સુરત : 'ભજિયાંનો ભાવ તો રૂ. 800 હતો, ડિસ્કાઉન્ટમાં રૂ. 750માં આવ્યાં', મહાનગરપાલિકામાં નાસ્તાનો વિવાદ શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા "મોંઘા નાસ્તા"ને કારણે વિવાદમાં આવી છે. આ સભામાં રૂપિયા 750ના કિલોના ભાવે ભજિયાં ખવાતાં આમ આદમી પાર્ટીએ સત્તાધારી પક્ષ ભાજપ સામે સવાલો કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી અને તેમાં નાસ્તાનું બિલ 'એક લાખ રૂપિયા' આવતાં વિવાદ થયો છે. સામાન્ય સભામાં અપાયેલા નાસ્તામાં લોકોને સુરતની પ્રખ્યાત ઘારી અને ભજિયાં ખવડાવ્યાં હતાં.

સવારે 10 કલાકે સામાન્ય સભા શરૂ થતી હોય છે અને 11-30 કલાક સુધી ચાલતી હોય છે, એટલે કે દોઢ કલાક આ સભા ચાલતી હોય છે.

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકામાં કુલ 120 કૉર્પોરેટર છે, જેમાં આમ આદમી પાર્ટીના ચાર કૉર્પોરેટર છે, કૉંગ્રેસના એક કૉર્પોરેટર છે અને બાકીના 115 કૉર્પોરેટર ભાજપના છે.

આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો કે ત્રણ મહિના પહેલાં સુરત પાણીમાં ડૂબેલું હતું ત્યારે મોટા વરાછાના કૉર્પોરેટરો ગાંઠિયાની પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તો સુરત મહાનગરપાલિકાનાં મેયરે પણ આ મામલે નિવેદન આપીને કહ્યું હતું કે તેમનો "એવો ભાવ હતો કે બધા લોકો સારી રીતે નાસ્તો કરે". આમાં વિવાદ જેવું કશું નથી.

'ભાજપવાળાને ખાવા સિવાય કશું સૂઝતું નથી'

તો સુરતના આમ આદમી પાર્ટીના વર્તમાન કૉર્પોરેટર ધર્મેશ ભંડેરીએ આરોપ મૂક્યો કે ભાજપવાળા લોકોના 'પૈસાનો વેડફાટ' કરી રહ્યા છે.

તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું કે "માત્ર દોઢ કલાકની સામાન્ય સભા ભરાઈ અને એમાંય ભાજપના કૉર્પોરેટરો એક લાખ રૂપિયાનાં ભજિયાં ખાઈ ગયા. જે નગરસેવકો સામાન્ય સભામાં ભેગા થયા હોય છે એમનું કામ સુરત શહેરનાં અટવાયેલાં કામો અંગે ચર્ચા કરવાનું હોય છે. પણ સામાન્ય સભામાં જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે પ્રશ્નો ઉડાડી દેવામાં આવે છે. પ્રશ્નોની ચર્ચા કરાતી નથી."

તેમણે કહ્યું કે "એક માણસ પાછળ આ લોકોએ સવારના નાસ્તામાં હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો."

તેમણે વધુમાં કહ્યું કે "જે સુરતમાંથી તાપી નદી નીકળે છે એ શહેરના લોકો પાણીને કારણે હેરાન છે. વીજળીના પ્રશ્નોના કારણે હેરાન છે. પણ ભાજપવાળાને પ્રજાના પૈસાનો વેડફાટ કર્યા વિના સિવાય કોઈ યોજના કે આયોજન સૂઝતું નથી આવું સ્પષ્ટપણે લાગે છે."

નાસ્તાનું આટલું મોટું બિલ આવતાં મીડિયાના લોકોએ મેયરને કેટલાક સવાલો કર્યા હતા. તો જવાબમાં મેયરે કહ્યું કે "સારા ભાવથી અને ગુણવત્તાયુક્ત ખવડાવવું એ કોઈ ગુનો નથી. મારો ભાવ હતો કે લોકોને સસ્તું નહીં, પણ સારું ખવડાવવું જોઈએ. આ એક પ્રકારનો જમણવાર જ હતો."

'ભજિયાં ઑઇલ ફ્રી અને સારી ગુણવત્તાવાળાં હતાં'

નાસ્તાનું આટલું મોટું બિલ આવતાં વિપક્ષ ઉપરાંત મીડિયાએ પણ સવાલો પણ કર્યા હતા, જેના સુરતનાં મેયર માયાબહેન માવાણીએ જવાબો આપ્યા હતા.

વિવાદ બાદ સુરતનાં મેયર માયાબહેને મીડિયાના સવાલોનો જવાબ આપતાં કહ્યું હતું કે, "આ વખતની જે સામાન્ય સભા હતી એ ચંદી પડવાના દિવસે હતી. નાસ્તો ઘારી અને ભજિયાંનો હતો."

તેમણે કહ્યું કે દરેક સામાન્ય સભામાં વરસોથી આપણે નાસ્તો કરાવીએ છીએ. આ નાસ્તો બધા લોકો માટે હોય છે.

તેમણે કહ્યું હતું કે, "આ સામાન્ય સભામાં કૉર્પોરેટરો, અધિકારીઓ, પટ્ટાવાળા, પત્રકારો, મહાનગરપાલિકા સ્ટાફ સહિત આવનારા તમામ મુલાકાતીઓને પણ નાસ્તો આપવામાં આવ્યો હતો."

"દિવાળી પણ આવવાની છે, એટલે એવો ભાવ હતો કે જે કોઈ આવે એ બધા વ્યવસ્થિત કરીને નાસ્તો કરીને જાય."

તેમણે ભાવ અંગે કહ્યું કે "ભજિયાનો ભાવ આમ તો 800 રૂપિયા (કિલો) હતો, પણ એમણે અમને 750 કિલોએ (ડિસ્કાઉન્ટ) આપ્યાં હતાં. આ ભજિયાં ઑઇલ ફ્રી અને ગુણવત્તાવાળાં હતાં."

મેયરે વધુમાં કહ્યું કે "આમ તો સામાન્ય રીતે ઘારી અને ભૂસું ખવાતાં હોય છે. પણ ઘારી અને ભજિયાંથી લોકોનું પેટ ભરાઈ જતું હોય છે."

તેમણે કહ્યું કે 350થી 400 લોકોએ નાસ્તો કર્યો છે. 131 કિલો ભજિયાં ગયાં (ખવાયાં) છે. જોકે મેયરે બિલ અંગે કોઈ સ્પષ્ટ આંકડો આપ્યો નહોતો.

બીબીસી સહયોગી રૂપેશ સોનવણેના ઇનપૂટ્સ સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન