના કણોને કાગળ પર રાખતાં ગુરુપદો જણાવે છે કે, અહીં બહુ સોનું નીકળતું નથી, પરંતુ નીકળેલું સોનું ક્યારેક 100 તો ક્યારેક 200 રૂપિયામાં જ વેચાઈ શકે છે.
તેઓ કહે છે, "ખૂબ ઓછું બને છે કે સોનાની કિંમત 300 રૂપિયા કે તેથી વધુ મળે."
અહીંના ગ્રામજનો જણાવે છે કે કાઢેલા સોનાના કણોને વેચવાની પ્રક્રિયા પણ અલગ છે.
તેને વિગતે જણાવવામાં અચકાતાં ગુરુપદો કહે છે, "તેનું વેચાણ પૉઇન્ટ પર આધારિત છે. પ્રતિ પૉઇન્ટ માટે દુકાનદાર 120 રૂપિયા આપે છે. એટલે સોનાના જેટલા પૉઇન્ટ, તે મુજબ પૈસા મળે છે."
અનિશ્ચિત કમાણી છતાં આ કામ શા માટે?
આ કામ સાથે જોડાયેલા ગ્રામજનોને દરરોજ સોનું મળતું નથી. તો પછી તેઓ એવા અનિશ્ચિત કામમાં કલાકોનો સમય શા માટે ખર્ચે છે?
આ પ્રશ્ન પર ગ્રામજન રોહિન સિંહ કહે છે, "અહીં કોઈ કામ-ધંધો મળતો નથી. આવી સ્થિતિમાં જ્યારે આ કૌશલ્ય હાથમાં છે, તો ઘરમાં બેસીને શું કરવું? અહીં આવવાથી 200-300 રૂપિયા જે મળે, તે ઘરમાં બેસી રહેવા કરતાં સારું છે."
તેઓ આગળ કહે છે, "આ નાની આવક આ ગ્રામજનો માટે તેલ, સાબુ અને રાશન-પાણીનો ખર્ચ ઊઠાવી લે છે."
સોનું કાઢનારાઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો છે.
રોહિન સિંહ કહે છે, "જે લોકોની ઉંમર 60 વર્ષ છે, તેઓ દૂર શહેરમાં જઈને ઠેકેદારીમાં મજૂરી કરી શકતા નથી. જીવનનિર્વાહ માટે કંઈક આજીવિકા તો જોઈએ. તેના માટે પુત્ર-પુત્રી પર નિર્ભર રહી શકાય નહીં, તેમનો પોતાનો પરિવાર છે. તેથી જ્યાં સુધી શરીર સાથ આપે છે, ત્યાં સુધી આ કામ કરતા રહીશું."
અશિક્ષણ અને બેરોજગારી જવાબદાર
પરંતુ ગૌરી ગામના 51 વર્ષીય સામાજિક કાર્યકર દુખુ મહાલીનું માનવું છે કે, આ વિસ્તારમાં રોજગારી અને શિક્ષણની અછત જ ગ્રામજનોને આ કઠિન સંઘર્ષ તરફ ધકેલે છે.
દુખુ મહાલી કહે છે, "આ ગ્રામીણ વિસ્તાર છે. કોઈની પાસે નોકરી નથી, લોકો શિક્ષિત નથી. એ જ કારણ છે કે ગ્રામજનો સોનાની શોધ કરીને જીવનનિર્વાહ કરે છે."
વાસ્તવમાં, આ વૃદ્ધો અને યુવાવર્ગ માટે આ કામ વરસાદી ઋતુને છોડીને વર્ષના બાકીના મહિનાઓમાં રોજગારીનો એકમાત્ર આધાર બની જાય છે.
પ્રશાસને શું કહ્યું?
અહીં જે લોકો સોનું શોધવાનું કામ કરે છે, તેમને તેના માટે ક્યાંયથી મંજૂરી લેવાની જરૂર પડતી નથી.
અમે આ વિશે જાણવા માટે ચાંદિલ બ્લૉકના અધિકારી તથા દંડાધિકારી નિતિન શિવમ ગુપ્તા સાથે વાત કરી.
તેઓ કહે છે, "આ વિસ્તારમાં સોનું કાઢનારાઓ વચ્ચે કોઈ વિવાદનો કેસ ક્યારેય પ્રકાશમાં આવ્યો નથી."
આ નિવેદન સાથે સહમત સ્થાનિક જિલ્લા ખાણ અધિકારી જ્યોતિશંકર સથપતિ કહે છે કે, અહીં સોનાની માત્રા એટલી ઓછી છે કે તેનું ખનન સરકાર માટે શક્ય નથી.
તેઓ કહે છે, "આવા સંજોગોમાં જો ગ્રામજનો આ પ્લેસર ડિપૉઝિટમાંથી સોનું કાઢી રહ્યા છે, તો તેને ચોરી તો કહી શકાય નહીં."
સરકાર વ્યાવસાયિક ખનન શા માટે નથી કરતી?
સ્વર્ણરેખા અને તેની સહાયક નદીઓ પર અભ્યાસ કરી ચૂકેલી પ્રોફેસર ડૉ. નંદિતા નાગ જામશેદપુર કૉ-ઑપરેટિવ કૉલેજમાં ભૂગર્ભશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યાં છે.
તેમને પૂછવામાં આવ્યું કે, જ્યારે સોનું હાજર છે, ત્યારે તેનું વ્યાવસાયિક ખનન કેમ થતું નથી?
આ પ્રશ્ન પર તેઓ કહે છે, "અહીં સોનાનું ખનન કરવા માટે ખાસ કોઈ ખાણ નથી. જે સોનું છે પણ, તેનું પ્રમાણ એટલું ઓછું છે કે સરકારને ખનન કરવાથી નુકસાન જ થશે. તેથી સરકાર તેની તરફ ધ્યાન આપતી નથી."
તેઓ આગળ કહે છે, "ગામના લોકોને જેટલું સોનું મળી જાય, તેમાં જ તેમને ખુશી મળે છે. તેથી આ લોકો સોનું કાઢે છે."
ભલે આ નદીમાં એટલું સોનું ન નીકળતું હોય અને ગ્રામજનોની કલાકોની મહેનત ક્યારેક વ્યર્થ જતી હોય, પરંતુ આ નદી લોકોમાં વારંવાર એક આશા જગાવે છે કે કદાચ આ વખતે મહેનત કરવાથી તેમને સોનાના કેટલાક કણો મળી જશે અને તેમનો તેલ, સાબુ અને રાશનનો ખર્ચ નીકળી જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન