ગુજરાતમાં પશુઓ માટે વીમા કવચ કેવી રીતે મેળવી શકાય, સરકાર તરફથી કેટલી સહાય મળશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેતા ખેડૂતો અને પશુપાલકો પરેશાન છે. ત્યારે ગુજરાતના પશુપાલકો માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે પશુપાલકોની વ્યથા હળવી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને જ સરકારે ગુજરાતના ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરી હતી.

દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર અને પોરબંદરમાં ઓછો વરસાદ પડતાં પશુપાલકો સંકટમાં પડ્યા હતા. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં પણ પશુપાલકોને મુશ્કેલી પડી રહી હતી.

કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પશુપાલન મંત્રી જિતુ વાઘાણીએ પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, "નૅશનલ લાઇવસ્ટૉક મિશન" અંતર્ગત 'પશુધન વીમા સહાય યોજના'ની રાજ્યમાં અમલવારી કરવામાં આવી રહી છે.

મંત્રી જિતુ વાઘાણીએ યોજનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, "પશુધન એ પશુપાલકની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી, અચાનક પશુના મૃત્યુના કિસ્સામાં થતા આર્થિક નુકસાન સામે પશુપાલક પરિવારને રક્ષણ આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે."

આમ, ગુજરાત સરકારે પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે આ વર્ષે કુલ એક લાખ પશુઓને વીમા સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે કેવી રીતે આ પશુવીમો મેળવી શકાશે અને કેટલું પ્રીમિયમ ભરવું પડશે તેમજ કોને કોને આ પશુવીમા યોજનાનો લાભ મળશે, જાણો આ અહેવાલમાં.

ગુજરાતમાં અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા મુજબ પશુપાલક 229 રૂપિયા પ્રતિ પશુ ચૂકવીને પોતાના પશુ માટે 40 હજાર રૂપિયા સુધીનું એક વર્ષનું વીમા કવચ મેળવી શકશે.

પશુપાલકોને વીમા પ્રીમિયમમાં 85 ટકા એટલે કે રૂ. 1300 પ્રતિ પશુની સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ પ્રતિ કુટુંબ ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટ, આખલા, બળદ અને પાડા જેવાં મહત્તમ 10 મોટાં પશુ અથવા 100 નાનાં પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાની જોગવાઈ રાખવામાં આવી છે.

મંત્રી જિતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2026-27 માટે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે રૂ. 250 લાખની જોગવાઈ કરવામાં આવી છે, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. 115 લાખની ફાળવણી થઈ ચૂકી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રૂ. 55 લાખની 'રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના' પણ મંજૂર કરાઈ છે.

વર્ષ 2026-27ના વર્ષમાં રાજ્યનાં એક લાખ પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સરકારની પ્રેસનોટ અનુસાર, ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષ દરમિયાન રાજ્યમાં 12,228 પશુપાલકોનાં 48,695 પશુઓને આ યોજના હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યાં હતાં.

'87 હજારથી વધુ અરજી આવી ચૂકી છે'

પશુઓના વીમા માટે અરજી ઑનલાઇન કરવાની છે.

સૌપ્રથમ તો સરકારી વેબસાઇટ 'આઇ-ખેડૂત' પોર્ટલ પર અત્યાર સુધીમાં 87,147 પશુઓના વીમા માટે અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે.

આ તમામ પાત્ર અરજીઓને વીમા કવચ હેઠળ આવરી લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી જિતુ વાઘાણીએ રાજ્યના તમામ પશુપાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે પશુપાલકો પોતાના પશુઓનો સમયસર વીમો કરાવી લે, પશુનો ઓળખ ટૅગ જાળવી રાખે અને નોંધણી સમયે જરૂરી સાચી વિગતો દર્શાવે, જેથી મુશ્કેલીના સમયે ત્વરિત સહાય મેળવી શકાય.

વિશ્લેષકો શું કહે છે?

પશુપાલકોના પ્રશ્નોને લઈને કામ કરતાં કર્મશીલ સાગર રબારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે સરકારે જે કહ્યું છે કે પશુનું અચાનક મોત થાય તો પશુપાલકને નુકસાન ન જાય એટલે સરકારે આ યોજના લાવી છે.

"પરંતુ 40 હજારમાં ગાય-ભેંસ મળતાં નથી એટલે યોજના લાવ્યા પણ તેમાં પૂરતું વળતર કવર થતું નથી."

"અત્યારે ભેંસ 80 હજારથી 1 લાખની મળતી હોય છે. એટલે આ વીમો અપૂરતો છે."

સાગરભાઈ કહે છે, બીજી તરફ, સરકારે પશુપાલકને માથે 15 ટકા વીમો નાખ્યો છે પ્રીમિયમના 85 ટકા સરકાર ભરશે.

"પરંતુ આ અગાઉ જે ફસલ વીમા યોજના હતી એમાં ખેડૂતને માથે માત્ર 2 બે ટકા હતું તેથી પશુપાલક માટે આ વખતે ટકાવારી ઊંચી છે."

"પશુપાલક વીમો લેવા માટે પ્રેરાય તે માટે ટકાવારી નીચી હોવી જોઈએ અને ઉપરાંત વીમો એક વર્ષનો છે એટલે દર વર્ષે એણે 229 રૂપિયા આપવાના છે."

"ગુજરાતમાં 40 લાખથી વધારે પશુપાલકો છે. આમાં 250 લાખ એટલે 2 કરોડ અને 50 લાખ 72 હજાર પશુપાલકોને કવર કરવાના છે. તો તમે પશુપાલકોનો કેટલા ટકા કવર કરશો તે એક સવાલ છે? એટલે દુષ્કાળના વર્ષમાં શ્રેય લેવા પૂરતી આ જાહેરાત છે."

કિસાન કૉંગ્રેસ પ્રમુખ જયેશ પટેલ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે "ગુજરાતના જિલ્લા ઉત્પાદક સંઘોના પશુઓની વાત કરીએ તો એ લગભગ એક કરોડ કરતાં વધારે પશુધન છે. અને તેમાંથી ફક્ત એક લાખને સહાય આપવાની વાત છે. એટલે આમ જોઈએ તો એક ટકા થયું."

"આ કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા સિવાય કે પૂરતી માહિતી લીધા સિવાય ફક્ત એક લાખ પશુને આપવાની જે વાત છે તે ખોટી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન