તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
હૂતી બળવાખોરોનો દાવો : સનામાં સાઉદી અરેબિયાના હવાઈ હુમલામાં 11 લોકોનાં મોત - ન્યૂઝ અપડેટ
હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે, શનિવારે યમનની રાજધાની સના પર સાઉદી અરેબિયા દ્વારા કરાયેલા હવાઈ હુમલાઓમાં 11 લોકોનાં મોત થયાં છે.
હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળની ટીવી ચૅનલ અલ-મસીરાએ અહેવાલ આપ્યો છે કે, સાઉદી અરેબિયાએ સના પર અનેક હવાઈ હુમલાઓ કર્યા હતા.
ચૅનલના જણાવ્યા મુજબ, એક રહેણાક મકાનો પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં હતાં અને અનેક અન્ય લોકો ઘાયલ થયા હતા.
અહેવાલ અનુસાર, સનાની એક સિમેન્ટ ફૅક્ટરીના કામદારો માટેના રહેણાક મકાન પર પણ અલગથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં છ મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું, જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા.
આ પહેલાં, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને જણાવ્યું હતું કે, તેણે પોતાનાં શહેરોને નિશાન બનાવીને છોડવામાં આવેલી બે મિસાઇલને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી હતી.
વર્ષ 2022માં થયેલા યુદ્ધવિરામ પછી યમનનું ગૃહયુદ્ધ મોટા ભાગે શાંત પડ્યું હતું. જોકે, મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સંકટની પૃષ્ઠભૂમિમાં જુલાઈ મહિનાથી આ સંઘર્ષ ફરી એકવાર ઉગ્ર બન્યો છે.
ટ્રમ્પે ફરી હુમલાની ચેતવણી આપી, જવાબમાં ઈરાને શું કહ્યું?
ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી વધુ એક હુમલાની ચેતવણીનો જવાબ આપ્યો છે.
શુક્રવારે અમેરિકાના ફ્લૉરિડામાં બોલતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન વિરુદ્ધ ફરી એક નાનું 'ઍપિક ફ્યુરી' સૈન્ય અભિયાન ચલાવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ ઈરાન વિરુદ્ધના પોતાના અગાઉના સૈન્ય અભિયાનને 'ઍપિક ફ્યુરી' નામ આપ્યું હતું. જોકે, ટ્રમ્પની આ ચેતવણી સામે ઈરાને પણ કડક પ્રતિક્રિયા આપી છે.
બીબીસીની ફારસી સેવા અનુસાર, ઈરાની સેનાના ચીફ ઑફ સ્ટાફ અલી અબ્દુલ્લાહીએ જણાવ્યું છે કે. અમેરિકન જહાજોને ફરીથી 'ફારસની ખાડી (પર્શિયન ગલ્ફ)'માં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અબ્દુલ્લાહીએ કહ્યું, "અમેરિકન રાષ્ટ્રપતિ એ સપનું ચોક્કસ જોઈ શકે છે કે, તેમની સેના ફરી એક વખત ફારસની ખાડીમાં પ્રવેશ કરશે, પરંતુ તેઓ આ સપનું પોતાની સાથે કબરમાં લઈને જશે."
તેમણે વધુમાં જણાવ્યું, "અમે કોઈપણ પરિસ્થિતિમાં અમેરિકન સૈન્યનાં જહાજોને ફારસની ખાડીમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં આપીએ."
ગઈકાલે ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) નેવીના કમાન્ડરે દાવો કર્યો હતો કે અમેરિકન દળો હવે 'હોર્મુઝ સામુદ્રધુની (સ્ટ્રેટ ઑફ હોર્મુઝ)'થી 600 થી 700 કિલોમીટર દૂર ખસી ગયા છે.
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આરોપ મૂક્યો છે કે, તે હોર્મુઝ જળમાર્ગમાં બારૂદી સુરંગોના વિસ્ફોટો અને જહાજો પરના હુમલાઓ અંગે ખોટા અહેવાલો ફેલાવીને અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીઓ પહેલાં ઑઇલના ભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે, હોર્મુઝ જળમાર્ગમાંથી હાલમાં યુદ્ધ પહેલાંની સરખામણીએ વધુ પ્રમાણમાં ઑઇલનું પરિવહન થઈ રહ્યું છે. તેમના અનુસાર, આ જ કારણસર ઈરાન ઑઇલના ભાવ વધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
ટાઇગર શ્રૉફ પર હુમલાના કેસમાં વધુ એક આરોપીની ઇન્દોરમાંથી ધરપકડ
બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રૉફ પર થયેલા હુમલાના કેસમાં ઇન્દોરમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલાં આ કેસમાં રાજસ્થાનના કોટામાંથી ત્રણ અને દિલ્હીમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્દોરના ઍડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ જણાવ્યું હતું, "હુમલાની તપાસ દરમિયાન ઇન્દોર સાથેનો સંબંધ સામે આવ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઇન્દોરના પરદેશીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 22 વર્ષીય પ્રાંજલ ઠાકરાણ નામના શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો."
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાંજલ ઠાકરાણ મૂળ સોનીપતનો રહેવાસી છે. તે પોતાના ભાઈની સારવાર માટે પાંચ દિવસ પહેલાં ઇન્દોર આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પોલીસની આઠ સભ્યોની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. તેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના બે અને ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના છ સભ્યો સામેલ હતા.
બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું
પાંચ ટી20 મૅચોની શ્રેણીની બીજી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
ભારતે 6 વિકેટના નુકસાન પર 19.5 ઓવરમાં 181 રન બનાવીને મૅચ પોતાના નામે કરી લીધી.
ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટી20 મૅચમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલૅન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 43 બૉલમાં 77 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે બેવન જૅકબ્સે 46 બૉલમાં 58 રન બનાવ્યા હતા.
ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. તેમણે 26 બૉલનો સામનો કર્યો હતો. જ્યારે નમન ધીરે 17 બૉલમાં 31 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ન્યૂઝીલૅન્ડ તરફથી મિચેલ સૅન્ટનરે 4 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનમાં એલપીજીના ભાવમાં ભારે વધારો, સિલિન્ડરની કિંમત સાત હજાર રૂપિયાથી વધુ
પાકિસ્તાનમાં રસોઈ ગૅસ એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)ની કિંમતોમાં ભારે વધારો થયો છે.
બીબીસી ઉર્દૂના જણાવ્યા મુજબ, દેશના અનેક વિસ્તારોમાં એલપીજીની કિંમત પ્રતિ કિલોગ્રામ 600 રૂપિયાથી વધુ પહોંચી ગઈ છે. જ્યારે 11.67 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત વધીને લગભગ 7,000 રૂપિયા થઈ ગઈ છે, જે ગયા અઠવાડિયે લગભગ 4,500 રૂપિયા હતી.
પાકિસ્તાનના ફેડરલ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સે પણ મોંઘવારીના આંકડાઓમાં એલપીજીની કિંમતોમાં થયેલા તેજ વધારાની પુષ્ટિ કરી છે.
બ્યૂરોના જણાવ્યા મુજબ, આ અઠવાડિયાના અંત સુધીમાં એલપીજીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ 22.50 ટકા વધારો નોંધાયો છે.
જ્યારે ગયા વર્ષના ઑક્ટોબરના આ જ અઠવાડિયાની તુલનામાં કિંમતોમાં 107 ટકા સુધીનો વધારો થયો છે.
પાકિસ્તાનની ઑઇલ અને ગૅસ ક્ષેત્રની નિયામક સંસ્થા "ઑઇલ ઍન્ડ ગૅસ રેગ્યુલેટરી ઑથોરિટી (ઓજીઆરએ)"એ ઑક્ટોબર મહિના માટે એલપીજીનો સત્તાવાર ભાવ 279 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નક્કી કર્યો છે.
જોકે, ફેડરલ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સના આંકડાઓ અનુસાર, દેશના વિવિધ વિસ્તારોમાં એલપીજી 550થી 610 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે વેચાઈ રહ્યો છે.
ભારતે ન્યૂઝીલૅન્ડ સામે ટૉસ જીત્યો, કૅપ્ટને વૈભવ સૂર્યવંશી વિશે શું કહ્યું
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે શનિવારે બીજો ટી-20 મુકાબલો રમાઈ રહ્યો છે. ભારતીય કૅપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ટીમે બીજા ટી-20 મુકાબલા માટે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સામેલ કર્યા છે. કૅપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ દરમિયાન આ માહિતી આપી હતી.
જોકે, આ પહેલાં રમાયેલા મુકાબલામાં સૂર્યવંશીને તક આપવામાં આવી નહોતી.
બંને ટીમોની પ્લેઇંગ-11
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કૅપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ
ન્યૂઝીલૅન્ડ: ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, મેટ હેનરી, જેકબ ડફી અને લોકી ફર્ગ્યુસન.
કૉંગ્રેસે કહ્યું - 1 નવેમ્બરે દેશની સૌથી મોટી રેલી યોજાશે
કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશની સૌથી મોટી રેલી યોજાવાની છે.
વેણુગોપાલે શનિવારે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રેલી ચૂંટણીપંચની કથિત ગડબડીઓના વિરોધમાં યોજવામાં આવશે.
તેમણે કહ્યું હતું, "1 નવેમ્બરે ભારતની સૌથી મોટી રેલીઓમાંની એક યોજાવાની છે. તેનું આયોજન રામલીલા મેદાનમાં કરવામાં આવશે અને તેની સાથે એક માર્ચ પણ કાઢવામાં આવશે."
વેણુગોપાલે કહ્યું હતું, "મોદી અને અમિત શાહ, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારના પદનો દુરુપયોગ કરીને, ચૂંટણી સંબંધિત મામલાઓમાં ગડબડીઓ કરી રહ્યા છે. હવે કૅબિનેટ સચિવની નોંધથી પણ આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે."
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલે શુક્રવારે અહીં કૉંગ્રેસ મુખ્યાલયમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના પક્ષના નેતાઓ સાથે બેઠક પણ કરી હતી.
આ દરમિયાન રામલીલા મેદાનમાં યોજાનારી રેલીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર સમયે સામૂહિક ગોળીબાર, સાતનાં મોત
જૉર્ડનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે એક ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે.
શુક્રવારે કારાક પ્રાંતના હમૂદ વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં હથિયારધારી હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા હતા.
અજાણ્યા હુમલાખોરો કારમાં આવ્યા હતા, ચર્ચમાં ઘૂસ્યા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.
ગૃહમંત્રી માઝેન અલ-ફરાયાએ હુમલાખોરોને "ચરમપંથીઓનું એક જૂથ" ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અધિકારી તેમને પકડવાના પ્રયાસો કરી રહ્યા છે.
જૉર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયે કહ્યું હતું કે અધિકારીઓ "કારાકને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આતંકવાદી કૃત્ય સામે સખત કાર્યવાહી કરશે."
શરૂઆતના અહેવાલોમાં હુમલામાં સાત લોકોનાં મોત થયાંનું જણાવાયું હતું. જોકે, બાદમાં એક સરકારી પ્રવક્તાએ છ લોકોનાં મોતની માહિતી આપી હતી. ત્યાર બાદ સત્તાવાળાઓએ મૃત્યુઆંક સાત હોવાનું જણાવ્યું હતું.
બીબીસી દ્વારા ચકાસવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં ત્રણ બંદૂકધારીને રસ્તા પરથી ચર્ચ તરફ જતાં જોઈ શકાય છે.
વીડિયોમાં બે હુમલાખોર ચર્ચના પ્રવેશદ્વાર તરફ આગળ વધતા જોવા મળે છે. ત્યાર બાદ તેઓ થોડા સમય માટે પાછળ ખસી જાય છે અને પછી ત્રીજી વ્યક્તિ સાથે પાછી આવે છે.
ત્રણેય લોકો પાસે બંદૂકો જોવા મળે છે.
હુમલા બાદના અન્ય વીડિયોમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે. ઘટનાસ્થળે અનેક લોકો મૃત અથવા ઘાયલ હાલતમાં જમીન પર પડેલા દેખાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી, 'અમેરિકા ફરી હુમલો કરી શકે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું છે કે અમેરિકા ફરી એક વાર 'ઍપિક ફ્યૂરી' જેવા સૈન્ય અભિયાન ચલાવી શકે છે.
જોકે, તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી પણ થઈ શકે છે.
ફ્લોરિડામાં શુક્રવારે યોજાયેલી એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું, "અમે ફરી એક નાનું 'ઍપિક ફ્યૂરી' જેવું અભિયાન ચલાવી શકીએ છીએ અથવા તો તેઓ સમજૂતી કરી શકે છે."
ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન સમજદારી દાખવે તો તેણે ગંભીર સ્તરની વાટાઘાટ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ઈરાન આવું કરશે કે નહીં તે અંગે તેમને શંકા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે હાલમાં ઈરાનની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી નબળી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
શુક્રવારે અગાઉ પણ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત કરી શકે છે.
જોકે, તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે અમેરિકાએ યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે પછી સંઘર્ષને ધીમે ધીમે શાંત થવા દેવો જોઈએ.
બિહાર : ઘરમાં ફટાકડા બનાવતી વખતે ભીષણ વિસ્ફોટ, પાંચ લોકોનાં મોત
બિહારના સીવાન જિલ્લાના આલમપુર ગામમાં ફટાકડા બનાવતી વખતે એક ઘરમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
સીવાનના એસપી ભારત સોનીના જણાવ્યા અનુસાર, મેડિકલ ટીમના મૂલ્યાંકન બાદ સિવિલ સર્જને ઘટનાસ્થળેથી પાંચ મૃતદેહો મળ્યાની પુષ્ટિ કરી છે.
માહિતી મુજબ, ઘટના સમયે ઘરમાં સાતથી આઠ લોકો હાજર હતા. તેમાંથી પાંચ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે બેથી ત્રણ લોકો ઘટના સમયે ઘરની બહાર હોવાની માહિતી મળી છે. પોલીસ હાલ તેમની શોધખોળમાં લાગી છે.
સીવાનના એસપી ભારત સોનીએ જણાવ્યું હતું કે, "ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવી નખાઈ છે અને સમગ્ર ઘરની તપાસ ચાલુ છે. બૉમ્બ શોધી તેને નિષ્ક્રિય કરનારી ટીમ પણ સ્થળ પર હાજર છે. વિસ્તારની તપાસ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે એફઆઇઆર નોંધવાની કાર્યવાહી કરી રહ્યા છીએ અને તપાસ બાદ ઘટનાનું સાચું કારણ સામે આવશે."
તેમણે વધુમાં કહ્યું કે, "સિવિલ સર્જનની ટીમને શંકા છે કે કાટમાળ નીચે વધુ એક મૃતદેહ પણ હોઈ શકે છે."
ઘટનામાં બેદરકારી દાખવવાના આરોપસર જામો બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી તથા સ્થાનિક ચોકીદાર ચંદ્રિકા માંઝીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે એફઆઇઆર પણ નોંધાવી છે.
ઘટનાનાં સાચાં કારણો જાણવા માટે વિશેષ પોલીસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન