ઝીણાએ જ્યારે બ્રિટિશ સરકારની 1500 રૂપિયાની નોકરી ઠુકરાવીને કહ્યું, 'આટલું તો હું એક જ દિવસમાં કમાઈ લઇશ'

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર, સંશોધક
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

20મી સદીની શરૂઆતમાં બૉમ્બે (હાલનું મુંબઈ)માં એક રાજકીય લડાઈ ચાલી રહી હતી. સ્થાનિક વહીવટમાં બ્રિટિશ સરકારની દખલગીરી સામે અદાલતમાં આ લડાઈ જીતનાર યુવાન વકીલ ચાર દાયકા પછી એવા જ અહિંસક અને કાનૂની માર્ગે ચાલીને એક નવા દેશની રચના કરાવવાના હતા.

આ વકીલ હતા મહમદઅલી ઝીણા. એ વખતે તેઓ બૅરિસ્ટર હતા અને આજે પાકિસ્તાનના સ્થાપક તરીકે ઓળખાય છે.

બ્રિટિશ ભારતમાં સરકારે સ્થાનિક સ્વરાજ્યની મર્યાદિત વ્યવસ્થા દાખલ કરી હતી. આ વ્યવસ્થા હેઠળ બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અડધા સભ્યોની ચૂંટણી 12,000 કરદાતાઓ દ્વારા થતી હતી, જ્યારે બાકીના સભ્યોની નિમણૂક સરકાર કરતી હતી.

કૉર્પોરેશનની આ ચૂંટાયેલી પાંખમાં મહમદઅલી ઝીણાના માર્ગદર્શક ફિરોઝશાહ મહેતા સહિત કૉંગ્રેસના ઉદારમતવાદી નેતાઓનું વર્ચસ્વ હતું. સરકાર સાથે સાંઠગાંઠ ધરાવતા અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓએ મહેતા જેવા કૉંગ્રેસી નેતાઓને ચૂંટણીમાં હરાવવાની ગોઠવણ કરી હતી.

'કૉક્સ' તરીકે ઓળખાતા આ જૂથમાં બૉમ્બેના એકાઉન્ટન્ટ જનરલ સી. એચ. હૅરિસન, પોલીસ કમિશનર જેલ, મ્યુનિસિપલ કમિશનર શૅફર્ડ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના તંત્રી લવેટ ફ્રેઝરનો સમાવેશ થતો હતો. ધારદાર લેખન માટે જાણીતા ફ્રેઝર મહેતા વિરુદ્ધ લેખો લખતા હતા. ચૂંટણી નજીક આવતાં તેમના લેખો વધુ આક્રમક બન્યા હતા.

આ જૂથે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મહેતાને હરાવવા માટે 16 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તેમની હાર સુનિશ્ચિત કરવા માટે આયોજન કર્યું હતું. જોકે, તેમના છેલ્લા ઉમેદવાર સુલેમાન અબ્દુલ વહીદની ચૂંટણીને પડકારવામાં આવી હતી. કારણ કે, તેઓ એવી પેઢીના હિસ્સેદાર હતા, જેને એ જ નગરપાલિકા તરફથી કૉન્ટ્રેક્ટ મળતા હતા.

મહેતા પોતે બૅરિસ્ટર હતા, છતાં આ કેસમાં તેમણે ઝીણાને પોતાના વકીલ તરીકે પસંદ કર્યા. ઝીણા બૉમ્બેની અદાલતમાં હાજર થયા. તેમની દલીલો, કાયદાનું ઊંડું જ્ઞાન અને કાનૂની બારીકીઓએ અદાલતને પ્રભાવિત કરી. સુલેમાન અબ્દુલ વહીદને ગેરલાયક ઠરાવવામાં આવ્યા. મહેતા ઉમેદવારોમાં 17મા ક્રમે હતા. તેથી તેઓ આપોઆપ ચૂંટાઈ આવ્યા અને 'કૉક્સ' જૂથની તમામ યોજનાઓ પર પાણી ફરી વળ્યું.

ઝીણાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી

યેલ યુનિવર્સિટીમાં કાનૂની ઇતિહાસના પ્રોફેસર ડૉ. રોહિત ડીએ પોતાના લેખ 'Jinnah's Legal Career'માં બ્રિટિશ સરકારના ટીકાકારોનું ઝીણાએ અદાલતમાં કરેલું પ્રતિનિધિત્વ અને તેમના સંઘર્ષ વિશે વિગતે લખ્યું છે. આવા ટીકાકારોમાં બાળ ગંગાધર તિલકનો પણ સમાવેશ થતો હતો. ઝીણાએ રાજદ્રોહના કાયદાઓ સામે તેમજ અખબારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સતત લડત આપી હતી.

ડૉ. ડીના મતે, સ્થાનિક સ્વરાજ્યને લગતા આ કેસને કારણે ઝીણાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી.

તેઓ લખે છે, "આ પહેલી વાર હતું, જ્યારે સંસ્થાનવાદી સરકાર પર પોતાની જ અદાલતમાં ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસની સુનવણીના અહેવાલો અંગ્રેજી અને સ્થાનિક ભાષાનાં અખબારોમાં વ્યાપક રીતે પ્રસિદ્ધ થયા હતા."

પ્રોફેસર ડી કહે છે, "સંસ્થાનવાદી સરકારના બંધારણીય માળખાની અંદર રહીને જ તેની ખામીઓ અને વિરોધાભાસો ખુલ્લા પાડવાની ઝીણાની નીતિનું આ કદાચ પ્રારંભિક ઉદાહરણ હતું."

યાદ રહે કે 25 ડિસેમ્બર, 1876ના રોજ જન્મેલા મહમદઅલી ઝીણા 1896માં લિંકન્સ ઇનમાંથી અભ્યાસ પૂરો કરીને બૅરિસ્ટર બન્યા ત્યારે તેમની ઉંમર 20 વર્ષ પણ નહોતી. તેઓ આ સંસ્થામાંથી બૅરિસ્ટર બનનારા સૌથી યુવાન ભારતીય હતા.

સ્ટૅનલી વૉલ્પર્ટે પોતાના પુસ્તક 'Jinnah of Pakistan'માં લખ્યું છે કે, "ભારત પાછા ફર્યા પછીના યુવાન બૅરિસ્ટરનાં શરૂઆતનાં ત્રણ વર્ષ વિશે લગભગ કશું જ જાણવા મળતું નથી."

જોકે, કરાચી યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વ્યાખ્યાતા ડૉ. આરિફા ફરીદે ડૉન અખબારને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે, ઝીણાએ પોતાની કાનૂની કારકિર્દીની શરૂઆત કરાચીની હરચંદ રાય ઍન્ડ કંપનીથી કરી હતી. આ એ જ હરચંદ રાય હતા, જેઓ 1911થી 1921 સુધી દસ વર્ષ કરાચી મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડા રહ્યા હતા.

ડૉ. આરિફાએ આ માહિતી પોતાના પિતા અબ્દુલ હમીદ ફરીદના સંદર્ભમાં આપી હતી. ભારતના ભાગલા પહેલાં તેમના પિતા પૂણે અને બૉમ્બેમાં વકીલાત કરતા હતા અને ત્યાર પછી કરાચીમાં વકીલાત કરી હતી.

કરાચીમાં થોડો સમય રહ્યા પછી ઝીણા વકીલાત કરવા બૉમ્બે બારમાં જોડાયા.

અકબર એસ. અહમદે પોતાના પુસ્તક 'Jinnah, Pakistan and Islamic Identity'માં જણાવ્યું છે કે એ સમયે બૉમ્બેમાં ઝીણા એકમાત્ર મુસ્લિમ બૅરિસ્ટર હતા. તેઓ લખે છે કે ઝીણાનું વર્તન સ્વતંત્રતાની ભાવનાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતું હતું.

"બૉમ્બે પ્રાંતીય સરકારના ન્યાયિક સભ્ય સર ચાર્લ્સ ઑલિવેટ ઝીણાથી એટલા પ્રભાવિત થયા હતા કે 1901માં તેમણે ઝીણાને 1,500 રૂપિયાના માસિક વેતને કાયમી નોકરીની ઑફર કરી હતી. ઝીણાએ એ ઑફર નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં એક જ દિવસમાં આટલી રકમ કમાઈ લેશે. આગળ જતાં તેમણે પોતાની વાત સાચી સાબિત કરી."

પ્રોફેસર ડી લખે છે કે, ઝીણાની વાક્‍છટા અને ચપળ દલીલોને કારણે તેમની વકીલાતનો વ્યાપ વધતો ગયો.

ફ્રૅન્ક મૉરિસે પછીનાં વર્ષોમાં અદાલતમાં ઝીણાની કાર્યશૈલીનું વર્ણન કર્યું હતું:

"તેમની વાત જેટલા ધ્યાનથી સાંભળવામાં આવે છે, એટલા ધ્યાનથી બહુ ઓછા વકીલોની વાત સાંભળવામાં આવે છે. પોતાનો કેસ રજૂ કરવામાં તેમના જેટલા કુશળ બહુ ઓછા હોય છે. ઓછામાં ઓછા પ્રયત્નોથી મહત્તમ પરિણામ મેળવવું જો કળા હોય તો ઝીણા તેના કલાકાર છે. તેઓ કેસના મૂળ સુધી પહોંચવાનું પસંદ કરે છે. પોતાના કેસની વિગતો સમજાવવામાં તેમની શૈલી બેજોડ છે. તેઓ બોલવાનું શરૂ કરે એટલે અદાલતનું એકવિધતાભર્યું વાતાવરણ જીવંત બની જાય છે. ઊંચી કાયા ધરાવતી, સુઘડ પોશાક પહેરેલી આ વ્યક્તિની દરેક હિલચાલને અનુસરવા જુનિયર વકીલો ગરદન લંબાવે છે, અનુભવી વકીલો ધ્યાનપૂર્વક સાંભળે છે અને ન્યાયાધીશ પણ એકાગ્રતાથી તેમની વાત સાંભળે છે."

'લોકોની જીત'

અહમદના જણાવ્યા અનુસાર, "ઝીણા ઘણી વાર બ્રિટિશ અધિકારીઓનો વિરોધ કરતા. પરંતુ તેઓ એ વાતની ખાસ કાળજી રાખતા કે કાયદાની કોઈ પણ જોગવાઈના આધારે તેમના વિરોધીઓ તેમને દોષિત ઠરાવી ન શકે. ટૂંકમાં કહીએ તો, તેમણે બ્રિટિશ કાયદાનો ઉપયોગ બ્રિટિશરો સામે કુશળતાપૂર્વક કરતાં શીખી લીધું હતું. ભારતના સ્વશાસન અથવા ભારતીયોના અધિકારોની તરફેણમાં બોલવા બદલ દેશદ્રોહના આરોપસર બ્રિટિશો તેમને અનેક વાર જેલમાં નાખવાની ધમકી આપતા."

પ્રોફેસર ડીના જણાવ્યા અનુસાર, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લાદવામાં આવેલા આકરા પ્રેસ કાયદાઓ સામે ઝીણાએ અનેક કેસ લડ્યા હતા. તેમાં સૌથી જાણીતો કેસ અંગ્રેજી ભાષાના રાષ્ટ્રવાદી દૈનિક 'બૉમ્બે ક્રોનિકલ'નો બચાવ કરવાનો હતો.

આવા કેસોને કારણે ઝીણાની ખ્યાતિ દેશભરમાં ફેલાતાં તેમને અન્ય પ્રદેશોમાંથી પણ આવા જ કેસ મળવા લાગ્યા. શ્રીનગરમાં રજાઓ ગાળવા ગયા હતા ત્યારે પણ કાશ્મીરી નેતા શેખ અબ્દુલ્લાની વિનંતીથી તેમણે ત્યાં એક કેસ લડ્યો હતો. બીજા વકીલોને આ કેસ મુશ્કેલ લાગતો હતો, પરંતુ ઝીણાએ દલીલો થયાના એક જ દિવસમાં કેસ જીતી લીધો.

શેખ અબ્દુલ્લાએ પોતાના આત્મકથાત્મક પુસ્તક 'આતશ-એ-ચિનાર'માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ વિશે મુહમ્મદ યુસુફ સરાફે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "અદાલતનો ખંડ સમાજના દરેક વર્ગના લોકોથી ભરાઈ ગયો હતો. તેમાં વકીલો, સરકારી કર્મચારીઓ અને પોતાની દુકાનો બંધ કરીને આવેલા દુકાનદારોનો સમાવેશ થતો હતો. શેખ અબ્દુલ્લા પણ ત્યાં હાજર હતા."

ભોપાલમાં એક કેસમાં મળેલી જીતને લોકોની જીત તરીકે બિરદાવવામાં આવી હતી, કારણ કે તેના પરિણામે ગરીબ વિદ્યાર્થીઓને મળતી શૈક્ષણિક શિષ્યવૃત્તિ ચાલુ રહી શકી હતી.

25 જાન્યુઆરી, 1910ના રોજ ઝીણાએ દિલ્હીમાં ભારતની સાઠ સભ્યોની વિધાન પરિષદમાં 'બૉમ્બેના મુસ્લિમ સભ્ય' તરીકે સ્થાન ગ્રહણ કર્યું.

'ઝીણાએ 'કઠોર અને ક્રૂર' શબ્દો વાપર્યા'

પ્રોફેસર ડીએ લખ્યું છે કે, "ઝીણા ઘણી વાર નાગરિક સ્વતંત્રતાઓની તરફેણમાં બોલતા. આમાં સૌથી જાણીતું ઉદાહરણ ભગતસિંહ સામેની વસાહતી સરકારની ગેરકાયદે ન્યાયિક કાર્યવાહીનો વિરોધ કરવા માટે વિધાનસભામાં તેમણે આપેલું ભાષણ છે. ભગતસિંહ અને તેમના સાથીઓએ સરકારી પક્ષને સહકાર આપવાનો ઇન્કાર કર્યો હતો. તેથી તેમની ગેરહાજરીમાં જ કેસ ચલાવી શકાય તે માટે એક વિશેષ વટહુકમ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાયદાના શાસનને આ વટહુકમથી પહોંચનારા નુકસાન બદલ ઝીણાએ સરકારની આકરી ટીકા કરી હતી."

તેમણે દલીલ કરી હતી કે, "ન્યાયિક સૂઝબૂઝ ધરાવતો અથવા ન્યાયની ભાવના ધરાવતો કોઈ પણ ન્યાયાધીશ આવા કેસમાં ભાગીદાર બની શકે નહીં અને અંતરાત્માને જરાય ડંખ્યા વિના કે મનમાં કોઈ કચવાટ અનુભવ્યા વિના મૃત્યુદંડની સજા આપી શકે નહીં. તમે જે કાયદો ઘડવા માગો છો તે છેતરપિંડી છે." તેમણે ધ્યાન દોર્યું હતું કે આ કાયદો બ્રિટિશ સામાન્ય કાયદાની જરૂરિયાતો પૂરી કરતો નહોતો. તેમની દલીલો અત્યંત પ્રખર હોવા છતાં તે કાયદાકીય આધાર પર જ હતી.

અહમદ લખે છે કે, "વાઇસરૉય લૉર્ડ મિન્ટોને ઝીણા સંભવિત સાથી બની શકે એવી જે કોઈ આશા હતી, તે બહુ જલદી ધૂળમાં મળી ગઈ. તેનું કારણ એ હતું કે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સાથે થતા વર્તનનું વર્ણન કરવા માટે ઝીણાએ 'કઠોર અને ક્રૂર' શબ્દો વાપર્યા ત્યારે મિન્ટોએ તેમને ઠપકો આપ્યો હતો."

ઝીણાએ જવાબ આપ્યો હતો: "માય લૉર્ડ! મારે તો આનાથી પણ વધુ આકરા શબ્દો વાપરવા જોઈએ. પરંતુ આ પરિષદનું બંધારણ શું છે તેનાથી હું પૂરેપૂરો વાકેફ છું અને એક ક્ષણ માટે પણ તેની મર્યાદા ઓળંગવા માગતો નથી. પરંતુ હું એટલું જરૂર કહીશ કે ભારતીયો સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અત્યંત કઠોર છે અને આ બાબતે આ દેશના લોકોની લાગણી એકસરખી છે."

'વકીલ તરીકેની આચારસંહિતાને પ્રાથમિકતા આપતા ઝીણા'

પ્રોફેસર ડીના જણાવ્યા અનુસાર, મુસ્લિમ કાયદામાં સુધારા લાવવામાં પણ ઝીણાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

"તેમણે મુસ્લિમ વકફ અધિનિયમ, 1913 ઘડાવવા માટે પ્રયાસો કર્યા અને તે પસાર કરાવવામાં સફળ રહ્યા. કારકિર્દીના ઉત્તરાર્ધમાં ઝીણાએ 1937નો શરિયત અધિનિયમ તૈયાર કર્યો અને રજૂ કર્યો. આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી હતી કે ભારતમાં તમામ મુસ્લિમોને શરિયતના કાયદા લાગુ પડશે. આ અધિનિયમે મુસ્લિમોમાં પ્રચલિત રૂઢિગત કાયદાને નાબૂદ કર્યો હતો. આ રૂઢિગત કાયદાને કારણે અનેક કિસ્સાઓમાં મુસ્લિમ મહિલાઓને વારસાના અધિકાર જેવા, શરિયત હેઠળ મળવા પાત્ર અધિકારો મળતા નહોતા. આ અધિનિયમથી એક સમાન કાયદા હેઠળ એક સંગઠિત મુસ્લિમ સમુદાયની વિભાવનાને પ્રોત્સાહન આપવામાં પણ મદદ મળી."

ઝીણાની જીવનશૈલી ઉચ્ચ વર્ગના અંગ્રેજ વકીલ જેવી હતી.

અહમદ લખે છે કે તેમના વિશે કહેવાતું હતું કે, "તેઓ એક જ રેશમી ટાઈ બીજી વાર પહેરતા નહોતા અને તેમના કબાટમાં હાથથી સિવડાવેલા આશરે 200 પોશાક હતા. બ્રિટિશ શાસન હેઠળના ભારતમાં સફળ વકીલ બનવા માટે મોંઘાં કપડાં કદાચ અનિવાર્ય હતાં, પરંતુ ઝીણાને મુખ્યત્વે મોંઘાં કપડાંનો શોખ હતો. પોશાકની બાબતમાં તેમની પસંદગી અસાધારણ હોવા છતાં તેઓ જીવનભર નાણાંની બાબતમાં સાવધ રહ્યા હતા."

1930ના દાયકાની શરૂઆતમાં ઝીણા લંડનના હેમ્પસ્ટેડ વિસ્તારમાં આવેલા એક વિશાળ મકાનમાં રહેતા હતા. તેમની પાસે બૅન્ટલી કાર હતી, જેને એક અંગ્રેજ ડ્રાઇવર ચલાવતો હતો. તેમના નોકર પણ અંગ્રેજ હતા. અહમદે ઝીણાનાં પુત્રી દીનાને ટાંકીને લખ્યું છે કે તેમના ઘરમાં બે રસોઇયા હતા-એક ભારતીય અને બીજો આઇરિશ. ઝીણાને કઢી અને ભાત ભાવતાં હતાં. તેમને બિલિયર્ડ રમવાનો પણ શોખ હતો.

"દીનાને યાદ છે કે તેમના પિતા તેમને નાટકો, પેન્ટોમાઇમ અને સર્કસ જોવા લઈ જતા હતા."

અહમદના જણાવ્યા અનુસાર, ઝીણાએ જે સંપત્તિ મેળવી હતી તે કાયદેસર રીતે મેળવી હતી. તેમાં વકીલ તરીકેની તેમની કુશળતા અને ખાનગી રોકાણકાર તરીકેની તેમની આવડતનો ફાળો હતો.

એ. જી. નૂરાની પોતાના લેખ 'ઇન ડિફેન્સ ઑફ ઝીણા'માં લખે છે કે ઝીણા માટે વકીલ તરીકેની આચારસંહિતા પ્રત્યેની નિષ્ઠા સૌથી પહેલાં આવતી હતી. સામ્યવાદી વિચારધારા ધરાવતી વ્યક્તિનો બચાવ કરવાનો તેમનો એક કેસ આ વાતનો પુરાવો છે.

"ઝીણા નિશ્ચિતપણે સામ્યવાદી વિચારધારાના વિરોધી હતા. પરંતુ વકીલ તરીકેની આચારસંહિતા પ્રત્યેની તેમની નિષ્ઠા તેમના માટે પ્રથમ સ્થાને હતી. આ બાબત એ પણ દર્શાવે છે કે તેઓ દ્વેષભાવથી મુક્ત હતા."

નૂરાની લખે છે કે ઝીણાનો એક નિયમ હતો: તેઓ ફી લીધા વિના કોઈ કેસ હાથ ધરતા નહોતા. તેમના ભત્રીજા અકબર એ. પીરભોય, જેઓ તેમની વકીલાતની પેઢીમાં જુનિયર તરીકે પણ કામ કરતા હતા, તેઓ બૉમ્બે બારમાં પોતાના સાથીઓને કહેતા કે ઝીણા આ નિયમમાં કોઈ છૂટછાટ આપવાના નહોતા. તેના બદલે ઝીણા પોતાની પાસે કેસ લઈને આવતા પક્ષકારોને નાણાં એકત્ર કરવા કહેતા અને પોતે પણ તેમાં ફાળો આપતા.

"બીજી તરફ, વ્યાવસાયિક નીતિમત્તા અને શિષ્ટાચાર પ્રત્યેની તેમની નિષ્ઠા નિર્ભય અને અડગ હતી. એક પક્ષકાર પાસે પૈસાની અછત હતી. તેણે ઝીણાને વિનંતી કરી કે તે જેટલી ફી આપી શકે તેટલી સ્વીકારીને, એ ફી ચાલે ત્યાં સુધી તેને સલાહ આપે. ઝીણા કલાકના હિસાબે ફી લેતા હતા. તેઓ સંમત થયા. તેમણે સલાહ આપી અને લીધેલી ફીનો મોટો હિસ્સો પાછો આપતાં કહ્યું કે તેમણે જરૂરી બાબતો જ વાંચી હતી."

1930ના દાયકાની શરૂઆત સુધીમાં ઝીણા માત્ર વકીલાતમાંથી મહિને આશરે 40,000 રૂપિયા કમાતા હોવાનું કહેવાય છે. એ સમયના હિસાબે આ બહુ મોટી આવક હતી. તેમના વિરોધીઓમાંના એક ગાંધી પણ ઝીણાને ઉપખંડના અગ્રણી વકીલોમાંના એક ગણતા હતા. તેથી તેઓ સૌથી વધુ ફી લેતા વકીલોમાંના એક હતા.

"રોકાણની સારી તકો પારખવાની તેમની નજર પણ તેજ હતી. તેમણે શૅર અને મિલકતોમાં સફળતાપૂર્વક રોકાણ કર્યું હતું. તેમનાં નિવાસસ્થાનો ભવ્ય હતાં: લંડનના હેમ્પસ્ટેડમાં, બૉમ્બેના મલબાર હિલમાં અને દિલ્હીના 10 ઔરંગઝેબ રોડ પર ઍડ્વિન લ્યુટિયન્સે ડિઝાઇન કરેલું મકાન."

ભારતના ભૂતપૂર્વ વિદેશમંત્રી કે. નટવરસિંહે ઝીણાને '1947 પહેલાંના સૌથી સફળ ભારતીય રાજકારણી' ગણાવતાં લખ્યું છે કે, "બુદ્ધિશાળી અને તેજસ્વી રાજકારણી બન્યા તે પહેલાં ઝીણા એક અસાધારણ વકીલ હતા."

તેઓ લખે છે કે, "તેમણે પોતાનું લગભગ આખું જીવન બૉમ્બેમાં વિતાવ્યું. 35 વર્ષની ઉંમરે તેઓ કરોડપતિ બની ગયા હતા."

અકબર એસ. અહમદના જણાવ્યા અનુસાર, "ઝીણાની સંપત્તિને કારણે તેમને પોતાની વાત નિર્ભયતાથી કહેવાની સ્વતંત્રતા મળી હતી. અદાલતમાં, અદાલતની બહાર કે રાજકારણમાં—કાયદો જ તેમનો માર્ગદર્શક હતો."

પ્રોફેસર ડી લખે છે કે પાકિસ્તાન ઝીણાનો છેલ્લો કેસ હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન