એ વિશાળકાય ગરુડ જે આકાશ પર રાજ કરતાં હતાં અને બાળકોને ઉઠાવી જતાં

    • લેેખક, કેથરીન લેથમ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ડાયનાસોરનો વિનાશ કરનાર ઉલ્કાપિંડ અથડાયા પછી વિશાળકાય પક્ષીઓ કરોડો વર્ષો સુધી આહારશૃંખલામાં સર્વોચ્ચ શિકારી બની રહ્યાં, અને માણસો પણ તેમનો શિકાર બન્યા.

આપણા પ્રાચીન પૂર્વજોમાંનું એક બાળક 28 લાખ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાના સવાનામાં (ઘાસનાં વિશાળ મેદાનોમાં) ભટકી રહ્યું હતું. તેની ઉંમર માંડ ત્રણ વર્ષની હતી અને હજી તેના દૂધિયા દાંત આવી રહ્યા હતા. ઑસ્ટ્રેલોપિથેકસ આફ્રિકાનસ જાતિનું આ બાળક એ વાતથી અજાણ હતું કે ઉપરથી કોઈ તેને જોઈ રહ્યું છે.

કોઈ ચેતવણી વિના, એક વિશાળકાય શિકારી પક્ષીએ અચાનક નીચે ત્રાપ મારી. તેણે બાળકને પકડી લીધું અને મારી નાખ્યું.

ચેતવણી: આ લેખની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.

આ પ્રાચીન માનવબાળકનો કયા પ્રકારના શિકાર કર્યો હતો એ ચોક્કસપણે જાણી શકાયું નથી. આ બાળક 'તૌંગ ચાઇલ્ડ' તરીકે ઓળખાય છે. જોકે, તેની આંખોના ખાડા પાસે જોવા મળેલાં છિદ્રોનાં નિશાન ગરુડના પંજાના નિશાન સાથે મળતાં આવે છે. ગરુડ આ જ રીતે શિકાર કરે છે. ઘણી વાર તે શિકારનો કેટલોક ભાગ ઝાડ પર રાખે છે અને બાકીનો ભાગ પોતાના માળામાં લઈ જાય છે.

પાષાણયુગમાં જીવવું જોખમોથી ભરેલું હતું. તે સમયે વિશાળકાય પ્રાણીઓનું વિશ્વ પર વર્ચસ્વ હતું. આદિમાનવો મેમથ, મૅસ્ટોડોન, વિશાળકાય સુસ્ત (મહાકાય સ્લોથ) પ્રાણીઓ, તલવાર જેવા દાંત ધરાવતા હિંસક પ્રાણીઓ અને બાળકોનો શિકાર કરતાં વિશાળકાય પક્ષીઓની સાથે રહેતા હતા.

પક્ષીઓ સિવાયના ડાયનાસોરનો અંત આવ્યો ત્યારથી લઈને મહાહિમયુગ આવ્યો ત્યાં સુધીનાં કરોડો વર્ષો દરમિયાન આ વિશાળકાય પક્ષીઓનું આકાશ પર પ્રભુત્વ હતું. તેમના વર્ચસ્વે માનવ ઉત્ક્રાંતિના માર્ગ પર એવી ઊંડી અસર કરી હોઈ શકે છે, જેના પર અત્યાર સુધી પૂરતું ધ્યાન અપાયું નથી.

એમ પણ માનવામાં આવે છે કે દુનિયાભરની સંસ્કૃતિઓમાં પેઢી દર પેઢી સચવાયેલી બાળકોને ઊંચકી જતાં પક્ષીઓની દંતકથાઓમાં આમાંનાં કેટલાંક પક્ષીઓની છાપ રહી ગઈ છે. જોકે, તે પક્ષીઓ પોતે તો ક્યારનાં લુપ્ત થઈ ગયાં હતાં.

આ રાક્ષસી પક્ષીઓ ક્યાંથી આવ્યાં?

જ્યારે બિન-પક્ષી ડાયનાસોર પૃથ્વી પરથી નાશ પામ્યા, ત્યારે આકાશ ધૂળથી ઢંકાઈ ગયું અને મોટાભાગની વનસ્પતિ નાશ પામી. પ્રાણીઓ માટે ખાવા જેવું ખૂબ જ ઓછું બચ્યું હતું; માત્ર બીજ જ ઉપલબ્ધ હતાં. પરંતુ પક્ષીઓ માટે આ સ્થિતિ અનુકૂળ હતી.

શિકારીઓની ગેરહાજરીમાં, જમીન પર રહેતાં ચાંચવાળાં કેટલાંક નાનાં પક્ષીઓ બચી ગયાં અને સમય જતાં તેઓ વિશાળકાય બન્યાં.

તેમાંનાં કેટલાંક શાકાહારી હતાં. જેમ કે, ઑસ્ટ્રેલિયાનાં ડ્રોમોર્નિથિડે પક્ષીઓ, જે 'ડિમન ડક્સ ઑફ ડૂમ' તરીકે ઓળખાય છે. તેઓ આજનાં બતક જેવાં જ હતાં, પરંતુ કદમાં સો ગણાં મોટાં અને વજનમાં ગાય કરતાં પણ ભારે હતાં. કેટલાંક પક્ષીઓએ આકાશમાં ઊડવાનું શરૂ કર્યું અને વિશાળકાય દરિયાઈ શિકારી બન્યાં. તેમાં દક્ષિણ કૅરોલિનાનું પેલાગોર્નિસ સેન્ડર્સી સૌથી મોટું જાણીતું ઊડતું પક્ષી હતું. તેની પાંખોનો ફેલાવો 7 મીટર (24 ફૂટ) જેટલો હતો.

જોકે, કેટલાંક પક્ષીઓએ ટાયરનોસોર જેવા જમીન પરના ટોચના શિકારીઓના લુપ્ત થવાથી ખાલી પડેલી જગ્યા લઈ લીધી. જ્યાં મોટા શિકાર ઉપલબ્ધ હોય, ત્યાં તેનાથી પણ મોટા શિકારીઓનો વિકાસ થાય છે.

આ એ રાક્ષસી પક્ષીઓ હતાં, જેમનો સામનો આપણા પૂર્વજોએ કરવો પડતો હતો.

આધુનિક અને પ્રાચીન પુરાવા

અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના પ્રાઇમેટોલોજિસ્ટ (વાંદરાં અને માનવ સહિતના પ્રાઇમેટ્સના અભ્યાસુ) સ્કૉટ મૅકગ્રૉ કહે છે, "પ્રાઇમેટ્સનું અસ્તિત્વ છે ત્યારથી શિકારી પક્ષીઓ પણ અસ્તિત્વમાં છે. અને શિકારી પક્ષીઓ હંમેશાં પ્રાઇમેટ્સનો શિકાર કરતાં આવ્યાં છે – જેમાં આપણે અને આપણા સગાંનો પણ સમાવેશ થાય છે."

આજે પણ જંગલોમાં આપણા પૂર્વજો અને વિશાળકાય પક્ષીઓ વચ્ચેના પ્રાચીન સંઘર્ષની છાપ જોવા મળે છે.

મૅકગ્રૉએ આઇવરી કોસ્ટના તાઈનાં જંગલમાં શિકારી પક્ષીઓનો શિકાર બનેલાં આજના 600થી વધુ પ્રાઇમેટ્સનાં અવશેષોનો અભ્યાસ કર્યો.

આફ્રિકન ક્રાઉન્ડ ઇગલ જેવાં પક્ષીઓએ આ પ્રાઇમેટ્સનો શિકાર કર્યો હતો. આ અવશેષો પરનાં નિશાન અને તૌંગ ચાઇલ્ડના અવશેષો પરનાં પંજાનાં નિશાન વચ્ચે તેમને આશ્ચર્યજનક સામ્ય જોવા મળ્યું.

કેટલીક ખોપરીઓમાં આંખના ખાડાના તળિયે-એટલે કે આંખના ખાડાના હાડકાંની અંદરની સપાટી પર -નુકસાન થયેલું જોવા મળ્યું હતું.

મૅકગ્રૉ કહે છે, "ગરુડે પોતાની ચાંચથી આંખો બહાર કાઢી લીધી હોય અથવા પંજાથી ખેંચીને બહાર કાઢી હોય એવું જણાતું હતું."

તેઓ કહે છે કે, "અમારા એક સમીક્ષક અશ્મિઓના ભંડારમાં ગયા, તૌંગ ચાઇલ્ડના અવશેષો બહાર કાઢ્યા અને જોયું કે તેના પરનાં નિશાન પણ આવાં જ હતાં."

મૅકગ્રૉ માને છે કે શિકારી પક્ષીઓ નિયમિત રીતે આપણા માનવપૂર્વજોને ખાતાં હશે.

એટલું જ નહીં, પ્રાઇમેટ્સની ઉત્ક્રાંતિ પર અસર કરનારાં સૌથી મહત્ત્વનાં પરિબળોમાં પક્ષીઓ દ્વારા થતો શિકાર પણ એક હોઈ શકે છે. માનવજાત પણ પ્રાઇમેટ્સના જ સમૂહમાં આવે છે.

તેઓ ઉમેરે છે, "વર્ષો દરમિયાન એકત્રિત કરવામાં આવેલા માનવ અશ્મિઓના સમૂહોનો હવે આપણે વધુ ઝીણવટથી અભ્યાસ કરીએ તો, શિકારી પક્ષીઓના હુમલાનાં બીજાં નિશાન પણ મળી આવવાની પૂરી શક્યતા છે. કારણ કે હવે આપણને ખબર છે કે તેવાં નિશાન કેવાં હોય છે. તાઈનાં જંગલમાં જે જોવા મળ્યું છે તે જો કોઈ સંકેત હોય, તો આવી ઘટનાઓ સામાન્ય હતી."

શિકારી પક્ષીઓએ માનવઉત્ક્રાંતિને કેવી રીતે અસર કરી?

બ્રિટનની બ્રાઇટન યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ અને એપ્લાઇડ સાયન્સિસના ડીન જેમ્સ કોલ કહે છે કે પેલિયોએન્થ્રોપોલૉજી (પ્રાચીન માનવોના અભ્યાસ)ના પુરાવાઓમાં તે વાત અંગે ખાસ શંકા નથી કે પ્રાચીન માનવો પોતે શિકાર બનતા હતા.

તેઓ ઉમેરે છે, "ખાસ કરીને શરૂઆતના હોમિનિન (માનવ અને ઉત્ક્રાંતિની દૃષ્ટિએ તેના નજીકના સંબંધીઓ)માં, જેમ કે ગરુડનો શિકાર બનેલું ઑસ્ટ્રેલોપિથેકસ આફ્રિકાનસનું બાળક."

કોલ કહે છે કે આપણા પ્રાચીન પૂર્વજો અનેક શિકારી પ્રજાતિઓનો ખોરાક બનતા હતા. "નિશ્ચિતપણે આપણો શિકાર થતો હતો."

પક્ષીઓથી માંડીને દીપડા, ઝરખ અને વિશાળકાય મગર જેવા શિકારીઓથી બચવાની જરૂરિયાત આપણા પૂર્વજોની ઉત્ક્રાંતિને દિશા આપનારું એક મહત્ત્વનું પરિબળ સાબિત થયું હશે.

માનવામાં આવે છે કે વિશાળકાય પક્ષીઓનો શિકાર બનવાની ઘટનાઓએ આપણા શરીર તેમજ મગજ, બંનેના ઘડતરમાં ભૂમિકા ભજવી હતી.

દાખલા તરીકે, બે પગે ઊભા રહેવાની આપણી ક્ષમતાને કારણે શિકારીઓને દૂરથી જોવાનું સરળ બન્યું હશે.

સહકાર અને પરોપકાર, એકબીજા પરની નિર્ભરતા તથા પરસ્પર રક્ષણની ભાવનાએ પણ આપણને મદદ કરી હશે.

કોલ કહે છે કે જૂથનું કદ ખૂબ મહત્ત્વનું બની ગયું હતું. "સંખ્યામાં વધુ હોવું એટલે વધુ સુરક્ષિત હોવું."

શિકારી પક્ષીઓથી બચવાની વાત આવે ત્યારે સામાજિક જૂથ જેટલું મોટું હોય, એટલું સારું, એવું મૅકગ્રૉ ઉમેરે છે.

સિંહ કે વરુ જેવા પીછો કરીને શિકાર કરનારાં પ્રાણીઓથી વિપરીત, શિકારી પક્ષીઓ ઘણી વાર ઓચિંતો હુમલો કરીને શિકાર કરતાં હોય છે.

તેઓ છુપાઈને રહે છે અને ક્રાઉન્ડ ઇગલ જેવાં પક્ષીઓ તો યોગ્ય સમય આવે ત્યાં સુધી ઝાડ પર છુપાયેલાં રહે છે.

આના પરથી એવું સૂચિત થાય છે કે સામાજિક રીતે સાથે રહેવાની માનવીય વૃત્તિ ખાસ કરીને શિકારી પક્ષીઓથી બચવાની જરૂરિયાતને કારણે વિકસી હોઈ શકે છે.

આમ, જૂથના અનેક સભ્યો એકસાથે નજર રાખી શકે અને અચાનક થતા હુમલાથી ચેતવી શકે. આ ઘટનાને "ઘણી આંખોની અસર" (Many Eyes Effect) કહેવામાં આવે છે.

કોલ ઉમેરે છે કે મોટાં જૂથોમાં રહેવાની વૃત્તિએ ભાષાના ઉદ્‍ભવમાં પણ ફાળો આપ્યો હોઈ શકે છે.

તેઓ કહે છે કે, "મોટા જૂથમાં તમે જુદી જુદી ભૂમિકાઓ વહેંચવા લાગો છો. કેટલાક લોકો એક કામ કરતા હોય અને બીજા લોકો કંઈક અલગ કામ કરતા હોય, ત્યારે તેમની વચ્ચે સંકલન જરૂરી બને છે. અને એક વાર જૂથમાં આ રીતે કામની વહેંચણી શરૂ થાય, પછી માત્ર એકબીજાને જોઈને સંકલન કરવું શક્ય રહેતું નથી."

કોલ કહે છે કે હાથના ઇશારા જેવા સરળ સંદેશાવ્યવહાર માટે લોકો એકબીજાને જોઈ શકે તે જરૂરી છે.

પરંતુ જ્યારે એકબીજાને જોઈ ન શકતા હોઈએ છતાં સંકલન સાધવાનું હોય, ત્યારે ભાષાની ખરી જરૂરિયાત ઊભી થાય છે. દાખલા તરીકે, કોઈ શિકારી નજીક આવી રહ્યો હોય તો બીજાઓને ચેતવવા માટે ભાષાની જરૂર પડે.

મૅકગ્રૉ સૂચવે છે કે આકાશી હુમલાઓમાં મૃત્યુથી બચવાના દબાણે ભાષાની ઉત્ક્રાંતિને પણ કદાચ વેગ આપ્યો હોઈ શકે છે.

પુરાવા દર્શાવે છે કે મોટાભાગનાં પ્રાઇમેટ્સ વિવિધ પ્રકારના શિકારીઓ માટે સામાન્ય ચેતવણીસૂચક અવાજો કાઢે છે.

દાખલા તરીકે, સિંહ કે દીપડો દેખાય ત્યારે તેઓ એકસરખો અવાજ કરે છે. પરંતુ શિકારી પક્ષીઓની વાત આવે ત્યારે તેઓ ચોક્કસ પ્રકારના અલગ અવાજો કાઢે છે.

મૅકગ્રૉના મતે, સંકેત આપવાની આવી વર્તણૂકને માનવીય ભાષાના પ્રારંભિક સ્વરૂપ તરીકે જોઈ શકાય.

ગુનેગાર પક્ષીઓ કોણ હતાં: ગરુડ અને ટેરેટોર્ન

વિશાળકાય શિકારી પક્ષીઓ અને આપણા માનવપૂર્વજો વચ્ચે સૌથી વધુ સંઘર્ષ અમેરિકામાં થયો હોવાનું માનવામાં આવે છે.

અમેરિકામાં વસેલા પ્રાચીન માનવોનો સામનો ટેરેટોર્ન પક્ષીઓ સાથે થતો હશે.

આ વિશાળકાય માંસાહારી પક્ષીઓ પોતાનો શિકાર આખેઆખો ગળી શકતાં હતાં.

ગીધ જેવાં દેખાતાં આ પક્ષીઓ જમીનથી ઘણી ઊંચાઈએ ઊડતાં હતાં. તેમની પાંખોનો ફેલાવો છ મીટર (20 ફૂટ) જેટલો હતો. તેઓ મૃત પ્રાણીઓનું માંસ પણ ખાતાં અને જીવતાં પ્રાણીઓનો શિકાર પણ કરતાં હતાં.

લંડનના નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનાં પક્ષીઓની શરીરરચના સંબંધી સંગ્રહના વરિષ્ઠ ક્યુરેટર જોન કૂપર કહે છે કે આ પક્ષીઓ એટલાં વિશાળકાય હતાં કે માત્ર પાંખો ફેલાવીને હવાના ઊર્ધ્વપ્રવાહનો લાભ લેતાં જ તેઓ ઊડવા લાગતાં હતાં.

ટેરેટોર્ન પક્ષીઓએ આશરે અઢી કરોડ વર્ષ સુધી આકાશ પર વર્ચસ્વ જાળવી રાખ્યું. લગભગ 10 હજાર વર્ષ પહેલાં તેઓ લુપ્ત થઈ ગયાં.

આ સમય અમેરિકામાં પ્રથમ માનવોના આગમન પછીનો હતો.

કૂપરના મતે, ટેરેટોર્ન પક્ષીઓ પરથી જ 'થન્ડરબર્ડ'ની દંતકથાઓ પ્રેરિત થઈ હોઈ શકે છે. અમેરિકાના મૂળનિવાસીઓની પૌરાણિક કથાઓમાં થન્ડરબર્ડની પાંખોનો ફેલાવો વિશાળ હોવાનું વર્ણન છે. તે ગાજવીજ અને વીજળી પર નિયંત્રણ ધરાવે છે તેવી માન્યતા પણ છે.

આયોલોર્નિસ ઇન્ક્રેડિબિલિસ -જેને 'ઇન્ક્રેડિબલ ટેરેટોર્ન' તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે દક્ષિણ કૅલિફોર્નિયા અને નેવાડામાં આતંક મચાવતું હતું.

તેની પાંખોનો ફેલાવો 5.5 મીટર (18 ફૂટ) સુધીનો હતો. તેનાથી વધુ ઉત્તરમાં ઑરેગોનમાં ટેરેટોર્નિસ વુડબર્નેન્સિસ નામના પક્ષીની પાંખોનો ફેલાવો ચાર મીટર (14 ફૂટ) હતો.

આકાશનું આ રાક્ષસી પક્ષી આશરે 12 હજાર વર્ષ પહેલાં જીવતું હતું. તેના અવશેષો મેમથ, મૅસ્ટોડોન અને જમીન પર રહેતાં વિશાળકાય સુસ્ત પ્રાણીઓ (મહાકાય સ્લોથ)ના અવશેષોની સાથે મળી આવ્યા હતા.

આ જ સ્થળે પ્રાચીન માનવોના અવશેષો પણ મળ્યા હતા.

વિશ્વના બીજા છેડે આવેલા ન્યૂઝીલૅન્ડમાં માઓરી લોકોની 'તે હોકિઓઇ'ની દંતકથા છે.

તેમાં બાળકોને ઊંચકી જતું એક વિશાળકાય ગરુડ વર્ણવવામાં આવ્યું છે.

નિષ્ણાતોના મતે, આ દંતકથા હકીકતમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય અને હવે લુપ્ત થઈ ગયેલી 'હાસ્ટ્સ ઇગલ' પ્રજાતિના ગરુડ પર આધારિત હોઈ શકે છે.

કૂપર કહે છે, "હાસ્ટ્સ ઇગલ મૂળભૂત રીતે ઊડતો વાઘ હતો." તેનું વજન પુખ્ત વયના હાર્પી ઇગલ કરતાં લગભગ બમણું હતું. હાર્પી ઇગલ આજે જીવતાં સૌથી મોટાં ગરુડોમાંનું એક છે. હાસ્ટ્સ ઇગલ પોતાનાથી પણ વિશાળ, પરંતુ જમીન પર રહેતાં ચાર મીટર (13 ફૂટ) ઊંચાં 'મોઆ' પક્ષીઓનો શિકાર કરતું હતું. આ વિશાળકાય ગરુડ ઊંચેથી નીચે ત્રાપ મારતું. તેના ભારે વજનને કારણે તેને નોંધપાત્ર વેગ મળતો. તે પોતાના દસ સેન્ટિમીટર (ચાર ઇંચ) લાંબા પંજા વડે શિકારની પીઠ પર પ્રહાર કરતું અને તેને જમીન પર પછાડી દેતું.

કૂપર જણાવે છે કે, "મોઆ પક્ષીઓનાં પેલ્વિસનાં કેટલાંક હાડકાં પર પંજાનાં આટલાં મોટાં નિશાન જોવા મળે છે." તેઓ નોંધે છે કે હાસ્ટ્સ ઇગલ માણસો પર પણ હુમલો કરવા એટલું જ સક્ષમ હતું. "બાળકો તો ચોક્કસ જોખમમાં હતાં. આ અનુભવ અદ્‍ભુત પણ રહ્યો હશે અને ભયાનક પણ."

બાળકોને ઊંચકી જતાં પક્ષીઓની દંતકથાઓ માઓરી અને ઉત્તર અમેરિકાની સંસ્કૃતિઓમાં જ નહીં, ગ્રીક પૌરાણિક કથાઓમાં પણ લાંબા સમય સુધી ટકી રહી હોવાનું કદાચ આ જ કારણ હોઈ શકે છે.

ગ્રીક માન્યતાઓમાં તો બગલાઓ બાળકોને લાવતા નહોતા, પણ તેમને ઊંચકી જતા હતા.

કૂપર કહે છે, "આ પક્ષીઓ જ્યારે ઉપરથી ઊડતાં ત્યારે તેમનો પડછાયો પથરાતો હતો, અને દુનિયાભરની સંસ્કૃતિઓ પર પણ તેમની લાંબા સમય સુધી અસર રહી હતી."

બાળકોનો શિકાર કરતાં ગરુડ

બાળકોનો શિકાર કરતાં ગરુડની વાત માત્ર પ્રાચીન ઇતિહાસ પૂરતી મર્યાદિત ન હોઈ શકે.

ઓગણીસમી સદીના ટેનેસીના એક સમાચાર અહેવાલમાં એક બાળકને 'વિશાળ રાખોડી ગરુડ' દ્વારા ઊંચકી જવાની ઘટના નોંધાઈ છે.

ગરુડે નીચે ત્રાપ મારીને "તેના વિશાળ પંજા નાના છોકરાનાં કપડાંમાં ભરાવી દીધા" હતા. એક નોકરાણી પક્ષીની પાછળ દોડી હતી.

ત્યાર પછી બે માઇલ દૂર પક્ષીએ ક્ષણભર માટે પોતાનો શિકાર નીચે મૂક્યો. નજીકમાં જ એક શિકારીએ જોર-જોરથી બૂમો પાડતાં પક્ષી ત્યાંથી ઊડી ગયું.

સદનસીબે, "તંદુરસ્ત, ગુલાબી ગાલવાળો સુંદર છોકરો" ઘાયલ થયો ન હતો.

આપણે આ વિશાળકાય પક્ષીઓના યુગમાંથી કેવી રીતે બચી નીકળ્યા?

સમગ્ર રીતે જોઈએ તો, વિશાળકાય શિકારી પક્ષીઓએ લગભગ પાંચ કરોડ વર્ષ સુધી આકાશ પર પ્રભુત્વ ધરાવ્યું. ત્યાર પછી, 26 લાખ વર્ષ પહેલાં, પૃથ્વી પર પ્લાઇસ્ટોસીન યુગનો મહાહિમયુગ શરૂ થયો. પ્લાઇસ્ટોસીન યુગમાં આબોહવામાં ભારે ઉતાર-ચઢાવ આવતા હતા. આ પરિબળે માનવ ઉત્ક્રાંતિને વેગ આપ્યો હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, આ યુગના અંત સુધીમાં, એટલે કે 11,700 વર્ષ પહેલાં, વિશાળકાય સસ્તન પ્રાણીઓ લગભગ સંપૂર્ણપણે લુપ્ત થઈ ચૂક્યાં હતાં.

સૌથી મોટાં શિકારી પક્ષીઓ પણ અદૃશ્ય થઈ ગયાં હતાં. આ વિશાળકાય પ્રાણીઓના લુપ્ત થવા પાછળ આબોહવામાં આવેલા ફેરફારો જવાબદાર હતા કે માનવ શિકારીઓ, તે અંગે નિષ્ણાતો ચોક્કસ નથી.

પરંતુ માનવવસતિનો વિસ્તાર અને માનવીઓએ પર્યાવરણતંત્રમાં કરેલા ફેરફારોની સાથે જ 95 ટકા જેટલાં વિશાળકાય પ્રાણીઓ લુપ્ત થયાં હતાં.

કૂપર કહે છે, "આપણે કાં તો તેમને ખાવાનો પ્રયાસ કરતા હતા અથવા તેમની સાથે ખોરાક માટે સ્પર્ધા કરતા હતા."

તેમના મતે, આજના સમયમાં પણ માણસો અને શિકારી પક્ષીઓ વચ્ચે જે તણાવ જોવા મળે છે, તેનું કારણ કદાચ આ જ હોઈ શકે છે.

તેઓ કહે છે, "આપણે તેમનાથી આકર્ષિત થઈએ છીએ, તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેમની સાથે રહેવાનું આપણને હંમેશાં ગમે જ એવું નથી."

પ્લાઇસ્ટોસીન યુગ પૂરો થતાં આબોહવા સ્થિર થવા લાગી. હિમનદીઓ પીછેહઠ કરવા લાગી અને માણસોએ ખેતી શરૂ કરી. આ એક નવા યુગની શરૂઆત હતી -માનવયુગની.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન