તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
દેશભરમાં દશેરાની ઉજવણી અને રાવણદહન, પીએમ મોદીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ
દેશભરમાં ઠેરઠેર આજે રાવણદહન થઈ રહ્યું છે અને દશેરાની ઉજવણી થઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના આઈપી ઍક્સટેન્શનના ડીડીએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણદહન સમારોહમાં હાજરી આપી હતી.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ દેશ ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે તેમાં આત્મસન્માનની ભાવના હોય.
તેમણે કહ્યું કે દેશનો વારસો આત્મસન્માન વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત પોતાના વારસા અને ઓળખને જાળવવા માટે સમર્પિત છે.
તેમણે કહ્યું, "સદીઓથી આપણો વારસો લૂંટીને વિદેશમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આજે આપણે તેને પાછો લાવી રહ્યા છીએ."
વડા પ્રધાને કહ્યું કે છેલ્લાં 12 વર્ષમાં 650 થી વધુ પ્રાચીન મૂર્તિઓ ભારતમાં પાછી લાવવામાં આવી છે.
તેમણે કહ્યું, "ભારત વિશ્વમાં તેના સાંસ્કૃતિક કેન્દ્રોને નવી ઓળખ આપી રહ્યું છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશનાં ઘણાં સ્થળોને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે ગયા વર્ષે દિવાળીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.
પીએમ મોદીએ તેને "કરોડો ભારતીયોની સામૂહિક ઇચ્છાશક્તિનું પરિણામ" ગણાવ્યું અને કહ્યું કે દેશે ભવિષ્યમાં પણ આવા જ સમર્પણ સાથે કામ કરવું પડશે.
ઇન્સ્ટાગ્રામ પર બીબીસી ઇન્વેસ્ટિગશન પછી સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
સોશિયલ મીડિયા પર બાળકોનાં જાતીય શોષણ અને હિંસક સામગ્રી (CSEAM) પર સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની મોટી અસર પડી શકે છે.
જુલાઈમાં બીબીસીએ કરેલી ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે મેટાના પ્લૅટફૉર્મ, ઇન્સ્ટાગ્રામ પર CSEAM સામગ્રી દર્શાવતી જાહેરાતો ચાલી રહી હતી.
અમારી તપાસને ટાંકીને બાળ અધિકારો માટે કામ કરતાં એનજીઓ 'જસ્ટ રાઇટ્સ ફૉર ચિલ્ડ્રન'એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે 15 ઑક્ટોબરના રોજ એક આદેશ જાહેર કર્યો હતો. આ આદેશમાં કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર CSEAM સામગ્રીને ઓળખવા અને દૂર કરવા માટે માર્ગદર્શિકા અને ગાઇડલાઇન બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જો જરૂર પડે તો કોર્ટે આઈટી ઍક્ટ અને આઈટી નિયમોમાં સુધારા કરવા માટે પણ કહ્યું છે. કોર્ટે અનેક નિર્દેશો પણ જારી કર્યા છે.
- લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદ કરવા માટે, આવા કન્ટેન્ટ વિશે માહિતી આપતો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવો જોઈએ.
- જ્યારે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ આવી સામગ્રી દૂર કરે છે, ત્યારે તેમણે બે કલાકની અંદર અધિકારીઓને જાણ કરવી જોઈએ.
- સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે દર મહિને આવી સામગ્રી દૂર કરવાની સંપૂર્ણ વિગતો સાથે રિપોર્ટ કરવો જોઈએ.
- CSEAM સામગ્રી સંબંધિત ફરિયાદોની તપાસ કરવા માટે ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી જોઈએ.
કોર્ટે કેન્દ્ર સરકારને બે મહિનાની અંદર આ મુદ્દાઓના અમલીકરણ અંગે રિપોર્ટ આપવા જણાવ્યું છે. તેણે એવું પણ સૂચન કર્યું છે કે તે CSEAM સામગ્રીના સંબંધમાં આઈટી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરી પર દંડ લાદવા અને આવી સામગ્રીમાંથી મેળવેલા પ્રૉફિટને જપ્ત કરવા પર વિચાર કરે.
RSSના વડા મોહન ભાગવતે વિજયાદશમીના સંબોધનમાં 'રિજિમ ચૅન્જ' અંગે શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે મંગળવારે જણાવ્યું કે "ભારતમાં સત્તાપરિવર્તન નહીં થાય."
તેમણે ફ્રાન્સ, અલ્બેનિયા અને બાંગ્લાદેશની અશાંતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે "આંદોલનોનો હેતુ સમાધાન શોધવાનો હોવો જોઈએ."
મોહન ભાગવતે કહ્યું કે, "આ તોફાન પશ્ચિમથી ઊઠ્યું છે, જે વ્યવસ્થાના દરેક સ્વરૂપની વિરુદ્ધ છે."
તેમણે ભારતની વિવિધતા અને વૈશ્વિક મંચ પર દેશની પ્રગતિનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે "ભારત, હિંદુ અને આરએસએસ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે."
આરએસએસની સ્થાપનાનાં 101 વર્ષની ઉજવણી નિમિતે સરસંઘચાલકે કહ્યું કે, "આપણે વિભાજિત થયા અને નબળા પડી ગયા. તેના કારણે આપણે ગુલામી સહન કરવી પડી. ઘણા મહાન નેતાઓના પ્રયાસોથી આપણે ગુલામીમાંથી મુક્ત થયા. આપણે ફરી એક વખત આપણા ભાવનાત્મક સંબંધોને સમજવા પડશે."
તેમણે કહ્યુંકે આપણો દેશ કુદરતી વૈવિધ્ય, ધર્મ, જાતિઓ, ખાનપાન અને બીજા અનેક રૂપની વિવિધતાથી પૂર્ણ છે. તેથી આપણને એવી વિચારધારાની જરૂર છે, જે આ બધાનો સ્વીકાર કરે અને તેનું સન્માન કરે."
ટ્રમ્પે ફ્રાન્સની સ્થિતિ માટે બહારથી આવેલા લોકોને જવાબદાર ગણાવ્યા
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે જેના પ્રચાર દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં બનેલી હિંસક ઘટનાઓ માટે બહારથી આવેલા લોકોને જવાબદાર ગણાવ્યા છે.
કેન્સાસમાં એક ચૂંટણીરેલીમાં ટ્રમ્પે ફ્રાન્સની અશાંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આગામી મિડટર્મ ચૂંટણીને મહત્ત્વની ગણાવતાં કહ્યું કે અમેરિકાએ આવી સ્થિતિથી બચવાનું રહેશે.
ફ્રાન્સી હિંસા અને તોડફોડ માટે ટ્રમ્પે "માઇગ્રન્ટ્સ, જેહાદીઓ અને કૉમ્યુનિસ્ટોને" જવાબદાર ગણાવ્યા હતા.
તેમણે યુરોપના ડાબેરી નેતાઓ પર એવી ઇમિગ્રેશન નીતિઓ અપનાવવાનો આરોપ મૂક્યો જે "પશ્ચિમી દેશોનાં મૂલ્યોને નબળાં" કરે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની સ્થિતિની સરખામણી યુરોપ સાથે કરતા કહ્યું કે "અમેરિકાએ એવી ભૂલો ન કરવી જોઈએ જેવી ભૂલો યુરોપે કરી છે."
તેમણે કહ્યું કે "વૈશ્વિક ડાબેરી યુરોપ થર્ડ વર્લ્ડના લાખો માઇગ્રન્ટ્સને લાવી રહ્યું છે, જેનો પશ્ચિમી દેશો સાથે બિલકુલ મેળ નથી. તેઓ ફ્રાન્સની દરેક ચીજથી નફરત કરે છે. તેઓ દેશને બરબાદ કરી રહ્યા છે. અમે અમારા દેશ સાથે તેવું થવા નહીં દઈએ."
ઇટાલીમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન, વડાં પ્રધાન મેલોનીએ ચેતવણી આપી
ઇટાલીના મિલાન શહેરમાં વધતી મોંઘવારી સામે વિરોધપ્રદર્શન થયાં હતાં જે દરમિયાન હિંસક અથડામણો પણ થઈ હતી.
વીકેન્ડમાં પાંચ હજારથી વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ માસ્ક પહેરીને આવ્યા હતા.
તેમણે પોલીસ પર પથ્થરો, કચરાપેટી અને ખુરશીઓ ફેંકી હતી. ત્યાર પછી પોલીસે ટિયર ગૅસના શૅલ છોડ્યા અને પાણીનો મારો કર્યો હતો.
ત્યાર બાદ વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોમવારે સુરક્ષાના મામલે ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
મેલોનીએ શનિવારે કહ્યું કે "પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ અમારાં શહેરોને બરબાદ કરવાનો નહીં."
તેમણે આરોપ લગાવ્યો કે 'તોફાની તત્ત્વો' પ્રદર્શનોનો ફાયદો લઈને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે.
યુરોપમાં ઇટાલી ઉપરાંત ફ્રાન્સ, સ્પેન અને આલ્બેનિયામાં પણ પ્રદર્શનો દરમિયાન હિંસા થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન