તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
અર્નબ વાવાઝોડું : આંધ્ર પ્રદેશમાં પાંચ લોકોનાં મોત, હજારો હૅક્ટર જમીનની ખેતી બરબાદ - ન્યૂઝ અપડેટ
અર્નબ વાવાઝોડાને કારણે વિશાખાપટ્ટનમ સહિત આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના પ્રભાવને કારણે રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયાં છે.
મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જણાવ્યું છે કે વાવાઝોડા અર્નબના કારણે રાજ્યને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
તેમણે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમો મોકલવાની વિનંતી કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યના 14 જિલ્લાઓમાં એનડીઆરએફ (NDRF)ની 16 અને એસડીઆરએફ (SDRF)ની 11 ટીમોની તહેનાતી કરવામાં આવી છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે પ્રાથમિક અંદાજ મુજબ, 180 મકાનોને નુકસાન પહોંચ્યું છે. 220થી વધુ વૃક્ષો રસ્તાઓ પર પડી ગયાં છે. દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વીજ પુરવઠો અનેક સ્થળોએ બંધ થયો છે.
મુખ્ય મંત્રીના પત્ર અનુસાર, ચક્રવાતની સૌથી વધુ અસર નીચેના જિલ્લાઓમાં જોવા મળી છે:
કોનસીમા
કાકીનાડા
પૂર્વ ગોદાવરી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ ગોદાવરી
અનાકાપલ્લે
કૃષ્ણા
ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે, વ્યાપક સર્વે અને મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારને વિગતવાર અહેવાલ સોંપવામાં આવશે. તેમણે રાહત કામગીરીમાં એનડીઆરએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓનો સહયોગ યથાવત્ રાખવાની પણ અપીલ કરી છે.
કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે નુકસાનના મૂલ્યાંકન માટે વિશેષ કેન્દ્રીય ટીમ મોકલવાની વિનંતી કરવામાં આવી છે.
ખરીફ સિઝનમાં રાજ્યમાં કુલ 37.53 લાખ એકર વિસ્તારમાં ધાનની ખેતી કરવામાં આવી છે. તેમાંથી આશરે 26 લાખ એકર વિસ્તાર ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારમાં આવે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પણ મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આંધ્ર પ્રદેશ વીજ વિભાગના અધિકારીઓએ મુખ્ય મંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, કોનસીમા જિલ્લામાં અંદાજે 6,000 વીજ થાંભલા પડી ગયા છે. કાકીનાડા તથા ઉત્તર આંધ્ર પ્રદેશના જિલ્લાઓમાં પણ સેંકડો વીજ થાંભલા ધરાશાયી થયા છે. ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ લાઇનો અને તાર અનેક સ્થળોએ સંપૂર્ણપણે તૂટી ગયા છે.
તેના પરિણામે દરિયાકાંઠાનાં અનેક ગામો અને નગરોમાં વ્યાપક વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ભારે વરસાદ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.
ઇઝરાયલ : બહુમતી ન મળતા નેતન્યાહૂએ કહ્યું,'આરબ પાર્ટીઓએ ચૂંટણી ચોરી લીધી'
ગત મંગળવારે ઇઝરાયલમાં યોજાયેલી ચૂંટણીઓનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. તેમાં નેતન્યાહૂની લિકૂડ પાર્ટીના ગઠબંધનને બહુમતી મેળવવામાં સફળતા મળી નથી.
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ તેમના ગઠબંધનને બહુમતીથી દૂર રાખવા બદલ આરબ પાર્ટીઓ પર આરોપ લગાવ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની પાર્ટીનું નિવેદન શૅર કરતાં જણાવ્યું, "ઇઝરાયલમાં ચૂંટણી એવી આરબ પાર્ટીઓએ ચોરી લીધી છે, જે આતંકવાદને સમર્થન આપે છે અને યહૂદી રાજ્યનો અંત લાવવા માંગે છે. આ ચૂંટણીચોરી લાંચ, ધમકી, હિંસા, બનાવટી દસ્તાવેજો, તેમજ મતદારોને સંગઠિત કરવા માટે પ્રતિબંધિત સૉફ્ટવૅરના ઉપયોગ જેવા ગંભીર ગુનાહિત કૃત્યો દ્વારા કરવામાં આવી છે."
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, "લિકૂડ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિઓ સંબંધિત સેંકડો નિવેદનો અને પુરાવાઓ પોલીસ, શિન બેટ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિને સોંપી રહી છે. આ પુરાવા અનેક આરબ મતદાન કેન્દ્રોમાં થયેલી ગેરરીતિઓ સાથે સંબંધિત છે. તેમાં રા'મ પાર્ટીની પત્રિકાઓ અને રોકડ રકમ ધરાવતાં હજારો કવર, મતદાન કેન્દ્રના સભ્યોને ધમકાવવાના અને તેમની સામે હિંસા કરવાના બનાવો, મતદાન કક્ષાના પડદા પાછળથી અનેક વખત મતદાન કરવું, બેવડી ઓળખ સાથે મતદાન કરવું, કવરોની સંખ્યા અને મતદારોની સંખ્યા વચ્ચેનો તફાવત, તેમજ મતદારોને એકત્રિત કરવા માટે પ્રતિબંધિત સૉફ્ટવૅરનો ઉપયોગ જેવા અનેક મુદ્દાઓ સામેલ છે."
તેમણે આગળ કહ્યું, "અમે પોલીસ અને શિન બેટને માંગ કરીએ છીએ કે આરબ પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી ચૂંટણી ગેરરીતિઓની વિગતવાર તપાસ કરવામાં આવે અને તેમાં સંડોવાયેલા લોકો સામે સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે."
નિવેદનમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિને પણ અપીલ કરવામાં આવી કે "અમે કેન્દ્રીય ચૂંટણી સમિતિને વિનંતી કરીએ છીએ કે તે આ ગુનાહિત કૃત્યોની તપાસ માટે તાત્કાલિક પગલાં ભરે. આ કૃત્યોએ ઇઝરાયલની ચૂંટણીની નિષ્પક્ષતા અને ચૂંટણી પરિણામોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે."
97 ટકા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી છે, જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ગાડી આઇઝનકોટના નેતૃત્વવાળા ગઠબંધનને 48 બેઠકો મળી છે.
આરબ પાર્ટીઓના ગઠબંધનને 19 બેઠકો પ્રાપ્ત થઈ છે.
ઇઝરાયલની સંસદમાં બહુમતી માટે કુલ 61 બેઠકોની જરૂર પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન