ફિલ્મ બનાવવાથી કેટલી કમાણી થાય છે અને શું છે ફિલ્મનિર્માણના પડકારો?

ઇમેજ સ્રોત, Jonathan Torgovnik/Getty Images
- લેેખક, ઉપાલા કેબીઆર
- પદ, વરિષ્ઠ ફિલ્મ પત્રકાર, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
આ ચર્ચામાં ઍક્સેલ ઍન્ટરટેઇન્મેન્ટના સીઈઓ વિશાલ રામચંદાણી, સનશાઇન પિક્ચર્સના વિપુલ અમૃતલાલ શાહ, પૂજા ફિલ્મ્સના જેકી ભગનાની અને દક્ષિણ ભારતીય ફિલ્મનિર્માતા દિલ રાજુ સામેલ છે.
તેમના કામ વિશે વાત કરીએ તો, તેમણે ડૉન ફ્રેન્ચાઇઝી, ધ કેરલા સ્ટોરી અને કુલી નંબર 1 જેવી સફળ ફિલ્મો બનાવી છે.
દરમિયાન, દિલ રાજુની આગામી ફિલ્મોમાં અક્ષયકુમાર અભિનિત SVC60 અને સલમાન ખાન-નયનતારા અભિનિત SVC63 સામેલ છે.
શું હાલના સમયમાં ફિલ્મનિર્માણના પડકારોમાં વધારો થયો છે?

ઇમેજ સ્રોત, Ami Vitale/Getty Images
ઍક્સેલ ઍન્ટરટેઇન્મેન્ટના સીઇઓ વિશાલ રામચંદાણી માને છે કે ફિલ્મો બનાવવા માટે આ એક રોમાંચક સમય છે. તેઓ કહે છે કે ઓટીટી પ્લૅટફૉર્મ્સે દર્શકોને સિનેમાઘરોથી દૂર કરી દીધા છે તે ધારણા મોટા ભાગે ખોટી સાબિત થઈ છે.
તેઓ કહે છે, "અમે જોયું છે કે વિવિધ શૈલીઓ, બજેટ અને ભાષાઓની ફિલ્મોને થિયેટરોમાં પ્રેક્ષકોને મળે છે. જોકે, હવે પડકાર એ છે કે તમારે તમારી વાર્તા અને સામગ્રીમાં પહેલાં કરતાં વધુ વિશ્વાસ રાખવો પડશે; ફક્ત પ્રી-સેલ્સના આધારે ન ચાલી શકાય. અંતે, જો પ્રેક્ષકોને જોવાલાયક ફિલ્મ મળશે, તો તેઓ ચોક્કસપણે તે જોવા આવશે."
દરમિયાન, ફિલ્મનિર્માતા વિપુલ અમૃતલાલ શાહ માને છે કે, "ફિલ્મ બનાવવી એ હંમેશાં મુશ્કેલ કાર્ય રહ્યું છે, કારણકે દર્શકોને શું ગમશે તે નક્કી કરવા માટે કોઈ નિશ્ચિત ફૉર્મ્યુલા નથી, તેથી વ્યક્તિએ સતત સારી વાર્તાઓ શોધવી પડે છે."
તેઓ કહે છે, "અમારા માટે, ખાસ કરીને સનશાઇન પિક્ચર્સમાં, પડકાર વધુ મોટો છે. કારણકે અમે એક જ શૈલીમાં ફિલ્મો નથી બનાવતા, પરંતુ નવાં વિષયો અને શૈલીઓ પર કામ કરીએ છીએ."
ઓટીટી પ્લૅટફૉર્મનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "આ પ્લૅટફૉર્મના ઉદય સાથે, પ્રેક્ષકો પાસે પહેલાં કરતાં મનોરંજનના વિકલ્પો વધુ છે, તેથી હવે તેમને એવી વાર્તાઓ શોધવી પડશે જેની સાથે પ્રેક્ષકો પોતાની જાતને જોડી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ નિર્માતા દિલ રાજુ કહે છે, "ફિલ્મ બનાવવાનું કામ ક્યારેય સરળ નહોતું, પરંતુ વર્તમાન સમયમાં પડકારો ખૂબ ઝાઝા છે."
તેઓ કહે છે, "ફિલ્મોનું બજેટ વધ્યું છે, અને દર્શકો પાસે ઓટીટી અને અન્ય મનોરંજન માધ્યમો સ્વરૂપે ઘણા વિકલ્પો છે. લોકોને બે કલાકથી વધુ સમય માટે થિયેટરોમાં લાવવા એ સૌથી મોટો પડકાર બની ગયો છે. આ માટે, ફિલ્મનું કન્ટેન્ટ એટલું મજબૂત હોવું જોઈએ કે એ દર્શકોને થિયેટર તરફ ખેંચી શકે અને તેમને અંત સુધી જકડી રાખે."
અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની કહે છે, "દર્શકોની રુચિ સતત બદલાતી રહે છે. બજેટનું પણ દબાણ છે, માર્કેટિંગ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે."
તેઓ કહે છે, "એક નિર્માતા તરીકે ફક્ત સારી ફિલ્મ બનાવવાનો પડકાર નથી, પણ યોગ્ય વાર્તા પસંદ કરવાનો, તેને યોગ્ય રીતે રજૂ કરવાનો, ખર્ચને નિયંત્રણમાં રાખવાનો અને ફિલ્મ તેના દર્શકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો પણ છે."
પ્રોડક્શન હાઉસના બિઝનેસ મૉડલનું મૂળભૂત માળખું શું છે?

ઇમેજ સ્રોત, JHU Sheridan Libraries/Gado/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રશ્ન પર, ઍક્સેલ ઍન્ટરટેઇન્મેન્ટના સીઇઓ કહે છે, "મુખ્ય કારોબાર કન્ટેન્ટ બનાવવા પર આધારિત છે."
આમાં ફીચર ફિલ્મો અને લાંબી વેબ સિરીઝ સામેલ છે. તેઓ જણાવે છે, "અમારું લક્ષ્ય દર વર્ષે લગભગ ત્રણ ફીચર ફિલ્મો અને બે સિરીઝનું નિર્માણ કરવાનું છે, જેથી ફિલ્મો અને સિરીઝ વચ્ચે સંતુલન જાળવી શકાય."
તેઓ કહે છે, "અમે નવાં ક્ષેત્રોમાં પણ વિસ્તાર કરી રહ્યા છીએ. અમે અમારું પોતાનું સંગીત લેબલ શરૂ કર્યું છે, બૌદ્ધિક સંપદા (આઇપી), મર્ચેન્ડાઇઝિંગ અને મીડિયાની નવી તકો પર કામ કરી રહ્યા છીએ, અને આંતરરાષ્ટ્રીય સહયોગની સંભાવનાઓ પણ શોધી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ એક સર્જનાત્મક કંપની બનવાનો છે, જે દમદાર કહાણીઓ બનાવે અને તેને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડે. અમારી તાજેતરની સૌથી મોટી સફળતાઓમાંની એક 'મિર્ઝાપુર: ધ મૂવી' છે."
આ પ્રશ્ન અંગે વિપુલ શાહ કહે છે, "તેઓ ફિલ્મ શરૂ કરતાં પહેલાં ઘણી તૈયારી અને સંશોધન કરે છે."
તેઓ કહે છે, "આપણી પાસે બધાં આંકડા અને યોજના યોગ્ય રીતે હોય એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે ઘણા પ્રકારનાં નાણાકીય મૉડલોની સમીક્ષા કરીએ છીએ અને જ્યારે અમને ખાતરી થાય છે કે બધાં ડેટા અને મૉડલ સાચાં છે ત્યારે જ અમે ફિલ્મ બનાવવાનું શરૂ કરીએ છીએ."
વાતચીતમાં, તેઓ આગળ સમજાવે છે, "ફિલ્મ બનાવવી એ એક સામૂહિક પ્રયાસ છે. સ્પોટ બૉયથી માંડીને નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને લેખક સુધીના બધા તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જ્યારે આખી ટીમ એક યુનિટ તરીકે કામ કરે ત્યારે જ સારી ફિલ્મ બની શકે છે."
દિલ રાજુ સમજાવે છે, "પ્રોડક્શન કંપની શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સનું મુખ્ય બિઝનેસ મૉડલ યોગ્ય વાર્તા અને યોગ્ય દિગ્દર્શકની પસંદગી, બજેટ પર કડક નિયંત્રણ, ફિલ્મને વધુ સારી રીતે રજૂ કરવા અને તેની યોગ્ય રજૂઆત સુનિશ્ચિત કરવા પર આધારિત છે. ત્યાર બાદ થિયેટર, ઓટીટી, સેટેલાઇટ, સંગીત અને અન્ય અધિકારો દ્વારા આવક ઉત્પન્ન થાય છે."

ઇમેજ સ્રોત, Jonathan Torgovnik/Getty Images
"અમે તામિલ અને હિન્દીમાં પણ ફિલ્મો બનાવી છે, જોકે, ડેટા અને સ્પ્રેડશીટ્સ આયોજનમાં મદદ કરે છે, પણ અંતિમ નિર્ણય હંમેશાં વાર્તાના 'આત્મા', દિગ્દર્શકના વિઝન અને એ વિશ્વાસ પર આધારિત હોય છે કે દર્શકો તેની સાથે જોડાઈ શકશે."
જેકી ભગનાની કહે છે કે તેમની પ્રોડક્શન કંપની પૂજા ફિલ્મ્સની સૌથી મોટી તાકત હંમેશાં સારી વાર્તાઓને ઓળખીને તેને પડદા પર લાવવાની રહી છે, પરંતુ સમય સાથે ફિલ્મનો વ્યવસાય બદલાયો છે, તેથી હવે કામ કરવાની રીત પણ બદલાઈ રહી છે.
તેઓ સમજાવે છે, "હવે પ્રોડક્શન હાઉસ બજેટ પ્રત્યે વધુ સભાન છે અને નવા પ્રોજેક્ટ્સ કાળજીપૂર્વક પસંદ કરે છે. તેઓ નવા આઇપી (બૌદ્ધિક સંપદા) બનાવવા પર પણ ધ્યાન દે છે."
સિનેમાઘરોમાંથી થતી કમાણી સિવાય, આજે આવકના અન્ય સ્રોત કયા છે?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
વિશાલ રામચંદાણી આ પ્રશ્નના જવાબમાં કહે છે, "થિયેટરોની આવક ઉપરાંત, આજે ફિલ્મોની આવકના મુખ્ય સ્ત્રોત ડિજિટલ/ઓટીટી સ્ટ્રીમિંગ રાઇટ્સ, સેટેલાઇટ ટીવી રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ છે."
તેઓ સમજાવે છે, "આ ઉપરાંત, મર્ચેન્ડાઇઝિંગ, બ્રાન્ડ પાર્ટનરશિપ અને આઇપીના વિવિધ પ્રકારે વાણિજ્યિક ઉપયોગની તકો પણ વધી રહી છે. આખરે, ધ્યેય એવી આઇપી બનાવવાનો છે, જે પ્લૅટફૉર્મ, ફૉર્મેટ અને બજારોમાં કમાણી ઉત્પન્ન કરી શકે."
દરમિયાન, વિપુલ શાહ કહે છે, "આવકના ઘણા સ્ત્રોત છે, પરંતુ તેઓ સામાન્ય રીતે તેમને પાંચ કૅટગરીમાં વિભાજિત કરે છે."
- ભારતમાં થિયેટરમાંથી થતી આવક
- વિદેશી બજારોમાં થિયેટરમાંથી થતી કમાણી
- ઓટીટી રાઇટ્સ
- સેટેલાઇટ રાઇટ્સ
- મ્યુઝિક રાઇટ્સ
તેઓ સમજાવે છે, "આ સિવાય, ઘણા બીજા અધિકારો છે, જેમ કે, જહાજ, ઍરલાઇન્સ, કેબલ નેટવર્ક અને હોટલોમાં પ્રસારણના અધિકાર."
તેઓ કહે છે, "આજકાલ તેને સામાન્ય રીતે એક પૅકેજ સ્વરૂપે વેચવામાં આવે છે અને તેનું વેપારી મૂલ્ય પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે."
દિલ રાજુ સમજાવે છે, "થિયેટર અને ડિજિટલ/ઓટીટી અધિકારો ઉપરાંત, કેટલીક વાર હિન્દી અથવા અન્ય ભાષાઓમાં ડબિંગના અધિકારોથી પણ આવક થાય છે."
મોટી ફિલ્મો માટે થિયેટર આવક હજુ પણ ભાવનાત્મક અને વેપારની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ આવકના આ અન્ય સ્ત્રોતો ફિલ્મના ખર્ચની વસૂલાતમાં અને કુલ કારોબારને સંતુલિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ અંગે, જેકી ભગનાની કહે છે, "ફિલ્મનો કારોબાર હવે ફક્ત થિયેટરમાંથી થતી કમાણી સુધી મર્યાદિત નથી રહ્યો. ઓટીટી, સેટેલાઇટ અને અન્ય અધિકારો ઉપરાંત, બ્રાન્ડ ઇન્ટિગ્રેશન, મર્ચેન્ડાઇઝિંગ અને ફિલ્માંકન સંબંધિત પ્રોત્સાહનો દ્વારા પણ આવકની તકો રહેલી છે, જે ફિલ્મની લોકેશન અને સ્થાનિક નીતિઓ પર આધારિત છે."
હિન્દી ફિલ્મઉદ્યોગ સામે કયા મુખ્ય પડકારો છે?

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA/AFP via Getty Images
આ પ્રશ્ન પર વિશાલ રામચંદાની કહે છે, "હિન્દી ફિલ્મઉદ્યોગ કોઈ મોટી સમસ્યાનો સામનો નથી કરી રહ્યો, પરંતુ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. દર્શકોની રુચિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને ફિલ્મનિર્માણના વ્યવસાયે પણ એ જે રીતે બદલાવવું પડશે."
તેઓ કહે છે, "આપણે બજેટમાં વધુ શિસ્તબદ્ધ રહેવું પડશે, વાર્તાઓ મામલે વધુ મહત્ત્વાકાંક્ષી બનવું પડશે, અને એ વાતની બહેતર સમજ કેળવવી પડશે કે એવી કઈ બાબતો છે જે કોઈ ફિલ્મને થિયેટરમાં જોવાલાયક બનાવે છે."
વિપુલ શાહ કહે છે, "ફિલ્મનિર્માતાઓએ ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે, ખાસ કરીને રોકાણ અને વળતરના ગુણોત્તરમાં."
તેઓ કહે છે, "ધ કેરલા સ્ટોરી એવી ફિલ્મોમાંની એક છે, જેણે તેના બજેટની સરખામણીમાં સૌથી વધુ કમાણી કરી છે. અલબત્ત, મને લાગે છે કે હનુમાન અંશ (જો તે તેને વટાવી જાય તો) વધુ સારું કરી શકે છે. પરંતુ હનુમાન અંશના આગમન પહેલાં, ધ કેરલા સ્ટોરી વાસ્તવમાં રોકાણ સામે વળતરની દૃષ્ટિએ નંબર વન ફિલ્મ હતી."
દિલ રાજુ કહે છે, "હિન્દી ફિલ્મ ઉદ્યોગની સમસ્યાઓ પણ કંઈક અંશે અન્ય ફિલ્મ ઉદ્યોગોની સમસ્યાઓ જેવી જ છે."
તેઓ કહે છે, "અમારી સમજ મુજબ, અને કારણકે અમે અગાઉ જર્સી અને હિટ જેવી કેટલીક હિન્દી ફિલ્મો બનાવી છે, હિન્દી ફિલ્મઉદ્યોગમાં સમસ્યાઓ અન્ય ફિલ્મઉદ્યોગો જેવી જ છે, પરંતુ તે અહીં વધુ સ્પષ્ટ રીતે દેખાય છે."

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તેમનું માનવું છે કે, "ઓટીટી પ્લૅટફૉર્મ પર ફિલ્મો વહેલા રિલીઝ થવાથી દર્શકોનો થિયેટરોમાં જવાનો રસ ઓછો થાય છે. વધુમાં, ઘણી વખત ફિલ્મો પરિવાર કે મોટા દર્શક વર્ગની આશા પર સંપૂર્ણપણે ખરી ઊતરી શકતી નથી."
તેઓકહે છે, "હવે કન્ટેન્ટ ખરો સ્ટાર હોવો જોઈએ. જો શુક્રવારે થિયેટરો ફિલ્મ માટે ભરાય નહીં, તો ફક્ત સ્ટાર પાવરના દમ પર ફિલ્મને સફળ બનાવવી મુશ્કેલ છે. દર્શકોની રુચિ પણ બદલાઈ ગઈ છે. તેઓ હવે એવી ફિલ્મો ઇચ્છે છે જેના પર પર પોતાનો સમય અને પૈસ ખર્ચવા તેમને યોગ્ય લાગે."
આ પ્રશ્ન અંગે જેકી ભગનાની કહે છે, "હિન્દી ફિલ્મ ઉદ્યોગ સામે સૌથી મોટો પડકાર એ છે કે આપણે દર્શકો ખરેખર શું જોવા માંગે છે તે સમજવામાં ચૂકી રહ્યા છીએ. આપણે ફિલ્મોના મોટા માપદંડ, સ્ટાર પાવર અને પ્રચાર પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે, અને ઘણી વખત આ પ્રક્રિયામાં સ્ટોરી પાછળ છૂટી જાય છે."
તેમનું માનવું છે કે, "હાલમાં, દર્શકોને વિવિધ પ્લૅટફૉર્મ પર ઘણી બધી ઉત્તમ સામગ્રીનો એક્સેસ છે. તેથી, તેઓ સિનેમામાં કઈ ફિલ્મ જોવી તે પહેલાં કરતાં વધુ કાળજીપૂર્વક નક્કી કરે છે."
તેઓ કહે છે, "ફિલ્મ ઉદ્યોગને મજબૂત વાર્તાઓ, મૌલિકતા અને દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ તરફ પાછા ફરવાની જરૂર છે. બજેટ સાથે પણ તેને વધુ અનુશાસિત કરવાની જરૂર છે."
તેઓ કહે છે, "હિન્દી ફિલ્મ ઉદ્યોગે ફક્ત બોક્સ ઑફિસને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવાનું બંધ કરવું જોઈએ અને એવી ફિલ્મો બનાવવાનું શરૂ કરવું જોઈએ જે દર્શકોને થિયેટરોમાં આવવાનું કારણ આપે."
પ્રોડ્યૂસર્સની સ્થિતિ બહેતર બનાવવા માટે કયાં પગલાં ઉઠાવવાં જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images/Ami Vitale
આ અંગે, વિશાલ રામચંદાણી કહે છે, "સૌપ્રથમ, ફિલ્મ નિર્માતાઓને સંસ્થાકીય ધિરાણનો વધુ ઍક્સેસ હોવી જોઈએ, જેથી તેઓ ગણતરીપૂર્વકનાં સર્જનાત્મક જોખમો લેવા માટે વધુ સ્વતંત્ર થઈ શકે."
તેઓ સમજાવે છે, "બીજું, આપણે દેશમાં થિયેટરોના આંતરમાળખાનો મોટા પાયે વિસ્તાર કરવાની જરૂર છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં થિયેટરોની અછત છે. જો સિનેમાઘરો લોકો માટે વધુ સુલભ બને, તો ભારતમાં ફિલ્મ જોવા જનારા દર્શકોની સંખ્યા વધારવાની અપાર સંભાવના છે. "
તેઓ વધુમાં ઉમેરે છે, "ત્રીજું, થિયેટર-આધારિત બિઝનેસ મૉડલને નિર્માતાઓ માટે વધુ ટકાઉ બનાવવું જોઈએ. આમાં ફિલ્મ રિલીઝ સાથે સંકળાયેલા ખર્ચને તર્કસંગત બનાવવા અને નિયંત્રિત કરવાનો સમાવેશ થાય છે."
વિપુલ શાહ કહે છે, "નિર્માતા તરીકે, આપણે સાથે મળીને ઉદ્યોગ સંબંધિત મુદ્દાને ઉકેલવાની જરૂર છે. જો મોટા નિર્ણયો પાછળ કોઈ સામૂહિક બળ ન હોય, તો તે ઉદ્યોગ માટે સારી સ્થિતિ નહીં હોય. બીજું, ફિલ્મો માટે ઓટીટી રિલીઝનો સમયગાળો લંબાવવો જોઈએ."
"બીજું, નિર્માતાઓ માટે ઓટીટી રિલીઝ વિન્ડો લંબાવવી જોઈએ. તે વર્તમાન આઠ અઠવાડિયાંને બદલે ઓછામાં ઓછી 16 અઠવાડિયાંની હોવી જોઈએ. આનાથી ફિલ્મ ઉદ્યોગને ઘણો ફાયદો થશે. નહીંતર, નાના અને મધ્યમ બજેટની ફિલ્મો માટે લાંબા સમય સુધી ટકી રહેવું મુશ્કેલ બનશે."
દિલ રાજુ કહે છે, "ફિલ્મના બજેટ અને શૂટિંગના દિવસોને નિયંત્રિત કરવા જરૂરી છે, અને જ્યાં શક્ય હોય ત્યાં, નફા-વહેંચણી મૉડલોને પ્રોત્સાહન આપવું જોઈએ. બિનજરૂરી ખર્ચ અને બજેટના બગાડને કડક રીતે નિયંત્રિત કરવો જોઈએ, જેથી જો કોઈ ફિલ્મ મોટી હિટ ન પણ સાબિત થાય, તે આર્થિક રીતે ટકાઉ રહે."
તેઓ કહે છે, "મુખ્ય ધ્યાન એવી વાર્તાઓ પર હોવું જોઈએ જે દર્શકોને થિયેટરોમાં લાવી શકે. વધુમાં, ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય તે પહેલાં તેને થિયેટરમાં લાંબા સમય સુધી ચાલવાની તક મળવી જોઈએ, જેનાથી થિયેટરોમાં લોકોની સંખ્યા વધી શકે."
આ અંગે, જેકી ભગનાની કહે છે, "મોટા બજેટથી હંમેશાં સારી ફિલ્મની ગૅરંટી મળતી નથી. ફિલ્મનો સ્કેલ તેની વાર્તા અને સંભવિત દર્શકો અનુસાર હોવો જોઈએ. સ્ટાર કરતાં વાર્તાને વધુ મહત્ત્વ આપવું જોઈએ."
તેઓ કહે છે, "એક સ્ટાર વીકેન્ડમાં દર્શકોને થિયેટરોમાં લાવી શકે છે, પરંતુ લાંબા ગાળે ફિલ્મને સફળ બનાવવાનું કામ તેનું કન્ટેન્ટ અને તેના વિશે લોકો વચ્ચે ફેલાતી હકારાત્મક ચર્ચા કરે છે."
વાતચીતમાં તેઓ આગળ સમજાવે છે, "આ ઉપરાંત, એવું સહયોગી વાતાવરણ બનાવવું જરૂરી છે, જેમાં ફિલ્મની નિષ્ફળતાનો સંપૂર્ણ બોજો ફક્ત નિર્માતા પર ન આવે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























