તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના આરોપો, હિન્દુત્વવાદી સંગઠનો કેમ ચર્ચામાં?
- લેેખક, શુભાંગી મિશ્રા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
શનિવારે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં પોતાને હિન્દુત્વ સંગઠનોના સભ્યો હોવાનો દાવો કરતા લોકો, દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા લોકોને કથિત રીતે ગાળો બોલતા અને તેમના પર હુમલો કરતા દેખાયા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.
એક વીડિયોમાં, એક વ્યક્તિ રડતાં-રડતાં કહેતી દેખાય છે કે તેની સાથે મારજૂડ થઈ હતી. જ્યારે એક પત્રકાર તેને પૂછે છે કે શું પોલીસે તેને બચાવ્યા, ત્યારે તેમણે જવાબ આપ્યો કે પોલીસે બચાવ્યા નથી.
હિન્દુત્વવાદી સંગઠન હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ, જેને પિંકી ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે વીડિયોમાં મારઝૂડ કરતા જે લોકો દેખાય છે તે તેમના સંગઠનના સભ્યો હતા.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "આ મારા કાર્યકરો છે. હિન્દુ રક્ષા દળ જે કહે છે તે કરીને દેખાડે છે. જેટલા પણ કૉક્રોચ મળ્યા એમનાં દિમાગ ઠીક કરવાની તાકાત હિન્દુ રક્ષા દળમાં છે, અને તે નિરંતર કરતું રહેશે."
સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને હોબાળો મચ્યા બાદ, દિલ્હી પોલીસે આ મામલાને પોતે ધ્યાને લઈને નોંધ લીધી અને ચાર લોકો - રમણ સૈની, વિવેકાનંદ ઉર્ફે વિવેક, કપિલ કુમાર અને રવિન્દર સિંહ ઉર્ફે ગોવિંદ હિન્દુ - વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
કમલા માર્કેટ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓ એ વાતની પુષ્ટિ કરી શક્યા નથી કે વીડિયોમાં જે વ્યક્તિ પર હુમલો થતો જોવા મળી રહી છે તે સગીર છે કે નહીં. તેમણે કહ્યું, "અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને પીડિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ન્યાય સંહિતાની કલમ 126 (શાંતિ જાળવવા માટે સુરક્ષા), 115 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), અને 130 (હુમલો) સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ બાદ વધુ કલમો ઉમેરવામાં આવશે.
બીબીસી પાસે એફઆઈઆરની નકલ નથી.
આરોપીઓ કોણ છે?
હિંસાનો વીડિયો વાયરલ થયા પછી, ભારતીય યુવા કૉંગ્રેસ સહિત અનેક સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પરથી પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી, જેમાં હુમલાખોરોની ઓળખ જાહેર કરવામાં આવી હતી.
પોસ્ટમાં લખ્યું છે કે, "અત્યાર સુધી બેની ઓળખ થઈ ગઈ છે. બંને આરએસએસ-સંલગ્ન સંગઠનોનાફ્રિંજ એલિમેન્ટ્સ છે, જેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બતાવે છે કે તેઓ સતત ઝેર ફેલાવી રહ્યા છે, અને આજે તેમણે પોલીસ સંરક્ષણમાં વ્યક્તિને માર માર્યો."
જોકે, સોશિયલ મીડિયા પર ટીકા છતાં, હુમલાના આરોપોનો સામનો કરી રહેલા લોકોએ પોતાની ઓળખ જાહેર કરવામાં સંકોચ ન કર્યો.
આરોપી કપિલ કુમારના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શેર કરાયેલા વીડિયોમાં તે અને અન્ય એક આરોપી રવિંદર સિંહ જોવા મળે છે.
વીડિયોનું શીર્ષક છે - "જંતર-મંતર પર કૉક્રોચનો ઇલાજ કરી દીધો અમે સારી રીતે."
વીડિયોમાં, તેમને કહેતા સાંભળી શકાય છે કે, "અમે મોદી અને દિલ્હી પોલીસના સમર્થક છીએ, છતાં અમને અટકાયતમાં લેવામાં આવ્યા. અમે તેમનું સન્માન બચાવવા આવ્યા હતા, છતાં અમને અટકાયતમાં લેવામાં આવ્યા."
બીબીસીએ બીજા આરોપી રમણ સૈનીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો.
બીબીસીએ પિંકી ભૈયાનો પણ સંપર્ક કર્યો, પરંતુ તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, "હું પુષ્ટિ કરી શકતો નથી કે આ લોકો અમારી સંસ્થા સાથે સંકળાયેલા છે કે નહીં."
જોકે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ, રવિન્દર સિંહે એક વીડિયોમાં પોતાને હિન્દુ રક્ષા દળના સભ્ય તરીકે ઓળખાવ્યો હતો. પોલીસ અધિકારીઓ તેને લઈ જતા જોવા મળે છે.
ઇટીવી ભારત દિલ્હી દ્વારા અપલોડ કરાયેલા એક વીડિયોમાં, તેમને કહેતા સાંભળી શકાય છે કે, "મને પરેશાન ના કરો. બધા વરિષ્ઠ અધિકારીઓ મને ઓળખે છે."
તે કહે છે, "હું પાછો જઈશ અને તેમને, આ કૉક્રોચોને સીધા કરી દઈશ. જે લોકો દેશ વિરોધી નારા લગાવી રહ્યા છે અને દિલ્હી પોલીસનો ગાળો આપી રહ્યા છે, હું તેમને ઠીક કરી દઈશ. હિન્દુ રક્ષા દળ પાછળ હટશે નહીં."
અન્ય એક વીડિયોમાં, રવિન્દર સિંહ એક પ્રદર્શનકારીને થપ્પડ મારતા પણ જોઈ શકાય છે.
પ્રદર્શન દરમિયાન અથડામણનું કારણ
દિલ્હીના કનૉટ પ્લેસમાં તણાવ હજુ પણ છે. પોલીસ સેન્ટ્રલ દિલ્હીમાં પ્રવેશતા વિરોધીઓની અટકાયત કરી રહી છે. આ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો અને પોલીસ કર્મચારીઓ તહેનાત છે.
પરંતુ પ્રદર્શનકારીઓના એક વર્ગે દિલ્હી પોલીસની આલોચના કરી છે.
તેમનું કહેવું છે કે સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હોવા છતાં, હિન્દુ રક્ષા દળ જેવાં હિન્દુત્વ સંગઠનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ શનિવારે સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોની તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોના સભ્યોના ઍકાઉન્ટ્સમાંથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો વચ્ચે આવ્યું છે, જેમાં તેઓ પોતે હિંસા કરવાનો દાવો કરતા દેખાય છે.
- ઉદાહરણ તરીકે, શનિવારે પિંકી ભૈયાએ ઍક્સ પર બીજો એક વીડિઓ શેર કર્યો. તેણે તેને કૅપ્શન આપ્યું – "મેં તમને કહ્યું હતું કે હિન્દુ રક્ષા દળને છેડશો નહીં. હિન્દુ રક્ષા દળે છોડવું ન જોઈએ. આ મારા યોદ્ધાઓ છે જે સનાતન ધર્મ માટે સંપૂર્ણ તાકાતથી કામ કરી રહ્યા છે. અમને કોઈ રાજકારણમાં કોઈ રસ નથી, પરંતુ જો કોઈ સનાતનને નિશાન બનાવશે, તો અમે તેને ત્યાં પહોંચાડી દઇશું જ્યાં તેમની જગ્યા છે."
હિંસાની ધમકીઓ
શનિવારના વિરોધપ્રદર્શન પહેલાના દિવસોમાં, તેમણે "સનાતનવાદ વિરુદ્ધ" લોકો પર હિંસાની ધમકી આપતા ઘણા વીડિયો પણ શેર કર્યા હતા.
પત્રકાર ધૈર્ય માહેશ્વરીએ ઍક્સ પર એક વીડિયો શેર કર્યો, જેમાં કેટલાક લોકો એક પ્રદર્શનકારીને ઘેરીને તેની પાસે "સૉરી" કહેવડાવતા દેખાય છે.
ધ ક્વિન્ટે રિતેશ ઠાકુર નામની વ્યક્તિનો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. તેણે પોતાને બજરંગ દળના કાર્યકર તરીકે ઓળખાવતાં કહ્યું કે તેનાં સંલગ્ન સંગઠનોના 250 લોકો વિરોધપ્રદર્શનમાં હાજર હતા.
વીડિયોમાં તેમણે કહ્યું, "આ લોકોએ પહેલાં પણ રામ અને સીતા વિશે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. અમે તેમને ફરીથી આવું કરવા દઈશું નહીં."
10 ઑક્ટોબરના રોજ સેન્ટ્રલ દિલ્હીમાં બીબીસીના પત્રકારોએ પણ આવી જ અથડામણો જોઈ હતી.
એક પ્રદર્શનકારીએ કહ્યું, "ચીફ જસ્ટિસ હોય કે રાહુલ ગાંધી, જો કોઈ દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરશે તો અમે પીછે હટ કરીશું નહીં."
બીજી એક વ્યક્તિએ કહ્યું, "આ કૉક્રોચોના કારણે દિલ્હી શહેર જામ થઈ ગયું છે અને બધું કામ ઠપ્પ થઈ ગયું છે."
સોશિયલ મીડિયા પર ફરતા અનેક વીડિયોમાં પ્રદર્શનકારીઓ અને તેમનો વિરોધ કરવા આવેલા લોકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો.
કનૉટ પ્લેસના ઇન્દિરા ચોકમાં જમણેરી સંગઠનોના સભ્યો સાથે અથડામણ કરી રહેલા એક પ્રદર્શનકારીએ બીબીસીને જણાવ્યું "તેઓ અમને કહી રહ્યા છે કે જો અમે વિરોધ ચાલુ રાખીશું, તો તેઓ અમને મારશે. તેઓ કહે છે કે અમે અહીં ગેરકાયદેસર રીતે આવ્યા છીએ."
દરમિયાન, પીટીઆઈના અહેવાલ મુજબ, દિલ્હી પોલીસે સીજેપી વિરોધપ્રદર્શનના સંદર્ભમાં 20 એફઆઈઆર નોંધી છે, જેમાં પોલીસ કર્મચારીઓ પર કથિત હુમલાના કેસનો પણ સમાવેશ થાય છે.
પીટીઆઈ અનુસાર, આ એફઆઈઆરમાં હિન્દુ રક્ષા દળ સાથે સંકળાયેલા ચાર લોકો સામે નોંધાયેલ કેસ પણ સામેલ છે, જેમની વિરોધપ્રદર્શન દરમિયાન વ્યક્તિઓને કથિત ધક્કો મારવા અને હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન