તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
બનાસકાંઠા: પશુપાલનથી કરોડપતિ બનેલી મહિલાઓની કહાણી, જાતે પગભર થઈને લોકોને રોજગારી આપવા લાગી
- લેેખક, પરેશ પઢિયાર
- પદ, બીબીસી ગુજરાતી માટે, બનાસકાંઠાથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
બનાસકાંઠામાં એક સમયે માત્ર એક ગાય અને એક ભેંસથી પશુપાલન શરૂ કરનારાં લીલાબહેન ચૌધરીએ પાસે હવે આખો તબેલો છે, જેમાં અંદાજે દોઢસો કરતાં પણ વધુ ગાય-ભેંસ છે.
લીલાબહેન પશુપાલનમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચિત્રોડા ગામનાં પશુપાલક લીલાબહેન ચૌધરીનું કહેવું છે કે તેઓ દરરોજ આશરે રૂપિયા 42,000નું દૂધ ડેરીમાં ભરાવે છે અને આ વર્ષે રૂપિયા 1.23 કરોડનું દૂધ ભરાવીને રૂપિયા 40 લાખનો નફો મેળવ્યો છે.
તેમજ પશુઓની સારસંભાળ માટે તેમણે ચાર પરિવારોને રોજગારી આપી છે.
બીજી તરફ, બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામનાં તસલીમબહેન પશુપાલનથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
ધોરણ 12 પાસ તસલીમબહેનના તબેલામાં હાલ 350થી વધુ ભેંસો છે અને તેઓ રોજ આશરે 2200થી 2300 લિટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે.
વર્ષ 2025-26માં બનાસ ડેરીમાં રૂપિયા 2.94 કરોડનું દૂધ ભરાવીને તેમણે પ્રથમ નંબર મેળવ્યો છે.
જવેરી પરિવાર દ્વારા 1990માં માત્ર ચાર-પાંચ પશુઓથી શરૂ કરાયેલા વ્યવસાયમાં આજે 18 જેટલા લોકો કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ ખર્ચ બાદ કરતાં પરિવારને વાર્ષિક આશરે રૂપિયા 80 લાખનો ચોખ્ખો નફો મળે છે.
તસલીમબહેનનું માનવું છે કે નોકરી કરતાં પશુપાલનનો ધંધો વધુ સારો છે.
ગુજરાત રાજ્યમાં પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી તરફ નજર કરીએ તો 16000થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાંથી, લગભગ 4150 મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે.
સમગ્ર દેશમાં 36 લાખથી વધુ સભ્યોમાંથી ગુજરાતમાં 11 લાખથી વધુ મહિલાઓ છે.
ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં તેમનું યોગદાન ખાસ કરીને નોંધપાત્ર છે, જે દરરોજ લગભગ 90 લાખ લિટર દૂધ એકત્રિત કરે છે, જ્યાં પશુપાલનમાં મહિલાઓ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
બનાસ ડેરીમાં ઘણી મહિલા સભ્યોએ વાર્ષિક રૂ. 50 લાખથી વધુનું દૂધ સપ્લાય કરીને તેમની આર્થિક સ્થિરતામાં વધારો કર્યો છે.
'લોકો કહે છે આટલા બધા પૈસા ક્યાં મૂકશો?'
લીલાબહેન ચૌધરી બીબીસી ગુજરાતીને જણાવે છે "પહેલા અમે દિવસનું 42 રૂપિયાનું દૂધ ભરાવતા હતા, આજે દૈનિક હું 42,000 રૂપિયાનું દૂધ ભરાવું છું."
"હવે લોકો મને ખૂબ અભિનંદન પાઠવે છે. જે લોકો અમારું સરવૈયું જુએ છે તો પૂછે છે કે તમારે આટલો બધો નફો થાય છો ક્યાં મૂકશો આટલા બધા રૂપિયા."
"છેક કૅનેડાથી પણ ફોન આવે છે કે મને એક વખત લીલાબહેનની મુલાકાત કરાવો."
"પહેલા પરિસ્થિતિ જુદી હતી, જમીન તો ઘણી હતી પણ આ પશુ ઓછાં રાખતાં હતાં. તે વખતે પશુઓનો આટલો બધો ધંધો ન હતો, પાણીની તંગી હતી."
"પરંતુ સમય જતાં અમે તદ્દન જુદા રહીને જ બધી આ પ્રગતિ કરી છે."
"50થી 80 હજારની કિંમતમાં લીધેલાં આ પશુઓની કિમત હાલ કરોડો ઉપર છે."
"લીલાબહેને આ વર્ષે એક કરોડ તેવીસ લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, જેમાં ચાલીસ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો છે."
"અમારી પાસે દૂધનું મિલ્કિંગ મશીન છે અને પશુઓના ડૉક્ટરની સુવિધા પણ સારી મળી રહી છે. અમારા ઢોરોને કોઈ પણ તકલીફ હોય તો તરત અમે વિઝિટ નોંધાવીએ કે તરત જ ડૉક્ટરની સેવા મળી રહે છે."
"92 ગાયોનો વીમો પણ અમે કઢાવી રાખ્યો છે. ઘાસચારો તો અમારે ઘરે જ છે."
"અમારે જમીન છે અને ઘણું થાય છે તેથી એમ પણ વાંધો આવતો નથી."
ચાર પરિવારોને પણ આપે છે રોજગારી
પશુપાલનમાં સારસંભાળ અને સહાય માટે લીલાબહેને ચાર કુટુંબોને નોકરી પર રાખ્યા છે, જેઓ તેમને આખો દિવસ મદદ કરે છે.
લીલાબહેન કહે છે કે અમે સવારે અમે ચાર વાગે ઊઠીએ છીએ.
"પણ અમારે તો ચાર કુટુંબ રાખેલાં છે, તેમને અમે બધી સારસંભાળની જવાબદારી સોંપેલી છે દરેકને 30થી 35 પશુ આપી દીધા છે. તેમને અમે પગાર આપી છીએ."
"અમે કોઈને 14 હજાર પગાર તો કોઈને 12 હજાર છે ત્યારે કોઈને દસ હજાર પગાર આપીએ છીએ."
લીલાબહેનનું કહેવું છે કે, "મહેનત તો કરવી પડે છે. દેખરેખ રાખવી પડે છે. પણ દૂધની આવકમાંથી જ અમે પાલનપુરમાં બે મકાનો પણ રાખ્યાં છે."
તેઓ જણાવે છે, આ પૈસા થકી જ અમે ખેતીનાં સાધનો પણ ખરીદ્યાં છે.
તેમનું કહેવું છે કે પશુપાલનને કારણે દર મહિને બે વાર પગાર મળે છે જેથી પૈસાની તંગી વર્તાતી નથી.
"આ પશુપાલનને કારણે તેમને ખેતી માટે રાસાયણિક ખાતરની જરૂર પણ ઓછી પડે છે."
350 ભેંસો, રોજ 2200 લિટર દૂધ અને વાર્ષિક ₹2.94 કરોડની કમાણી કરતાં તસ્લીમબહેન
વડગામના બસુ ગામમાં રહેતાં તસલીમબહેનના તબેલામાં સાડા ત્રણસો જેટલી ભેંસ છે. જેમાંથી તેમણે રોજ અંદાજે 2200 લિટર દૂધ ભરાવે છે.
તેમની પાસે જાફરાબાદી, બન્ની, દિલ્હી અને કાઠિયાવાડી ભેંસો છે.
તસલીમબહેન કહે છે, "જેમ જેમ આ કામમાં મને સફળતાપૂર્વક નફો મળતો ગયો એમ ભેંસો વસાવતા ગયા અને આજે 14 વર્ષમાં અમારી પાસે 350થી ભેંસો છે."
તસલીમબહેને 2025-26માં બનાસ ડેરીમાં 2 કરોડ 94 લાખ રૂપિયાનું દૂધ ભરાવી પહેલો નંબર મેળવ્યો છે.
તેમણે જણાવે છે, આખા દિવસનું આશરે 2300 લિટર જેટલું દૂધ અમે બનાસ ડેરીને આપીએ છીએ અને એ દૂધના રકમમાં ગણવા જઈએ તો 1 લાખ 40થી 45 હજારનું દિવસનું દૂધ ભરાવીએ છીએ.
તેઓ કહે છે, અમે બનાસ ડેરીને મહિને 40-42 લાખનું દૂધ આપીએ છીએ.
તેઓ કહે છે કે, "મારા પિયરમાં તો અમારે પશુપાલનનો ધંધો નહોતો. સાસરે આવીને હું આ તરફ વળી છું."
હાલ ઝવેરી પરિવાર પાસે પશુઓની દેખભાળ અને દૂધની વ્યવસ્થા માટે આશરે અઢાર લોકો કામ કરે છે.
તસલીમબહેનના પતિ સાહિલખાન ઝવેરી કહે છે, "આ પશુપાલનનો ધંધો 1990 આસપાસ મારા પિતાએ શરૂ કર્યો હતો. માતાપિતાની મહેનતનું ફળ આજે અમને મળી રહ્યું છે."
ઝવેરી પરિવારનું કહેવું છે કે, "પશુપાલન પાછળ થતા તમામ ખર્ચને બાદ કરતા તેમને અંદાજે 80 લાખ રૂપિયા જેટલો ચોખ્ખો નફો મળે છે. ડેરી અમારી જોડેથી છાણિયું ખાતર ખરીદશે તો ચાર લાખ જેટલી અમારે આવક વધી જશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન