તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
કલોલની કોર્ટે ગૌહત્યાના કેસમાં ત્રણને આજીવન કેદની સજા સંભળાવી, વેદ અને મનુસ્મૃતિનો ઉલ્લેખ કેમ કર્યો?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બનેલા ગૌહત્યાના એક ગુનામાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદામાં, સેશન્સ કૉર્ટે હિન્દુ ગ્રંથો વેદ અને મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને ગૌહત્યા બદલ ત્રણને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
2024ની 22 ઑગસ્ટે કલોલ તાલુકાના જામળા ગામની સીમમાં ગેરકાયદે ગૌકતલનો બનાવ બન્યો હતો.
આ ગુનાને લઈને કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 277 કિલોગ્રામ ગૌમાંસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી અને કેસ કલોલ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં લગભગ બે વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે આપેલા ચુકાદાની શરૂઆતમાં કોર્ટે 'ગાયના મહત્ત્વ' પર ચર્ચા કરી હતી.
ચુકાદામાં કોર્ટે પ્રાચીન હિન્દુ ગ્રંથોનો ઉલ્લેખ કરીને, "ગાયને વિશ્વની માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે અને તેમાં 33 કરોડ દેવતાઓ વાસ કરે છે", એવી વાત કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
કલોલ કોર્ટના સરકારી વકીલ જિજ્ઞેશ જોશી જણાવે છે કે, ગાંધીનગરના કલોલ તાલુકાના જામળા ગામ ખાતે 22 ઑગસ્ટ 2024ના રોજ એક ગેરકાયદે કતલખાનું પકડાયું હતું અને તેમાં કુલ છ આરોપીઓ સામે પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો.
"આ કેસ કલોલની સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ બી. આર. રાજપૂત દ્વારા ચલાવવામાં આવ્યો હતો."
જોશી જણાવે છે કે, છ આરોપીઓમાંથી એકનું અગાઉથી અવસાન થયું હતું અને બાકીના પાંચ પૈકી બેને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્રણ આરોપીઓ વિરુદ્ધ જે પુરાવા હતા, તેના આધારે આજીવન કેદની સજા અને ત્રણ-ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જો નિશ્ચિત સમયમર્યાદામાં દંડ ન ભરે, તો મિલકત વેચીને પણ દંડની રકમ વસૂલ કરવાનો ચુકાદો આપ્યો છે."
જોશીએ એવું પણ ઉમેર્યું કે, "આ ચુકાદામાં ન્યાયાધીશે મનુસ્મૃતિ તથા વેદો અને પુરાણોનો આધાર લઈ શ્લોકો ટાંક્યા હતા."
કોર્ટે મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતાં શું કહ્યું?
કલોલ કોર્ટમાં આ કેસના ચુકાદાની શરૂઆત ન્યાયાધીશે આ શ્લોકથી કરી હતી.
गावो विश्वस्य मातरः, गावः सर्वसुखप्रदाः ।
गोरक्षा धर्मकार्य च, न्यायः सत्यस्य रक्षकः ॥
गोवधं यत्र जायेत, धर्मस्य हानिरुच्यते । दोषसिद्धौ विधानेन, दण्डः कार्यो यथाविधि ॥
न्यायमार्गेण राजेन्द्र, धर्मसंस्थापनं भवेत्। जीवसंरक्षणं पुण्यं, न्यायपालनमुत्तमम् ॥
ચુકાદામાં આ શ્લોકનો ગુજરાતી અર્થ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે, "ગાયને વિશ્વની માતા સમાન માનવામાં આવે છે. તે માનવજીવન અને સમાજ માટે ઉપયોગી છે. ગાયનું રક્ષણ કરવું એ ધર્મ અને કરુણાની ભાવના સાથે જોડાયેલું કાર્ય છે. જ્યાં ગાયની હત્યા થાય છે, ત્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો આરોપી સામેનો ગુનો પુરાવાથી સાબિત થાય, તો તેને લાગુ પડતા કાયદા અનુસાર યોગ્ય સજા થવી જોઈએ. ન્યાયના માર્ગે ચાલીને જ ધર્મ અને ન્યાયની સ્થાપના થઈ શકે છે. જીવનું રક્ષણ કરવું અને કાયદાનું પાલન કરાવવું એ ન્યાયી સમાજનાં મહત્ત્વનાં કર્તવ્યો છે."
ચુકાદામાં એવું પણ જણાવાયું છે કે, "હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર મનુસ્મૃતિમાં ગાય (ગોધન)ને માત્ર એક પશુ નહીં, પરંતુ સન્માન અને ધર્મની 'ધરી' તરીકે સ્વીકારવામાં આવી છે. મનુએ પશુઓની રક્ષા અને ગોપાલનની મુખ્ય જવાબદારી વૈશ્ય વર્ણને સોંપી છે. તે જ રીતે 'આર્ષ વિવાદ'માં ગાય અને બળદની જોડીનું વિશેષ મહત્ત્વ છે."
ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે, "વેદો અને હિન્દુ ધર્મગ્રંથો અનુસાર જ્યારે બ્રહ્માજીના મુખમાંથી અમૃતબિંદુના ટીપાં તપસ્યા દ્વારા પૃથ્વી પર પડ્યાં, ત્યારે દિવ્ય અમૃતબિંદુઓમાંથી સુરભિ ગાય (કામધેનુ) પ્રગટ થઈ હતી, જે પૃથ્વી પર તમામ ગૌવંશની માતા માનવામાં આવે છે."
"તે જ રીતે ઋગ્વેદમાં ગાયને 'અઘ્ન્યા' કહેવામાં આવી છે, એટલે કે તેને ક્યારેય હણવા કે મારવા યોગ્ય નથી."
"'ગાવાઃ વિશ્વસ્ય માતરઃ' એટલે કે ગાય વિશ્વની માતા છે, જેમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. ગાયના ચાર પગ એ ચાર વેદોનાં પ્રતીક છે. તે જ રીતે મનુસ્મૃતિ અને હરિવંશ પુરાણ પ્રમાણે ગાય દક્ષ પ્રજાપતિની પુત્રી તરીકે પણ ઓળખાય છે અને ઋષિ સાથે તેમનાં લગ્ન પછી પૃથ્વી પર ગૌધનની સૃષ્ટિ આગળ વધી. ગાયના શિંગડામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તથા તેની આંખોમાં સૂર્ય અને ચંદ્રનો વાસ છે, માટે તે ગૌમાતા કહેવાય છે."
ચુકાદામાં અન્ય એક શ્લોકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો:
त्वं माता सर्वदेवानां त्वं च यज्ञस्य कारणम् ।
त्वं तीर्थं सर्वतीर्थानां नमस्तेऽस्तु सदानघे ॥
ચુકાદામાં આ શ્લોકનો અર્થ આ રીતે ઉલ્લેખિત છે: "તમે તમામ દેવતાઓની માતા છો અને તમે તમામ પવિત્ર યજ્ઞોના અંતિમ સ્રોત અને કારણ છો. તમે તમામ પવિત્ર જળાશયો અને તીર્થક્ષેત્રોમાં સૌથી પવિત્ર તીર્થ છો. હે સદૈવ પવિત્ર, નિર્દોષ અને શુભસ્વરૂપા, હું તમને હંમેશાં પ્રણામ કરું છું."
"આમ, ગાયોના મહત્ત્વને નજર સમક્ષ રાખીને આ કેસનો ગુણદોષ પ્રમાણે" કોર્ટમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના શું હતી?
ફરિયાદી પક્ષ અનુસાર, 22 ઑગસ્ટ 2024ના રોજ ગાંધીનગરના કલોલ તાલુકાના જામળા ગામે આવેલા ઢાંકણીવાસમાં કેટલાક શખ્સો દ્વારા આર્થિક ફાયદા માટે ગેરકાયદે રીતે ગૌવંશની કતલ કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.
"પોલીસે સ્થળ પર દરોડા પાડીને આશરે 277 કિલોગ્રામ ગૌમાંસ (કિંમત અંદાજે રૂ. 55,400) તેમજ કતલ અને હેરાફેરીમાં વપરાતાં હથિયારો, લોડિંગ રિક્ષા, પિકઅપ ડાલુ અને ઍક્ટિવા સહિત કુલ રૂ. 3,61,540નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો."
"આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ પૂર્ણ કરી કલોલની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી."
કલોલ કોર્ટે કેસના આરોપીઓ પૈકી વસીમ કુરેશી, મહમદ રફીક અને અશફાક ઉર્ફે સલમાનને દોષિત જાહેર કર્યા હતા
ચુકાદા અનુસાર, ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ, 2017ની જોગવાઈઓ હેઠળ દોષિતોને આજીવન સખત કેદની સજા અને પ્રતિ આરોપી રૂ. 2 લાખનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે તથા અન્ય કલમો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને પ્રતિ આરોપી રૂ. 1 લાખનો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
"જો 30 દિવસની અંદર દંડની રકમ જમા કરવામાં નિષ્ફળ જશે, તો કાયદેસરની વસૂલાત માટે વૉરંટ ઇશ્યૂ કરવામાં આવશે."
સતત પ્રયાસ છતાં આ મામલે આરોપી કે દોષિતોનો પક્ષ જાણી શકાયો નથી. તેમનાં સગા કે વકીલનો સંપર્ક થતા એ પક્ષ પણ આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન