તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
અમેરિકી મિડટર્મ ચૂંટણીનાં પરિણામો બાદ ક્રૂડ ઑઇલના ભાવમાં વધુ ઘટાડો – ન્યૂઝ અપડેટ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં ઘટાડો યથાવત્ રહ્યો છે.
વેપારીઓને આશા છે કે અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામો બાદ ઈરાન સાથેના યુદ્ધનો અંત આવી શકે છે અથવા તણાવ હળવો કરવાનાં પગલાં ભરી શકાય છે.
ગુરુવારે બપોરે એશિયાઈ બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે પ્રતિ બેરલ 93.74 ડૉલર પર આવી ગઈ હતી.
બીજી તરફ, અમેરિકી બજારમાં ટ્રેડ થતું ક્રૂડ ઑઇલ લગભગ 1.5 ટકા ઘટીને પ્રતિ બેરલ 86.83 ડૉલર પર પહોંચી ગયું હતું.
આ અગાઉ બુધવારે કાચા ઑઇલની કિંમતોમાં 8 ટકાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર માટે ઈરાન યુદ્ધને કારણે ઈંધણની કિંમતોમાં થયેલા વધારાને જવાબદાર ઠેરવ્યું હતું.
આ પહેલાં ક્રૂડ ઑઇલની કિંમતો બે મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી.
અમેરિકી ચૂંટણી પરિણામો : ડેમૉક્રેટ્સની જીત બાદ ક્રૂડ ઑઇલના ભાવ 100 ડૉલરથી નીચે આવ્યા, શૅરબજારમાં તેજી
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપબ્લિકન પાર્ટીની હાર અને ડેમૉક્રેટિક પક્ષની જીત બાદ કાચા ઑઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે વૈશ્વિક શૅરબજારોમાં ભયંકર તેજી જોવા મળી રહી છે.
બુધવારે બપોરે વૈશ્વિક ધોરણે ઑઇલના ભાવનો મુખ્ય માપદંડ ગણાતું બ્રૅન્ટ ક્રૂડ 8 ટકાથી વધુ ઘટીને લગભગ 95 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. છેલ્લા બે મહિનામાં આ તેનું સૌથી નીચલું સ્તર છે.
આ ઘટાડો ત્યારે નોંધાયો જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે, "રિપબ્લિકન પાર્ટી ઈરાન સાથેના યુદ્ધને કારણે ચૂંટણી હારી ગઈ."
વેન્સના નિવેદન બાદ રોકાણકારોએ મધ્યપૂર્વમાં સંઘર્ષ વધુ વધવાની સંભાવનાઓનું પુનઃમૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું હતું.
બજારોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વેન્સના "યુદ્ધ સમાપ્ત કરવા", "જીવનનિર્વાહના વધતા ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવા" અને "ઇઝરાયલ સાથે અમેરિકાના સંબંધોની સમીક્ષા કરવા" જેવાં સૂચનોને સકારાત્મક સંકેત તરીકે લેવામાં આવ્યાં છે.
ચૂંટણીનાં પરિણામોને મધ્યપૂર્વમાં તણાવ ઘટવાની સંભાવના તરીકે પણ જોવામાં આવી રહ્યાં છે.
બુધવારે અમેરિકાના મુખ્ય શૅરબજાર સૂચકાંકોમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો:
ડાઉ જૉન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં લગભગ 3 ટકાનો ઉછાળો આવ્યો.
એસએન્ડપી 500માં 1.6 ટકાનો વધારો નોંધાયો.
ટૅક્નૉલૉજી કંપનીઓ પર આધારિત નાસ્ડેક કૉમ્પોઝિટ 1.4 ટકાની વૃદ્ધિ સાથે બંધ થયો.
ભારતીય શૅરબજાર પર પણ તેની સાનુકૂળ અસર જોવા મળી હતી:
સેન્સેક્સમાં 1,388.43 અંકનો એટલે કે 1.8 ટકાનો ઉછાળો નોંધાયો.
નિફ્ટીમાં 382.15 અંકની એટલે કે 1.59 ટકાની વૃદ્ધિ જોવા મળી.
આર્થિક વિશ્લેષકોના મતે, રોકાણકારો માને છે કે ભૂ-રાજકીય તણાવ હળવો થવાથી વૈશ્વિક ઊર્જા બજારો અને અર્થતંત્રને સ્થિરતા મળી શકે છે, જેના કારણે ઑઇલના ભાવમાં ઘટાડો અને શૅરબજારમાં તેજી જોવા મળી છે.
ઇઝરાયલ : 'ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય અમેરિકાનો હતો' – મિડટર્મ ચૂંટણીનાં પરિણામો બાદ ઇઝરાયલી રાજદૂતનું નિવેદન
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર બાદ ઈરાન યુદ્ધને લઈને ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે.
ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થયા પછી સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ડૅની ડૅનને ઈરાન સામેના યુદ્ધ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યા છે.
તેમણે જણાવ્યું હતું, "ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય અમેરિકા દ્વારા લેવામાં આવ્યો હતો. આ અમારો નિર્ણય નહોતો."
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઇઝરાયલે આ યુદ્ધને સમર્થન આપ્યું હતું અને તેમને લાગતું હતું કે આ યોગ્ય નિર્ણય હતો.
આ ચૂંટણીમાં સેનેટર તરીકે ચૂંટાઈ આવેલા ડેમૉક્રેટિક નેતા અબ્દુલ અલ સૈયદ વિશે ડેનને એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "તેઓ એવી વ્યક્તિ છે જે ઇઝરાયલમાં કંઈ પણ બનતું હોય છતાં ઇઝરાયલનો વિરોધ કરશે. ગાઝામાં યુદ્ધવિરામ થઈ જાય તો પણ તેમનો અભિગમ બદલાવાનો નથી. તેઓ યહૂદી વિરોધી છે, તેથી તેમની સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ રહેશે."
ડૅનને આગળ કહ્યું હતું, "મને લાગે છે કે ડેમૉક્રેટિક પાર્ટીને સમજાયું છે કે તેણે કટ્ટરપંથી વલણ અપનાવવાને બદલે મધ્યમ માર્ગથી નેતૃત્વ કરવું પડશે."
બુધવારે જાહેર થયેલા પરિણામો અનુસાર, ડેમૉક્રેટિક પાર્ટીએ સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ, એમ બંનેમાં બહુમતી હાંસલ કરી છે, જેના કારણે અમેરિકાની રાજકીય દિશામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
અમેરિકા : જેડી વેન્સના નિવેદન પર રો ખન્નાની પ્રતિક્રિયા, 'રિપબ્લિકન પાર્ટીની હારનું કારણ માત્ર ઈરાન યુદ્ધ નથી'
અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામો અંગે ડેમૉક્રેટિક પક્ષના નેતા રો ખન્નાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રિપબ્લિકન પાર્ટીની હારનું કારણ માત્ર ઈરાન સાથેનું યુદ્ધ જ નહોતું.
જેડી વેન્સના નિવેદન સાથે આંશિક સહમતી વ્યક્ત કરતાં તેમણે સોશિયલ મીડિયા પ્લૅટૉફોર્મ 'ઍક્સ' પર લખ્યું હતું, "હું એ વાત સાથે સહમત છું કે રિપબ્લિકન પાર્ટીની હારનું એક કારણ ઈરાન સાથેનું યુદ્ધ છે. પરંતુ હું એ પણ માનું છું કે ઍપ્સ્ટીન કેસને ઢાંકવાના પ્રયાસોથી બહાર આવેલો ભ્રષ્ટાચાર પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે."
આ જ પોસ્ટમાં તેમણે ત્રણ સૂચનો પણ આપ્યાં હતાં:
- અસ્થાયી સરકારી ફંડિંગ પ્રસ્તાવને સમર્થન આપવું, જેમાં ઈરાનમાં અમેરિકી સેનાની કોઈ પણ લશ્કરી કાર્યવાહી માટે ફંડ આપવા પર પ્રતિબંધ હોય. તેમણે ઉમેર્યું હતું કે જે રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો હતો, તે જ રીતે ઈરાન યુદ્ધ પણ સમાપ્ત કરવું જોઈએ.
- ઇઝરાયલને આપવામાં આવતી તમામ સહાય સંપૂર્ણપણે બંધ કરવાની તરફેણ કરવી.
- રાજ્યના ઍટોર્ની જનરલને એવા લોકો સામે કાનૂની કાર્યવાહી અને કેસ ચલાવવાની સત્તા આપવી, જેમણે સગીર વયની છોકરીઓનું યૌન શોષણ કર્યું હોય અથવા તેમની માનવ તસ્કરી કરી હોય.
જેડી વેન્સની પોસ્ટ શૅર કરતાં રો ખન્નાએ પ્રશ્ન કર્યો હતો, "શું હવે તમે ખરેખર આ ત્રણ પૈકી કોઈ પણ પ્રસ્તાવ પર અમલ કરશો?"
અગાઉ જેડી વેન્સે ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં એક લાંબી પોસ્ટ લખી હતી અને ટ્રમ્પથી વિમુખ થયેલા મતદારોને પાછા આકર્ષવા માટે ચાર સૂચનો આપ્યાં હતાં.
તેમણે લખ્યું હતું, "પ્રથમ, યુદ્ધનો અંત આવવો જોઈએ. બીજું, મોંઘવારી અને લોકોના જીવનનિર્વાહના ખર્ચ પર ધ્યાન આપવું જોઈએ. ત્રીજું, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અપનાવવી જોઈએ. અને ચોથું, ઇઝરાયલ સાથેના સંબંધોમાં ફેરફાર કરવો જોઈએ."
અમેરિકા : મિડટર્મ ચૂંટણી બાદ ભારતીય કંપનીઓ અને વેપારીઓ પર નવા પ્રતિબંધો
મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પરાજય બાદ બુધવારે અમેરિકાના નાણા મંત્રાલયે ભારત અને તુર્કીની કેટલીક કંપનીઓ તેમજ વેપારીઓ પર નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.
મંત્રાલયે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાની શાસનને સહાય પૂરી પાડતી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે આકરાં પગલાં લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ નવા પ્રતિબંધો ટ્રમ્પ પ્રશાસનના "ઑપરેશન ઇકૉનોમિક આઉટકાસ્ટ" અભિયાનનો એક ભાગ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઈરાન દ્વારા ઑઇલ વેચાણ મારફતે કરવામાં આવતી નાણાકીય કમાણી અટકાવવાનો છે.
અમેરિકાના નાણા પ્રધાન સ્કૉટ બેસેન્ટે બુધવારે મંત્રાલયના આ નિર્ણય વિશે માહિતી આપતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર લખ્યું હતું, "જેમ અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું છે, 'ઑપરેશન ઇકૉનૉમિક આઉટકાસ્ટ' હેઠળ તમે કાં તો અમારી સાથે છો અથવા અમારી વિરુદ્ધ. અમને સ્પષ્ટ ખબર છે કે તમે ક્યાં ઊભા છો. જેઓ ઈરાની શાસનને સમર્થન આપવાનું ચાલુ રાખશે, તેમની સામે અમે પ્રતિબંધો લાદીશું—ભલે તેઓ જમીન, સમુદ્ર કે હવાઈ માર્ગે આવું કરી રહ્યા હોય."
અમેરિકાના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, "આજે 'ઑપરેશન ઇકૉનૉમિક આઉટકાસ્ટ' હેઠળ અમેરિકાના નાણા મંત્રાલયે ભારતસ્થિત સુનિલકુમાર શર્મા અને તેમનાં પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદના મોટા ગુનાહિત નેટવર્કને નિશાન બનાવ્યું છે. આ નેટવર્ક ઈરાનના 'શેડો ફ્લીટ'ને ગેરકાયદે સહાય પૂરી પાડી રહ્યું હતું."
નિવેદનમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે, "આ નેટવર્ક દ્વારા પ્રતિબંધિત જહાજોને ખોટા ધ્વજ અને બનાવટી પ્રમાણપત્રો પૂરાં પાડવામાં આવતાં હતાં. આ જહાજોનો ઉપયોગ ઈરાની પેટ્રોલિયમના પરિવહન માટે થતો હતો. તેમાં એવાં જહાજો પણ શામેલ હતાં જે ઈરાની સેના અને તેનાં સહયોગી સંગઠનો વતી કાર્યરત હતાં."
ઉલ્લેખનીય છે કે મંગળવારે યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે અને અમેરિકી કૉંગ્રેસનાં બંને ગૃહોમાં તેની બહુમતી સમાપ્ત થઈ ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન