તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
વાવાઝોડું 'અર્નબ' અતિભારે ચક્રવાતમાં ફેરવાયું, સ્કૂલ-કૉલેજો બંધ, આગળ વધીને ત્રાટકશે ત્યારે કેવી અસર થશે?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
વિશાખાપટ્ટનમસ્થિત સાઇક્લૉન વૉર્નિંગ સેન્ટરે માહિતી આપી છે કે બંગાળની ખાડીમાં રચાયેલો લૉ-પ્રેશર એરિયા વાવાઝોડામાં ફેરવાઈ ગયો છે.
સાઇક્લૉન વૉર્નિંગ સેન્ટરના ડાયરેક્ટર પીએલએન મૂર્તિએ બીબીસીને જણાવ્યું હતું કે, "વાવાઝોડું અર્નબ છેલ્લા છ કલાકમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે."
હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડું 27 ઑક્ટોબરે સવારે સાત વાગ્યાની સ્થિતિએ વિશાખાપટ્ટનમના દક્ષિણપશ્ચિમમાં 300 કિમી દૂર, કાકીનાડાથી 380 કિમી દૂર, મછલીપટ્ટનમથી 460 કિમી દૂર છે.
બુધવારે 28 ઑક્ટોબરે વાવાઝોડું અર્નબ ત્રાટકવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્ર પ્રદેશે સાવચેતીનાં પગલાં લીધાં છે. બંને રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બચાવ ટીમો સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે.
28 ઑક્ટોબરની સવાર સુધીમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશ અને યાનમ કિનારા પર 115થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.
'અર્નબ' વાવાઝોડાની કેટલી અસર થશે? આનાથી કયા વિસ્તારો પ્રભાવિત થશે? પવનની ગતિ કેટલી હશે?
140 કિમી/કલાકની ઝડપે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 'અર્નબ' વધુ મજબૂત બન્યું છે, જેના કારણે આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
વિશાખાપટ્ટનમ સાઇક્લૉન વૉર્નિંગ સેન્ટરે માહિતી આપી છે કે આ મહિનાની 27 અને 28 તારીખે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ (કોસ્તંધરા) પાસે 140 કિમી/કલાકની ઝડપે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગે 28 ઑક્ટોબરે 12 જિલ્લાઓ માટે 'રેડ ઍલર્ટ' જારી કર્યું છે. સોમવારે રાયલસીમાના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
અર્નબની અસરને કારણે ડૉ. બી.આર. આંબેડકર કોનાસીમા જિલ્લાના અલ્લાવરમ મંડલમાં ઓડાલારેવુ દરિયામાં મોજાંના ઉછાળામાં વધારો થયો છે.
આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ ચેતવણી આપી છે કે દરિયાકાંઠાનું નોંધપાત્ર ધોવાણ થઈ રહ્યું છે, અને સ્થાનિક રહેવાસીઓએ સાવધાની રાખવી જોઈએ અને સતર્ક રહેવું જોઈએ.
સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના મૅનેજિંગ ડાયરેક્ટર પ્રખર જૈને રાજ્યભરના લોકોને આગામી ત્રણ દિવસ સુધી સતર્ક રહેવા અપીલ કરી છે.
વધુમાં આ વાવાઝોડું ઓડિશા રાજ્યને પણ અસર કરશે, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ અને કૉલેજો)એ ઘણા જિલ્લાઓમાં રજા જાહેર કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું 28 અને 29 ઑક્ટોબરના રોજ ઓડિશાના ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરિ જિલ્લાઓને અસર કરશે.
27 ઑક્ટોબરે ક્યાં ક્યાં રેડ ઍલર્ટ અપાયું?
ચક્રવાતની અસરને કારણે વિશાખાપટ્ટનમ, અલ્લુરી સીતારામ રાજુ, અનાકાપલ્લી, કાકીનાડા, ડૉ. બી.આર. આંબેડકર કોણાસીમા, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, એલુરુ, એનટીઆર, ક્રિષ્ના, ગુંટુર અને બાપટલા જિલ્લાઓમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે 27 ઑક્ટોબરે કાકીનાડા, આંબેડકર કોણાસીમા, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી અને એલુરુ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ ઍલર્ટનો હેતુ અધિકારીઓ અને પ્રજાને અત્યંત ગંભીર હવામાન પરિસ્થિતિઓ વિશે ચેતવણી આપવાનો છે જેથી તાત્કાલિક જરૂરી અને સલામતીનાં પગલાં લેવામાં આવે.
હવામાન વિભાગે સલાહ આપી છે કે, માછીમારોએ કોઈ પણ સંજોગોમાં દરિયામાં ન જવું. 27 અને 28 તારીખે, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે માછીમારોને દરિયામાં જવાની સંપૂર્ણ મનાઈ રહેશે.
દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા જોઈએ અને સામાન્ય લોકોએ સંપૂર્ણપણે સતર્ક રહેવું જોઈએ.
અધિકારીઓને વાવાઝોડાથી પ્રભાવિત દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડું દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું થશે?
આંધ્ર યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના પ્રોફેસર રામકૃષ્ણએ બીબીસીને જણાવ્યું હતું કે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો ખૂબ જ ગંભીર ચક્રવાતી પરિસ્થિતિનો સંકેત આપે છે.
તેમણે કહ્યું કે તેની સરખામણી સામાન્ય રીતે જોરદાર પવન સાથે કરી શકાતી નથી, કારણ કે વૃક્ષો ઉખડી જવા, વીજળીના થાંભલાને નુકસાન થવા અને ઘરોની છત ઊડી જવા જેવા અકસ્માતોની શક્યતા વધુ હોય છે.
તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડા અર્નબ દરમિયાન પવનની ગતિ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, ક્યારેક 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે.
પ્રો. રામકૃષ્ણએ સ્પષ્ટતા કરી હતી કે આ ફક્ત એક અંદાજ છે અને તેની દિશા અને તીવ્રતાના આધારે બદલાઈ શકે છે.
તેમણે સમજાવ્યું કે આંધ્ર પ્રદેશ, ખાસ કરીને ઉત્તરીય દરિયાકાંઠાના પ્રદેશમાં આટલી તીવ્રતાના પવનો પહેલાં પણ અનુભવાયા છે.
તેમણે યાદ કરતાં જણાવ્યું કે 2014માં હુદહુદ અને 2018માં તિતલી જેવાં વાવાઝોડાંમાં પણ આવા ભારે પવનો ફૂંકાયા હતા.
તેમણે કહ્યું, "આ વાવાઝોડાં જ્યારે દરિયાકાંઠે અથડાયાં ત્યારે તેમની મહત્તમ પવનની ગતિ લગભગ 150થી 185 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. આનાથી વૃક્ષો, ઇમારતો અને વીજપ્રણાલીઓને ભારે નુકસાન થયું હતું."
ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર થશે?
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર અર્નબ વાવાઝોડાનો કોઈ ખતરો નથી. બંગાળની ખાડીની અંદર સર્જાતાં વાવાઝોડાં સીધી રીતે ગુજરાતને અસર કરતાં નથી.
જોકે, ક્યારેક એવું બને કે વાવાઝોડાની બાકી રહેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતી હોય છે અને તેના કારણે વરસાદ થતો હોય છે. જોકે, અર્નબ વાવાઝોડું ત્રાટક્યા બાદ વળાંક લેશે અને ઉત્તર તરફ આગળ વધશે. જે ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર હોવાને કારણે તેની સીધી અસરની શક્યતા નથી.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે 29 ઑક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં નજીવો વધારો થઈ શકે છે. આ ઉપરાંત 30 અને 31 ઑક્ટોબરના રોજ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વધારે વરસાદ થવાની સંભાવના દેખાતી નથી અને ગરમીમાંથી પણ ખૂબ રાહત મળે તેવી સંભાવના દેખાતી નથી.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન