US ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો ડંકો: પિયા ડાંડિયા અને સુહાસ સુબ્રમણ્યમ જીત્યાં, રિપબ્લિકન ભારતીયોનું શું થયું

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારતીય મૂલનાં પિયા ડાંડિયાએ ફ્લોરિડાથી રિપબ્લિકન ઉમેદવારને હરાવ્યા
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે, આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઘણા ઉમેદવારો પણ હતા.

ભારતીય મૂળના જીતેલા તમામ ઉમેદવારો ડેમૉક્રૅટિક પાર્ટીના છે.

સામેની બાજુએ, ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનારા ભારતીય મૂળના તમામ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.

વિજેતા ભારતીય મૂળના ઉમેદવારોમાં એક અગ્રણી નામ પિયા ડાંડિયા છે, ડેમૉક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર પિયા ડાંડિયાએ ફ્લોરિડાની 22મી કૉંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટની બેઠક જીતી હતી.

તેમણે દક્ષિણ ફ્લોરિડાના સૌથી હાઇ-પ્રોફાઇલ ચૂંટણી સ્પર્ધાઓમાંથી એકમાં રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવ્યા.

તેમજ, ટ્રમ્પના સમર્થન છતાં, ભારતીય મૂળના વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નરપદ માટેની ચૂંટણી હારી ગયા છે.

અમેરિકાના ઓહાયો રાજ્યમાં ડેમૉક્રૅટિક ઉમેદવાર એમી એક્ટને ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે.

તેમણે ભારતીય મૂળના રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને હરાવ્યા, જેમનો ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન બે વાર સમર્થન કર્યું હતું.

ભારતીય મૂળના આ ઉમેદવારોને જીત મળી

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડેમૉક્રૅટિક ઉમેદવાર સુહાસ સુબ્રહ્મણ્યમને ચૂંટણીમાં 60 ટકા કરતાં વધુ મત મળ્યા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુહાસ સુબ્રમણ્યમ:

તેમણે વર્જિનિયાના 10મા કૉંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં ફરી વાર શાનદાર જીત મેળવી, રિપબ્લિકન ઉમેદવાર ડેવ બેકવિથને હરાવ્યા.

ચૂંટણીમાં સુહાસને 60 ટકાથી વધુ મત મળ્યા, જ્યારે ડેવને લગભગ 38 ટકા મત મળ્યા.

પિયા ડાંડિયા:

પિયા ડાંડિયાએ ફ્લોરિડાના 22મા કૉંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન ઉમેદવાર કેસી એસ્કરને હરાવીને અને પ્રથમ વખત યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો.

ડાંડિયાનો વિજય એક નવા ચૂંટણીક્ષેત્ર ડેમૉક્રેટિક પાર્ટીની જીત છે, જેનું પરિસીમન 2026ની મિડટર્મ ચૂંટણી પહેલાં ફ્લોરિડાના ગવર્નર રૉન ડેસેંટિસની કૉંગ્રેશનલ રિ-ડિસ્ટ્રિક્ટિંગ પ્રક્રિયા હેઠળ કરાયું હતું.

ડાંડિયા અગાઉ હાર્લેમમાં શિક્ષિકા અને હાઇસ્કૂલનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. તેમણે વ્હાઇટ હાઉસ ફેલો તરીકે પણ સેવા આપી છે અને એપલમાં પણ કામ કર્યું છે.

પામ બીચ કાઉન્ટીમાં ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાના ઘરમાં જન્મેલાં અને ઉછરેલાં, ડાંડિયાએ તેમના પ્રચારમાં શિક્ષણ, ફુગાવાના પડકારો અને આર્થિક તકોને મુખ્ય મુદ્દા બનાવ્યા.

રો ખન્ના:

કૅલિફોર્નિયાના 17મા કૉંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર રો ખન્નાએ 70% થી વધુ મત મેળવીને શાનદાર વિજય મેળવ્યો. તેમણે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પોતાની બેઠક જાળવી રાખી.

પ્રમિલા જયપાલ:

તેમણે વૉશિંગ્ટન રાજ્યના એક જિલ્લામાંથી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી ચૂંટણી જીતી, 87 ટકાથી વધુ મત મેળવ્યા.

અમી બેરા:

કૅલિફોર્નિયાથી ચૂંટણી લડી રહેલાં ડૉ. અમી બેરાએ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તેમનો આઠમો કાર્યકાળ સુનિશ્ચિત કર્યો.

ભારતીય મૂળના આ ઉમેદવાર હાર્યા

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસો છતાં વિવેક રામાસ્વામી ચૂંટણી હારી ગયા (ફાઇલ ફોટો)

આ ચૂંટણીઓમાં ભારતીય મૂળના ઘણા ઉમેદવારોને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

વિવેક રામાસ્વામી:

અમેરિકાના ઓહાયો રાજ્યમાં ડેમૉક્રેટિક ઉમેદવાર એમી એક્ટને ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે.

તેમણે રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને હરાવ્યા, જે ભારતીય-અમેરિકન છે, જેમને ટ્રમ્પે પ્રચાર દરમિયાન બે વાર સમર્થન આપ્યું હતું.

સમાચાર એજન્સી એપી અનુસાર, 20 વર્ષ પછી, કોઈ ડેમૉક્રૅટિક ઉમેદવારે ઓહાયોમાં ગવર્નરની ચૂંટણી જીતી છે.

વ્યવસાયે ડૉક્ટર એમી એક્ટન, કોવિડ-19 રોગચાળા દરમિયાન રાજ્યના આરોગ્ય નિર્દેશક તરીકે સેવા આપી હતી, જેના કારણે તેઓ ઓહાયોનાં પ્રથમ મહિલા ગવર્નર બન્યાં હતાં.

ટ્રમ્પે વિવેક રામાસ્વામીનો પણ બચાવ કર્યો, જેઓ એમી એક્ટનનાં માતા અંગે બનાવાયેલી ટીવી જાહેરાતને કારણે વિવાદમાં આવ્યા હતા.

રિતેશ ટંડન:

કૅલિફોર્નિયાના 17મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના રિપબ્લિકન ઉમેદવાર રિતેશ ટંડનને ડેમૉક્રૅટિક ઉમેદવાર રો ખન્નાએ હરાવ્યા.

મહેશ 'મેક્સ' ગાનોરકર:

મહેશ ઉત્તર કેરોલિનાથી રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તેઓ ડેમૉક્રૅટિક ઉમેદવાર વેલેરી ફૌશી સામે ચૂંટણી હારી ગયા.

મહેશે ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું, તેમને 20 ટકા કરતાં ઓછા મત મળ્યા, જ્યારે વેલેરીને લગભગ 80 ટકા મત મળ્યા.

શિવ અય્યાદુરાઈ:

શિવ અય્યાદુરાઈ મેસેચ્યુસેટ્સથી સેનેટ બેઠક માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, જે ડેમૉક્રૅટિક પાર્ટીના એડ માર્કીએ જીતી હતી.

નીરવ શેઠ:

નીરવ શેઠ રિપબ્લિકન પાર્ટીની ટિકિટ પર વૉશિંગ્ટનના સાતમા જિલ્લામાંથી પ્રમિલા જયપાલ સામે ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.

ચૂંટણીમાં પ્રમિલાને લગભગ 88 ટકા મત મળ્યા, જ્યારે નીરવને લગભગ 12 ટકા મત મળ્યા.

મિડટર્મ ચૂંટણીમાં પરાજય ટ્રમ્પ માટે કેટલો મોટો ફટકો છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની પાર્ટી પાસે હવે અમેરિકાના કોઈ પણ ગૃહમાં બહુમતી નથી (ફાઇલ ફોટો)

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મિડટર્મ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે.

ચૂંટણીપરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ડેમૉક્રૅટિક પાર્ટીએ યુએસ કૉંગ્રેસમાં બહુમતી મેળવી છે. મતદારોએ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને પાછળ છોડી દીધી છે.

હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ 435 બેઠકો છે, અને બધી બેઠકો પર ચૂંટણી થઈ ચૂકી છે. આ લખાય છે ત્યાં સુધી, વિપક્ષી ડેમૉક્રૅટિક પાર્ટીએ 228 બેઠકો જીતી છે, જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 139 બેઠકો જીતી છે.

આ ગૃહની કુલ 367 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.

દરમિયાન, સેનેટની 100 બેઠકોમાંથી 35 માટે મિડ ટર્મ ચૂંટણીઓ યોજાઈ હતી. આ બેઠકોમાંથી 33 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. ડેમૉક્રૅટિક પાર્ટી પાસે હવે આ ચૅમ્બરમાં 54 બેઠકો છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠકો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન