ઇઝરાયેલ ચૂંટણી : કતાર-તુર્કી પાસેથી ફંડિંગના નેતન્યાહૂની પાર્ટીના આરોપ પર વિપક્ષે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇઝરાયેલમાં વિપક્ષના મુખ્ય નેતા ગાદી આઇઝનકોટ અને આરબ નેતૃત્વવાળી પાર્ટીઓના નેતાઓએ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આકરી ટીકા કરી છે.

નેતન્યાહૂએ ચૂંટણીમાં પોતાના ગઠબંધનની બહુમતી ગુમાવ્યા બાદ વિદેશી હસ્તક્ષેપનો આરોપ મૂક્યો હતો.

નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ ઇઝરાયેલની આરબ નેતૃત્વવાળી પાર્ટીઓ પર ચૂંટણી "ચોરી" કરવાનો આરોપ મૂક્યો હતો. દેશની આંતરિક સુરક્ષા એજન્સી 'શિન બેટ' એ બાબતની તપાસ કરી રહી છે કે શું આ પાર્ટીઓને કતાર અને તુર્કી પાસેથી ગેરકાયદેસર નાણાં મળ્યાં હતાં કે નહીં.

કતારના વિદેશ મંત્રાલયે આ આરોપોને "હાસ્યાસ્પદ અને ખતરનાક" ગણાવીને ફગાવી દીધા હતા. તેણે ઇઝરાયેલી નેતાઓ પર દોહા વિરુદ્ધ દુષ્પ્રચારની ઝુંબેશ ચલાવવાનો આરોપ પણ મૂક્યો હતો.

અંતિમ પરિણામોથી સ્પષ્ટ થયું છે કે ન તો નેતન્યાહૂના ગઠબંધનને કે ન તો યહૂદી વિપક્ષને સંસદમાં બહુમતી મળી છે.

'જોઇન્ટ લિસ્ટ' અને 'રાઅમ' નામની બે આરબ પાર્ટીઓએ અપેક્ષાથી વિપરીત પ્રદર્શન કરતાં 120 સભ્યોવાળી સંસદમાં રેકૉર્ડ 19 બેઠકો જીતી છે. આરબ મતદારોમાં મતદાન વધ્યા બાદ આ પરિણામ સામે આવ્યું છે.

આથી આ પાર્ટીઓ સરકાર રચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સ્થિતિમાં આવી ગઈ છે. નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી હતી, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ગાદી આઇઝનકોટના ગઠબંધને 48 બેઠકો મેળવી હતી.

ગુરુવારે લિકુડ પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે, આરબ પાર્ટીઓને મત આપવા માટે મતદારોને "લાંચ આપવામાં આવી" હતી. તે પહેલાં કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખે સુરક્ષા એજન્સી શિન બેટને વિદેશી હસ્તક્ષેપ અંગેની 'ગંભીર શંકાઓ'ની તપાસ કરવા કહ્યું હતું.

બંને આરબ પાર્ટીઓએ આ આરોપોને કડક શબ્દોમાં નકારી કાઢ્યા હતા. જોઇન્ટ લિસ્ટે જણાવ્યું કે, આ આરોપોનો કોઈ આધાર નથી.

નેતન્યાહૂના વિવેચકોનું માનવું છે કે આ વિવાદ આરબ પાર્ટીઓની કાનૂની માન્યતા પર સવાલ ઊભા કરવાનો પ્રયાસ છે. તેના કારણે આઇઝનકોટ માટે આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું રાજકીય રીતે અશક્ય બની શકે છે. હાલમાં સત્તા સુધી પહોંચવા માટે તેમના ગઠબંધન પાસે આ જ એક માર્ગ છે.

ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હતો કે કતારે આરબ સમુદાયોમાં મતદાન વધારવાના હેતુથી ફંડિંગ કર્યું હતું.

કતારના વિદેશ મંત્રાલયે આ દાવાઓને 'સંપૂર્ણપણે' ફગાવી દીધા હતા. નેતન્યાહૂ અને તેમની લિકુડ પાર્ટીએ આ આરોપોને 'રાજકીય ભૂકંપ' અને 'લોકશાહી પર હુમલો' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેનો હેતુ તેમની દક્ષિણપંથી સરકારને સત્તામાંથી દૂર કરવાનો છે.

જોકે બાદમાં શિન બેટે સ્પષ્ટ કર્યું હતું કે તેની તપાસમાં કાયદેસર રીતે મતદાન કરનાર તમામ લોકોને શંકાના ઘેરામાં રાખવામાં આવ્યા નથી.

બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી સમિતિના કાર્યકારી મહાનિર્દેશક ડીન લિવનેએ જણાવ્યું કે ચૂંટણીની નિષ્પક્ષતાના વ્યવસ્થિત ઉલ્લંઘનના આરોપોનો 'કોઈ આધાર નથી.'

તપાસ અંગે માહિતી આપવામાં આવ્યા બાદ આઇઝનકોટે કહ્યું, "હજુ એ નક્કી કરવું ઉતાવળભર્યું હશે કે શું થયું હતું અથવા ખરેખર કંઈ થયું પણ હતું કે નહીં."

તેમણે નેતન્યાહૂ પર "ચૂંટણીનાં પરિણામોની માન્યતા ખતમ કરવા માટે સુનિયોજિત અને સંગઠિત અભિયાન ચલાવવાનો" આરોપ મૂક્યો હતો.

અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી : અત્યાર સુધી 4.3 કરોડથી વધુ મતદાતાઓએ કર્યું મતદાન

અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ ચૂંટણીથી નક્કી થશે કે આગામી બે વર્ષ સુધી અમેરિકી સંસદ (કૉંગ્રેસ) પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે. તે પહેલાં જ 4.3 કરોડથી વધુ અમેરિકન નાગરિકો મતદાન કરી ચૂક્યા છે.

યુનિવર્સિટી ઑફ ફ્લૉરિડાની ઇલેકશન લૅબના આંકડા મુજબ, દરરોજ 40 થી 50 લાખ લોકો સમય પહેલાં મતદાન કરી રહ્યા છે. આ આંકડો અગાઉની મોટાભાગની ચૂંટણીઓની સરખામણીમાં ઘણો વધુ છે.

ઇલેકશન લૅબના ડેટાબેસનું સંચાલન કરતા પ્રોફેસર માઇક મૅક્ડૉનાલ્ડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ટૅક્સાસમાં સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ મતદાન થયું છે. હિસ્પાનિક સમુદાયોમાં પણ સામાન્ય કરતાં ઘણું વધુ મતદાન જોવા મળ્યું છે.

કુલ મળીને આ વખતે મતદાનનો આંકડો વર્ષ 2020 અથવા 2018ની ચૂંટણીઓથી પણ આગળ નીકળી શકે છે. વર્ષ 2018ની મધ્યાવધિ ચૂંટણી દરમિયાન મતદાનનો રેકૉર્ડ બન્યો હતો, જેણે વર્ષ 1914નો રેકૉર્ડ પાછળ છોડી દીધો હતો.

મૅક્ડૉનાલ્ડના જણાવ્યા મુજબ, ટૅક્સાસમાં 2022ની ચૂંટણીઓની તુલનામાં અત્યાર સુધી લગભગ 17.5 લાખ વધુ લોકો મતદાન કરી ચૂક્યા છે. આ રાજ્યમાં 58 લાખથી વધુ બૅલેટ નાખવામાં આવી ચૂક્યા છે.

ટૅક્સાસ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. અહીંનાં પરિણામો નક્કી કરી શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળના બાકીના સમય દરમિયાન સેનેટ પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે.

જે રાજ્યોમાં મતદાતાઓને નોંધણી દરમિયાન પોતાની રાજકીય પાર્ટીની માહિતી આપવી જરૂરી હોય છે, ત્યાંના આંકડા દર્શાવે છે કે ડેમૉક્રેટિક પાર્ટીના મતદાતાઓના મતમાં વધારો થયો છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીના પ્રારંભિક મતદાનના આંકડા વર્ષ 2022ની આસપાસ જ સ્થિર રહ્યા છે.

મૅક્ડૉનાલ્ડના જણાવ્યા અનુસાર, એવા મતદાતાઓમાં પણ પ્રારંભિક મતદાન વધ્યું છે, જેઓએ કોઈ વિશિષ્ટ રાજકીય પાર્ટી સાથે પોતાની નોંધણી કરાવી નથી. જોકે, આ આંકડા પરથી એ જાણી શકાતું નથી કે તેમણે કયા ઉમેદવારોને મત આપ્યો છે.

ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, પ્રારંભિક મતદાનમાં 44 ટકા મત ડેમૉક્રેટિક પાર્ટીના મતદાતાઓએ આપ્યા છે, જ્યારે 31.2 ટકા મત રિપબ્લિકન પાર્ટીના મતદાતાઓએ આપ્યા છે.

જ્યારે 24.7 ટકા મત એવા મતદાતાઓના છે, જેઓએ કોઈ રાજકીય પાર્ટી સાથે પોતાનું જોડાણ નોંધાવ્યું નથી. જોકે, આ આંકડા માત્ર તે લગભગ અડધાં રાજ્યોના છે, જ્યાં મતદાતાઓ માટે રાજકીય પાર્ટી સાથેનું જોડાણ દર્શાવવું જરૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન