તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
વાવાઝોડું 'અર્નબ' આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું, ભારે વરસાદ અને ભીષણ તોફાન
હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારે આંધ્ર પ્રદેશના કિનારે 'અત્યંત ભીષણ' વાવાઝોડું અર્નબ ત્રાટક્યું છે. વાવાઝોડાનું કેન્દ્ર હજી પણ દરિયાકાંઠાની ખૂબ જ નજીક બનેલું છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતના ઉત્તરીય ભાગમાં વાદળો અને વરસાદી વંટોળનો પટ્ટો હવે જમીન પર પહોંચી ગયો છે. આગામી ત્રણ કલાક સુધી કિનારે ટકારવવાની પ્રક્રિયા ચાલુ રહેવાની આશંકા છે.
હવામાન વિભાગે એક સત્તાવાર પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, "અત્યંત ભીષણ વાવાઝોડું અર્નબનું કેન્દ્ર આંધ્ર પ્રદેશના કિનારે ખૂબ જ નજીક બનેલું છે અને તેના કિનારે ત્રાટકવાની પ્રક્રિયા ચાલુ છે."
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું યાનમની દક્ષિણમાં, બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યું. એ સમયે આ વધુ ભીષણ વાવાઝોડું હતું અને તેની મહત્તમ પવનની ઝડપ 125-135 કિલોમીટર પ્રતિ કલાક હતી.
150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 28 ઑક્ટોબરના રોજ સવારે 1:20 વાગ્યે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
ફ્લાઇટ્સ પર અસર
બુધવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે એક ભીષણ વાવાઝોડું આવવાની શક્યતા હોવાથી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થિતિની સમીક્ષા કરવા અને ફ્લાઇટ્સના સલામત સંચાલનની ખાતરી કરવા માટે એક બેઠક યોજી હતી.
મંત્રાલયે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા વિસ્તારોમાંથી આવતી અને જતી ફ્લાઇટ્સ સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે.
જેમ જેમ અર્નબ દરિયાકાંઠાની નજીક પહોંચ્યું, તેમ તેમ આંધ્રપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો, જેના પરિણામે એક વ્યક્તિનું મોત થયું અને વ્યાપક નુકસાન થયું છે. દક્ષિણ ઓડિશામાં પણ ચિંતા યથાવત્ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. ગ્રેટર વિશાખાપટ્ટનમ કૉર્પોરેશને મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં આમાંથી ધારાશાયી થયેલા 55 વૃક્ષો દૂર કર્યાં હતાં. રસ્તાઓ ખોલવા અને વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે વૃક્ષો હટાવનારી 30 ટીમો કામ કરી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર કેતન ગર્ગે ગજુવાકા જતા પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક ભાગોનું નિરીક્ષણ કર્યું. તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે હાજર રહેવા અને પડી ગયેલાં વૃક્ષો અને કાટમાળને તાત્કાલિક દૂર કરવા નિર્દેશ આપ્યો છે. સફાઈ કર્મચારીઓને રાત સુધી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઘણાં વૃક્ષો ધરાશાયી અને પૂર જેવી સ્થિતિ
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે યાનમમાં અત્યાર સુધીમાં માત્ર 2,000 લોકો રાહત શિબિરોમાં પહોંચ્યા છે. વારંવાર ચેતવણીઓ છતાં, મોટાભાગના લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી. પુડુચેરીના આ વિસ્તારમાં જ્યાં ચક્રવાત કિનારા પર ત્રાટકવાની સંભાવના છે, ત્યાં લગભગ 5,000 લોકો માટે 20 રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવ્યા છે.
યાનામના પ્રાદેશિક વહીવટકર્તા શિવરાજ મીણાએ 'ધ હિંદુ' જણાવ્યું "મોટાભાગના લોકો રાહત શિબિરોમાં જવા તૈયાર નથી. આવી સ્થિતિમાં અમારે તેમને સમજાવવા માટે એનડીઆરએફના જવાનો અને સ્થાનિક પોલીસને તહેનાત કરવા પડ્યા છે."
55,600થી વધુ વસ્તી ધરાવતા યાનમ શહેરમાં લગભગ 100 એનડીઆરએફ જવાનો તહેનાત છે. નુકસાન ઘટાડવા માટે રસ્તાના કિનારે આવેલાં વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારે વરસાદ અને દરિયાઈ પાણી ભરાઈ જવાને કારણે કાકીનાડા જિલ્લામાં બૉમ્બે કટ્ટા વિસ્તાર નજીક પૂરના પાણીમાં ફસાયેલા ચાર લોકોને પોલીસે બચાવ્યા હતા. જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ નોટમાં આ માહિતી આપવામાં આવી છે.
આ ચારેય માણસો સવારે ફરજ પર હાજર થયા હતા પરંતુ રાત સુધી તેઓ ત્યાં ફસાયેલા રહ્યા હતા. પૂરના પાણીએ તે જગ્યાને પૂરી રીતે ઘેરી લીધી હતી જ્યાં તેઓ રોકાયા હતા. આ કારણે તેમના બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમણે પોલીસને પોતાની સ્થિતિની જાણ કરી, જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રેસ રિલીઝ મુજબ, પોલીસે ચારેય લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે અને વાહનમાં બેસાડીને ઘરે મોકલવામાં આવ્યા છે.
દરમિયાન, વાવાઝોડા અર્નબને કારણે કાકીનાડા એન્કરેજ પૉર્ટસ્થિત સીડબલ્યુસી વેરહાઉસમાં ત્રણ લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ અને સમુદ્રનું પાણી પરિસરમાં ઘૂસી જવાથી ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
રાતની શિફ્ટમાં કામ કરતા કામદારો વેરહાઉસ પરિસરમાંથી બહાર નીકળી શક્યા ન હતા ત્યારે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. પૂરના પાણીએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
પોલીસે લોકોને સલાહ આપી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ પોતાના ઘરોમાંથી બહાર ન નીકળે અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહે.
આ સાયક્લોનનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું?
વાવાઝોડું તેના નામ 'અર્નબ'ને લઈને પણ ચર્ચામાં છે. આના નામકરણની પ્રક્રિયા અને તેની પાછળનું કારણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે સૂચવ્યું હતું. આ એક બંગાળી શબ્દ છે, જેનો અર્થ 'મહાસાગર' અથવા 'સમુદ્ર' થાય છે. આ નામ ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના નામકરણની વ્યવસ્થાનો એક ભાગ છે.
ઉત્તર હિંદ મહાસાગરના વાવાઝોડાંનાં નામોની યાદીમાં 52 નામો સામેલ છે. આ નામો 13 દેશો- બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલૅન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમને આપ્યા છે. આ યાદીને એપ્રિલ 2020માં અપનાવવામાં આવી હતી.
બંગાળની ખાડી વિશ્વના એવા પ્રમુખ વિસ્તારોમાંથી એક છે જ્યાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન