ગાંધીજીના પૌત્ર કનુ ગાંધીના ટ્રસ્ટની જમીન અમેરિકામાં પચાવી પડાઈ, 20 મહિનાની કાનૂની લડાઈ બાદ કેવી રીતે પાછી મળી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગાંધીજીના પૌત્ર કનુ ગાંધી અને તેમનાં પત્ની શિવા ગાંધીના ટ્રસ્ટની જમીન અમેરિકામાં એક વ્યક્તિએ પચાવી પાડી હતી અને કોર્ટમાં એ જમીન પર દાવો કર્યો હતો.

ત્યારબાદ તેમના ટ્રસ્ટના વડાએ એક લાંબી કાનૂની લડાઈ અમેરિકાની કોર્ટમાં લડી હતી.

હવે અમેરિકાની કોર્ટે આ જમીનને ફરી આ 'ડૉ. શિવા ઍન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ચૅરિટેબલ ટ્રસ્ટ'ના નામે કરવાનો ચુકાદો આપ્યો છે. આ કાનૂની લડાઈ અંદાજે 20 મહિના ચાલી હતી.

સમગ્ર મામલો શું હતો?

ટ્રસ્'ના મૅનેજિંગ ટ્રસ્ટી પરિમલ દેસાઈ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. પરિમલ દેસાઈએ જ આ કેસ વકીલ મારફતે લડ્યો હતો.

તેઓ કહે છે કે, "શિવાલક્ષ્મી ગાંધીએ કનુ ગાંધીના મૃત્યુ પછી લગભગ 92 વર્ષની ઉંમરે મને એક વાર કહ્યું હતું કે આપણી પાસે સમય નથી અને એક વસિયતનામું બનાવવું જોઈએ. આ વસિયતનામામાં તેમણે દર્શાવ્યું હતું કે ત્યાં તેમની જમીન છે. તેમણે મને કહ્યું હતું કે અમેરિકામાં જમીન અને બીજી થોડી વસ્તુ છે."

આ જમીન મૂળ 1991માં કનુ ગાંધી અને શિવા ગાંધી દંપતિએ ખરીદી હતી.

"2019માં મેં અમેરિકાની કોર્ટમાંથી કનુ ગાંધી માટે પ્રોબેટ સર્ટિફિકેટ (મૃત વ્યક્તિના વસિયતનામામાં જે નામિત વ્યક્તિ હોય તેને બધી સંપત્તિ મૅનેજ કરવા માટેનું સર્ટિફિકેટ) મેળવ્યું હતું. શિવા ગાંધીનાં મૃત્યુ પછી પણ મેં આ સર્ટિફિકેટ મેળવ્યું હતું. પછી આ જમીન મારા નામે એટલે કે તેમના ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ટ્રાન્સફર થઈ હતી."

આ જમીન પરિમલ દેસાઈ અને ટ્રસ્ટના નામે ટ્રાન્સફર થઈ તેનાં થોડાં વર્ષો પછી એટલે 2025માં ગ્રેગોરી બ્લૅક નામની વ્યક્તિએ આ જમીન પર દાવો માંડ્યો હતો.

પરિમલ દેસાઈ જણાવે છે કે, "જે વ્યક્તિએ 2007થી આ જમીન પચાવી પાડી હતી એ 2025માં કોર્ટમાં ગઈ અને પછી મને નોટિસ મળી કે આ જમીન પર મારો કબજો છે અને હું આ જમીનની સારસંભાળ રાખું છું. તેણે કોર્ટમાં અરજી કરી કે પરિમલ દેસાઈના નામેથી આ જમીન મારા નામે કરવામાં આવે."

કોર્ટમાં જનારી વ્યક્તિ ગ્રેગોરી બ્લૅકે વર્જિનિયાના ઍડવર્સ પઝેશનના નિયમો અનુસાર આ જમીન પર દાવો માંડ્યો હતો. આ નિયમો અનુસાર, કોઈ અન્ય વ્યક્તિની જમીન જો વર્ષોથી એમનેમ પડી હોય અને તમે જો 15 વર્ષથી તેની સતત સારસંભાળ અને રાખી રહ્યા હોવ તો તમે તેના પર માલિકીનો દાવો માંડી શકો છો.

જોકે, તેનાથી સીધી જ માલિકી મળી જતી નથી. 15 વર્ષની સારસંભાળ સાબિત કરવી પડે છે અને બીજી ઘણી વસ્તુઓ સાબિત કરવી પડે છે.

જમીન પર કોણે દાવો કર્યો હતો?

પરિમલ દેસાઈ કહે છે કે, "પછી અમે ત્યાં વકીલ રાખ્યા અને કોર્ટમાં સુનાવણી થઈ. આ વાતમાં મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની બહુ મદદ મળી હતી. વર્જિનિયાના કાયદા વિશે મને કોઈ માહિતી નહોતી, આથી હું સતત AIથી મદદ લેતો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ કેસમાં હું કંઈ નહીં કરી શકું કારણ કે મને કંઈ ખ્યાલ નહોતો. પરંતુ મેં AIની મદદથી જ મુદ્દાઓ નક્કી કર્યા અને પછી વકીલ સાથે વાત કરીને આગળ ચાલ્યા."

તેઓ કહે છે કે, "મને સેટલમેન્ટની ઑફર પણ આવી હતી પરંતુ મેં કહ્યું કે મને અમેરિકાના ન્યાયતંત્રમાં પૂર્ણ વિશ્વાસ છે અને અમેરિકાની કોર્ટને નક્કી કરવા દો કે આ જમીન કોની છે. મારું પણ કોર્ટમાં ક્રોસ-ઍક્ઝામિનેશન થયું એ પણ સારું ગયું. કોર્ટે એ પણ પૂછ્યું હતું કે આ જમીનનું કે તેના પૈસાનું શું કરશો. અંતે કોર્ટે અમારા પક્ષમાં ચુકાદો આપ્યો."

ગ્રેગોરી બ્લૅકે 2007થી જમીન સાચવે છે એવો દાવો કોર્ટમાં કર્યો હતો, એટલે કે 20 વર્ષથી જમીનની સારસંભાળનો દાવો કર્યો હતો.

પરિમલ દેસાઈ કહે છે કે, "કોર્ટમાં એ વ્યક્તિએ 20 વર્ષનો દાવો કર્યો હતો પણ એ 20 વર્ષથી જાળવણી કરતો હતો એ સાબિત ન કરી શક્યો અને તેના દાવાઓમાં જ 20-25 ભૂલો નીકળી હતી જે અમે કોર્ટના ધ્યાને લાવવામાં સફળ રહ્યા હતા. કોર્ટે એ પણ જોયું કે આ પૈસા અનાથ બાળકો માટે વપરાવાના છે અને કનુ ગાંધી કોણ હતા એ પણ જોયું. ઘણાં બધાં પરિબળોએ આ ચુકાદા પાછળ ભાગ ભજવ્યો છે."

કોર્ટે ચુકાદામાં શું લખ્યું છે?

અમેરિકાના વર્જિનિયાની વૉરેન કાઉન્ટી કોર્ટમાં આ મામલો ચાલ્યો હતો અને આ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

આ કોર્ટના ફાઇનલ ઑર્ડરની કોપી બીબીસી ન્યૂઝ ગુજરાતી પાસે છે. જજ ડૅરેલ એલ. ફંકે આ ચુકાદો આપ્યો છે.

ચુકાદા અનુસાર, આ જમીન કુલ 30.76 એકરની હતી અને તે 15 વર્ષથી કબજામાં છે એવો દાવો કરનાર ગ્રેગોરી બ્લૅક તેને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

જ્યારે સામે પક્ષે પરિમલ દેસાઈ એ સાબિત કરવામાં સફળ રહ્યા હતા કે તેમણે 2024માં આ પ્રોપર્ટીની મુલાકાત લીધી હતી અને 4500 ડૉલર ખર્ચીને લૅન્ડ સર્વે કરાવ્યો હતો. તેઓ એ પણ સાબિત કરી શક્યા હતા કે કનુ ગાંધીના વસિયતનામાને 2025માં અમેરિકાની કોર્ટમાં રજૂ કરીને લૅન્ડ ટાઇટલ પણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે મેળવ્યું હતું.

કોર્ટે ચુકાદામાં લખ્યું હતું કે, "આ ચુકાદો ડૉ. શિવા ઍન્ડ કનુ રામદાસ મોહનદાસ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પરિમલ દેસાઈના પક્ષમાં જાય છે. આ ચુકાદો આપ્યાના 30 દિવસની અંદર જ કબજે કરનારી વ્યક્તિએ આ જમીન પર બનાવેલ કૅબિન, શિકાર માટેના સ્ટૅન્ડ, ઝૂંપડીઓ વગેરે હઠાવી લેવાનું છે. આ સિવાય જમીન પર દાવો કરનાર ગ્રેગરી બ્લૅકને ગાર્જિયન એડ લિટમના વળતર તરીકે 11375 ડૉલર પણ ચૂકવવાનો પણ આદેશ છે."

કનુ ગાંધી કોણ હતા?

કનુ ગાંધી એ મહાત્મા ગાંધીના પુત્ર રામદાસના પુત્ર હતા.

કનુ ગાંધી વૈજ્ઞાનિક હતા અને તેમણે વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાતી મૅસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી સિવિલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

તેમણે કારકિર્દીમાં આગળ જતાં નાસામાં પણ કામ કર્યું હતું અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સમાં ઍરક્રાફ્ટ ડિઝાઇનનું પણ કામ કર્યું હતું.

કનુ ગાંધીને લોકો દાંડીકૂચમાં મહાત્મા ગાંધીની લાકડીને પકડીને ચાલતાં એક બાળક તરીકે પણ યાદ કરે છે.

તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી પણ બૉસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને સંશોધક હતાં.

આ દંપતીને કોઈ સંતાન નહોતું અને વર્ષ 2014માં તેઓ ભારત આવી ગયાં હતાં.

પરિમલ દેસાઈ જણાવે છે તેમ તેઓ બંનેની સારસંભાળ રાખતા હતા.

7 નવેમ્બર, 2016ના રોજ કનુ ગાંધીનું સુરતમાં અવસાન થયું હતું. 2020માં શિવાલક્ષ્મી ગાંધીનું પણ અવસાન થઈ ગયું હતું.

પરિમલ દેસાઈ જણાવે છે કે, "આ દંપતિએ સ્થાપેલા ટ્રસ્ટના કાર્યોમાં ગાંધીવાદી વિચારધારાનો પ્રચાર કરવો, સુરતની આઈજી સર્વોદય સ્કૂલમાં સેન્ટર ઑફ ઍક્સેલન્સ અને ઑડિટોરિયમ બનાવવું અને તેમાં અનાથ બાળકોને જેટલું ભણે તેટલાં ભણાવવાં એવો ઉલ્લેખ છે. આ જમીનનાં નાણાં અમારે આ કાર્યોમાં વાપરવામાં છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન