'રામાયણ'માં રાવણ બનવા માટે યશે કેમ હા પાડી? જાણો તેની પાછળનું કારણ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

રણબીર કપૂરની ફિલ્મ "રામાયણ" આ દિવાળીએ રિલીઝ થઈ રહી છે. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેના અધધ બજેટથી માંડીને તેના કાસ્ટિંગને કારણે ખાસ્સી ચર્ચામાં છે.

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર ફિલ્મમાં રામ અને સાઇ પલ્લવી સીતાની ભૂમિકા ભજવી રહ્યાં છે.

તેમાં વધુ એક નામ અંગે પણ ઉત્સુકતા પ્રવર્તે છે અને તે છે કન્નડ ફિલ્મોના અભિનેતા યશ.

યશ ફિલ્મમાં રાવણનો રોલ ભજવી રહ્યા છે અને સાથે જ તેઓ આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે.

ફિલ્મનો પહેલો ભાગ આગામી પાંચમી નવેમ્બરે રિલીઝ થવાનો છે.

આઠમી જાન્યુઆરી, 1986ના રોજ કર્ણાટકના હાસન જિલ્લામાં જન્મેલા યશનું સાચું નામ નવીનકુમાર ગૌડા છે.

જોકે, આજે તેઓ તેમના સાચા નામથી ઓછા અને 'રૉકિંગ સ્ટાર યશ'ના નામથી વધુ ઓળખાય છે.

બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો તેમને નવીનકુમાર ગૌડાના નામે બોલાવવામાં આવે, તો તેમની પ્રતિક્રિયા શું હશે, ત્યારે યશે મજાકમાં કહ્યું - એ કોણ છે?

કારણ કે, મોટાભાગના લોકો તેમને તેમના સાચા નામથી નથી ઓળખતા.

તો, એક નાના શહેરમાંથી આવીને કન્નડ સિનેમાના અગ્રણી સ્ટાર્સની હરોળમાં સામેલ થવાની અને હવે રાવણની ભૂમિકા ભજવવા સુધીની યશની સફર કેવી રહી?

ફિલ્મોમાં યશનો પ્રવેશ શી રીતે થયો?

યશનો પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો નહોતો. તેમના પિતા બસ ડ્રાઇવર હતા અને યશે અભ્યાસ પૂર્ણ કર્યા પછી થિયેટર તથા ટેલિવિઝનમાં તેમની અભિનયની કારકિર્દી શરૂ કરી હતી.

2014માં ઝી કન્નડના "વીકેન્ડ વિથ રમેશ" કાર્યક્રમમાં વાત કરતાં યશે જણાવ્યું હતું કે, તેઓ બાળપણથી નાટક અને નૃત્યની સ્પર્ધાઓમાં ભાગ લેતા રહ્યા હતા. ઘણી નાની વયથી જ યશને લોકો દ્વારા મળતી પ્રશંસા એટલી ગમી ગઈ કે, તેમને તેનું વળગણ થઈ ગયું.

તેઓ કહે છે, "મારા શિક્ષકો જ્યારે મને 'હીરો' કહીને બોલાવતા, ત્યારે મને એ ઘણું ગમતું. ધીમે-ધીમે મારા મનમાં હીરો બનવાનો વિચાર મૂળ કરતો ગયો. બસ, ત્યારે જ મેં નક્કી કર્યું કે, ચાહે ગમે તે થાય, મારે ફિલ્મોમાં અભિનેતા બનવું જ છે."

પરંતુ, શરૂઆતનું જીવન મુશ્કેલ હતું. જુદા-જુદા ઇન્ટરવ્યૂઝમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા બીએમટીસી (બેંગ્લોર મૅટ્રોપોલિટન ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન)ના ડ્રાઇવર હતા અને દિવસના માત્ર 14 રૂપિયા જેટલી આવક રળતા હતા. તેમના પરિવારમાં તેમની સાથે માતા અને નાનાં બહેન છે.

પરિવારની જરૂરિયાતોને પગલે યશ અભ્યાસ છોડીને કરિયાણાની દુકાન ચલાવવામાં મદદ કરવા માંડ્યા.

જ્યારે તેમણે ફિલ્મોમાં પ્રવેશવાનો તેમનો નિર્ણય પરિવારને જણાવ્યો, ત્યારે તેમનો પરિવાર ખાસ ખુશ નહોતો થયો. તેમના પિતા ઇચ્છતા હતા કે, યશ સરકારી અધિકારી બને.

'ઘર છોડ્યું, ત્યારે મારા ખિસ્સામાં માત્ર 300 રૂપિયા હતા'

2019માં ધ ન્યૂઝ મિનિટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે ઘર છોડીને બૅંગ્લુરુ જતા રહ્યા હતા. તે સમયે તેમના ખિસ્સામાં માત્ર 300 રૂપિયા હતા.

ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "હું બૅંગ્લુરુ પહોંચ્યો, ત્યારે ત્યાં જઈને ડરી ગયો હતો. કેટલું મોટું શહેર! પણ હું હંમેશાં ઘણો આત્મવિશ્વાસુ રહ્યો છું. હું સંઘર્ષ કરવાથી ડરતો નહોતો. હું જાણતો હતો કે, જો હું પાછો જતો રહીશ, તો મારાં માતાપિતા મને ફરી કદી અહીં આવવા નહીં દે."

તેમના જણાવ્યા પ્રમાણે, માતાપિતાએ તેમને અલ્ટિમેટમ આપી દીધું હતું કે, તેઓ હીરો તરીકે નસીબ અજમાવવા સ્વતંત્ર હતા, પણ જો સફળતા ન મળે, તો તેમણે માતા-પિતાની ઇચ્છાને અનુસરવી પડશે.

'થિયેટરે મને એક અલગ માણસ બનાવ્યો'

'વીકેન્ડ વિથ રમેશ'માં પોતાના મિત્ર નંજુંદ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, "નંજુંદે થિયેટર સાથે મારો પરિચય કરાવ્યો. પહેલાં, હું ફક્ત પૌરાણિક નાટકો વિશે જ જાણતો હતો, જેમાં ગદાથી લડનારાં પાત્રો હતાં. સામાજિક નાટકો વિશે મને બિલકુલ જાણકારી ન હતી. નંજુંદ મારફત હું થિયેટરની દુનિયાને જાણતો થયો."

યશે આગળ કહ્યું હતું, "હું જ્યારે પ્રથમ વખત 'બેનકા' થિયેટર ગ્રૂપ સાથે જોડાયો, તે પછી મારી આખી દુનિયા બદલાઈ ગઈ. મને લાગે છે કે, થિયેટરે મને એક અલગ માણસ બનાવ્યો અને મારા વ્યક્તિત્વને બદલવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી."

કારકિર્દીની પહેલી મોટી ફિલ્મ યોગાનુયોગે મળી હતી

યશે 2007માં આવેલી ફિલ્મ "જમ્બાડા હુડુગી"માં સહાયક અભિનેતા તરીકે તેમની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. અગાઉ તેઓ "ઉત્તારન" અને "નંદ ગોકુલ" સહિતના ઘણા ટીવી શોમાં કામ કરી ચૂક્યા હતા.

"નંદ ગોકુલ" ઘણો લોકપ્રિય ટીવી શો હતો અને આ શોએ યશને સારી એવી પ્રસિદ્ધિ અપાવી. યશ અને રાધિકા પંડિતની જોડીને દર્શકોએ વધાવી લીધી. આ શો 2004થી 2007 સુધી પ્રસારિત થયો હતો.

યશને ઓળખ અપાવનારી ફિલ્મ 'મોગિન્ના મનસુ' 2008માં રિલીઝ થઈ હતી. 'વીકેન્ડ વિથ રમેશ'માં યશે આ ફિલ્મમાં તેમના કાસ્ટિંગ વિશે એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો, "ફિલ્મમાં એ રોલ માટે અન્ય એક અભિનેતાની પસંદગી થઈ હતી, પણ મુહૂર્ત દરમિયાન, બાઇક પરથી પડી જતાં તેને ઈજા થઈ અને તે શૂટ કરી શકે એમ નહોતો. ટીમને અન્ય એક અભિનેતાની જરૂર હતી. આખરે, હું પસંદ થયો."

આ બનાવ યાદ કરતાં ફિલ્મના દિગ્દર્શક શશાંક કહે છે, "મેં એક સીરિયલમાં યશને જોયો હતો. મને તેનો અભિનય ગમી ગયો. જ્યારે મેં નવા કલાકારોને લઈને 'મોગિન્ના મનસુ' બનાવવાનું નક્કી કર્યું, ત્યારે આ રોલ માટે મારા મનમાં યશનું નામ આવ્યું."

આગળ તેઓ ઉમેરે છે, "પાત્રને સમજવા માટે યશે ઘણી મહેનત કરી હતી. દરેક શોટ પહેલાં યશ પૂછતા હતા, 'આ દૃશ્ય હું આ રીતે કરું કે પછી બીજી કોઈ રીતે?' એક જ દૃશ્ય માટે તેઓ મને ઘણા વિકલ્પો આપતા. તેમનામાં અભિનય, નૃત્યના કૌશલ્ય ઉપરાંત સમર્પણ અને કામ પ્રત્યે આદર ભાવના પણ હતાં."

બૉક્સ ઑફિસ પર આ ફિલ્મે સારી કમાણી કરી. યશે "મોગિન્ના મનસુ" માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ જીત્યો હતો.

કેજીએફે દેશભરમાં નામના અપાવી

ફિલ્મ આલોચકમાંથી ફિલ્મ નિર્માતા બનેલાં સુનયના સુરેશના જણાવ્યા પ્રમાણે, યશની બે-ત્રણ ફિલ્મો તેમની કારકિર્દી માટે ટર્નિંગ પૉઇન્ટ પુરવાર થઈ હતી.

તેમની પહેલી ફિલ્મ "મોગિન્ના મનસુ" હતી, જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે તેમને ખ્યાતિ અપાવી અને સાથે જ ફિલ્મફેર ઍવૉર્ડ અપાવ્યો.

એ પછી "ગૂગલી" આવી, જેણે તેમને યુવાનોમાં, ખાસ કરીને કૉલેજના વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય બનાવી દીધા. આ ફિલ્મે તેમને સ્ટાર બનાવ્યા.

એ પછીની તેમની ફિલ્મ "મિસ્ટર ઍન્ડ મિસિઝ રામાચારી"એ યશને સુપરસ્ટાર બનાવવામાં મુખ્ય યોગદાન આપ્યું. આ ફિલ્મમાં તેમની સાથે તેમનાં પત્ની રાધિકા પંડિત પણ હતાં. તે કન્નડ ફિલ્મ ઉદ્યોગની મોટી હિટ ફિલ્મ સાબિત થઈ.

આ બે મોટી ફિલ્મોએ યશની કારકિર્દીમાં નિર્ણાયક ભાગ ભજવ્યો. તે પછી કેજીએફે તેમને એ ઓળખ અપાવી, જેના કારણે તેઓ અન્ય સ્ટાર્સથી સાવ નોખા તરી આવ્યા.

સુનયના સુરેશ જણાવે છે, "કેજીએફ થકી યશે હિંદી ફિલ્મ માર્કેટને, ખાસ કરીને ઉત્તર પ્રદેશ તથા બિહાર જેવા હિંદીભાષી પ્રદેશોના દર્શકોને એક એવો નાયક આપ્યો, જેની તેમને ખોટ વર્તાઈ રહી હતી."

રાવણના પાત્ર વિશે યશે શું કહ્યું?

રાવણનું પાત્ર ભજવવા વિશે કૉમિક કોન, 2026માં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતાં યશે કહ્યું હતું, "તે એક અત્યંત જટિલ પાત્ર છે. જરા કલ્પના કરી જુઓ, એવું પાત્ર જેને લોકો નફરત કરે છે અને તેનું પૂતળું દર વર્ષે બાળે છે. તેના પરથી સમજી શકાય છે કે, તેણે પોતાની કેવી ઓળખ ઊભી કરી છે."

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સૌ કોઈ આ પાત્રો વિશે જાણે છે અને લોકોના મનમાં અગાઉથી જ તેમના વિશે છબિ બનેલી છે, ત્યારે તે રોલ ભજવવો વધુ પડકારજનક બની જાય છે.

યશે કહ્યું હતું, "જો આ નવી ફિલ્મ હોય અને તમે નવી વાર્તા કહી રહ્યા હો, તો તમે જે કંઈપણ કરશો, તે જે-તે પાત્રની ઓળખ બની જશે. પણ જ્યારે લોકોના મનમાં અગાઉથી જ તે પાત્રની કલ્પના હાજર હોય અને ઘણા લોકો જુદી-જુદી રીતે તે પાત્ર ભજવી ચૂક્યા હોય, ત્યારે એક અભિનેતા પર વધુ પડતું દબાણ હોય છે."

તેમણે આગળ કહ્યું હતું કે, એક અભિનેતા તરીકે, તેઓ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે, રાવણે જે કર્યું, તે શા માટે કર્યું? તેઓ તે પાછળના વિચારો સમજવા માગતા હતા.

યશે જણાવ્યા અનુસાર, "મને લાગ્યું કે, રાવણને પડદા પર ઉતારવાનો સૌથી સારો માર્ગ એ જ છે કે, હું તેની વિચારસરણી અને તેનાં કાર્યો પાછળનું કારણ સમજું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન