ભરૂચથી મુંબઈ અને પછી વિદેશ જઈને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું નેટવર્ક: ગુજરાત ATS પકડ્યો તે સલીમ ડોલા કોણ છે?

સલીમ ડોલાની ATSએ ધરપકડ કરી ત્યારબાદની તસ્વીર.
ઇમેજ કૅપ્શન, સલીમ ડોલાની ATSએ ધરપકડ કરી ત્યારબાદની તસ્વીર.

ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે 438 કરોડ રૂપિયાના મેફેડ્રોન કેસમાં કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર સલીમ ડોલાની ધરપકડ કરી છે. ફેન્ટાનિલ, મેન્ડ્રેક્સ અને ચરસ સહિતના ડ્રગ્સના ઘણા કેસોમાં સલીમ ડોલા આરોપી છે.

ગુજરાત એટીએસ અનુસાર સલીમ ઇસ્માઇલ ડોલા સામે ભારતમાં ડ્રગ્સની હેરાફેરીના આશરે એક ડઝન કેસ નોંધાયેલા છે.

સલીમ ડોલાની સામે મની લૉન્ડરિંગની પણ તપાસ ચાલી રહી છે, ત્યારે ગુજરાત ATS હવે તેના નેટવર્ક સંદર્ભે તપાસ કરી રહી છે. ગુજરાત એટીએસે 31 ઑક્ટોબર, 2026ના રોજ ડોલાની ધરપકડ કરી હતી.

જોકે ગુજરાતમાં સલીમ ડોલાનું નામ પ્રથમ વખત ત્યારે બહાર આવ્યું હતું જ્યારે ડિસેમ્બર 2022માં વડોદરા જિલ્લાના સિંધરોટ નજીક આવેલી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરીમાંથી 438.64 કરોડ રૂપિયાની કિંમતનું 87.728 કિલોગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું હતું.

મેફેડ્રોન એક કૃત્રિમ અને અત્યધિક નશીલો પદાર્થ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં, ગુજરાત ATSના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, એસ. એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, "ડોલા સિંધરોટની ફૅક્ટરીમાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતાં કેમિકલ્સ પૂરાં પાડતો હતો અને ડ્રગ્સ તૈયાર થયા બાદ તેની ખરીદી તથા વેચાણમાં પણ સામેલ હતો."

સલીમ ડોલાનો ભરૂચ સાથે શું સંબંધ છે?

સલીમ ડોલાને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા ત્યારબાદની તસ્વીર.
ઇમેજ કૅપ્શન, સલીમ ડોલાને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા ત્યારબાદની તસ્વીર.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે સલીમ ડોલાનો પરિવાર મૂળ ગુજરાતના ભરૂચ વિસ્તારનો હતો. જોકે, ઘણા સમય પહેલાં તેનો પરિવાર મુંબઈમાં સ્થાયી થઈ ગયો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતના સમયમાં સલીમ ડોલા મુંબઈમાં નાના-મોટા ગુનાઓમાં સંડોવાયેલો હતો. ત્યાર બાદ તે કેમિકલના ધંધામાં આવ્યો અને ધીમે-ધીમે એમડી ડ્રગ્સના ઉત્પાદનના કારોબારમાં જોડાયો હતો. આ જ સમયગાળામાં તે અંડરવર્લ્ડના નેટવર્ક સાથે પણ જોડાયો હતો.

ભારતીય તપાસ એજન્સીઓ ડોલાને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ તેમજ ઇકબાલ મિર્ચી સાથે સીધો સંપર્ક હોવાનું માની રહી છે.

28 એપ્રિલ, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માહિતી અનુસાર, ડોલા 59 વર્ષનો છે અને તેની સામે માર્ચ 2024માં ભારતની વિનંતી પર ઇન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ બહાર પાડી હતી.

એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેણે મધ્ય-પૂર્વ, આફ્રિકા અને યુરોપના કેટલાક દેશોમાં ફેલાયેલું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ઊભું કર્યું હતું. ભારતમાં હેરોઇન, ચરસ, મેફેડ્રોન, મેન્ડ્રેક્સ અને મેથામ્ફેટામાઇનના મોટા જથ્થાના કેસોમાં તેનું નામ સામે આવ્યું હતું.

સિંધરોટની ફૅક્ટરીમાં શું ભૂમિકા હતી?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પહેલી ડિસેમ્બર, 2022ના રોજ ગુજરાત ATSએ વડોદરા જિલ્લાના સિંધરોટ ગામ નજીક આવેલી એક ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી પર દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન 87.728 કિલોગ્રામ મેફેડ્રોન ઝડપાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 438.64 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ કેસમાં NDPS ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સલીમ ડોલા વિદેશમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી મળ્યા બાદ તેની શોધ શરૂ કરવામાં આવી હતી.

ચૌધરીના જણાવ્યા અનુસાર, સિંધરોટના કેસમાં ડોલાની મુખ્ય ભૂમિકા ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી કેમિકલ્સ પૂરાં પાડવાની અને ઉત્પાદન થયા બાદ તૈયાર ડ્રગ્સની ખરીદી તથા વેચાણ કરવાની હતી.

એટીએસના જણાવ્યા અનુસાર, ફૅક્ટરીમાં તૈયાર થયેલું મેફેડ્રોન મુંબઈ મોકલવામાં આવતું હતું અને ત્યાંથી ડોલાના સાથીદારો સુધી પહોંચાડવામાં આવતું હતું.

હવે ATS તેની પૂછપરછમાં કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતાં હતાં, નાણાકીય વ્યવહારો કેવી રીતે થતા હતા, ડ્રગ્સનું વિતરણ કોણ કરતું હતું અને આ નેટવર્કમાં બીજા કયા લોકો સામેલ હતા તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

વિદેશમાં રહીને આંતરરાષ્ટ્રીય નેટવર્કનું સંચાલન

ભારતીય એજન્સીઓના જણાવ્યા અનુસાર, સલીમ ડોલા મુંબઈથી ભાગીને દુબઈ ગયો હતો અને ત્યાર બાદ કેન્યા સહિતના દેશોમાં રહ્યો હતો. તે અલગ-અલગ દેશોમાં પ્રવાસ કરતો હતો.

એપ્રિલ 2026માં તુર્કિયેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 28 એપ્રિલે એનસીબી તેને ભારત પરત લાવી હતી. આ કાર્યવાહી 'ઑપરેશન ગ્લોબલ હન્ટ' હેઠળ કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, મુંબઈની એક અદાલતે 2023માં દક્ષિણ મુંબઈમાંથી ઝડપાયેલા મેફેડ્રોનના કેસમાં ડોલાને એનસીબીની કસ્ટડીમાં સોંપ્યો હતો. આ કેસમાં એનસીબીએ તેને ઝડપાયેલા ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર ગણાવ્યો હતો.

એજન્સીના દાવા અનુસાર, આ કેસમાં અન્ય આરોપીઓ સાથેની તપાસમાં ડોલાની ભૂમિકા સામે આવી હતી.

પોલીસને જાણવા મળ્યું છે ડોલાના નેટવર્ક દ્વારા કાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવતા માલના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને તેની હેરાફેરી કરવામાં આવતી હતી. આ કામગીરી માટે જે દેશોમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું ત્યાં ડમી કંપનીઓ ઊભી કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.

એટીએસના જણાવ્યા અનુસાર, ડોલા અગાઉ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર ઇકબાલ મિર્ચી સાથે પણ સંકળાયેલો હતો.

1990ના દાયકામાં ઇકબાલ મિર્ચી માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો અને ત્યાર બાદ તેણે પોતાના સાથીદારો સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઊભું કર્યું હતું.

ફેન્ટાનિલ સહિત અનેક ડ્રગ્સ કેસમાં નામ

સલીમ ડોલા સામે ભારતમાં ડ્રગ્સ સંબંધિત આશરે એક ડઝન કેસ નોંધાયેલા હોવાનું એટીએસનું કહેવું છે.

એટીએસે આપેલી વિગતો અનુસાર, 1998માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી આશરે 40 કિલોગ્રામ મેન્ડ્રેક્સ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 2013માં આશરે 79 કિલોગ્રામ ચરસના કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી.

2018માં લગભગ 1,000 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે જોડાયેલા ફેન્ટાનિલ કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. એટીએસના જણાવ્યા અનુસાર, આ કેસમાં તેની અગાઉ ધરપકડ થઈ હતી.

આ ઉપરાંત, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી), ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલા અન્ય કેસોમાં પણ તેનું નામ સામે આવ્યું છે.

સલીમ ડોલા સામેના ડ્રગ્સના કેસોની સાથે તેની ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે.

ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ડોલા અને તેના સાથીદારો દ્વારા ચલાવવામાં આવતા કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી.

ઈડીના જણાવ્યા અનુસાર, આ નેટવર્કમાં કેમિકલ્સની ખરીદી, એમડી ડ્રગ્સનું ગેરકાયદેસર ઉત્પાદન, વિવિધ રાજ્યોમાં તેનું પરિવહન અને વિદેશમાં હેરાફેરીનો સમાવેશ થતો હતો.

એજન્સીના દાવા અનુસાર, ડ્રગ્સના વેચાણમાંથી મળેલા પૈસા હવાલા મારફતે વિવિધ જગ્યાએ પહોંચાડવામાં આવતા હતા અને તેમાંથી સ્થાવર તથા જંગમ મિલકતો ખરીદવામાં આવતી હતી.

ઈડીએ બીજી અને ત્રીજી જૂન, 2026ના રોજ મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત 21 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રોકડ, વિદેશી ચલણ, સોનાની લગડીઓ અને બૅન્ક બૅલૅન્સ મળીને અંદાજે ₹1.33 કરોડની સંપત્તિ જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત 2,200 અમેરિકન ડૉલર પણ મળ્યા હતા.

ઈડીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન ભારત અને દુબઈમાં આવેલી કરોડો રૂપિયાની સ્થાવર મિલકતોને લગતા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે સલીમ ડોલાના પરિવારમાં તેનાં પત્ની અને એક પુત્ર છે. હાલમાં તેઓ દુબઈમાં રહે છે.

તેમણે કહ્યું હતું કે હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર ભારતમાંથી દુનિયાભરમાં ડ્રગ્સ મોકલવાના ડોલાના નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.

તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે વિદેશમાં રહેવા દરમિયાન ડોલાને કોણે આશરો આપ્યો હતો, તે કયા માર્ગે એક દેશમાંથી બીજા દેશમાં જતો હતો અને તેના પ્રવાસ તથા અન્ય કામગીરીમાં કોણે મદદ કરી હતી.

સાથે જ, ગુજરાત સહિત ભારતનાં વિવિધ રાજ્યોમાં તેણે પોતાનું નેટવર્ક કેવી રીતે ઊભું કર્યું હતું અને તેમાં કોણ-કોણ સામેલ છે તે પણ તપાસનો વિષય છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી ઊભી થયેલી સંપત્તિની પણ તપાસ કરશે.

બીબીસી ગુજરાતીએ આ મામલે સલીમ ડોલાના વકીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન