તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
International Nurses Day : ફ્લોરેન્સ નાઇટિંગલ કોણ હતાં?
12 મેના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ફ્લોરેન્સ નાઇટિંગલના માનમાં ઉજવાય છે. તેઓ યુદ્ધમાં ઘાયલ સૈનિકો માટે દેવદૂત સમાન હતાં.
નાઇટિંગલ ઑફ ફ્લોરેન્સે યુદ્ધ દરમિયાન ઘણી મહિલાઓને નર્સની ટ્રેનિંગ આપી હતી અને ઘણા સૈનિકોની સારવાર પણ કરી હતી.
નર્સો વિશ્વભરના અલગઅલગ દેશોમાં બીમારીથી પીડિત દર્દીઓની સારવાર કરતાં હોય છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સેવા કરે છે.
આ વર્ષ એટલા માટે પણ મહત્ત્વનું છે કે આ વર્ષે ફ્લોરેન્સના જન્મનું 203મું વર્ષ છે.
ફ્લોરેન્સ નાઇટિંગલના પ્રયાસો થકી જ બ્રિટને નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી હતી.
ફ્લોરેન્સ નાઇટિંગલે ભારતમાં સાફ પાણીના સપ્લાય માટે ઘણી વકીલાત કરી. આ ઉપરાંત તેમણે ભારતમાં દુકાળની સ્થિતિ પર અનેક અહેવાલો બ્રિટિશ સરકારને મોકલ્યા અને દુકાળગ્રસ્તોની મદદ માટે ઝુંબેશ ચલાવી એવું એમની જીવનકથા લખનાર માર્ક બોસ્ટ્રિજ નોંધે છે.
ભારતની સ્થિતિ વિશે 1906 સુધી તેઓ અહેવાલો મોકલતા રહ્યાં. એ વખતે તેમની ઉંમર 86 વર્ષની હતી.
સેવાની લાંબી મજલ પછી 1910માં 90 વર્ષે એમનું અવસાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્લોરેન્સ નાઇટિંગલને બ્રિટન સરકારે તેના સર્વોચ્ચ સન્માનથી ઑર્ડર ઑફ મેરિટથી નવાજ્યાં હતાં. આ સન્માન મેળવનારા તે પ્રથમ મહિલા હતાં.
નર્સ દિવસની કેવી રીતે શરૂઆત?
આજથી 203 વર્ષ પહેલાં 1820માં ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો અને તેમને મૉડર્ન નર્સિંગનાં સ્થાપક માનવામાં આવે છે.
ખાસ કરીને તેઓ 'લેડી વિથ ધ લેમ્પ' નામે પણ વધુ જાણીતા થયાં હતાં, કેમ કે તેઓ રાતના સમયે પણ સૈનિકોની સારવાર કરતાં હતાં.
1860માં તેઓએ લંડનમાં સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના કરીને નર્સિંગની શરૂઆત કરી હતી.
આ સ્કૂલ લંડનની કિંગ્સ કૉલેજનો હિસ્સો હતી અને આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ માનવામાં આવે છે.
નર્સો માટે આંતરરાષ્ટ્રીયસ્તરે ફ્લોરેન્સ નાઇટિંગલ મેડલ પણ સૌથી વધુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.
દુનિયાભરમાં ફ્લોરેન્સના જન્મદિવસે જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે છે.
ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ જાન્યુઆરી 1974માં યુએસમાં પાસ થયો હતો.
નર્સની સાથેસાથે તેઓ સામાજિક સુધારક હતાં. તેઓએ નર્સોની ભૂમિકા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને લોકો સુધી પહોંચાડી.
2023ની થીમ - આપણી નર્સો. આપણું ભવિષ્ય.
ઇન્ટરનેશનલ કાઇન્સિંલ ઑફ નર્સ (ICN) 1965થી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઊજવે છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ છે- "આપણી નર્સો. આપણું ભવિષ્ય." આ નર્સો અને લોકોને આંતરાષ્ટ્રીય દિવસ ઉજવવા માટે પ્રોત્સાહિત કરશે.
ભારત સરકારના પરિવાર અને કલ્યાણ મંત્રાલય દ્વારા પણ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર આપવામાં આવે છે.
ગુજરાતી કવિતામાં ફ્લોરેન્સ
અંતમાં ફ્લોરેન્સ નાઇટિંગલ પર ગુજરાતના જાણીતા કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીએ લખેલી કવિતા ‘ફ્લોરેન્સ નાઇટિંગલને’ વાંચો..
ફ્લોરેન્સ તારા આંગણામાં
ઓર્કિડના છોડ ઉપર
રોજ સવારે ઊગે છે દર્દીનું સ્મિત.
એક ડાળી કલમ કરીને ચોંટાડી દે ક્યાંક મારામાં
પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઓર્કિડ થવું છે.
ટ્રેનમાં ફ્લોરેન્સ યાદ છે તને?
ફાટેલી ચડ્ડી, પગમાં છાલાં, આરસનાં બે ટપટપિયાં લઈ હું રોતો'તો સૂરમાં ને પાંચિયું પાવલી તાલ દેતાં'તા
સૂરમાં મારા સૂર તો ખાલી તેં જ પૂરેલો 'વાહ' કહીને
તેં જ તો મારી ભૂખને ભીનું ગીત આપેલું
યાદ છે તને?
યાદ નથી કંઈ?
સાંજનું વાળુ સ્ટેશન પર આંગળી ઝાલીને તેં જ ઉતાર્યો
યાદ છે તને?
યાદ નથી કંઈ?
શિયાળાની વચલી સાંજે મારી પાસે હું જ વધેલો
ત્યારે તું જ આવીને, સહેજ નમીને, કંઈક ઓઢાડી ગઈ'તી
સાંજ પડ્યાનું સાવ ખાલીખમ ટૂંટિયું ખોલી ગઈ'તી
યાદ છે તને?
યાદ નથી કંઈ?
કાલે છે ને ટ્રેનમાં ફ્લોરેન્સ હું તારી પેલી સીટમાં બેઠો,
કોઈ રોતું'તું સૂરમાં, એના સૂરમાં મેં બી સૂર મિલાયો
સાંજના વાળુ સ્ટેશન પર પર આંગળી ઝાલીને મેં જ ઉતાર્યો
પાછા વળતાં સ્ટેશન પર સાવ ખૂણાના બાંકડા પાસે અટકી તારું ઓઢણું બોલ્યું,
ને મેંય કોઈનું ટૂંટિયું ખોલ્યું
તેં જ આપ્યું આ ઓઢણું મને
ટૂંટિયું ખોલતાં તેં જ શિખવાડ્યું
એક ચીજ હજુ આપ તું ફ્લોરેન્સ
એક ચીજ હજુ જોઈએ મારે,
આપ તારું આ 'યાદ નથી કંઈ'
કેટલાં ફૂલો ઊગ્યાં એનાં ગણિત ભૂલતાં શીખવ
એક ડાળી
ખાલી એક ડાળી તું કલમ કરી ચોંટાડી દે ક્યાંક મારામાં,
પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઓર્કિડ થવું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો