અમદાવાદમાં હિટ ઍન્ડ રન : કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચડી જતાં બે લોકોનાં મોત, ખરેખર શું બન્યું હતું?
અમદાવાદ પોલીસ અનુસાર સોમવારે રાતે નિકોલ વિસ્તારમાં એક કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચઢી જતા ફૂટપાથ પર રહેતા બે લોકોનાં મોત થયાં છે અને બે લોકોને ઈજા થઈ છે.
મોડી રાતે એક ફૉર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી. પોલીસે કારના ડ્રાઇવરને પકડી લીધો છે.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હોવાનું જોવા મળે છે.
ઘટનામાં એક મહિલા અને તેમના પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના દેવસ્ય ઇન્ટરનૅશનલ સ્કૂલ નજીક બની છે. સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે સામાન્ય પરિવારના લોકો અહીં પાથરણાં કરીને વિવિધ ચીજવસ્તુઓ વેચતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
એક નાનો છોકરો અને એનાં માતા ફૂટપાથ પર બેઠાં હતાં, ત્યાં સીધી ગાડી ચડી ગઈ હતી. એ લોકો ગાડીની નીચે દબાઈ ગયાં હતાં, પછી લોકોએ ભેગા મળીને તેમને બહાર કાઢ્યાં હતાં.
અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ મુજબ વિરલ ચૌધરી નામના આરોપીને પકડવામાં આવ્યો છે જેની કારમાંથી બિયર કૅનના છ નંગ મળી આવ્યા છે અને તેની સામે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



