ગુજરાત : 'રાત્રે ઘરની બહાર નીકળતા ડર લાગે છે' એ ગામ જ્યાં દીપડો ત્રણ વર્ષના બાળકને ઉઠાવી ગયો ત્યાં કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"રાતે સાડા સાત વાગ્યાની આસપાસનો સમય હતો. અંધારું થઈ ગયું હતું. તે સમયે અમારું બાળક અહીં શૌચ કરવા બેઠું હતું, તેની માતા જરા વાર માટે બેધ્યાન થઈ અને આંખના પલકારામાં દીપડો આવીને ત્રણ વર્ષના બાળકને ઉઠાવી ગયો."
આ શબ્દો છે વાંસદા નજીક ભિનાર ગામના દશરથભાઈ પટેલના.
હરિયાળીથી ઘેરાયેલા આ ગામની ચારે બાજુ જંગલ અને શેરડીનાં ખેતરો છે. ગયા મહિને તેમનાં પુત્રી પોતાના ત્રણ વર્ષના બાળક આરવને લઈને પિતાના ઘરે આવ્યાં હતાં. ત્યારે સાંજના સમયે નજીકના જંગલમાંથી અચાનક દીપડો આવ્યો અને બાળકને લઈ ગયો.
ગામના લોકોએ દેકારો કરી મૂક્યો, જંગલ ખાતાના લોકો દોડી આવ્યા અને બાળકની શોધખોળ શરૂ થઈ. થોડી વાર પછી ઘરથી થોડે દૂર એક ખેતરમાંથી ગંભીર હાલતમાં ઘાયલ બાળક મળી આવ્યું, તેને હૉસ્પિટલે લઈ જવાયો, પરંતુ જીવ બચાવી શકાયો ન હતો.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં દીપડા વસવાટ કરે છે, તેમાં પણ નવસારી જિલ્લાના વાંસદા આસપાસનો વિસ્તાર દીપડા માટે ખૂબ માફક આવી ગયો છે.
આ વિસ્તારમાં દીપડાને ભયમુક્ત થઈને છુપાવા માટે શેરડીનાં ખેતરો અને ખાવા માટે મરઘાં, બકરાં, કૂતરા અને ખાસ કરીને ભુંડ મળી આવે છે.
દીપડો કોઈ વ્યક્તિને મારી નાખે તેવી ઘટનાઓ જવલ્લે જ બને છે, પરંતુ સાંજના સમયે ગમે ત્યારે હુમલો કરીને કોઈને ઈજા પહોંચાડે તેવી ઘટનાઓ નોંધાતી હોય છે.
અંધારું થયા પછી બહાર નીકળતા ડર લાગે છે

ઇમેજ સ્રોત, Mohammad Nawaz Dahya
દશરથભાઈ પટેલ ખેતીકામ અને પશુપાલન કરે છે અને છાપરાવાળા મકાનમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘરની દીવાલો પાક્કા ચણતરની છે, પરંતુ ઘરમાં દરવાજા નથી.
તેની જગ્યાએ પડદા બાંધેલા છે. રાતના સમયે લાઇટ ચાલુ હોય તો પણ આંગણામાં અંધારું હોવાથી દીપડો ગમે ત્યારે આવે તેવો ડર રહે છે.
તેઓ કહે છે કે, "મારી દીકરીના ત્રણ વર્ષીય દીકરાને દીપડો ઉપાડી ગયો એટલે તેના ભાઈ-બહેનોએ બૂમો પાડી પરંતુ અમે કંઈ કરી ન શક્યા. અમારી નજીકના ગામમાં પણ એક સાંજે દીપડાએ એક યુવાન પર હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. પરંતુ સદનસીબે તે બચી ગયો."
તેઓ કહે છે કે "સાંજના સમયે અમારે કોઈ ચીજ લેવા માટે બહાર નીકળવું હોય તો બે વખત વિચાર કરવો પડે. સાંજે કોઈની મદદ માગવી હોય તો કોઈ આવવા તૈયાર નથી થતું. અમે જે ઢોર બાંધ્યાં છે તેને પણ દીપડો ગમે ત્યારે ઉપાડી જાય તેવી ચિંતા છે."
તેમનું કહેવું છે કે "આ ઘટના પછી જંગલખાતાએ આસપાસ પિંજરાં મૂક્યાં હતાં જેમાં એક દીપડો પકડાયો હતો, પરંતુ અહીં નજીકમાં બચ્ચાં સાથે એક દીપડી પણ રહે છે. તે હજુ પકડાઈ ન હોવાથી અમને બીક લાગે છે."
વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ભગીરથસિંહ ઝાલાએ મીડિયાને કહ્યું હતું રેન્જ વન અધિકારી અને સ્ટાફના સભ્યોએ હુમલાની સૂચના મળતા જ કાર્યવાહી શરૂ કરી હતી અને દીપડાને પકડવા માટે વનવિભાગે પાંચ ટીમો બનાવી હતી.

ઇમેજ સ્રોત, Mohammad Nawaz Dahya
ખેડૂતો માટે દીપડો મદદગાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
વાંસદા નજીક એક શેરડીના ખેતરમાં કામ કરતા રાકેશ કુલચાએ જણાવ્યું કે, "કેટલીક વખત અમારા ઘરની નજીક પણ દીપડો આવી જાય છે."
રાકેશ કહે છે કે રાતના સમયે તેમણે ખેતરમાં દીપડાનો કેટલીક સામનો કર્યો છે.
"દીપડો બહુ ખુંખાર હોય છે અને તેને જોતાં જ બીક લાગે છે. સદનસીબે હજુ સુધી તેમને કંઈ થયું નથી."
તેઓ કહે છે કે "સાંજના સમયે અમે કામ કરીએ ત્યારે એકલા નથી આવતા. કોઈને સાથે રાખીને જ આવું છું. દીપડા મોટાભાગે સસલાં અને મોરનો શિકાર પણ કરે છે."
ઉનાઇ ગામના વતની અને શેરડીની ખેતી કરતા ખેડૂત મનીષ ભાવસાર કહે છે કે, "અમે ઇચ્છીએ છીએ કે દીપડા અમારા વિસ્તારમાં જ રહેવા જોઈએ કારણ કે તે પાક માટે નુકસાનકારક પ્રાણીઓને અંકુશમાં રાખે છે."
તેઓ કહે છે કે, "અહીના લોકો દીપડા સાથે સહજીવન માટે ટેવાઈ ગયા છે. માણસો પર અચાનક હુમલા થયા હોય તેવું જવલ્લે જ બને છે. શેરડીનાં ખેતરોમાં કરતાં મજૂરોને પણ દીપડાની હાજરીની જાણ હોય છે તથા સાંજના સમયે સાવધાની રાખે છે."
"અમે સાંજે સાતથી નવ વાગ્યા દરમિયાન દીપડાનો સામનો થઈ શકે તેવી જગ્યાએ જવાનું ટાળીએ છીએ."
મનીષ ભાવસારે જણાવ્યું કે "વાંસદા નજીક શેરડીના પાકમાં નિયમિત પાણી અપાય છે અને ઘણા દિવસો સુધી માણસોએ શેરડીના પાકમાં જવાની જરૂર નથી રહેતી."
"તેથી દીપડાને એકાંત મળે છે અને શિકાર પણ મળી રહે છે. અમારા વિસ્તારમાં ભુંડનો ત્રાસ છે પરંતુ દીપડાના કારણે ભુંડની સંખ્યા અંકુશમાં રહે છે. આ ઉપરાંત ખેતીનો પાક ચોરી થવાની બીક પણ રહેતી નથી."
આ સમગ્ર મામલે બીબીસીએ ડાંગ (દક્ષિણ)ના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. તેમનો જવાબ મળતા અહેવાલમાં ઉમેરી દેવામાં આવશે.

ઇમેજ સ્રોત, Mohammad Nawaz Dahya
દીપડા અંગે લોકોમાં ખોટી માન્યતાઓ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
વાંસદાસ્થિત વન્યજીવન સંશોધક અને પ્રાણીશાસ્ત્રી ડૉ. મોહમ્મદ નવાઝ છેલ્લાં 10 વર્ષથી દીપડા પર સંશોધન કરે છે.
તેઓ કહે છે કે, "દીપડાને એક ખૂંખાર અને આક્રમક પ્રાણી સમજી લેવામાં આવ્યો છે પરંતુ તે હકીકત નથી."
"વાસ્તવમાં દાયકાઓ અગાઉ દીપડાને હરવાફરવા માટે જે વિસ્તાર મળતો હતો તેની સામે હવે પાંચમા ભાગનો વિસ્તાર પણ રહ્યો નથી."
"દીપડાને હજુ પણ જંગલ વિસ્તારમાં જ રહેવું પસંદ છે, તેને માનવ વસાહતમાં જવાની કોઈ ઇચ્છા નથી. પરંતુ જંગલ ઘટતું જવાથી તેણે માનવી વચ્ચે આવવું પડે છે."
તેમણે જણાવ્યું કે દીપડા 50 કિલોથી વધારે વજનનાં પ્રાણીનો શિકાર કરવાનું પસંદ નથી કરતા. તેથી તે મરઘાં, બકરા, ભુંડ વગેરેને જ મોટાભાગે શિકાર કરે છે.
સાંજના સમયે માનવીની દૃષ્ટિ નબળી પડે છે જ્યારે દીપડાને અંધારામાં સ્પષ્ટ દેખાય છે તેથી તે સમયે માનવી સાથે સંઘર્ષ થવાનો ખતરો રહે છે.
કોઈ માણસ ટટ્ટાર ઊભા રહેવાના બદલે નીચે નમીને બેઠો હોય તો દીપડો તેને કોઈ પ્રાણી સમજીને હુમલો કરી બેસે તેવું શક્ય છે.
દીપડાને તેઓ ગ્રામીણ જીવનનો અભિન્ન અંગ ગણાવીને કહે છે કે, "આપણે વાઘબારસ ઉજવીએ છીએ અને વાઘની પૂજા કરીએ છીએ, ત્યારે દીપડાથી ડરવાની બહુ જરૂર નથી. આપણે માત્ર સાવચેતી રાખવાની છે."
તેમના માનવા મુજબ "સોશિયલ મીડિયામાં દીપડા વિશે સાચાખોટા મેસેજ શૅર થાય છે તેના કારણે પણ લોકોમાં ગભરાટ ફેલાય છે."
"કેટલીક વખત વર્ષો જૂના વીડિયોને તાજેતરની ઘટના હોય તેવી રીતે પોસ્ટ કરવામાં આવે છે. તેના કારણે કેટલાક લોકો પોતાની આસપાસના વિસ્તારમાં દીપડો આવ્યો છે એવું માનીને ડરે છે."
ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો

ઇમેજ સ્રોત, Mohammad Nawaz Dahya
વન વિભાગના તાજેતરમાં વહીવટી અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2023માં દીપડાની સંખ્યા 2274 હતી અને 2016થી 2023 સુધીમાં રાજ્યમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. એકલા સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1100થી વધારે દીપડા હોવાનો અંદાજ છે.
આ અહેવાલ પ્રમાણે 2023માં ગુજરાતમાં ચિતલની વસ્તી એક લાખ કરતા વધારે, સાબરની વસ્તી 8221, રોઝ અથવા નીલગાયની વસ્તી 2.24 લાખ, ભુંડની વસ્તી 1.04 લાખ અને લંગુરની વસ્તી 2.02 લાખ હતી. 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં એશિયાટિક સિંહની સંખ્યા 891 નોંધાઈ હતી.
વન્યજીવન સંરક્ષણના કાયદા પ્રમાણે દીપડો એ શિડ્યુલ 1 હેઠળનું પ્રાણી છે, જેના કારણે તેને સર્વોચ્ચ કાનૂની રક્ષણ મળેલું છે.
કાયદાકીય સંરક્ષણની બાબતમાં દીપડો એ સિંહ, વાઘ, ચિત્તા, હાથી, ઘૂડખર, ગેંડા, વરુ, ઝરખ વગેરેની સમકક્ષ છે.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
માનવ વસાહતની આસપાસ દીપડાની હાજરી અથવા તેના હુમલા વિશે ફરિયાદ થાય ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને તેને પકડવામાં આવતા હોય છે.
ગુજરાત વન વિભાગની વેબસાઇટ મુજબ અમદાવાદને બાદ કરતા દીપડો ગુજરાતના દરેક જિલ્લામાં જોવા મળે છે. દીપડાનું આયુષ્ય લગભગ 20 વર્ષ હોય છે અને તે રાતના સમયે શિકાર કરે છે. તેના મુખ્ય શિકારમાં હરણ, વાંદરા, કૂતરા, મોર, ઘેંટા અને બકરા છે.
આ ઉપરાંત તે ભુંડ, સસલા અને ખેતરોમાં મોટા ઉંદરોનો પણ શિકાર કરે છે. દીપડો ઝાડ પર સરળતાથી ચઢી જાય છે અને કેટલીક વખત શિકારના મૃતદેહને પણ ઝાડ પર લઈ જાય છે. ગામડામાં અચાનક કૂતરા ભસવા માંડે અથવા જંગલમાં વાંદરા અચાનક ચીસો પાડવા લાગે તો તેને નજીકમાં દીપડો હોવાની ચેતવણી ગણી શકાય. દીપડી 84થી 90 દિવસની ગર્ભાવસ્થા પછી બેથી ચાર બચ્ચાને જન્મ આપતી હોય છે.
ભારત સરકારના 2024ના અહેવાલ પ્રમાણે દેશમાં દીપડાની કુલ સંખ્યા 13,874 આસપાસ છે, જેમાં મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 3907, મહારાષ્ટ્રમાં 2022ની ગણતરી પ્રમાણે 1985, કર્ણાટકમાં 1879 અને તમિલનાડુમાં 1070 દીપડા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













