ગીર : સિંહણે હરણના બચ્ચાને પકડ્યું, પણ શિકાર ન કર્યો, કૅમેરામાં કેદ થયાં દૃશ્યો, અંતે બચ્ચાનું શું થયું?

ઇમેજ સ્રોત, Mihir Patel
પ્રાણીઓની દુનિયા માત્ર 'સુંદર' જ નહીં, પરંતુ એટલી જ 'રહસ્યમય' પણ ખરી, આ વાતની સાબિતી પૂરે તેવી ઘટના સાસણગીરમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવામાં વ્યસ્ત મિહિર પટેલના કૅમેરામાં ગત મંગળવારે કેદ થઈ ગઈ હતી.
મિહિર પટેલ આને એક 'દુર્લભ દૃશ્ય' ગણાવે છે અને કહે છે કે તેઓ સાત-આઠ વર્ષથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરે છે, પરંતુ તેમણે પહેલાં ક્યારેય આવું દૃશ્ય પોતાની આંખે જોયું નથી.
આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું, જેનો સિંહણ શિકાર નથી કરતી અને 'બચ્ચાને બચાવી લે છે.'
શિકારી પ્રાણીની પ્રકૃતિથી વિપરીત આ દૃશ્ય જોઈને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલ 'આશ્ચર્યચકિત' થઈ ગયા હતા.
તેઓ કહે છે કે આ દૃશ્ય જોઈને તેમને લાગ્યું હતું કે, કદાચ 'સિંહણનું માતૃત્વ જાગૃત થઈ ગયું હશે, તેથી તેણે આ બચ્ચાનો શિકાર ન કર્યો અને તેને બીજા સિંહોથી પણ બચાવ્યું.'
એ દિવસે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Mihir Patel
બાયૉમેડિકલ એન્જિનિયર મિહિર પટેલ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના શોખીન છે.
તેઓ કહે છે, "વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે વર્ષમાં ત્રણ-ચાર વખત સાસણગીર અને ગુજરાતનાં અન્ય વન્ય અભયારણ્યો પણ મુલાકાત લઉં છું."
"હું ગત 27 ઑક્ટોબરના રોજ સાસણગીરની સફારી પર ગયો હતો. એ સફારીમાં મારો રૂટ નંબર 13 હતો. એ દરમિયાન હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતો અને અચાનક મારી નજર એક સિંહણ પર પડી, જે જંગલમાંથી બહાર નીકળી રહી હતી અને તેના મોંમાં એક બચ્ચું દેખાયું. પહેલાં તો મને એવું લાગ્યું કે આ સિંહણ કદાચ પોતાનું બચ્ચું લઈને આવી રહી છે, પણ પછી મેં કૅમેરામાંથી ઝૂમ કરીને જોયું તો ખબર પડી કે તેના મોંમાં હરણનું બચ્ચું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Mihir Patel
"એ સિંહણે એનો શિકાર નહોતો કર્યો, એ બચ્ચું જીવિત હતું. એ બચ્ચું આંખો પણ પટપટાવી રહ્યું હતું અને અવાજ પણ કરી રહ્યું હતું. એ દૃશ્ય જોઈને હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયેલો."
તેઓ આગળ કહે છે, "આ દરમિયાન આ સિંહણ સતત મારી તરફ આવી રહી હતી, ત્યારે તેની સાથે બીજો પણ એક સિંહ હતો. એ સિંહણ તેનાથી પણ આ બચ્ચાને દૂર રાખી રહી હતી. એ તેના તરફ જઈ પણ નહોતી રહી. "
"મેં બીજી એક એ વસ્તુ પણ જોઈ કે સિંહણ સાથે એક આખો સિંહ પરિવાર હતો, જેમાં ચાર મોટી સિંહણો અને તેના છ-સાત માસનાં બચ્ચાં પણ હતાં, પણ હરણનું બચ્ચું જે સિંહણના મોંમાં હતું એ આ આખા સમૂહથી અલગ ચાલી રહી હતી. સમૂહના બીજાં સિંહ-સિંહણો વૉટર બૉડીમાં પાણી પીવા પણ ગયાં, પરંતુ આ સિંહણ તેમની સાથે ન જોડાઈ ને બચ્ચાને આખા ઝૂંડથી અલગ એક સલામત જગ્યા પર લઈ જતી દેખાઈ."

ઇમેજ સ્રોત, Mihir Patel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"સિંહણને ક્યાંક એવું લાગ્યું હતું કે હું જો ક્યાંક આ બચ્ચાને વચ્ચે ક્યાંય મૂકી દઈશ તો અન્ય સિંહણો કે તેનાં બચ્ચાં આ હરણના બચ્ચાનો શિકાર કરી દેશે. તેથી તે આ બચ્ચાને લઈને આખા ઝૂંડથી અલગ જ ચાલી રહી હતી. આ સિંહણ હરણના બચ્ચાને લઈને જંગલની અંદર એક સલામત જગ્યાએ જતી રહી. એ દરમિયાન મેં જોયું કે સિંહણ બચ્ચાને લઈને જંગલમાં બેસી ગઈ. આ દરમિયાન સિંહણ બચ્ચાને લઈને જંગલમાં બેસેલી દેખાઈ હતી. જોકે, બાદમાં તે ગાઢ જંગલમાં જતી રહી હતી, જેથી તે મારા કૅમેરાના વિઝનમાં પણ એ દૃશ્ય કૅપ્ચર નહોતું થયું. પણ એણે બચ્ચાને બચાવી લીધું હતું, તેણે બચ્ચાનો શિકાર નહોતો કર્યો."
"સામાન્ય રીતે માંસાહારી પ્રાણી પોતાના શિકારને પોતાના જડબાથી ખૂબ મજબૂતીથી પકડતા હોય છે, પરંતુ આ દૃશ્ય જોઈને મને એવું ન લાગ્યું કે, આ સિંહણને હરણના બચ્ચાનો શિકાર કરવો છે. કેમકે, તેણે હરણના આ બચ્ચાને ખૂબ જ નજાકતથી પકડેલું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન સિંહણે આ બચ્ચાને એકાદ સેકન્ડ માટે જમીન પર પણ મૂકેલું,પરંતુ બાદમાં તેણે તેને ફરીથી યોગ્ય રીતે પકડ્યું અને જંગલમાં જવા લાગી હતી."
તેઓ પોતાના અનુભવ અને આ દૃશ્ય કેટલું દુર્લભ હતું એ અંગે વાત કરતાં કહે છે, "પાછલાં સાત-આઠ વર્ષથી હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું, પરંતુ મેં ક્યારેય આવું દૃશ્ય પહેલાં નથી જોયું. આ દૃશ્ય જોઈને મને ક્યાંક એવું લાગ્યું કે કદાચ સિંહણના મનમાં માતૃત્વ જાગ્યું હશે. જેથી તેણે હરણના બચ્ચાનો શિકાર ન કર્યો અને તેને જંગલમાં એક સલામત જગ્યાએ લઈ ગઈ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















