અમેરિકાના પહેલા મુસ્લિમ સેનેટર બની શકે તે ડૉ. અબ્દુલ અલ-સૈયદ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફર્નાન્ડો દુઆર્તે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદે રિપબ્લિકન ઉમેદવાર માઇક રૉજર્સને હરાવ્યા છે.
ઍસોસિયેટેડ પ્રેસે દાવો કર્યો છે કે અબ્દુલ અલ-સૈયદે ચૂંટણી જીતી લીધી છે અને તેમણે પોતે પણ જીતનો દાવો કર્યો છે.
2026ની મિડટર્મ ચૂંટણીમાં સૌથી ખર્ચાળ અને ધ્રુવીકરણવાળી ચૂંટણીમાંની એક ચૂંટણી હતી. અબ્દુલ અલ-સૈયદની જીત દેશભરના પ્રગતિશીલ વિચારધારા ધરાવતા નેતાઓને મોટું પ્રોત્સાહન આપી શકે છે.
વ્યવસાયે ડૉક્ટર એવા અલ-સૈયદ અમેરિકાના પ્રથમ મુસ્લિમ સેનેટર બનશે.
તેમની જીતથી ડેમૉક્રેટિક પાર્ટી મિશિગનની સેનેટ બેઠક જાળવી રાખશે અને તેનાથી સેનેટમાં પાર્ટીની સરસાઈ વધુ મજબૂત થશે.
ડૉ. અલ-સૈયદે આ પહેલાં ક્યારેય રાજકીય પદ સંભાળ્યું નથી. ચૂંટણીપ્રચારના અંતિમ દિવસોમાં સ્થિતિ વધારે તંગ બની ગઈ હતી કારણ કે તેમના ડેમૉક્રેટિક પક્ષના સહયોગીને તેમણે પાર્ટીના નૉમિનેશન દરમિયાન પાતળી સરસાઈએ હરાવ્યા હતા અને તેમણે રિપબ્લિકન ઉમેદવાર માઇક રૉજર્સને ટેકો આપવાની જાહેરાત કરી દીધી હતી.
વ્યવસાયે ડૉક્ટર ડૉ. અબ્દુલ અલ-સૈયદ કેવી રીતે રાજનીતિમાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અલ-સૈયદે ગત 1 નવેમ્બરના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક કરોડ લોકોનું રાજ્ય છે જે પોતાની સરકાર પાસેથી વધુ સારી સારવાર મેળવવાને પાત્ર છે. મારું ધ્યાન એ 9,999,998 લોકો પર વધુ છે જેમની તમે વાત નથી કરી રહ્યા."
1984માં ડેટ્રૉઇટના સબઅર્બન રોચેસ્ટર હિલ્સમાં જન્મેલા અલ-સૈયદ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તેમનો ઉછેર તેમના પિતા અને સાવકી માતા જેક્લીન જ્હૉન્સને કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે મિશિગન યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કરીને પારંગતતા મેળવી હતી.
2015 માં ડેટ્રૉઇટ આરોગ્ય વિભાગના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક રાષ્ટ્રીય સ્તરે પ્રમુખ સમાચાર બની હતી.
તેના ત્રણ વર્ષ પછી અલ-સૈયદ મિશિગનના ગવર્નરપદ માટે ચૂંટણી લડ્યા. તેઓ ડેમૉક્રેટિક પ્રાઇમરીમાં બીજા સ્થાને રહ્યા પરંતુ ગ્રેચેન વ્હિટમર સામે 20 ટકાથી વધુ મતોથી હારી ગયા. ગ્રેચેને બાદમાં ગવર્નર તરીકે બે ટર્મ સેવા આપી.
વ્હિટમરે 2026 ની સેનેટ પ્રાઇમરીમાં સ્ટીવન્સને સમર્થન આપ્યું હતું, પરંતુ અલ-સૈયદ નૉમિનેશન જીત્યા પછી તેમણે જાહેરમાં અલ-સૈયદના અભિયાનને સમર્થન આપ્યું છે.
બરાક ઓબામા સહિત અનેક ઉદારવાદી નેતાઓનો ટેકો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલ-સૈયદને સેનેટર બર્ની સેન્ડર્સ અને કૉંગ્રેસવુમન એલેક્ઝાન્ડ્રિયા ઑકાસિયો-કૉર્ટેઝ જેવા પ્રગતિશીલ નેતાઓનો ટેકો છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સહિત ઘણા ઉદારવાદી ડેમૉક્રેટ્સે પણ તેમના અભિયાનને સમર્થન આપ્યું હતું.
અમેરિકાની સેનેટ પર નિયંત્રણ મેળવવાની ડેમૉક્રેટિક પાર્ટીની યોજનાઓ માટે મિશિગનમાં વિજય મહત્ત્વપૂર્ણ છે.
અલ-સૈયદે ડાબેરી પ્લૅટફૉર્મ પર ચૂંટણીપ્રચાર કર્યો હતો જેમાં ઇઝરાયલને અમેરિકાની લશ્કરી સહાયની ટીકા અને જાહેર આરોગ્યસંભાળને ભંડોળ પૂરું પાડવા માટે અબજોપતિઓ પર કર લાદવાની હાકલનો સમાવેશ થતો હતો.
અલ-સૈયદે ગુરુવાર, 29 ઑક્ટોબરના રોજ એક ચૂંટણી રેલીમાં સમર્થકોને કહ્યું હતું કે, "કર ચૂકવવો અને એ જાણવું એટલું મુશ્કેલ ન હોવું જોઈએ કે પૈસા તમારા અને તમારાં બાળકો પર ખર્ચવામાં આવશે, નહીં કે બીજા કોઈનાં બાળકો પર બૉમ્બથી હુમલો કરવો."
તેમણે 7 ઑક્ટોબર, 2023 ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલાઓ પછી ગાઝામાં ઇઝરાયલના અભિયાનને જનસંહાર પણ ગણાવ્યું છે, જેના આરોપો ઇઝરાયલ નકારતું રહ્યું છે.
સૈયદે કહ્યું છે કે ઇઝરાયલ તેના કબજા હેઠળના વૅસ્ટ બૅન્કમાં રંગભેદ કરી રહ્યું છે.
42 વર્ષીય અલ-સૈયદ ઘણીવાર કહે છે કે તેઓ અમેરિકન ટૅક્સનો ઉપયોગ "કોઈના પર બૉમ્બ ફેંકવા માટે બીજાને મોકલવાને બદલે શાળાઓ બનાવવા અને નવી તકોના નિર્માણ માટે' કરવા માગે છે.
ટ્રમ્પે 'આતંકવાદીઓ સાથે સંબંધો ધરાવવાનો' આકરો આરોપ મૂક્યો હતો
અલ-સૈયદે બુધવાર, 28 ઑક્ટોબરના રોજ કહ્યું હતું કે, "મને નથી લાગતું કે આપણે સામાન્ય રીતે વિદેશી સેનાઓને ભંડોળ પૂરું પાડવું જોઈએ. તેમાં ઇઝરાયલ, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે."
આમ છતાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇજિપ્તીયન ઇમિગ્રન્ટ્સના પુત્ર એવા અલ-સૈયદ પર 'આતંકવાદીઓ સાથે જોડાણ'નો આરોપ મૂક્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે 15 ઑક્ટોબરના રોજ રિપબ્લિકન ઉમેદવાર રૉજર્સને કહ્યું હતું કે, "તમે તે તુચ્છ વ્યક્તિ કરતાં વધુ સારા હકદાર છો જેણે પોતાનું મોં બંધ રાખવું જોઈએ અને જે દેશે તેને બધું આપ્યું છે તે દેશ પ્રત્યે તેણે થોડી કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ."
રિપબ્લિકન પાર્ટીએ અલ-સૈયદ પર ઇજિપ્તના સૌથી મોટા અને સૌથી જૂના ઇસ્લામિક સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે સંબંધો હોવાનો પણ આરોપ મૂક્યો છે.
આ સંગઠને 2011ના આરબ સ્પ્રિંગ બળવા પછી આફ્રિકન દેશમાં થોડા સમય માટે સત્તા સંભાળી હતી.
જોકે અબ્દુલ કોઈપણ જોડાણનો ઇનકાર કરે છે, તેમના હરીફોએ 2012 ના ખુલ્લા પત્ર પર તેમના હસ્તાક્ષરનો ઉલ્લેખ કર્યો છે જેમાં ઇસ્લામિક રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને 'શક્ય તેટલી વહેલી તકે મીડિયા અને પોલીસ સમક્ષ તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા' વિનંતી કરવામાં આવી હતી.
અલ-સૈયદને ડાબેરી સમીક્ષક હસન પીકર સાથેના સંબંધો માટે પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. હસને કહ્યું હતું કે અમેરિકા 9/11ના હુમલાને જ લાયક હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે ઑગસ્ટમાં, અલ-સૈયદે ડેટ્રૉઇટમાં એક સિનાગોગમાં એક આરબ-અમેરિકન દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલા પરની ટિપ્પણીઓ બદલ મિશિગનના યહૂદી સમુદાયની માફી માગી હતી.
જ્યુઇશ ઇન્સાઇડરના મતે તેમની ઉમેદવારીએ મિશિગનમાં યહૂદી મતોનું વિભાજિત કર્યું છે. આ યહૂદી મતદારો ઐતિહાસિક રીતે ડેમૉક્રેટ્સના પક્ષમાં રહ્યા છે.
યહૂદી સમુદાયના નેતાઓને ટાંકીને આ વેબસાઇટે રિપબ્લિકન ઉમેદવારની તરફેણમાં ઝુકાવની આગાહી કરી હતી.
જોકે, ચૂંટણી પ્રચાર દરમિયાન, અલ-સૈયદે અમેરિકાના બંધારણ પ્રત્યેની પોતાની વફાદારી જાહેર કરી હતી અને મતદારોને પોતાની પૃષ્ઠભૂમિ કરતાં નીતિઓના આધારે પોતાનું મૂલ્યાંકન કરવા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "મારું નામ અને મારો ધર્મ એ વાતનું કારણ નથી કે લોકો પેટ્રોલ કે કરિયાણાનો સામાન ખરીદી શકતા નથી, ડૉક્ટર પાસે જઈ શકતા નથી અથવા તેઓ જે હવામાં શ્વાસ લે છે અને જે પાણી પીવે છે તેના વિશે ચિંતિત છે."
"ભલે હું સરેરાશ અમેરિકન કરતા થોડી અલગ રીતે પ્રાર્થના કરું છું, પરંતુ આપણે સૌ એક જ વસ્તુ માટે પ્રાર્થના કરીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















