અમદાવાદ : એવું શું થયું હતું કે જહાંગીરે આ શહેરને 'ગર્દાબાદ', 'જહન્નુમાબાદ', 'બીમારીસ્તાન' જેવાં નામો આપ્યાં?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"આ શહેરના સ્થાપકને આ જગ્યામાં કયું સૌંદર્ય દેખાયું કે તેણે અહીં શહેર વસાવ્યું? ઉપરાંત, અન્ય બાદશાહોએ પણ અહીં પોતાના અમૂલ્ય જીવનનાં વર્ષો કઈ રીતે ગાળ્યાં હશે? આ મારી કલ્પનામાં પણ આવી શકતું નથી. અહીં ગરમ પવન વાય છે અને પાણીની તંગી છે."

"મેં આ શહેર ગર્દાબાદ (ધૂળથી ભરેલું શહેર) તો કહેલું જ છે. એની હવા પણ ધૂળથી ભરેલી છે. પાણી તદ્દન ખરાબ છે અને માફક આવે તેવું નથી. શહેર પાસે વહેતી નદી ચોમાસા સિવાય હંમેશાં સૂકી જ રહે છે. કૂવાનું પાણી મોટે ભાગે ખારું છે. તળાવો ધોબીઓએ કપડાં ધોઈ-ધોઈને છાસ જેવાં કરી મૂક્યાં છે. સાધનસંપન્ન લોકોનાં ઘરોમાં ટાંકા હોય છે. તેઓ ચોમાસાનું પાણી સંગ્રહ કરીને બારેમાસ વાપરે છે. બહારની હવા લાગ્યા વગરનું પાણી આરોગ્ય માટે નુકસાનકારક છે."

"શહેરની બહારની જમીન લીલોતરીને બદલે કાંટાથી (થોર) છવાયેલી છે. કાંટા ઉપરથી વહેતા પવનની અસર જાણીતી છે. મેં આ શહેરને પહેલાં ગર્દાબાદ કહ્યું હતું અને હવે હું તેને શું કહું તે સમજાતું નથી."

"હું તેને શમુમિસ્તાન કહું, કે બીમારીસ્તાન કહું, કે પછી ઝુકુમદાર (કાંટાનું શહેર) કહું કે પછી જહન્નુમાબાદ (નરકનું શહેર)? કારણ કે બધાં નામ બંધબેસતાં આવે છે."

આ શબ્દો જહાંગીરે તેમની આત્મકથા 'તુજુક-એ-જહાંગીરી' એટલે કે 'જહાંગીરનામા'માં લખ્યા છે.

આજે અમદાવાદ ભલે તેની સમૃદ્ધ વિરાસત, ભવ્ય સ્થાપત્ય અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવે છે,

પરંતુ મુઘલ બાદશાહ જહાંગીર સાથે આ શહેરમાં એવું શું થયું હતું કે તેમણે આ શહેરને આવાં નકારાત્મક નામો આપ્યાં?

શા માટે જહાંગીરે 'તુજુક-એ-જહાંગીરી'માં અમદાવાદ પ્રત્યે પોતાનો ગુસ્સો અને નફરત ખુલ્લેઆમ વ્યક્ત કર્યાં?

અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરને તાવ આવ્યો

જહાંગીર બાદશાહના સમયમાં અમદાવાદમાં 8 સૂબા નિયુક્ત થયા.

સૂબા મુકર્રબખાનના સમયમાં જહાંગીર બાદશાહે ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ માળવાથી ખંભાત થઈને અમદાવાદ આવવાના હતા. હિજરી સન 1027 કે ઈ.સ. 1617ના ડિસેમ્બર મહિનામાં લગભગ 30મી તારીખની આસપાસ બાદશાહની સવારી ખંભાતમાં દરિયાની સહેલ ભોગવીને અમદાવાદ આવવા ઊપડી હતી.

5 દિવસની મુસાફરી પછી તેમની સવારી અમદાવાદમાં આવી અને શહેરમાં પ્રવેશનું મુહૂર્ત બીજા દિવસનું હોવાથી તેમણે કાંકરિયા તળાવ ખાતે પડાવ નાખ્યો.

જહાંગીર લખે છે, "કાંકરિયા તળાવનો અંદરનો બાગ બગડી ગયો હતો અને મકાનો પડી ગયાં હતાં. તે સફીખાને મરામત કરાવ્યાં." કાંકરિયાની રચના બાદશાહને બહુ ગમી. પરંતુ નગીનાવાડીના પુલ પાસે તળાવના કિનારે 'તબકાત-એ-અકબરી'ના કર્તા અને સુપ્રસિદ્ધ બક્ષી નિઝામુદ્દીન અહમદખાનનો બાગ હતો. તેનાં વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યાં હોવાનું જહાંગીર નોંધે છે.

બીજા દિવસે જ્યારે તેમણે અમદાવાદમાં પ્રવેશ કર્યો, ત્યારે રસ્તામાં સવારીને જોવા લોકોની ભીડ ઊમટી હતી. જહાંગીર નોંધે છે, "કાંકરિયાથી ભદ્ર સુધી રસ્તામાં બધે ધૂળ જ ધૂળ હતી. મુખ્ય રસ્તો પહોળો અને વિશાળ હતો, પરંતુ દુકાનોના દેખાવ રસ્તાને શોભે તેવા નહોતા. મકાનો લાકડાનાં હતાં અને રસ્તા પર મકાનોના થાંભલા પાતળા અને હલકા હતા."

અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરે તેમના પુત્ર શાહજહાંનો 27મો જન્મદિવસ ઉજવ્યો.

જહાંગીરને અમદાવાદ પસંદ ન પડ્યું, એટલે તેમણે માળવા થઈને આગ્રા જવાનો વિચાર કર્યો. 10 ફેબ્રુઆરી, 1618ના દિવસે તેમણે અમદાવાદ છોડ્યું. પરંતુ બાદશાહની સવારી માળવાની સરહદે પહોંચી ત્યારે જહાંગીરને કંટાળો આવ્યો અને તેમણે અમદાવાદ ફરી આવવાનો નિર્ણય કર્યો. માળવાની સરહદેથી ઝાલોદ થઈને તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. 17 એપ્રિલ, 1618ના રોજ તેમણે અમદાવાદમાં પ્રવેશ કર્યો.

એ સમયે તેમનો અમદાવાદનો પ્રવાસ લાંબો હતો, પરંતુ તે વખતે અમદાવાદમાં એક રોગચાળો ફેલાયો હતો.

જહાંગીર લખે છે, "અમદાવાદમાં કોઈ ભાગ્યે જ હશે, જેને આ બીમારી ન થઈ હોય. સારી વાત એ હતી કે મરણનું પ્રમાણ નહીં જેવું જ વધ્યું હતું."

જહાંગીરને પણ તાવ આવી ગયો હતો. તે સમયે અમદાવાદમાં રહેતા યુરોપિયનો પણ તેની લપેટમાં આવી ગયા હતા.

આ બીમારીના દર્દ અને અશક્તિથી કંટાળીને જહાંગીરે અમદાવાદ પ્રત્યેનો પોતાનો અણગમો અને રોષ વ્યક્ત કર્યો તથા તેમણે અમદાવાદને ગર્દાબાદ, જહાન્નુમાબાદ, શમુમિસ્તાન જેવાં ઉપનામો આપ્યાં.

અમદાવાદની હવાની ગુણવત્તા તપાસવા જહાંગીરનો પ્રયોગ

'જહાંગીરનામા'માં જણાવ્યા પ્રમાણે, જહાંગીરનો પ્રકૃતિપ્રેમ તથા તેમનું પશુ-પંખીઓ વિશેનું ઊંડું જ્ઞાન આશ્ચર્યકારક હતું. તેમણે ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેઓ પોતે પણ કુશળ ચિત્રકાર હતા. ઉપરાંત, તેઓ સંગીતકલા તથા બાગ-બગીચાના પણ શોખીન હતા.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત અને એમ. એ. અલ્વી તથા એ. રહેમાન દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'જહાંગીર - ધ નેચરલિસ્ટ'માં તેમના દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલો એક પ્રયોગ ટાંકવામાં આવ્યો છે. તેમાં જહાંગીરે અમદાવાદ અને મહેમદાવાદની હવા તથા પાણીની સરખામણી કરવા માટે એક પ્રયોગ હાથ ધર્યો હતો.

જેમાં નોંધવામાં આવ્યું છે, "અમદાવાદ અને મહેમદાવાદના વાતાવરણની માનવસ્વાસ્થ્ય માટેની અનુકૂળતા કેટલી છે, તેની કસોટી કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જહાંગીર લખે છે: 'નિઃશંકપણે મહેમદાવાદનું પાણી અને હવા અમદાવાદનાં પાણી અને હવા જેવાં નથી. આ વાતની ચકાસણી કરવા માટે મેં કડક આદેશ આપ્યો કે, કાંકરિયા તળાવના કિનારે એક ઘેટાની ખાલ ઉતારીને તેને લટકાવવામાં આવે."

"આ જ સમયે આવું જ એક ઘેટું મહેમદાવાદમાં પણ લટકાવવામાં આવે, જેથી બંને સ્થળોની હવામાં રહેલા તફાવતની જાણ થઈ શકે. અમદાવાદમાં 7 ઘડીનો સમય વીતી ગયા બાદ ઘેટાને લટકાવવામાં આવ્યું."

"દિવસની માત્ર 3 ઘડી બાકી હતી, ત્યારે તેનું શરીર એટલું બદલાઈને સડી ગયું હતું કે તેની નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ, મહેમદાવાદમાં સવારે જે ઘેટાને લટકાવવામાં આવ્યું હતું, તેના શરીરમાં સાંજ સુધીમાં કોઈ ફેરફાર થયો નહોતો અને રાતના દોઢ પ્રહર વીતી ગયા પછી જ તેમાં સડવાની શરૂઆત થઈ હતી."

"ટૂંકમાં કહીએ તો, અમદાવાદના વિસ્તારમાં ઘેટાનું શરીર 8 કલાકમાં સડી ગયું હતું, જ્યારે મહેમદાવાદમાં તેને સડતાં 14 કલાક લાગ્યા હતા." (Rogers, Vol. II, London, 1914, p. 33)

જહાંગીર અમદાવાદમાં 9 મહિના રહ્યા

ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ દ્વારા લખવામાં આવેલા અને ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતનું પાટનગર-અમદાવાદ'માં લખાયું છે કે જહાંગીરનો અણગમો અમદાવાદ શહેર પર હોવાનું પ્રતીત થતું નથી પરંતુ એ જગ્યાએ કેમ શહેર વસાવ્યું તેના પર છે.

રત્નમણિરાવ લખે છે, "એક પરદેશીએ પણ લખ્યું છે કે અમદાવાદના રસ્તા ધૂળવાળા છે. પરંતુ તેની નિંદા કરનારા 18મી સદી સુધી કોઈ મળતા નથી."

"અબુલ ફઝલ લખે છે કે, પાટણથી વડોદરા સુધી બધું બાગ જેવું લાગતું હતું. જહાંગીર પછીના મુસાફરો અમદાવાદને વિશાળ ઉદ્યાન કહે છે."

"સુલતાન મહમૂદ બેગડો સારી હવા અને મોટા બગીચાઓનો શોખીન હતો. તે ઉનાળામાં ચાંપાનેરથી ખાસ અમદાવાદ આવતા હતા."

"આ બધા પરથી એવું લાગે છે કે બાદશાહે અમદાવાદની જે નિંદા કરી છે તે તેમની બીમારીને કારણે કરી હોવી જોઈએ."

તેઓ લખે છે, "જહાંગીરે અમદાવાદમાં આનંદ નથી ભોગવ્યો એવું પણ નથી. એ જ અરસામાં એક વખત દિવસમાં ઘણો વરસાદ પડ્યો હતો અને સાબરમતીમાં રેલ આવી હતી."

"તેમાં ઘણાં ઘર પડી પણ ગયાં હતાં. જહાંગીરે પણ લખ્યું છે કે અમદાવાદના શહેરીઓ કહે છે કે આટલો બધો વરસાદ પહેલાં કદી પડ્યો નથી. જહાંગીરે અમદાવાદમાં મજા પણ કરી છે."

"કાંકરિયા તેમનું પ્રિય સ્થળ હોય તેમ જણાય છે. એક દિવસે શબ-એ-બારાતની રાતે કાંકરિયાની આસપાસ રોશની કરવાનો તેમણે હુકમ કર્યો હતો અને આતશબાજી ફોડાવી હતી."

"એમાં બાદશાહને એટલો આનંદ આવ્યો કે તેમણે બીજે દિવસે પણ રોશની કરાવી. એ વખતે કાંકરિયાના કિનારા પર રહેતા એક સંન્યાસીની પણ તેમણે મુલાકાત કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો."

ભારતમાં અંગ્રેજોની ફૅક્ટરી નાખવાની પરવાનગી લેનારા બ્રિટિશર થૉમસ રોને ટાંકીને રત્નમણિરાવ લખે છે, "તેઓ જહાંગીર અમદાવાદ આવ્યા ત્યારે મળવા ગયા હતા. બાદશાહ ત્યારે શહેરના એક બાગમાં મહિલાઓ સાથે નદીકિનારે બેઠા હતા. બાદશાહ સાથે મેળાપ ન થયો અને મને ભદ્રના મહેલમાં બોલાવવામાં આવ્યો. મહેલમાં પહોંચ્યો ત્યારે બાદશાહ નહોતા."

2જી સપ્ટેમ્બર, 1618ના રોજ બાદશાહની સવારી પાછી ઊપડે છે અને પાછી કાંકરિયા તળાવ પર પડાવ નાખે છે. એ વખતે બાદશાહ પોતાનો 50મો જન્મદિવસ ત્યાં ઉજવે છે એવું રત્નમણિરાવ નોંધે છે.

તે સમયે ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન ચાલતો હતો તેથી જહાંગીરે તે સમયે રોજા છોડવા માટે અમદાવાદના વિદ્વાનોને બોલાવીને રોજા છોડ્યા હતા અને તે દિવસે મોતી અને સોનાનાં ફૂલો વેરવામાં આવ્યાં હોવાનું પણ રત્નમણિરાવ લખે છે.

જહાંગીરે કાંકરિયામાં ચાર દિવસનો મુકામ કર્યો હતો. જહાંગીરે અમદાવાદમાં લગભગ નવ મહિના સુધી નિવાસ કર્યો હતો.

આ જ વર્ષમાં જહાંગીરે તેમના પુત્ર શાહાંજહાને અમદાવાદના સુબા બનાવ્યા હતા. જહાંગીરે અમદાવાદમાં નિવાસ વખતે સિક્કા પણ પડાવ્યા હતા અને રાજ્યનો વહીવટ તે વખતે તેમનાં પત્ની નૂરજહાંના હાથમાં હતો તેથી કહેવાય છે કે એ સિક્કા ઉપર 'રાજ્યના તેરમા વર્ષમાં જહાંગીરની સ્ત્રી નૂરજહાં અમદાવાદની સ્ત્રી સુબેદાર' એવા શબ્દો પણ લખેલા હતા. અમદાવાદમાં કાળુપુરમાં જે ટંકશાળ છે તે જહાંગીરના સમયની બનેલી છે.

જહાંગીરના આ નિવાસ વખતે શાહજહાંની ઉંમર 27 વર્ષની હતી અને તેમણે પોતાની ભરજુવાનીનો ઉત્તમ સમય અમદાવાદ ખાતે ગાળ્યો હતો. પરંતુ ત્રણ વર્ષ બાદ શાહજહાંએ તેના જ પિતા સામે બળવો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન