તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
'અમે ખેડૂત છીએ, ભિખારી નહીં', રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતો શું બોલ્યા?
ગુજરાતમાં ઓછા વરસાદ પછી ચાર જિલ્લામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી છે. આ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે આ જાહેરાત કરી હતી.
આ જાહેરાત પ્રમાણે ઉપરોક્ત ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
જોકે, રાજકોટ જિલ્લાનો સમાવેશ આ યાદીમાં ન થતાં આ પંથકના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.
તેઓ શું માંગ કરી રહ્યા છે જાણીએ આ અહેવાલમાં
"ચાર જિલ્લા સરકારના લાડકા નથી, આ નિર્ણય બિલકુલ બરાબર નથી"
જસદણના ખેડૂત ગોરધનભાઈ મકવાણા બીબીસી ગુજરાતીને જણાવે છે કે દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ જેવા જિલ્લાઓમાં વરસાદ નથી તેમ અમારા જિલ્લામાં પણ વરસાદ નથી.
"અમુક જ વિસ્તારમાં પડ્યો હશે વરસાદ અમારા જસદણ વિસ્તારમાં વરસાદ જ નથી. અમારા ગામમાં આજની તારીખે પણ તળાવમાં એક ટીપું પાણી નથી.
"સરકાર અમને આજથી અગિયાર વર્ષ અગાઉથી માત્ર વાયદા જ કરે છે કે અમે તમને નર્મદાનું પાણી આપશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચાર જિલ્લા સરકારના લાડકા નથી, આ નિર્ણય બિલકુલ બરાબર નથી."
"અમારા રાજકોટમાં વરસાદ નથી તેથી રાજકોટમાં પણ દુષ્કાળ જાહેર કરવો જોઈએ."
"બીજી તરફ 8500ની સહાયથી ખેડૂતોના જીવનમાં કોઈ મોટી રાહત થાય એમ નથી તેમજ સરકારે જો ખરેખર સહાય આપવી જ હોય તો 25 હજાર પ્રતિ હેક્ટરે આપવા જોઈએ."
"તો જ ખેડૂતનું જે ખાતર અને બિયારણ નાખે છે ફક્ત તેની ભરપાઈ થાય. બાકી આમાં પણ અમારું પેટ તો ન જ ભરી શકે."
સુરેન્દ્રનગરના ખેડૂત રમેશભાઈ બીબીસીને જણાવે છે કે 8500માં તો ખાતર પણ ન આવે. તેવામાં આટલી સહાય યોગ્ય નથી.
"પ્રતિ હેક્ટર 25 હજાર 500ની સહાય તો મળવી જ જોઈએ"
રાજકોટના રાજાવડલાના ખેડૂત લાલજીભાઈ ઝાલા બીબીસી ગુજરાતીને જણાવે છે કે અત્યારે ખેતીમાં ખર્ચો ખૂબ વધારે છે એક ટ્રેક્ટર એક કલાક ચાલે છે તો પણ એક હજાર રૂપિયા લે છે.
"સરકારની આ સહાયમાં ખાતર અને બિયારણનો ખર્ચ પણ ન નીકળી શકે."
"એક હેક્ટરે એકવારમાં ખર્ચો આઠ હજાર પાંચસો કરતાં તો ઘણો વધારે થાય છે."
ગોરધનભાઈ મકવાણા કહે છે, "ખેડૂતને જો સરકારે ખરેખરમાં સહાય આપવી જ હોય તો 25 હજાર 500 પ્રતિ હેક્ટરે આપવા જોઈએ તો જ યોગ્ય સહાય કરી ગણાય"
તેમણે કહે છે કે "આવી નજીવી સહાય, આઠ હજાર પાંચસો અમારે જરૂર નથી. અમે ખેડૂતો છીએ ભિખારી નથી."
વાકવાડના ખેડૂત રમેશભાઈ કહે છે અમારા રાજકોટમાં જ દુષ્કાળ જેવી સ્થિતિ છે.
તેમણે જણાવે છે કે "મેં 15 વીઘાનું સોયાબીન વાવ્યું હતું. એમાં મારે માત્ર આઠ મણ પાક ઉતર્યો છે."
"આખા જિલ્લામાં પાણી નથી અને વરસાદ પણ ન પડ્યો, કફોળી સ્થિતિ છે પરંતુ જીવન હવે આમ જ કાઢવું પડશે."
શું છે રાજકોટના ખેડૂતોની માંગણી?
ગોરધનભાઈ મકવાણા બીબીસી ગુજરાતીને કહે છે, મારી સરકાર પાસે એક જ માંગણી છે કે "આ વિસ્તારને સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને કાયમની માટે પૂરતો ચારો પણ આપે"
"અમે કાયમ આ સરકાર ભેગા રહ્યા છીએ, અમે ઘણા નેતાઓને અહીંથી ચૂંટીને મોકલ્યા છે."
તેમણે કહે છે કે અમે સરકારના વિરોધી નથી. પરંતુ આવા કટોકટી સમયમાં સરકારે ખરેખર આ વિસ્તારના ખેડૂતની સાથે રહેવું જોઈએ અને આગામી સમયની અંદર જો સરકાર અમારી ભેગી નહીં રહે તો અમે સરકાર ભેગા નહીં રહીએ.
સરકારે શું જાહેરાત કરી?
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવા ઉદારતમ નિર્ણય કર્યો છે."
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાત સરકારે કહ્યું હતું કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
સરકારે જાહેરાત કરી હતી કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યાર બાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ પહેલી નવેમ્બરથી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ."
નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે કુલ 89.19 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ કેટલાક જિલ્લામાં વરસાદની ભારે ઘટ છે.
દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે માત્ર 16.45 ટકા, પોરબંદરમાં માત્ર 30.85 ટકા, જામનગરમાં માત્ર 43.25 ટકા અને કચ્છ જિલ્લામાં માત્ર 57.6 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતના માત્ર નવ જિલ્લામાં જ 100 ટકા કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે.
જે જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો એ સિવાયના જિલ્લામાં પણ ઘણો ઓછો વરસાદ વરસેલો છે.
અરવલ્લીમાં 62.89 ટકા, સાબરકાંઠામાં 61.12 ટકા, બનાસકાંઠામાં 63.83 ટકા, રાજકોટમાં 61.85 ટકા તથા દાહોદમાં 63.95 ટકા, ગીર-સોમનાથમાં 63.1 ટકા અને જૂનાગઢમાં 67.94 ટકા જ વરસાદ વરસ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન