તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
'દૃશ્યમ'નો જાદુ : દર્શકો કેમ વારંવાર આ ફિલ્મ તરફ ખેંચાઈ આવે છે?
- લેેખક, યાસીર ઉસ્માન
- પદ, ફિલ્મ ઇતિહાસકાર,બીબીસી ન્યૂઝ હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
પૉપ્યુલર કલ્ચર અને મીમ્સની દુનિયામાં 2 ઑક્ટોબરની તારીખનો વધુ એક અર્થ છે- 'દૃશ્યમ'.
અત્યાર સુધી તો તમને ખબર પડી જ ગઈ હશે કે 2 ઑક્ટોબરે વિજય સાળગાંવકર પોતાના પરિવાર સાથે સ્વામી ચિન્મયાનંદજીના આશ્રમમાં સત્સંગમાં ગયા હતા, ત્યાં પાઉભાજી ખાધી હતી અને 3 ઑક્ટોબરે પાછા આવ્યા હતા!
ફિલ્મના રિલીઝની તારીખ પણ આ કહાણીનો હિસ્સો બની ચૂકી છે. અજય દેવગણ અને તબ્બુ અભિનીત હિન્દી ફિલ્મ 'દૃશ્યમ'નો ત્રીજો અને છેલ્લો ભાગ હવે એ જ ઐતિહાસિક તારીખ એટલે કે 2 ઑક્ટોબરે રિલીઝ થયો.
વર્ષ 2022માં જ્યારે કોવિડ પછી જ્યારે સિનેમાઘરો ફરીથી ખૂલવાં લાગ્યાં, ત્યારે એક સવાલ વારંવાર પુછાઈ રહ્યો હતો, શું દર્શકો ફરીથી સિનેમાઘરોમાં પાછા ફરશે?
ઓટીટીના વધતા પ્રભાવ, દર્શકોની બદલાયેલી આદતો અને મહામારીના લાંબા સમયગાળાએ ફિલ્મોના વ્યવસાયને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારે 'દૃશ્યમ-2' જ તે મહત્ત્વની ફિલ્મ હતી, જેણે દર્શકોને થિયેટર સુધી ખેંચીને સિનેમાના શ્વાસ પાછા લાવ્યા હતા.
345 કરોડ રૂપિયાની કમાણી સાથે 'દૃશ્યમ-2' તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.
એક સામાન્ય પરિવારની આ અસાધારણ વાર્તામાં શું જાદુ છે? લોકો વારંવાર આ રહસ્યમય ચક્રવ્યૂહમાં કેમ ખેંચાય છે?
આ પ્રશ્નનો જવાબ ફક્ત આગામી 'દૃશ્યમ 3'માં જ નહીં, પરંતુ લગભગ 13 વર્ષ પહેલાં મલયાલમ સિનેમાથી શરૂ થયેલી આખી વાર્તામાં છુપાયેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દૃશ્યમ 3'ની અનોખી સ્ક્રિપ્ટ
'દૃશ્યમ'ની મૂળ મલયાલમ ફિલ્મ 2013માં આવી હતી. લેખક-દિગ્દર્શક જીતુ જોસેફે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને જૉર્જકુટ્ટીની ભૂમિકા આપી હતી.
આ પાત્ર અને તેના સસ્પેન્સ સાથે દર્શકો એ હદે જોડાયા કે 'દૃશ્યમ' તે સમય સુધીની સૌથી સફળ મલયાલમ ફિલ્મ બની ગઈ હતી.
પાછળથી હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી ભારતીય ભાષાઓ ઉપરાંત શ્રીલંકા, ચીન અને ઇન્ડોનેશિયામાં પણ તેની સફળ રીમેક બની. એટલે કે વાર્તાએ ભાષા અને ક્ષેત્રની મર્યાદાઓ સરળતાથી પાર કરી લીધી.
હિન્દી વર્ઝન 31 જુલાઈ, 2015ના રોજ રિલીઝ થયું હતું અને તેને ખૂબ જ સફળતા મળી હતી. તેનું નિર્દેશન નિશિકાંત કામતે કર્યું હતું, તે હિન્દીમાં પણ હિટ સાબિત થઈ. હિન્દી દર્શકો માટે અજય દેવગણે વિજય સાલગાંવકરની ભૂમિકા ભજવી હતી અને તબ્બુએ આઇજી મીરા દેશમુખની ભૂમિકા ભજવી હતી.
પરંતુ દરેક ભાષામાં 'દૃશ્યમ'નો અસલી હીરો તેની સ્ક્રિપ્ટ રહી છે. તે અનોખી સ્ક્રિપ્ટ, જેમાં આંખે જોયેલું હંમેશાં સાચું હોતું નથી.
આપણે એ જ માનીએ છીએ જે આપણને બતાવવામાં આવે છે અને અહીંથી જ 'દૃશ્યમ'ની રમત શરૂ થાય છે. વિજયે પુરાવા નથી મિટાવ્યા, તેણે બીજાઓની યાદશક્તિ જ બદલી નાખી.
દરેક વખતે દર્શક વિચારે છે, "હવે તો વિજય ફસાઈ ગયો!" અને દરેક વખતે વાર્તા તેને ચોંકાવી દે છે. શાનદાર સસ્પેન્સ સાથે પાત્રોની અત્યંત સાદગી પણ ફિલ્મને ખાસ બનાવે છે.
નવો જૉનર - ફેમિલી થ્રિલર
થ્રિલરને સિનેમા અને ઓટીટી પ્લૅટફૉર્મ પર ખૂબ જ સફળ જૉનર માનવામાં આવે છે- થ્રિલર. હત્યા, રહસ્ય, પોલીસની તપાસ અને અપરાધ જેવા વિષયો પર ફિલ્મો અને વેબ સિરીઝની કોઈ કમી નથી.
પરંતુ થ્રિલર ફિલ્મોને સામાન્ય રીતે કૌટુંબિક મનોરંજન માનવામાં આવતી નથી. તેમાં ઘણી વાર હિંસા, ગુના, અપશબ્દો અથવા બોલ્ડ દૃશ્યો હોય છે, જેને સામાન્ય ભારતીય પરિવાર સાથે બેસીને જોવામાં અસહજ અનુભવી શકે છે.
'દૃશ્યમ'એ આ સમીકરણ બદલી નાખ્યું અને એક નવો જૉનર ઊભો કર્યો- ફેમિલી થ્રિલર.
થ્રિલરનો સૌથી મોટો પડકાર એ હોય છે કે દર્શકને વારંવાર ચોંકાવવામાં આવે. 'દૃશ્યમ' આ નિયમને પણ બદલતી નજરે પડી. અહીં સૌથી મોટો રોમાંચ એ નથી કે અપરાધ કોણે કર્યો. દર્શક તો તે પહેલેથી જ જાણે છે.
રોમાંચ એ વાતમાં છે કે શું આ પરિવાર બચી શકશે? શું વિજયની બનાવેલી પ્લાનમાં કોઈ ભૂલ થશે? એટલે કે ફિલ્મ રહસ્ય છુપાવવાને બદલે રહસ્ય ખૂલવાનો ડર પેદા કરે છે.
આ સિરીઝની એક ઓછી ચર્ચા પામેલી ખૂબી એ છે કે તેનો નાયક વારંવાર જીતીને પણ રાહત અનુભવતો નથી.
એક સામાન્ય થ્રિલરમાં 'રહસ્ય ખૂલવાનો' ડર દર્શકો માટે રોમાંચ હોય છે. 'દૃશ્યમ'માં એ જ ડર પાત્રો માટે માનસિક બોજ છે. આ જ ફરક ફિલ્મને સસ્પેન્સથી આગળ વધારીને એક મનોવૈજ્ઞાનિક કહાણી બનાવી દે છે.
ફિલ્મને યાદગાર બનાવવા માટે સારી વાર્તા પૂરતી નથી. દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ પણ જરૂરી છે.
"દૃશ્યમ"માં આ જોડાણ ખૂબ જ મજબૂત છે. આ કોઈ એવી વ્યક્તિની વાર્તા નથી જેની પાસે પુષ્કળ સંપત્તિ, સત્તા કે રાજકીય પ્રભાવ છે. તે એક સામાન્ય પરિવાર વિશે છે જે અસાધારણ કટોકટીમાં ફસાયેલો છે.
આ લાગણીઓ દર્શકોને આ વાર્તા અને પાત્રો સાથે જોડે છે.
વાર્તા આટલી 'ભારતીય' કેમ લાગે છે?
"દૃશ્યમ"ની સફળતાનું એક મુખ્ય કારણ એ છે કે તે ફક્ત ભારતીય ભાષામાં બનેલી ફિલ્મ નથી, પરંતુ ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં ઊંડાં મૂળ ધરાવતી વાર્તા છે. છતાં તેની લાગણીઓ દરેક વ્યક્તિ સાથે સંબંધિત છે.
ભારતીય સમાજમાં પરિવારની ભૂમિકા ખૂબ મોટી છે. માતાપિતા માટે બાળકો માત્ર બાળકો હોતાં નથી. તેમની સુરક્ષા, ભવિષ્ય અને સન્માનને લઈને ભાવનાઓ ખૂબ ઊંડી હોય છે.
આવી સ્થિતિમાં, જ્યારે વાર્તામાં એક પિતા પોતાના પરિવારની સુરક્ષા માટે કાયદા સામે લડતો દેખાય છે, ત્યારે પ્રેક્ષકો તેની સાથે ભાવનાત્મક રીતે જોડાય છે.
આ થ્રિલર ફિલ્મમાં મસાલા ફિલ્મોનાં જટિલ ગૅજેટ્સ, ખતરનાક સ્ટન્ટ્સ કે ગ્લેમર નથી. વિજય સાલગાંવકર કોઈ ધનવાન કે શક્તિશાળી માણસ નથી.
તે ન તો પોલીસ છે, ન તો ડિટેક્ટિવ, ન તો ઍક્શન હીરો. તે ચોથા ધોરણનો કૅબલ ઑપરેટર છે.
એ જ માણસ, જેને આપણે આપણી શેરીમાં સવારે દૂધ લેતા, બાળકોને શાળાએ મૂકતા અને મહોલ્લામાં બધા સાથે હસીને મળતા જોઈએ છીએ. એકદમ સામાન્ય વ્યક્તિ.
તેની તાકાત તેનું મગજ છે, જે પોલીસથી બે કદમ આગળ વિચારે છે. તે પોતાની પત્ની અને દીકરીઓને માત્ર બચાવતો નથી, પરંતુ તેમને પોતાની યોજનાનો હિસ્સો પણ બનાવે છે. મુસીબતમાં આખો પરિવાર એકબીજા પર ભરોસો કરીને ઊભો રહે છે.
'દૃશ્યમ' દર્શકોને એક નૈતિક પ્રશ્ન પણ પૂછે છે- વિજયે જે કર્યું તે સાચું હતું કે ખોટું?
ફિલ્મ આ નૈતિક ગૂંચવણનો ખૂબ જ પ્રભાવી રીતે ઉપયોગ કરે છે.
એક એવી ફિલ્મ, જે હત્યાથી શરૂ થાય છે, આખરે પરિવાર વિશે બની જાય છે.
આ પોલીસ અને એક અપરાધી પિતા વચ્ચેની જંગ છે, પરંતુ દર્શકનું હૃદય એક પિતાની સાથે છે.
'દૃશ્યમ'ની સફળતા કદાચ આ પ્રશ્ન પર આધારિત છે - જો તમારા પરિવારને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તમે શું કરશો?
આ પ્રશ્ન ફિલ્મને એક સામાન્ય ક્રાઇમ થ્રિલરથી આગળ લઈ જાય છે અને તેને એક પારિવારિક ફિલ્મ બનાવે છે.
'સિનેમા' છે વિજયનું હથિયાર
'દૃશ્યમ'ની સૌથી સુંદર પરતોમાંથી એક છે તેના હીરોનો મસાલા ફિલ્મો પ્રત્યેનો પ્રેમ. અહીં હીરો ફિલ્મનો શોખીન છે.
જૉર્જકુટ્ટી/વિજયે તેમના જીવનનો અભ્યાસ કોઈ કૉલેજમાં નહીં, પરંતુ ફિલ્મોથી કર્યો છે. આ જ વાત 'દૃશ્યમ'ને એક રસપ્રદ સંદર્ભ પણ આપે છે.
લોકપ્રિય સિનેમા, જેને ઘણી વાર ગંભીર બૌદ્ધિકો 'હળવા' મનોરંજન તરીકે જુએ છે, 'દૃશ્યમ' તે સિનેમાને તેના હીરોની સૌથી મોટી તાકાત બનાવે છે.
ફિલ્મો દ્વારા તે લોકોના વર્તનને સમજે છે, પોલીસ તપાસ વિશે જ્ઞાન મેળવે છે અને ગુના પછી તપાસ કેવી રીતે આગળ વધી શકે તે સમજે છે.
દૃશ્યમ-2 આવે ત્યાં સુધીમાં વિજય પોતે એક ફિલ્મ નિર્માતા બની ગયો હતો. તે આ નવી ઓળખનો ઉપયોગ તેની યોજનાઓમાં ખૂબ જ અસરકારક રીતે કરે છે.
દરેક વખતે નવાં મોહરાં અને દાવ
"દૃશ્યમ" એ ચાલ અને ચેકમેટ્સની એક નવી માનસિક જંગ છે, જ્યાં દરેક વખતે મોહરાં અને દાવ બદલાઈ જાય છે. 'દૃશ્યમ-2' સામે પડકાર હતો કે તે ફરીથી એ જ રોમાંચ કેવી રીતે પેદા કરે.
ફિલ્મે પ્રભાવશાળી અંદાજમાં તેનો જવાબ આપ્યો. આ વખતે સવાલ હતો- શું ભૂતકાળ ક્યારેય પૂરી રીતે દફનાવી શકાય છે? અંતમાં મૃતદેહ છુપાવવાથી લઈને તેને ઠેકાણે લગાડવા સુધીનો પ્લાન ભારે રોમાંચથી ભરેલો હતો.
પરંતુ 'દૃશ્યમ-3' સુધી આવતાં આવતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ.
મલયાલમમાં બનેલી 'દૃશ્યમ-3' મે 2026માં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મે બૉક્સઑફિસ પર મોટી સફળતા હાંસલ કરી છે, પરંતુ સમીક્ષકોની નજરમાં 'દૃશ્યમ 3' પહેલી બે ફિલ્મોની જેમ ખરી ઊતરી નથી.
'દૃશ્યમ-3' (મલયાલમ)ની સમીક્ષા કરતાં 'મિડ-ડે' અખબારે લખ્યું, "પ્રથમ નજરે એવું લાગી શકે છે કે ત્રીજી ફિલ્મના ટ્વિસ્ટ અને ટર્ન એટલા ગૂંચવાયેલા કે પ્રભાવશાળી નથી, જેટલા કે અગાઉના ભાગોમાં હતા. પરંતુ વાસ્તવિક વાત આ જ છે! અગાઉની ફિલ્મોથી વિપરીત, 'દૃશ્યમ 3'માં જૉર્જકુટ્ટી ક્યારેય સંપૂર્ણપણે વાર્તાની કમાન પોતાના હાથમાં રાખી શકતા નથી."
વળી, 'હિન્દુસ્તાન ટાઇમ્સ'એ 'દૃશ્યમ-3'ને "જીતુ જોસેફની આ સુપરહિટ ફ્રેન્ચાઇઝીની સૌથી નબળી કડી" ગણાવી.
અજય દેવગણની હિન્દી ફિલ્મ 'દૃશ્યમ'ના પહેલા બે ભાગ જીતુ જોસેફની મૂળ મલયાલમ ફિલ્મની વાર્તાને સંપૂર્ણપણે અનુરૂપ હતા.
પછી સમાચાર આવ્યા કે "દૃશ્યમ-3"ના હિન્દી વર્ઝનની વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અજય દેવગણે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે "દૃશ્યમ: ધ કન્ક્લુઝન" સંપૂર્ણપણે નવી સ્ક્રિપ્ટ સાથે બનાવવામાં આવી છે. આ હાલની વાર્તામાં નાના ફેરફારોનો મામલો નથી. હિન્દી વર્ઝન "દૃશ્યમ 3"ના મલયાલમ વર્ઝનથી સંપૂર્ણપણે અલગ છે.
સૌથી અગત્યનું, "દૃશ્યમ: ધ કન્ક્લુઝન" શ્રેણીની છેલ્લી ફિલ્મ હશે. દરેક સારી વાર્તાનો એક બિંદુ હોય છે જ્યાં તેનો અંત આવવો જોઈએ.
'દૃશ્યમ'ને એ પણ યાદ રાખવું જોઈએ કારણ કે તેની વાર્તા હિટ ફિલ્મોના નામે બિનજરૂરી રીતે ખેંચવામાં આવી ન હતી, પરંતુ યોગ્ય સમયે બંધ કરવામાં આવી હતી.
તેર વર્ષની સફર પછી, વાર્તા પર પડદો પડી જશે. આશા છે કે, "દૃશ્યમ"ના જાદુમાં આ અંતિમ અભિનય હશે અને અંત યાદગાર રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન