દુકાળના મારથી દિવાળીના ટાણે ગામડાં વેરાન, ઘરોને તાળાં મારીને ખેડૂતોનું સ્થળાંતર - ગ્રાઉન્ડ રિપોર્ટ

દુકાળને કારણે કામની શોધમાં લોકોએ ગામ છોડીને શહેરનો રસ્તો પકડ્યો
ઇમેજ કૅપ્શન, દુકાળને કારણે કામની શોધમાં લોકોએ ગામ છોડીને શહેરનો રસ્તો પકડ્યો
    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

એક ઘરમાં માણસો જોવા મળ્યા, પણ તેની આસપાસનાં ચાર-પાંચ ઘરો બંધ ! કેટલાંક ઘરોની સામે માત્ર વૃદ્ધો પોતાનાં સંતાનો અને પૌત્ર-પૌત્રીઓની રાહ જોતા બેઠા દેખાયા. ગામની અનેક શેરીઓ સાવ નિર્જન દેખાઈ અને ગામમાં લગભગ 60 ટકા ઘરોને તાળાં લાગેલાં જોવા મળ્યાં.

આ દૃશ્ય મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના મહાગાંવ તાલુકાના વાકદ ઇજારા ગામનું છે.

દુકાળની ગામડાં પર શું અસર થઈ રહી છેતે જોવા માટે અમે સૌથી વધુ દુકાળગ્રસ્ત એવા યવતમાળ જિલ્લાના પુસદ અને મહાગાંવ તાલુકામાં પહોંચ્યા. ત્યાંનાં અનેક ગામોમાં અમને આવાં જ દૃશ્યો જોવા મળ્યાં.

આખરે આ ગામોના લોકો ઘરોને તાળાં મારીને ગયા ક્યાં?

દુકાળને કારણે કામની શોધમાં લોકોએ ગામને છોડીને શહેરનો રસ્તો પકડ્યો. કેટલાક પુણે, મુંબઈ, ગયા તો કેટલાક ગુજરાત ગયા અને કેટલાક તેલંગાણામાં કપાસ વીણવા ગયા.

મહત્ત્વની વાત એ છે કે આ દુકાળે ખેડૂતોને પણ ગામ છોડવા મજબૂર કર્યા છે. આવા જ એક ખેડૂત છે પ્રહલાદ રાઠોડ. તેમની પાસે સાડાચાર એકર ખેતીની જમીન છે, પરંતુ આ વર્ષે ખેતરમાં કંઈ જ પાક્યું નથી. સોયાબીનનો પાક તો સંપૂર્ણપણે બળી જ ગયો, એની સાથે કપાસ પણ સુકાવા લાગ્યો.

ખેતરમાં કંઈ જ પાકશે નહીં એવો અંદાજ આવતાં તેમના પુત્ર વામને ઑગસ્ટ મહિનામાં જ પરિવાર સાથે પુણેનો રસ્તો પકડ્યો. ત્યાં જઈ આજે તેઓ મજૂરીનું કામ કરે છે.

દિવાળી પછી પ્રહલાદના બંને પુત્રો પણ રોજગારની શોધમાં બીજા ગામે જવાના છે.

પ્રહલાદ કહે છે, "મારો પુત્ર ખેતી કરતો હતો. કોઈની મજૂરીનું કામ મળે તો તે પણ કરતો હતો. પરંતુ આ વર્ષે ખેતરમાં કંઈ જ પાક્યું નથી. બધા ખેડૂતોની પરિસ્થિતિ એકસરખી હોવાથી મજૂરી પણ મળતી નથી. તેથી હવે મારો પુત્ર પરિવાર સાથે પુણે ગયો. ગામમાં ખાવા-પીવાનો કોઈ આધાર જ ન રહ્યો હોય, તો બીજું કરવું શું?"

'અહીં કોઈ 200 રૂપિયા મજૂરી આપવા તૈયાર નથી'

વરસાદ આધારિત ખેતરોમાં કપાસનાં જીંડવાં પણ ફૂટ્યાં નથી. કારણે ખેતમજૂરોની સાથે ખેડૂતોને પણ સ્થળાંતર કરવાની નોબત આવી છે
ઇમેજ કૅપ્શન, વરસાદ આધારિત ખેતરોમાં કપાસનાં જીંડવાં પણ ફૂટ્યાં નથી. કારણે ખેતમજૂરોની સાથે ખેડૂતોને પણ સ્થળાંતર કરવાની નોબત આવી છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રહલાદના ઘરની પાછળની બાજુએ અને ગામના છેવાડાના ભાગમાં કેટલીક મહિલાઓ બેઠેલી જોવા મળી. ત્યાં પણ કેટલાંક ઘરોને આવી જ રીતે તાળાં હતાં. અમે તેમની સાથે વાત કરી તો તેમના ઘરના સભ્યો પણ રોજગારની શોધમાં બહાર ગયા હોવાનું જાણવા મળ્યું.

તેમાંથી જ એક 50 વર્ષીય લલિતા રાઠોડ છે, જેમનો પુત્ર અને પતિ એક મહિના પહેલાં રોજગારની શોધમાં પુણે ગયા. હવે લલિતા એકલાં જ રહે છે.

તેમણે કહ્યું, "એવો દુકાળ પડ્યો છે કે અહીં કોઈ 200 રૂપિયા મજૂરી આપવા પણ તૈયાર નથી. અમારા ઘરના લોકો પુણે ગયા છે. હવે દિવાળી પછી હું પણ જઈશ. ત્યાં કોઈના ઘરે વાસણ માંજવાનું કે રસોઈનું કામ શોધવું પડશે. પેટ ભરવા માટે જવું જ પડશે. અહીં રહીને ભૂખ્યા ન મરી શકીએ."

યવતમાળ જિલ્લાનાં ગામોની રચના વસ્તી અને તાંડા એમ બે ભાગમાં થયેલી છે. વસ્તીમાં તમામ જાતિ-સમુદાયના અથવા આદિવાસી લોકો રહે છે, જ્યારે તાંડામાં માત્ર બંજારા સમાજના લોકો રહે છે.

વાકદ ઇજારા ગામમાં આદિવાસી, દલિત સમુદાયના લોકો રહે છે, જ્યારે તાંડામાં બંજારા સમાજના લોકો રહે છે. તાંડાનાં ઘરોને તો તાળાં લાગ્યાં જ છે, પરંતુ વસ્તીમાં પણ એવી જ પરિસ્થિતિ છે.

આ ગામમાં એક સંબંધીનું મૃત્યુ થતાં સ્થળાંતર કરી ગયેલા કેટલાક લોકો પાછા આવ્યા હતા. અમારી તેમની સાથે મુલાકાત થઈ.

લોકોને સ્થળાંતર કરવાની જરૂર કેમ પડી?

લોકોનું કહેવું છે કે ખેતરમાં કંઈક પાકશે એવી આશા અમને હતી, પરંતુ કંઈ જ પાક્યું નહીં
ઇમેજ કૅપ્શન, લોકોનું કહેવું છે કે ખેતરમાં કંઈક પાકશે એવી આશા અમને હતી, પરંતુ કંઈ જ પાક્યું નહીં

ગોકર્ણા કાંબળે 15 દિવસ પહેલાં પુણેના નારાયણગાંવમાં કામ કરવા ગયાં હતાં. પરંતુ ત્યાં પરિવારની એક દીકરીનું અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે ગામમાં પાછા આવ્યા.

તેઓ કહે છે, "ખેતરમાં કંઈક પાકશે એવી આશા અમને હતી, પરંતુ કંઈ જ પાક્યું નહીં. અમને પુણે ગયાને 15 દિવસ થયા. ત્યાં કોઈ 200 રૂપિયા મજૂરી આપે, તો કોઈ 300 રૂપિયા. કોઈવાર ચાર દિવસ કામ મળે, તો કોઈવાર કામ ન મળે તો આઠ દિવસ પણ ઘરે બેસી રહેવું પડે છે."

હવે દિવાળી પછી તેઓ ફરી કામ માટે પુણે જવાના છે. તેમની પાસે ખેતીની જમીન છે, પણ કંઈ જ પાક્યું નથી. પરિણામે તેમને સ્થળાંતર કરવાની નોબત આવી છે.

આ વિસ્તારને દુકાળની એટલી ગંભીર અસર થઈ છે કે અત્યારથી જ નદીઓ અને નાળાં સુકાઈ ગયાં છે. બોરી ગામ પાસેથી વહેતા નાળામાં ફેબ્રુઆરી મહિના સુધી પાણી રહેતું હતું, પરંતુ તે નાળું પણ સુકાઈ ગયું અને એની સાથે તળાવો પણ સુકાઈ ગયાં છે.

જમીનમાં તિરાડો પડી ગઈ છે, કપાસના છોડની ઊંચાઈ વધી નથી; તો બીજી બાજુ વરસાદ આધારિત ખેતરોમાં કપાસનાં જીંડવાં સુધ્ધાં ફૂટ્યાં નથી. આના લીધે ખેતમજૂરોની સાથે ખેડૂતોને પણ સ્થળાંતર કરવાની નોબત આવી છે.

"પરંતુ જો ગામમાં જ મજૂરીનું કામ મળતું હોત અને સરકારે આ માટે અગાઉથી માઇક્રોપ્લાનિંગ કર્યું હોત, તો અમારું ગામ આ રીતે વેરાન ન થયું હોત", એવું ખેડૂત મનીષ જાધવ કહે છે.

તેઓ કહે છે, "સરકારને અમારો એ જ સવાલ છે. અલ નીનોની અસર થવાની છે એ જ્યારે સરકારને ખબર હતી, તો અત્યારે માત્ર કાગળ પર કાર્યવાહી કરવાનો દેખાડો કરવાને બદલે માઇક્રોપ્લાનિંગ કરવું જોઈતું હતું. રોજગાર ગૅરંટી યોજના દ્વારા અગાઉથી આયોજન કર્યું હોત, તો આજે ખેડૂતો અને ખેતમજૂરો પર આવી સ્થિતિ આવી જ ન હોત. સરકારે માત્ર કાગળ પર પોકળ જાહેરાતો કરવાનું જ કામ કર્યું. રોજગાર ગૅરંટી યોજનાનું ખાલી નામ બદલવાથી કંઈ થોડો રોજગાર મળવાનો હતો?"

'ખાવા-પીવાનું કઈ નથી, શિક્ષણ કેવી રીતે ચાલે'

આ સ્થળાંતરની અસર બાળકોના શાળાકીય શિક્ષણ પર પણ પડી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ પોતાનાં માતા-પિતા સાથે સ્થળાંતર કર્યું છે.

"ગામની પ્રાથમિક શાળામાંથી છ બાળકોએ શાળા છોડીને પોતાનાં માતા-પિતા સાથે મજૂરી માટે બહાર જવું પડ્યું, જ્યારે સ્થળાંતર કરનારાઓમાં સૌથી વધુ માધ્યમિક શાળાનાં બાળકોનો સમાવેશ થાય છે", એવું ગ્રામજનો કહે છે.

પ્રહ્લાદ રાઠોડના બે પૌત્રો પણ તેમાં સામેલ છે. બંને સ્કૂલ છોડીને પોતાનાં માતા-પિતા સાથે પુણે ગયા છે.

પ્રહ્લાદ કહે છે, "સ્કૂલ રહી નથી. બાળકો સ્કૂલ છોડીને જતાં રહ્યાં. અહીં હતાં ત્યારે સ્કૂલે જતાં હતાં. ખાવા-પીવાનો જ કોઈ આધાર જ જ્યારે ન રહ્યો હોય, તો શિક્ષણ કેવી રીતે ચાલુ રહે?

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા સાથે સ્થળાંતર કર્યું
ઇમેજ કૅપ્શન, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા સાથે સ્થળાંતર કર્યું

ગોકર્ણા પણ પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રોને લઈને પુણે જતાં રહ્યાં. હમણાં થોડા દિવસ માટે ગામમાં પાછાં આવ્યાં છે, પરંતુ તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર પુણે જ છે.

તેઓ કહે છે, "સરકારે અમને કામ આપવું જોઈએ, જેથી બાળકોનું શિક્ષણ થઈ શકે. અમે પૌત્રોને સાથે લઈને ગયાં. તેમની સ્કૂલ છૂટી ગઈ. હવે કામ જ ન હોય તો અમે શું કરીએ? પેટ ભરવા માટે ખાવાનું તો જોઈએ કે નહીં? સ્કૂલે આવતા વર્ષે જશે."

અહીંની પ્રાથમિક શાળામાં કુલ 43 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. પરંતુ તેમાંથી છ બાળકો પોતાનાં માતા-પિતા સાથે મજૂરી માટે સ્થળાંતર કરી ગયાં છે, જ્યારે કેટલાંક બાળકો દાદી પાસે અથવા સંબંધીઓ પાસે રહીને અભ્યાસ કરી રહ્યાં છે.

"દર વર્ષે આવી સમસ્યા નથી થતી. આ વર્ષે દુકાળ છે અને સામાન્ય માણસ રોજ કમાઈને રોજ ખાય છે. તેથી જીવનનિર્વાહનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. લોકો બાળકોને સાથે લઈને પેટ ભરવા માટે સ્થળાંતર કરી ગયા છે", એવું શાળાના શિક્ષક ઉત્તમ દેશમુખ કહે છે.

"હાલમાં ગામમાં 30-40 ટકા લોકો જોવા મળે છે. પરંતુ તેઓ માત્ર દિવાળી માટે રોકાયા છે. ત્યારબાદ અમે પણ મજૂરી માટે બહાર જઈશું", એવું ગ્રામજનો કહી રહ્યા હતા. એ પછી આખું ગામ નિર્જન થઈ જવાની ભીતિ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન