રાહુલ ગાંધીનો આરોપ : 'પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનૉલનું મિશ્રણ', પીએમ મોદી સામે ઉઠાવ્યા સવાલો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર એક પોસ્ટ કરીને પેટ્રોલમાં મોટી માત્રામાં ઇથેનૉલ ભેળવવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કર્ણાટકના અનેક જિલ્લાઓમાં પેટ્રોલના નમૂનાની તપાસ કરાવતાં 'ઈ-20' (E20) પેટ્રોલમાં 20 ટકા કરતાં વધુ ઇથેનૉલ મળ્યું છે.
તેમણે 'ઍક્સ' પર લખ્યું હતું, "મોદી સરકાર કહે છે કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનૉલ છે. કર્ણાટક સરકારે સાત જિલ્લામાંથી પેટ્રોલના નમૂના લઈને માન્યતા પ્રાપ્ત લૅબોરેટરીમાં તેની તપાસ કરાવી હતી."
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 14 માંથી 11 નમૂનામાં 20 ટકા કરતાં વધુ ઇથેનૉલ મળ્યું હતું. તેમાં આઈઓસીએલ (IOCL)ના એક નમૂનામાં 31.2 ટકા અને એચપીસીએલ (HPCL)ના એક નમૂનામાં 30.5 ટકા ઇથેનૉલ મળ્યું હતું.
આ મુદ્દા પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું, "તમે પૈસા મોંઘા પેટ્રોલના ચૂકવી રહ્યા છો અને ટાંકીમાં ઇથેનૉલ ભરવામાં આવી રહ્યું છે. તેમાં નુકસાન તમારું થઈ રહ્યું છે."
રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે 20 ટકા કરતાં વધુ ઇથેનૉલ મિશ્રણ કરનાર કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?
કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ જણાવ્યું હતું, "ભારત સરકાર દેશના લોકો સાથે ખુલ્લેઆમ ખોટું બોલી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ઇથેનૉલને નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ભેળવવામાં નહીં આવે, પરંતુ એનએબીએલ (NABL)ના અહેવાલથી સાબિત થયું છે કે ઇથેનૉલનું મિશ્રણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ થઈ રહ્યું છે અથવા ઓછામાં ઓછું સરકાર દ્વારા જાહેર કરાયેલી મર્યાદા પાર કરી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં તો તે 35 ટકા અને 40 ટકા સુધી પહોંચી ગયું છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું, "સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ઇથેનૉલ મિશ્રણ સંપૂર્ણપણે એક પ્રયોગ હતો અને તે સમગ્ર દેશમાં થઈ રહ્યો નથી. પરંતુ જો તમે ધ્યાનથી જુઓ તો તમે 1.3 અબજ લોકો પર પ્રયોગ કરી રહ્યા છો. આ કેવી રીતે યોગ્ય હોઈ શકે? ભારત સરકાર માત્ર નફો કમાવવા માટે પોતાના જ લોકો સાથે ખોટું બોલી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
15 વર્ષના વૈભવ સૂર્યવંશી બન્યા બિહારની સિનિયર ક્રિકેટ ટીમના કૅપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બિહાર ક્રિકેટ ઍસોસિએશને (બીસીએ) શુક્રવારે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રૉફીની પ્રથમ બે મૅચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
માત્ર 15 વર્ષના યુવા બૅટ્મૅન વૈભવ સૂર્યવંશીને ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા છે, જ્યારે સૂરજ કશ્યપને ઉપકૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પ્રથમ વખત છે જ્યારે વૈભવ બિહારની સિનિયર ટીમની કૅપ્ટનશીપ કરશે. તેમની આગેવાની હેઠળ ટીમ આગામી ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે.
બીસીએના અધ્યક્ષ હર્ષવર્ધને આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે વૈભવે નાની ઉંમરમાં જ પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને પરિપક્વતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, કૅપ્ટનશીપની જવાબદારી તેમને ક્રિકેટર અને કૅપ્ટન તરીકે વધુ આગળ વધવાની તક આપશે.
બિહાર ક્રિકેટ ઍસોસિએશનની સિનિયર પસંદગી સમિતિની બેઠક 6 નવેમ્બરના રોજ યોજાઈ હતી. ખેલાડીઓનાં ટ્રાયલ્સ અને અગાઉના પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી ટીમ પસંદ કરવામાં આવી હતી. ખેલાડીઓનાં ટ્રાયલ્સ 4 થી 6 નવેમ્બર દરમિયાન યોજાયાં હતાં.
બિહારની 17 સભ્યોની ટીમ:
વૈભવ સૂર્યવંશી (કૅપ્ટન)
આલોકકુમાર
આયુષ લોહારૂકા (વિકેટકીપર)
અલ્તમશ અશરફ
પરમ કુમારસિંહ
અનમોલકુમાર (વિકેટકીપર)
ઋત્વિક રાજ
સૂરજ કશ્યપ (ઉપકૅપ્ટન)
મયંકકુમાર
રાઘવેન્દ્ર પ્રતાપ
આશિષ કુમાર
વસુદેવ પ્રતાપસિંહ
મોહમ્મદ ઇઝહાર
અમોદ યાદવ
પ્રશાંતસિંહ
નવાઝ ખાન
હિમાંશુસિંહ
- ફિટનેસના આધારે અંતિમ નિર્ણય
આ ઉપરાંત, મંગલ મહોર અને શાકિબ હુસૈનની ટીમમાં પસંદગી તેમની ફિટનેસ પર આધાર રાખશે. પ્રથમ બે મૅચ બાદ તેમની ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ તેમની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઇઝરાયલમાં નવી સરકાર ક્યારે બનશે? વિરોધ પક્ષના નેતા આઇઝનકોટનું નિવેદન

ઇમેજ સ્રોત, Reuters / Getty Images
ઇઝરાયલના વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટે કાર્યકારી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, દેશને હાલમાં "સ્થિર અને જવાબદાર નેતૃત્વ"ની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, નેતન્યાહૂને વડા પ્રધાન તરીકે આગળ ચાલુ રહેતાં અટકાવવા અને દેશને ફરી ચૂંટણીનો સામનો કરવો ન પડે તે માટે શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રીય આપાતકાલીન સરકાર ('નૅશનલ ઇમર્જન્સી ગવર્નમેન્ટ') રચવી જોઈએ.
યહૂદી તહેવાર 'શબાત' શરૂ થાય તે પહેલાં દેશના નાગરિકોને સંબોધતાં આઇઝનકોટે કહ્યું હતું, "દેશ હાલમાં ગંભીર અને જોખમી આપાતકાલીન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે."
તેમના મતે વર્તમાન સરકાર ઇઝરાયલના લોકતંત્રના અસ્તિત્વ માટે જોખમ બની ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, યુદ્ધના અનેક મોરચા હજી પણ ખુલ્લા છે અને દેશ એક ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે.
આઇઝનકોટે દાવો કર્યો હતો કે ઇઝરાયલની સંસદના સભ્યો વચ્ચે થયેલી ચર્ચાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, બહુમતી પરિવર્તન ઇચ્છે છે અને તેમને વડા પ્રધાન તરીકે જોવા સમર્થન આપે છે.
તેમણે ઉમેર્યું હતું, "માત્ર 46 સાંસદો નેતન્યાહૂના કાર્યકાળને ચાલુ રાખવાના પક્ષમાં છે, જ્યારે 74 સાંસદોએ તેમના પર અવિશ્વાસ દર્શાવ્યો છે."
આઇઝનકોટે વધુમાં જણાવ્યું હતું કે અલ્પમતમાં ચાલી રહેલી કાર્યકારી સરકાર દ્વારા સુરક્ષા તંત્ર અને કાયદો અમલમાં મૂકતી એજન્સીઓ પર નિયંત્રણ જાળવવું જોખમી છે અને આવી સ્થિતિ એક દિવસ પણ ચાલુ રહેવી ન જોઈએ.
તેમણે માહિતી આપી હતી કે, તેઓ પોતાના સહયોગીઓ સાથે રાષ્ટ્રીય આપાતકાલીન સરકાર રચવા માટે ચર્ચા કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને આગામી સપ્તાહની શરૂઆતમાં સરકાર રચવા માટે સત્તાવાર આમંત્રણ મળી શકે તેવી તેમને આશા છે.
પ્રસ્તાવિત સરકારના ચાર મુખ્ય સિદ્ધાંતો
આઇઝનકોટે નવી સરકાર માટે ચાર પાયાના સિદ્ધાંતો રજૂ કર્યા હતા:
ઇઝરાયલને યહૂદી અને લોકશાહી દેશ તરીકે માન્યતા આપવી.
દેશની સ્વતંત્રતાની ઘોષણાનાં મૂળભૂત મૂલ્યોને સ્વીકારવા.
તમામ નાગરિકો માટે સૈન્ય અથવા રાષ્ટ્રીય સેવા ફરજિયાત બનાવવી.
હમાસને 'ઉગ્રવાદી સંગઠન' ગણીને તેની સૈન્ય અને રાજકીય શક્તિનો અંત લાવવાની પ્રતિબદ્ધતા રાખવી.
તેમણે ઉમેર્યું હતું કે, જે રાજકીય પક્ષો અને સાંસદો આ સિદ્ધાંતો સાથે સંમત હશે, તેમને તેમની આગેવાની હેઠળની સરકારમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, ઍક્સ પર પોસ્ટ કરીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.
15 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની પોસ્ટ શૅર કરતાં ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
સફેદ જર્સીને અલવિદા કહેતા શમીએ ઍક્સ પર લખ્યું કે, 'જ્યારે પહેલી વાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે માત્ર એક જ સપનું હતું - પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાનું.'
પોતાના લાંબા અને સંઘર્ષપૂર્ણ કૅરિયરને યાદ કરતાં તેમણે જણાવ્યું કે દરેક વિકેટ, સંઘર્ષ, ઈજા અને શાનદાર વાપસીએ તેમને જીવનમાં ઘણું શીખવ્યું છે.
આ સફરમાં સાથ આપનાર સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર અને કરોડો ભારતીયોનો આભાર માનતા શમીએ કહ્યું કે, જેમણે સારા અને ખરાબ બંને સમયમાં તેમના પર ભરોસો જાળવી રાખ્યો હતો.
"આ સાથે તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઍસોસિએશન ઑફ બંગાળ (CAB)નો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે, જેમણે તેમની પ્રતિભા પર વિશ્વાસ મૂકીને આગળ વધવાની તકો પૂરી પાડી હતી.
પોતાના નિવેદનના અંતે શમીએ ભાવુક થઈને લખ્યું કે, મેદાન પર તેમના દ્વારા છેલ્લી વખત ટેસ્ટ બૉલિંગ તો થઈ ચૂકી છે, પરંતુ ભારત માટે રમવાનો ગર્વ હંમેશાં તેમના હૃદયમાં જીવંત રહેશે.
મિડટર્મ ચૂંટણીમાં મળેલા ઝાટકા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ વહીવટમાં ફેરબદલ કર્યા

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર પછી સ્ટીફન મિલરને પોતાના નવા ચીફ ઑફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે.
મિલર ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ તૈયાર કરનારા પ્રમુખ લોકોમાંના એક છે.
મિલરની નિમણૂક સાથે જ સૂઝી વાઇલ્સની જગ્યાએ એક નવો ચહેરો વ્હાઇટ હાઉસમાં આ મહત્ત્વપૂર્ણ પદની જવાબદારી સંભાળશે.
રિપબ્લિકન પાર્ટીનું કૉંગ્રેસના બંને ગૃહ પરથી નિયંત્રણ ગુમાવ્યા બાદ વાઇલ્સે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ હારથી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના કાર્યકાળના છેલ્લાં બે વર્ષના એજન્ડાને ઝટકો લાગ્યો છે.
પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે વાઇલ્સે "ખૂબ જ સારું કામ કર્યું છે", પરંતુ "ક્યારેક અમારે ફેરફારો કરવા પડે છે".
ટ્રમ્પના નજીકના સહયોગી અને ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ મિલર સોમવારથી નવી જવાબદારી સંભાળશે. 41 વર્ષીય મિલર ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં પણ વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે.
મિલર એવા ગણતરીના સહયોગીઓમાં સામેલ છે જેમણે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર પછી પણ ટ્રમ્પનો સાથ છોડ્યો ન હતો. ગયા વર્ષે ટ્રમ્પની સત્તામાં વાપસી પછી તેઓ ફરીથી તેમની સાથે કામ કરવા લાગ્યા.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મિલરે ટ્રમ્પને "અમેરિકી ઇતિહાસના સૌથી મોટો બદલાવ લાવનાર રાજકીય નેતા" ગણાવ્યા. તેમણે કહ્યું કે ટ્રમ્પે એકલા હાથે અમેરિકાને એવા લોકોથી બચાવ્યું છે જે તેને બરબાદ કરવા માંગતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























